"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...."

"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...."

કેટલીક જગ્યાઓ સુંદર હોય છે…
અને કેટલીક જગ્યાઓ સુંદર હોવા ઉપરાંત આપણી અંદર પણ કંઈક સુંદર જગાડી જાય છે.
રાજકોટનું ન્યારી ડેમ એવું જ એક સ્થળ છે.
સાંજ પડે ત્યારે પાણીની સપાટી પર સૂર્યના બદલાતા રંગો, કિનારે ઊભેલી વનરાજી, હવામાં ભળેલી ઠંડક અને પોતાના માળા તરફ પાછાં ફરતાં પંખીઓ… ન્યારી પોતે જ જાણે કુદરતે દોરેલું એક જીવંત ચિત્ર લાગે.
પણ આજની સાંજ થોડી અલગ હતી.
આ વખતે અમે ન્યારીનું ચિત્ર જોવા નહોતા ગયા…
અમે ન્યારીને રંગવા ગયા હતા.
યુવા આર્ટિસ્ટ શક્તિરાજ અને તેના મિત્રો  કે જેમની creative paradise નામની આર્ટ  કોમ્યુનિટી છે તેમણે  સાથે મળીને એક સુંદર Art Partyનું આયોજન કર્યું હતું.
કોઈના હાથમાં કેન્વાસ હતું, કોઈ રંગોમાં ખોવાયેલું હતું, કોઈ બ્રશની એક નાનકડી લહેરથી આખું દૃશ્ય બદલવાની કોશિશ કરતું હતું અને ક્યાંક ગિટારના સૂર સાંજની શાંતિમાં ભળી રહ્યા હતા.
પણ આ આખી સાંજની સૌથી સુંદર વાત એ હતી કે અહીં કોઈ કલાકાર બનવા નહોતું આવ્યું.
કોઈ સ્પર્ધા નહોતી.
કોઈને પોતાનું ચિત્ર બીજાના ચિત્ર કરતાં સુંદર બનાવવાની ચિંતા નહોતી. કોઈને પોતાના સૂર બીજા કરતાં ચડિયાતા સાબિત નહોતા કરવાં.અહીં માત્ર એક જ વાત હતી.થોડા કલાકો માટે પોતાની જાત સાથે રહેવાની. કદાચ ઉંમર વધતી જાય તેમ આપણે જીવનને થોડું વધારે ગંભીર બનાવી દઈએ છીએ.

જવાબદારીઓ, કામ, સમયની અછત, સંબંધોની અપેક્ષાઓ અને આવતીકાલની ચિંતાઓ વચ્ચે ક્યાંક આપણું એ નિર્દોષ મન પાછળ રહી જાય છે, જે ક્યારેક કોઈ કારણ વિના રંગોથી રમતું હતું.

બાળપણમાં આપણે ચિત્ર દોરતા ત્યારે સૂરજ પીળો જ હોવો જોઈએ એવો કોઈ નિયમ નહોતો.
આકાશ જાંબલી હોય તો પણ ચાલતું. ઝાડ લાલ હોય તો પણ ચાલતું. કારણ કે ત્યારે ચિત્ર સાચું કે ખોટું નહોતું…એ આપણું હતું.
મોટા થયા પછી કદાચ જીવનમાં પણ આપણે ઘણા નિયમો સ્વીકારી લીધા.
શું કરવું જોઈએ. કેવી રીતે કરવું જોઈએ. લોકો શું કહેશે.
અને કદાચ આ બધાની વચ્ચે એક પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા કે
મને શું ગમે છે?
આજની સાંજે મેં બ્રશ હાથમાં લીશું ત્યારે આ પ્રશ્ન ફરી યાદ આવ્યો.
શરૂઆતમાં નક્કી નહોતું કે શું દોરવું.
ન્યારીનું દૃશ્ય? સૂર્યાસ્ત? પાણી? પંખીઓ?
પણ થોડીવાર પછી લાગ્યું કે સામે દેખાતી ન્યારીને કાગળ પર ઉતારવી જરૂરી નથી. કેટલીક સુંદર વસ્તુઓને આંખોથી જોવી કરતાં મનમાં ઉતારવી વધુ જરૂરી હોય છે.

રંગો સાથે રમતાં રમતાં ક્યાંક મન પણ હળવું થતું ગયું.
કોઈ રંગ વધારે થઇ ગયો તો પણ ચાલ્યું. કોઈ રેખા વાંકી થઈ ગઈ તો પણ ચાલ્યું. આજે ચિત્રમાં perfection શોધવાનું નહોતું.
આજે તો આનંદ શોધવાનો હતો. આસપાસ નજર કરી, તો
દરેક વ્યક્તિ પોતાની રીતે એ ક્ષણ જીવી રહી હતી.
કોઈ એકાગ્રતાથી દોરી રહ્યું હતું, કોઈ વચ્ચે હસી પડતું હતું, કોઈ સંગીતમાં ખોવાયેલું હતું અને કોઈ કદાચ કંઈ દોર્યા વિના પણ એ સાંજને પોતાની અંદર સાચવી રહ્યું હતું.
ત્યારે સમજાયું 
સર્જનાત્મકતા માટે ઉંમર નથી હોતી.
આપણી અંદરનો સર્જક ક્યારેય નિવૃત્ત થતો નથી.
આપણે જ તેને સમય આપવાનું બંધ કરી દઈએ છીએ. અને કદાચ એટલે જ આવી સાંજની જરૂર પડે છે.
જ્યારે આપણે કોઈ ભૂમિકા ભજવવાની નથી હોતી. કોઈને કંઈ સાબિત કરવાનું નથી હોતું. માત્ર પોતે હોવાનું હોય છે.

સાંજ ધીમે ધીમે રાત તરફ આગળ વધી રહી હતી.
કેન્વાસ પરનું મારું ચિત્ર પૂરું થયું.
કદાચ એ કોઈ મહાન કૃતિ નહોતી.
પણ એ સાંજ? મારા માટે ચોક્કસ એક કૃતિ બની ગઈ હતી.
કારણ કે ક્યારેક કેન્વાસ પર ભરાતા રંગો કરતાં એ રંગો ભરતી વખતે મનમાં ઊતરતી લાગણી વધારે કિંમતી હોય છે.
એ ક્ષણે એક વિચાર આવ્યો કે,

હું ન્યારીને દોરી રહી હતી કે ન્યારી મારી અંદર કંઈક દોરી રહી હતી?
જવાબ કદાચ અત્યારે પણ નથી.

પણ એટલું ચોક્કસ છે કે આજની સાંજમાં મને મારા જ જીવનના કેટલાક ભૂલાઈ ગયેલા રંગો ફરી દેખાયા. અને કદાચ જીવનનો અર્થ પણ આ જ છે. ઉંમર વધતી જાય છતાં મનના રંગોને ફિક્કા ન પડવા દેવા.
ક્યારેક કંઈક નવું શીખવું. ક્યારેક કંઈક સર્જવું. ક્યારેક મિત્રો સાથે નિરાંતે હસવું. અને ક્યારેક… કોઈ ખાસ કારણ વિના માત્ર જીવી લેવું.
કારણ કે જીવનની દરેક સાંજ સૂર્યાસ્ત નથી હોતી.
કેટલીક સાંજ…
આપણી અંદર એક નવો સૂર્યોદય કરી જાય છે.
એ સાંજ એવી જ હતી.
ન્યારીના કિનારે પસાર થયેલી એક સાંજ…
  • જે કેન્વાસ પર તો પૂરી થઈ ગઈ,
પણ મનમાં હજુ રંગાતી જ રહી છે.


અસ્તુ.
અમી દોશી
9825971363
10/08/2026


Comments

Popular posts from this blog

સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2. લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)