આંબલીના સાથી
આંબલીના સાથી ✍️અમી દોશી ઇશિતાએ સ્ક્રીન પર દેખાતા નંબર પર છેલ્લી વાર નજર કરી અને કોઈ જ ખચકાટ વિના 'બ્લૉક' બટન દબાવી દીધું. ત્રણ મહિના જૂના સંબંધનો માત્ર એક ક્લિકથી અંત આવી ગયો હતો. ફોન બેડ પર ફેંકતા એ બબડી, "હુ કેર્સ?" રડવા કે શોક મનાવવા જેટલો સમય કોની પાસે હતો? એ જ સાંજે એણે પોતાની બહેનપણીઓને ખભા ઉલાળીને કહી દીધું, "ગયો તો ગયો," અને ઇન્સ્ટાગ્રામ પર ‘મૂવિંગ ઑન’ ગીત સાથે ત્રણ નવી રીલ પણ અપલોડ કરી દીધી. બીજા દિવસે ફ્રેન્ડ્સે પણ કમેન્ટ્સમાં લખ્યું, “સરસ, હવે નેક્સ્ટ!” પણ રીલ મૂક્યા પછી દર દસ મિનિટે એ વ્યૂઝનું લિસ્ટ ખોલી જોતી. કોઈ એક નામ ત્યાં હોવું જોઈતું હતું. એ નામ ત્યાં નહોતું. હોય પણ કેવી રીતે? બ્લૉક તો એણે જ કર્યો હતો. એ જ અઠવાડિયે કઝીનના લગ્ન હોવાથી એ અમદાવાદથી ગીરમાં આવેલાં તેના મામાના ગામ આવી હતી. લગ્નની ભીડભાડથી દૂર, રીલ માટે કોઈ શાંત અને સરસ લોકેશન શોધતી એ ગામની સીમમાં નીકળી પડી. ત્યાં ગામની પછવાડે એક વાડામાં બે આંબલીઓ એકબીજાની ડાળીઓમાં ગૂંથાયેલી ઊભી હતી. આંબલી નીચે એક ઓટલા પર બે પ્રૌઢ બેઠાં હતાં. ધોળા વાળવાળા કાકા અને સફેદ સાડ...