સ્વાંતઃ સુખાય :પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર

સ્વાંતઃ સુખાય :
પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર 

આજનાં અતિ ઝડપી અને વ્યસ્ત જીવનમાં દરેક મનુષ્ય માટે સૌથી મહત્વની અને જરૂરી બાબત એટલે મનની શાંતિ. ભૌતિક વસ્તુઓ અમુક ક્ષણ કે કલાકો માટે કદાચ આનંદ આપી શકે પણ પરમ શાંતિની અનુભૂતિ માટે તો પ્રકૃતિનાં શરણે જ જવું પડે છે.

પ્રકૃતિના સાનિધ્યમાં રહેવા માટે લોકો અવનવી પ્રવૃતિઓ કરતાં હોય છે જેમાં જંગલોમાં ફરવું, કુદરતી સ્થળોમાં રહેવા જવું, લુપ્ત થતી જતી વનસ્પતિઓને શોધવી અને તેનું સંવર્ધન કરવું, બીજ એકત્ર કરવાં, બીજારોપણ કરવું, બીજને યોગ્ય જગ્યાએ પહોચાડવા, લુપ્તપ્રાય વનસ્પતિઓને ઉછેરવા માટેનો પ્રયાસ કરવો વગેરે જેવાં અનેક કાર્યોનો સમાવેશ થાય છે.

આપણને જે કાર્ય કરવું ગમતું હોય તે પ્રકારનાં લોકો સાથે કુદરત મેળાપ કરાવી જ આપે છે. આવું એક સુંદર સંસ્થાન એટલે વન વગડો ગ્રુપ. આ ગ્રુપનાં મિત્રો દ્વારા વર્ષોથી કુદરત અને કુદરતી સંપદા એવાં વૃક્ષો, બીજના જતન અને સંવર્ધનનું કાર્ય એકદમ સમર્પિત અને અપેક્ષારહિત અવિરતપણે ચાલ્યાં જ કરે છે.

આવાં મિત્રોના સથવારે બીજ વિતરણ અને વૃક્ષારોપણ કરવાનો મને અવસર મળ્યો. વૃક્ષારોપણને પોતાના જીવનનું મિશન બનાવી અને સમગ્ર રાજ્યમાં વૃક્ષોનો વ્યાપ વધારવામાં જેમનું અગ્રેસર યોગદાન છે તેવાં સદભાવના ગ્રુપની નર્સરીમાં એક આખો વિસ્તાર મધર પ્લાન્ટ માટે ફાળવવામાં આવ્યો છે. જેમાં લુપ્ત થતી જતી તથા અન્ય તમામ પ્રકારની વનસ્પતિઓના મધર પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે.

આ પ્લોટમાં ખજૂરી, ફાલસા, સિંદુરી,રબર વડ,પૅશન ફ્રૂટ,
લાલ જેટ્રોફા, પારસ પીપળો, 
દૂધ મહુડો, બકાયન લીમડો,
સફેદ નગોડ,વેરીગેટેડ જેટ્રોફા,પીળો ધતુરો,જાંબલી ધતુરો,દાડમ,કુસુમ,
નોની,જલ જાંબુ,હળદરવો,અરડૂસી
ઉંબ,ખાખરો,આમળા
વગેરે પ્રજાતિના લગભગ 50 થી વધુ છોડનું વાવેતર કર્યું.

વૃક્ષારોપણના કાર્ય સાથે અન્ય વનસ્પતિઓ વિશે મારા માટે અજાણી એવી માહિતીઓ મળી.જેમાં મસ્યક્ષીભાજી જેનાં પાનનો આકાર માછલી જેવો હોય છે જેની ભાજી ખાસ કરીને દક્ષિણભારતના લોકોમાં ખાવાનું ચલણ છે.
ઊભી સફેદ ભોંય રીંગણી જે લક્ષ્મણા નામથી પણ જાણીતી છે.
વિલાયતી તુલસી, ઇન્ડિયન બોરેજ / ઊંઘ ફુલી જેનાં 
ફુલ ડિપ્રેશન દૂર કરવામાં ઉપયોગી છે.

કુદરતપ્રેમી ઘણાં મિત્રો હોય છે જેને કંઈક કામ કરીને સ્વાંતઃ સુખાય મેળવવું હોય છે પણ ખબર નથી હોતી કે કયાં જવું, શું કરવું ત્યારે આવાં ગ્રુપ દ્વારા કરવામાં આવતાં શ્રમયગ્નમાં શ્રમદાન આપી અને સુખની અનુભૂતિ કરી શકાય.

અસ્તુ
 









Comments

Popular posts from this blog

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ