સહવાસ

સહવાસ 

બારી બહાર અંધારું ધીમે ધીમે ઘેરાઈ રહ્યું હતું.
થોડીવાર પહેલાં પ્રેમના પ્રથમ આવેગ જેવો વરસાદ ધોધમાર વરસીને પૃથ્વીને તરબોળ કર્યા બાદ હવે કોઈ પણ આવેગ વગર જાણે વહાલમાં મખમલી ફોરાં ઉડાડીને ઝરમર વરસી રહ્યો હતો. 
ઓરડામાં કોઈ કૃત્રિમ અજવાળું નહોતું. બહારથી આવતો સાંજનો આછો પ્રકાશ જ અંદર સુધી પથરાઈને એક અપૂર્વ શાંતિ ઊભી કરી રહ્યો હતો.
આકાશે હળવા હાથે રજાઈ સરખી કરી. શૈલી એની બાજુમાં જ હતી. કોઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં... બસ, વર્ષોના સહજીવનમાંથી જન્મેલી એક સહજતા.
શૈલી સહેજ નજીક સરી આવી અને કંઈ બોલ્યા વગર પોતાનું માથું આકાશની છાતી પર મૂકી દીધું. આકાશના ખભા પર માથું ઢાળીને બેસવું કે પછી એની છાતી પર માથું મૂકીને શાંત પડી રહેવું શૈલીને હંમેશાં એક અજબ શાંતિ અને સલામતી આપતું.
સહજીવનના ત્રણ દાયકાઓ પછી પણ આ મૌન સ્પર્શમાં કેટલાય પ્રશ્નોના જવાબ મળી જતાં... અને કેટલાક પ્રશ્નો તો જવાબ વિના જ શમી જતાં.
આકાશનો એક હાથ શૈલીની પીઠ પર હતો અને બીજો હળવેથી એના વાળમાં ફરતો હતો. રજાઈની અંદર બે શરીરોને એકબીજાની હૂંફ મળી રહી હતી અને બહાર ઠંડો પવન બારીને અડકીને પસાર થઈ રહ્યો હતો.
“ચા પીવી છે?” આકાશે બહુ ધીમેથી પૂછ્યું, જાણે મોટેથી બોલવાથી આ ક્ષણની શાંતિનો ભંગ થશે.
“ના...” શૈલીએ આંખો મીંચેલી રાખીને કહ્યું, “બસ આમ જ રહેવા દે.”
આકાશના હૃદયના ધબકારા શૈલીને સ્પષ્ટ સંભળાતા હતા—ધક... ધક... ધક...
એ જાણે એ ધબકારા સાંભળતી નહીં, ગણતી હોય તેમ શાંત પડી રહી.
ત્રીસ વરસનું સહજીવન, ઘરની જવાબદારીઓ, રોજિંદી દોડધામ, નાની-મોટી ફરિયાદો, અણબનાવો અને સાથે વિતાવેલી અસંખ્ય પળો... બધું જ જાણે એ રજાઈની બહાર રહી ગયું હતું.

આ ચાર દીવાલો વચ્ચે અત્યારે માત્ર બે માણસો હતાં.એક પુરુષ અને એક સ્ત્રી. વર્ષોના સાથ પછી પણ એકબીજા માટે અજાણ્યા નહીં, છતાં દરરોજ થોડા નવા લાગતા બે માણસો.

આકાશે શૈલીના માથા પર હાથ ફેરવ્યો.
એ સ્પર્શમાં કોઈ આવેગ નહોતો, કોઈ અપેક્ષા નહોતી. માત્ર એક ઊંડી કૃતજ્ઞતા હતી.

‘સારું થયું... તું મારી જિંદગીમાં છે.’
શૈલીએ આકાશની હથેળી પોતાની મુઠ્ઠીમાં થોડી સજ્જડતાથી પકડી લીધી.
“શું થયું?” આકાશે પૂછ્યું.
“કંઈ નહીં...” શૈલી સહેજ હસી. “બસ ખાતરી કરતી હતી કે તું અહીં જ છે.”
આકાશ કંઈ બોલ્યો નહીં.
એણે માત્ર એની હથેળીને વધુ મજબૂતીથી પકડી લીધી.
બારીની બહાર છતની ધાર પર બે કબૂતરો એકબીજાની સાવ નજીક, પવનની સામે સ્થિર બેઠા હતા. વરસાદનાં ફોરાં એમને ભીંજવી રહ્યાં હતાં, છતાં બંને પોતાની જગ્યાએ અડીખમ હતા.
એમને ઉડવાની જરાય ઉતાવળ નહોતી.
કબૂતરની જોડીનું એક સાથી જ્યારે બીજાની ગરદનને ચાંચ વડે ખંજવાળે ત્યારે બીજું પોતાની ગરદન ફુલાવીને હેત ઝીલે. આવું અરસ પરસ સતત કરતી આ જોડી જાણે એવું કહેતી હોય કે, વરસાદ હોય કે પવન, ઉડવા માટે પાંખોની તાકાત કરતા હૂંફ વધુ મજબૂત હોય છે.

પવનનો અવાજ હવે વધુ ઊંડો લાગતો હતો.
આકાશે શૈલીને પોતાના આશ્લેષમાં વધુ નજીક લીધી. શૈલીએ એની છાતીમાં પોતાનું મોં વધુ ઊંડું છુપાવી દીધું.
આ ક્ષણે ભવિષ્યની કોઈ ચિંતા નહોતી. ભૂતકાળની કોઈ ફરિયાદ નહોતી.
હતો તો માત્ર વર્તમાન.
રજાઈની હૂંફ, વરસાદનો સાદ અને એકબીજાની હાજરી.
કેટલાક સંબંધો સમય સાથે જૂના થતા નથી; તેઓ સમયની સાથે વધુ ઊંડા થતા જાય છે. શરૂઆતનો પ્રેમ કદાચ શબ્દો અને ધબકારાઓમાં વ્યક્ત થાય છે, પરંતુ વર્ષો પછી એ જ પ્રેમ એક શાંત વિશ્વાસ બની જાય છે.જેમાં કંઈ કહેવાની જરૂર પડતી નથી. માત્ર હાથ પકડેલો હોય...
અને સામેની વ્યક્તિનો શ્વાસ સંભળાતો હોય. એટલું જ પૂરતું હોય છે.
“તું અહીં જ છે...”
ક્યારેક આખી જિંદગીનો સૌથી મોટો સથવારો આટલા નાના વાક્યમાં સમાઈ જાય છે.


Comments

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2. લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે

"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...."