તત્વમસિ:અનેરો આસ્વાદ
અમી દોશી રાજકોટ તા.15ફેબ્રુઆરી 2023 "તત્ ત્વમ અસિ એટલે કે તત્ત્વમસિ" "પર થી સ્વ સુધીની યાત્રા એટલે તત્ત્વમસિ" "લે અને આપી દે એવા બે શબ્દોથી તત્ત્વમસિ શરૂ થાય છે પરંતુ ખરેખર તો આપણો આખો દેશ આ બે શબ્દો વચ્ચે જીવે છે" શબ્દો છે શીર્ષસ્થ ગુજરાતી સાહિત્યકાર આદરણીય શ્રી ધ્રુવ ભટ્ટના. નાગરિક સહકારી બેંક રાજકોટ આયોજિત વાચન પરબના ઉપક્રમે યોજાયેલ બુકટોકમાં પોતાની જ નવલકથા તત્ત્વમસિ વિશે વાત કરતાં ધ્રુવદાદા કહે છે," બધાંએ જે પુસ્તક વાંચી લીધું હોય તેની વાર્તા વિશે કહેવાને બદલે તેની પશ્ચાદ્ભૂમિ વિશે વાત કરવાનું મને ગમશે." ખરેખર પરદા (પુસ્તક) પાછળની આ વાતોએ શ્રોતાઓને નવી જ દુનિયાનો આસ્વાદ કરાવ્યો. પોતાની યાત્રાઓ લોકો સાથેના સંવાદો, રીતરિવાજો, રહેણીકરણી પર આધારિત વાતોને કલ્પનાઓ સાથે વણી અને નવલકથા સ્વરૂપ આપનાર અદના નવલકથાકાર શ્રી ધ્રુવ ભટ્ટ ભારતીયતા, અધ્યાત્મને કંઇક અલગ દૃષ્ટિએ જ જુએ છે અને પોતાના અભિપ્રાયને અંગત અભિપ્રાય જ ગણાવે છે. પોતાની મધ્યપ્રદેશ યાત્રા દરમિયાન માંડુ ખાતે મળેલ એક જર્મન દંપતીના ભારતીય સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો જવાબ શોધવા નીકળેલ...