Posts

Showing posts from August, 2026

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

Image
આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ? સવાર પડે અને દિવસ શરૂ થાય એ પહેલાં જ માનસિક દોડ જાણે શરૂ થઈ જાય છે. આંખ ખૂલે ત્યારથી જ મનમાં કામની યાદી તૈયાર હોય છે.આ કરવાનું છે, પેલું પૂરું કરવાનું છે, ત્યાં જવાનું છે, કોઈને ફોન કરવાનો છે, કોઈને મળવાનું છે. દિવસ પૂરો થાય ત્યારે શરીર તો થાકી જાય છે પણ મનને આ દિવસ પૂરો કરી અને સંતોષ મળ્યો છે કે નહીં, તે જાણતાં પહેલાં જ ઊંઘ આવી જાય છે. પણ ક્યારેક મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે,આપણે આખો દિવસ જીવ્યાં કે માત્ર વ્યસ્ત રહ્યાં? જાણે અજાણ્યે પણ વ્યસ્ત રહેવું આપણને ગમે છે. કદાચ એટલું ગમે છે કે ક્યારેક કોઈ કામ ન હોય ત્યારે પણ આપણે કામ શોધી કાઢીએ છીએ. બે ઘડી નિરાંતે બેસવું જાણે સમયનો બગાડ લાગે છે. કોઈ પૂછે, “આજે શું કર્યું?” અને જો જવાબમાં ખાસ કંઈ ન હોય તો દિવસ વેડફાઈ ગયો હોય એવી લાગણી થાય છે. પરંતુ દિવસનું મૂલ્ય માત્ર કરેલા કામોની સંખ્યાથી નક્કી થવું જોઈએ? ક્યારેક બારી પાસે ઊભા રહીને વરસાદ જોવો, બગીચામાં નવા ફૂટેલાં પાનને નિહાળવું, જૂના મિત્ર સાથે બે કલાક વાતો કરવી, કોઈ ગીત સાંભળીને ભૂતકાળમાં સરી જવું કે પછી ગમતી વ્યક્તિ સાથે સાવ નિરાંતે ચાની ચુસ્કીઓ માણવી...