માફી

માફી

જૂના ઘરમાં સાંજ હંમેશાં થોડી વહેલી ઊતરી આવતી હોય તેવું લાગે. બહાર હજુ અજવાળું હતું.આકાશમાં સૂરજની છેલ્લી પીળી રેખા દેખાતી હતું છતાં લાંબા વરંડામાં અંધકાર ધીમે ધીમે પગપેસારો કરતો. જાણે દિવસ આખો ઘરમાં રહીને હવે પોતાની સાથે કંઈક લઈ જઈ રહ્યો હોય.
અનિરુદ્ધ આજે ફરી એ જ ઘરમાં એકલો હતો.

ઘર વેચવાનું હતું.

પિતાના અવસાનને પાંચ વર્ષ થઈ ગયાં હતાં, પણ આ ઘર ખાલી કરવાની હિંમત એનામાં થઈ નહોતી. દર વર્ષે એ નક્કી કરતો આ વખતે બધું સમેટી નાખીશ. પણ દર વખતે કોઈ ને કોઈ વસ્તુ હાથમાં આવી જતી અને કામ અટકી જતું. ક્યારેક પિતાની જૂની ખુરશી, ક્યારેક અખબારનું સ્ટેન્ડ, ક્યારેક કોઈ જૂનું વાસણ અને કદાચ સૌથી વધુ પોતાની અંદરનું કંઈક. આજે એ બધું પૂરું કરવાનું હતું.
આંગણાના લીમડામાંથી એક પાંદડું ખર્યું અને આવીને એના ચંપલ પાસે અટકી ગયું.
અનિરુદ્ધ ખરેલાં પાનને જોતો રહ્યો.

કેટલીક વસ્તુઓનું ખરવું કેટલું શાંત હોય છે! કોઈ અવાજ નહીં, કોઈ ફરિયાદ નહીં. માત્ર ડાળીથી છૂટવું... અને જમીન પર આવીને અટકી જવું.
એને અચાનક લાગ્યું, સંબંધો પણ કદાચ આવા જ હોય છે. એક જ દિવસમાં તૂટતા નથી. ધીમે ધીમે છૂટતા જાય છે એક શબ્દથી, એક અણસમજથી, એક અહંકારથી અને ક્યારેક માત્ર એક ફોન ન કરવાથી.

પિતાના ઓરડામાં પ્રવેશતાં જ અનિરુદ્ધ થોભી ગયો. ખુરશી હજી એ જ જગ્યાએ હતી. લાકડાની જૂની ખુરશી, જેમાં પિતા સાંજે બેસીને અખબાર વાંચતા. ચશ્માં નાકના છેડે આવી જાય ત્યારે એક આંગળીથી એને ઉપર ચડાવતાં અને બીજા હાથથી પાનું ફેરવતા.
એક ક્ષણ માટે અનિરુદ્ધને લાગ્યું કે, હમણાં પિતા અખબારમાંથી નજર ઊંચી કરીને પૂછશે, “આવ્યો?” માત્ર એક શબ્દ. પણ એ એક શબ્દમાં આખું ઘર સમાઈ જતું.
અનિરુદ્ધે ખુરશીની પાછળ હાથ ફેરવ્યો. ધૂળ હતી. એણે ધૂળ સાફ કરી. આંગળીઓ પર લાગેલી ધૂળને જોતાં જોતાં મનમાં વિચાર આવ્યો.

સમય પણ આવો જ હોય છે.
જેને આપણે ભૂલી ગયા છીએ એમ માનીએ છીએ, તેના પર માત્ર સમયની ધૂળ ચડી હોય છે. અંદર બધું એ જ હોય છે.
કબાટ ખોલતાં જૂના કપડાંમાંથી એક ઓળખીતી સુગંધ આવી પિતાના સફેદ કુર્તાની. કેટલી સામાન્ય હતી એ સુગંધ ક્યારેક! આજે એ જ સુગંધે દસ વર્ષ જૂનું એક આખું દૃશ્ય એની સામે ઊભું કરી દીધું.
એ દિવસ... એ ઝઘડો... પિતાનો શાંત ચહેરો... અને પોતાનો ગુસ્સો.
“તમારી દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી. હું હવે બાળક નથી!”
પિતાએ જવાબમાં કંઈ કહ્યું નહોતું. થોડી વાર પછી માત્ર એટલું બોલ્યા હતાં, “હા... હવે તું બાળક નથી.”
ત્યારે અનિરુદ્ધને લાગ્યું હતું કે પિતા વ્યંગ કરી રહ્યા છે.
આજે પહેલી વાર એને લાગ્યું, કદાચ એ વ્યંગ નહોતો. સ્વીકાર હતો. કદાચ પિતા પણ એ દિવસે પહેલી વાર સમજી ગયા હતા કે, દીકરો હવે પોતાનો રસ્તો પસંદ કરવા જેટલો મોટો થઈ ગયો છે.
પણ એ સમજ ત્યારે કેમ ન પડી?
કારણ કે ઉંમર ઓછી હોય ત્યારે આપણે શબ્દો સાંભળીએ છીએ, ભાવ નથી સાંભળતા. અને ભાવ સમજાય ત્યારે ઘણીવાર શબ્દો પાછા બોલવાની તક રહેતી નથી.
કબાટની નીચે સફાઈ કરતાં એને એક ભૂરા રંગની ડાયરી મળી. ધૂળ ખંખેરીને એણે પહેલું પાનું ખોલ્યું.
પિતાની ઓળખીતી અક્ષરરેખા.
પહેલાં કેટલાંક પાનાં રોજિંદા હિસાબનાં હતાં. દવાઓ, વીજળીનું બિલ, બજારની યાદી...
પછી એક પાને લખેલું હતું,
“આજે અનિરુદ્ધનો ફોન આવ્યો હોત તો સારું લાગત.”
એની આંખો એ જ લીટી પર અટકી ગઈ. એણે પાનું ફરી વાંચ્યું.
પછી ફરી આગળ લખેલું હતું,
“આજે એની સાથે વાત કરવાનું મન થયું. ફોન હાથમાં લીધો. પછી મૂકી દીધો.”
અનિરુદ્ધે ડાયરી ઘૂંટણ પર મૂકી. છત સામે જોતો રહ્યો. એના મનમાં વર્ષો જૂના દિવસો ખૂલવા લાગ્યા.
એ કેટલાય વખત પિતાને ફોન કરવા માંગતો હતો.
દર વખતે પોતાને સમજાવ્યું હતું,
“હવે વાત કરીશ તો ફરી એ જ વાત નીકળશે.”
“થોડા દિવસ પછી.”
“પહેલા એ ફોન કરે.”
“હું શા માટે માફી માગું?”
અને કદાચ પિતાના મનમાં પણ કંઈક આવું જ ચાલતું હશે.
બે માણસો.
બંનેને દુઃખ.
બંનેને એકબીજાની યાદ.
બંનેને અંદરથી વાત કરવાની ઇચ્છા.
અને વચ્ચે માત્ર એક નાનકડું વાક્ય —
“પહેલા એ બોલે.”
કેટલું અજબ છે!
ઘણા સંબંધો કોઈ મોટી ભૂલથી નથી તૂટતા.
બે માણસોના અહંકાર વચ્ચે અટવાઈ જવાથી તૂટી જાય છે.
અનિરુદ્ધે ડાયરી આગળ ફેરવી.
“આજે એની જૂની તસવીર મળી.”
“આજે એનો જન્મદિવસ છે.”
“ફોન કરવો જોઈએ.”
“આવતા અઠવાડિયે કરીશ.”
પછી લાંબું મૌન.
અને છેલ્લાં પાનાં પર માત્ર ત્રણ લીટીઓ હતી —
“બેટા,
એ દિવસે તું ખોટો નહોતો.
હું તને સમજાવી શક્યો નહોતો. માફ કરજે.”
અનિરુદ્ધની આંખો ધૂંધળી થઈ ગઈ.
‘માફ કરજે.’
બે શબ્દ.
પણ દસ વર્ષનું અંતર જાણે એ બે શબ્દોમાં ઓગળી ગયું.
એને પહેલી વાર સમજાયું કે, એ પિતાથી નહીં, પોતાની જ એક ભૂલથી દૂર રહ્યો હતો.
એણે પિતાને દોષ આપ્યો હતો.
કદાચ પિતાએ પણ એને દોષ આપ્યો હશે.
પણ બંનેમાંથી કોઈએ પોતાના દુઃખને પ્રેમ કરતાં મોટું બનવા દીધું નહોતું.
માત્ર અહંકારને થોડો વધુ સમય આપ્યો હતો.
અને સમય?
સમય કોઈની રાહ જોતો નથી.
અનિરુદ્ધ ધીમેથી પિતાની ખુરશી પર બેઠો.
“પપ્પા...”
અવાજમાં ગુસ્સો નહોતો.
માત્ર વર્ષોનો થાક હતો.
“મારે તમને ઘણું કહેવું હતું.”
ગળું ભરાઈ આવ્યું.
“પણ હું રાહ જોતો રહ્યો કે તમે પહેલાં બોલો.”
બારી બહાર પવન ઊઠ્યો. લીમડાનાં પાન ખખડ્યાં.
“તમે પણ કદાચ મારી રાહ જોતા રહ્યા હશો.”
થોડી ક્ષણ એ ચૂપ રહ્યો.
પછી ધીમેથી બોલ્યો,
“મારી ભૂલ હતી.”
કોઈ જવાબ આવ્યો નહીં.
પણ એ ક્ષણે એને લાગ્યું કે કદાચ માફી માટે જવાબ જરૂરી નથી.
ક્યારેક દિલમાં વર્ષોથી બંધ રહેલું એક બારણું ખુલી જાય, એટલું જ ઘણું હોય છે.
રાત પડી ત્યારે ઘર લગભગ ખાલી થઈ ગયું હતું.
બહાર નીકળતાં પહેલાં અનિરુદ્ધે છેલ્લી વાર પાછળ જોયું.
ખાલી ઓરડા.
ખાલી ખુરશી.
ખાલી બારી.
પણ ઘર ખાલી લાગતું નહોતું.
અહીં હજુ એક અવાજ હતો.
એક રાહ હતી.
એક અધૂરું વાક્ય હતું.
અને કદાચ એક માફી પણ.
મોડેથી આવી હતી.
પણ આવી હતી.
એણે દરવાજો બંધ કર્યો.
બહાર લીમડાના ઝાડ પરથી એક પાન ફરી ખર્યું.
અનિરુદ્ધ થોડી ક્ષણ ઊભો રહ્યો.
પછી ફોન કાઢ્યો.
પિતાનો નંબર હજી સેવ હતો —
“પપ્પા.”
એણે નંબર ખોલ્યો.
કૉલ બટન દબાવ્યું નહીં.
માત્ર સ્ક્રીન પર આંગળી ફેરવી.
અને પહેલી વાર એને સમજાયું,
કેટલીક માફીઓ બોલાતી નથી.
એ મનની અંદરથી પસાર થઈને આંખો સુધી આવે છે...
અને ત્યાંથી નિઃશબ્દ રીતે વહેતી જાય છે.

Comments

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2. લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે

"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...."