અજંપો
અજંપો
ફળિયામાં ઊતરતી સાંજ આજે કાળજામાં અજંપો વધારી રહી હતી. તુલસીક્યારો, ઓસરીના થાંભલા અને વર્ષો જૂનો હીંચકો બધું જ પોતાની જગ્યાએ અકબંધ હતું, પણ એ બધી જ નિર્જીવ વસ્તુઓ વચ્ચે જીવતી જાગતી ઉદાસી શ્વાસ લઈ રહી હતી. ફળિયામાં ફેલાઈને ઊભેલો દાયકાઓ જૂનો પીપળો પણ જાણે ઉદાસ થઈ ગયો હોય તેમ ધીમે-ધીમે પોતાનાં પાન ખેરવી રહ્યો હતો.
સુધા હીંચકાના છેડે બેસીને ખોળામાં મૂકેલા આલ્બમ પર આંગળીઓ ફેરવી રહી હતી. આંગળીઓ વારંવાર એક જ ફોટા પર આવીને અટકી જતી, સોહમ અને ઋજુતાની સગાઈનો ફોટો. ફોટામાં સોહમના ચહેરા પર છલકાતી ખુશી અને ઋજુતાના સુંદર ચહેરા પરનું એ નમણું સ્મિત જોઈને સુધાને લાગ્યું હતું કે, દુનિયાનું તમામ સુખ એના ઉંબરામાં આવીને બેસી ગયું છે. પણ એ વાતને બે વર્ષ વીતી ગયાં હતાં. સુખ જાણે સરહદની પેલે પાર ઊભું રહીને આ ઘરમાં પ્રવેશવાની પરવાનગીની રાહ જોતું હોય એવું લાગતું હતું.
અનિમેષની વર્ષોથી અલગ-અલગ રાજ્યોમાં થતી રહેતી બદલી અને વ્યસ્ત કામગીરીને કારણે તે બાળકોને જોઈએ તેટલો સમય આપી શક્યો નહોતો. સુધાએ લગભગ એકલા હાથે જ બાળઉછેરની જવાબદારી ખૂબ ઉત્સાહ અને પ્રેમથી ઉપાડી લીધી હતી. બાળકોના અભ્યાસથી લઈને સંસ્કાર સુધીની દરેક બાબતને તેણે પોતાની ફુલટાઇમ જવાબદારી માની હતી. સોહમ પણ એ જ કારણે કદાચ અભ્યાસમાં હંમેશાં અવ્વલ રહ્યો હતો. ડેટા એનાલિસ્ટ તરીકે અભ્યાસ પૂરો કર્યા બાદ સોહમ માટે કારકિર્દી એટલે 'સ્કાય ઇઝ ધ લિમિટ' જેવી હતી.
સોહમ અને ઋજુતા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અભ્યાસ દરમિયાન મળ્યાં હતાં. જે પરિચય અભ્યાસની સાથે પ્રેમમાં પરિણમ્યો. આ પ્રેમ સંબંધને માતા-પિતાએ પણ ખુશીથી સ્વીકારી લીધો અને ખૂબ ધામધૂમથી સગાઈ કરી હતી. સુધાને તો લાગ્યું હતું કે, હવે જીવનની એક મોટી જવાબદારી પૂરી થઈ. બાળકો પોતાના પગ પર ઊભાં થઈ ગયાં હતાં અને હવે અનિમેષ અને તે પોતાના વતનમાં બાકીનું જીવન શાંતિથી પસાર કરી શકશે. પણ જીવન આપણે ધારીએ તે જ દિશામાં ચાલે તેવું નથી હોતું, અનિમેષ અને સુધા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું.
સગાઈ પછી સોહમ અને ઋજુતા બંનેને બેંગલુરુમાં જ જોબ મળી ગઈ. બંને બેંગલુરુના આઉટસ્કર્ટ્સના એક આધુનિક ફ્લેટમાં સાથે રહેવા લાગ્યાં. શરૂઆતમાં સુધા અને અનિમેષે નવી પેઢીની આ 'લિવ-ઇન' જીવનશૈલીને સ્વીકારી લીધી હતી. સમયની સાથે સંબંધોનું માળખું પણ બદલાયું છે, એવું માનીને બંનેએ પોતાના મનને સમજાવી લીધું હતું. પણ જેમ-જેમ દિવસો સરકતા ગયા તેમ-તેમ તેમના હૈયામાં એક ચોક્કસ પ્રકારનો અજંપો આકાર લઈ રહ્યો હતો.
ફોન પર જ્યારે પણ લગ્નની વાત નીકળતી, સોહમનો અવાજ અચાનક ઠંડો થઈ જતો. ક્યારેક વાત ટાળી દેતો અને ક્યારેક અકળાઈને કહી દેતો, “મમ્મી, પ્લીઝ... હમણાં નહીં, અમને અમારી રીતે જીવવા દો.”
ફોન કપાઈ ગયા પછી સુધા લાંબા સમય સુધી મોબાઇલ સામે તાકી રહેતી.
“બહુ દબાણ ન કર,” અનિમેષ તેને સમજાવતો. “આજના બાળકોનો માતા-પિતા સાથેનો સંબંધ કાચી માટીના વાસણ જેવો છે. સહેજ વજન આવશે તો તૂટી જશે.”
સુધા કંઈ બોલી નહીં, પણ રાતે જ્યારે આખું ગામ સૂઈ જતું અને ઘરમાં માત્ર ઘડિયાળના કાંટાનો અવાજ સંભળાતો, ત્યારે અનિમેષ પણ છત સામે તાકતો પડ્યો રહેતો. બંનેની અંદર એક જ અજંપો ધીમે-ધીમે મૂળિયાં નાખતો જતો હતો કે, આ સંબંધની આવતીકાલ શું?
આ મૂંગી પીડા હવે અનિમેષથી પણ સહન નહોતી થતી. એક દિવસ સોહમને જાણ કર્યા વગર તે બેંગલુરુ પહોંચી ગયો.
સોહમ અને ઋજુતા પણ સમજી ગયાં કે, ફોનમાં જે રીતે વાતને ટાળતાં હતાં તેની ચર્ચા હવે કરવી જ પડશે, એટલે એમણે પણ પોતાનો પક્ષ રાખવાની માનસિક તૈયારી કરી લીધી હતી.
રાત્રે જમીને અનિમેષ, સોહમ અને ઋજુતા એપાર્ટમેન્ટના ગાર્ડનમાં બેઠાં ત્યારે વાતાવરણ બોજિલ હતું. પવન પડી ગયો હતો. સામાન્ય રીતે બેંગલુરુનું વાતાવરણ બારેમાસ ખુશનુમા હોય પણ ગ્લોબલ વૉર્મિંગની અસરમાંથી આ સુંદર શહેર પણ બાકાત રહી શક્યું નહોતું. સોહમ એકદમ ગંભીર બની વાત શરૂ થાય તેની રાહ જોઈ રહ્યો હતો અને ઋજુતા થોડી મૂંઝવણમાં હતી.
અનિમેષ જે રીતે અપલક દૃષ્ટિએ ક્યાંક જોઈ રહ્યો હતો તેના પરથી જ સમજાતું હતું કે, વાત શરૂ કઈ રીતે કરવી તેના વિચારમાં હતો. અંતે સોહમે મૌનને તોડ્યું.
“પાપા...” સોહમનો અવાજ ગળામાં ડૂમો બનીને ભરાઈ ગયો, “અમે તમને દુઃખી નથી કરવા માગતા. પણ તમે અમને પણ સમજવાનો પ્રયત્ન કરો.”
અનિમેષે દીકરાની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, “સમજાવ.”
“પાપા, તમારા સમયમાં જે બાબતો લગ્ન પછી જ શક્ય હતી તે તમામ બાબતો; પ્રેમ, સાથ, હૂંફ અને શારીરિક જરૂરિયાત વગેરે બધું જ આજે લગ્ન વગર પણ સાથે રહેવાથી સહજતાથી મળી રહે છે, તો પછી શા માટે એ કાયદાકીય બંધનમાં બંધાવું?” સોહમનો અવાજ હવે ધીમો થઈ ગયો હતો. “પાપા, સમય બદલાઈ ગયો છે. ઋજુતા અને મારાં સપનાં બહુ મોટાં છે. અમારે ડ્રીમ કરિયર બનાવવી છે, સાથે આખી દુનિયા પણ ખૂંદવી છે. અમે કેટલાંય પ્રેમ અને લગ્ન સંબંધોને કોર્ટના પગથિયે પ્રાણ છોડતાં જોયા છે, એટલે પ્રેમ કરવા અને જીવનનાં સ્વપ્નાં સાકાર કરવા માટે ગળામાં કાયદાનો ગાળિયો અને માથે સમાજનો સાફો બાંધવો જરા પણ યોગ્ય નથી લાગતો.”
અનિમેષે દીકરાની આંખોમાં જોયું. “લગ્ન સિવાય બાળકો વિશે વિચારી રહ્યાં છો?”
સોહમ થોડો સમય શૂન્યમાં જોતો રહ્યો.
“પાપા, શું બાળકો પેદા કરીએ તો જ જીવન પૂર્ણ થયું ગણાય? ઇનફેક્ટ, મેં અને ઋજુતાએ નક્કી કર્યું છે કે આપણે બાળક નથી જોઈતાં.”
“કેમ?”
“પાપા, બે વ્યક્તિને પ્રેમ કરવા માટે બાળકની કોઈ આવશ્યકતા અમને તો નથી જણાતી. અને તમે તો જાણો છો કે બાળક એ ખૂબ મોટી જવાબદારી છે. અમે બાળકને સાચવીએ કે અમારાં સ્વપ્નાં સાકાર કરીએ? બાળકને દવાખાને લઈ જઈએ કે અમારી જોબને સમય આપીએ? એને પિકનિક કરાવીએ કે અમે ટૂર કરીએ? પેરેન્ટ્સ મિટિંગમાં જઈએ કે અમારી કોન્ફરન્સમાં? અમારા પ્રેઝન્ટના ભોગે અમે બાળકનું ભવિષ્ય ન બનાવી શકીએ. વી આર સૉરી પાપા, વી કાન્ટ ડુ ધેટ,” સોહમ એકદમ સાહજિકતાથી બોલ્યો.
સોહમની વાત અને સમજણ ખોટી હતી, જે સાંભળીને અનિમેષને દુઃખ ચોક્કસ થયું, પરંતુ તે વિચારતો હતો કે આજની આ જનરેશન ઝી (Gen Z) સાથે મુક્ત મને ચર્ચા કરવામાં આવે તો આ જનરેશન પોતાના વિચારોને ખૂબ મુક્તપણે વ્યક્ત કરી શકે છે. તે મનમાં કોઈ વાત દબાવી રાખવાને બદલે સ્પષ્ટપણે કહેવાની હિંમત પણ રાખે છે. સાચે જ આજે તેને જનરેશન ગેપ સ્પષ્ટ દેખાયો.
અનિમેષે દીકરાનો હાથ પોતાના હાથમાં લીધો. તેની અનુભવી આંગળીઓ સોહમના ધ્રૂજતા હાથને ધીમેથી પંપાળી રહી હતી.
“બેટા, બાળકો જોઈએ કે નહીં એ પણ તમારો અંગત નિર્ણય છે. અમે તમારાં સપનાંની પાંખો નથી કાપવા માગતા. અમે તો ઇચ્છીએ છીએ કે તમે બંને તમારા આકાશમાં વિહરો. પણ..."
“પણ શું પાપા?” સોહમે પૂછ્યું.
“પણ બેટા, આકાશમાં માળો નથી બાંધી શકાતો. માળો બાંધવા માટે તો વૃક્ષની ડાળી જ જોઈએ,” અનિમેષે નિશ્વાસ સાથે કહ્યું.
સોહમની આંખોમાંનો તણાવ તો ઓસર્યો પણ એની જગ્યાએ એક જિજ્ઞાસા દેખાવા લાગી.
“વી આર કન્ફ્યુઝ્ડ પાપા,” ઋજુતા મૌન તોડી પહેલી વખત બોલી.
અનિમેષ ઊભો થયો, સહેજ ચાલીને ગાર્ડનમાં રાખેલા કુંડા પાસે ઊભો રહ્યો અને એક છોડને પકડીને સહેજ ખેંચ્યો.
“પાપા, તમે શું કરો છો? છોડ ઊખડી જશે,” ઋજુતા બોલી.
“આઇ એમ સૉરી બેટા,” અનિમેષે કહ્યું. “બેટા, અમારા લગ્ન સમયે હું અને તારી મમ્મી ખૂબ જ ખુશ હતાં. એમાં પણ તારા જન્મ પછી એમાં ઓર વધારો થયો,” અનિમેષે કહ્યું અને દૂર આકાશમાં ટમકતા તારાઓ તરફ તાકી રહ્યો.
અનિમેષે આગળ ચલાવ્યું, “હું મારી જોબમાં અને તારી મમ્મી તમારા ઉછેરમાં વ્યસ્ત બની ગયાં. મારી જોબમાં મને ખૂબ સ્ટ્રેસ રહેતો એટલે અચાનક એક દિવસ તારી મમ્મીને મેં કહ્યું કે, યાર, આ જોબ સ્ટ્રેસના કારણે ક્યારેક તો એવું થાય છે કે જો બાળકો ન હોત તો આ બધું છોડીને ક્યાંક ચાલ્યો જાત. એ જ સમયે તારી મમ્મીએ કહ્યું કે, તમને શું લાગે છે કે આ વિચાર માત્ર તમને જ આવે છે? મને પણ ઘણી વખત થાય છે કે હું પણ આ બધું છોડીને મારી કરિયર બનાવું, પણ બાળકના કારણે હું આ વિચાર પડતો મૂકી દઉં છું.”
“વ્હૉટ?” સોહમે આશ્ચર્ય સાથે કહ્યું.
“યસ... બેટા, દરેકના જીવનમાં ક્યારેક તો એવો સમય આવે છે કે જ્યારે નાસીપાસ થઈ જવાય,” અનિમેષ બોલ્યો. “પણ, આજે હું અને તારી મમ્મી અમારાં છૂટાં પડવાના અને ક્યાંય નીકળી જવાના વિચારો યાદ કરીએ ત્યારે હસવું આવે છે કે, કેટલા બાલિશ વિચારો હતા એ!”
સોહમ અને ઋજુતા બંને અવાક થઈ અનિમેષ સામે તાકી રહ્યાં હતાં. અનિમેષ સહેજ આગળ ચાલી ગાર્ડનમાં ઊગેલા એક છોડ તરફ ગયો અને એને ખેંચવા લાગ્યો.
સોહમે હસતાં-હસતાં કહ્યું, “પાપા, એ કુંડાનો છોડ નથી, એ જમીનમાં ઊગેલો છોડ છે, એ સહેલાઈથી નહીં ઊખડે."
“યસ, આઇ નો બેટા,” અનિમેષે કહ્યું. “દીકરા, લગ્ન અને લિવ-ઇન રિલેશન બંને પોતપોતાની જગ્યાએ સુંદર છે. ફરક માત્ર એટલો છે કે લગ્ન એ જમીન પર વાવેલો છોડ છે અને રિલેશનશિપ એ કૂંડાનો છોડ.”
સોહમ અને ઋજુતા પિતાની વાતને ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં.
“અને હા,” અનિમેષે ફરી તેમની તરફ જોયું, “અમે ઇચ્છીએ છીએ કે ઋજુતા પોતાની ઓળખ સાથે જીવે, તમે બંને તમારા આકાશમાં મુક્તપણે ઊડો. પણ, કોઈ મજબૂત ડાળ પર તમારો માળો બાંધો, જેથી સાંજ પડ્યે ઊડીને ત્યાં બંને પાછાં આવી શકો.”
સોહમ અને ઋજુતાની આંખો ફરી ભીની થઈ ગઈ.
“અમે તમને કેદ કરવા નથી માગતા બેટા,” અનિમેષે ધીમેથી કહ્યું, “લગ્ન એ બંધન નથી, બેટા. જો સ્ત્રી અને પુરુષ એ નદીના બે કિનારા છે તો લગ્ન અને બાળકો આ નદી પરનો પુલ છે. જીવનરૂપી નદીમાં જ્યારે પૂર આવે ત્યારે આ જ પુલ બંને કિનારાને જોડી રાખે છે. બાકી તમે બંને ખૂબ સમજદાર છો, આગળ શું કરવું એ નિર્ણય તમારે જ લેવાનો છે.”
એ રાતનું મૌન અનિમેષ સાથે ઘરે આવ્યું હતું.
આજે આઠ દિવસ થઈ ગયા હતા. સુધા હીંચકા પર બેસીને કંઈક કામ કરી રહી હતી. ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર સોહમનું નામ ચમક્યું. અનિમેષે ધ્રૂજતા હાથે ફોન સ્પીકર પર મૂક્યો. સુધા પણ શ્વાસ રોકીને પાસે આવી ઊભી રહી.
“હેલો?”
સામે થોડી ક્ષણો મૌન રહ્યું. પછી સોહમનો નહીં, ઋજુતાનો અવાજ સંભળાયો.
“પાપા...”
ઋજુતાનો અવાજ સાંભળતાં જ સુધાની આંખોમાંથી આંસુ છલકાઈ ગયાં.
“હા, બેટા.”
અનિમેષ ચૂપ રહ્યો.
“લગ્ન અંગેનો મમ્મીનો આગ્રહ મને તેમજ સોહમને હંમેશાં અકળાવતો હતો, પરંતુ તમે બેંગલુરુ આવ્યા બાદ એક પણ રાત્રે હું સરખી ઊંઘી જ નથી શકી.”
“કેમ?”
“કારણ કે પહેલી વાર મેં મારી જાતને એક સવાલ પૂછ્યો. મને લગ્નનો ડર શા માટે લાગે છે? લગ્નની જવાબદારીથી કે મારી ઓળખ ગુમાવી દેવાના ડરથી?”
અનિમેષ અને સુધા એકબીજા સામે જોઈ રહ્યાં હતાં.
“મને સમજાયું કે, મારી ઓળખ કોઈ લગ્ન છીનવી લે એવું જરૂરી નથી. એને જાળવવાની જવાબદારી મારી પણ છે અને સોહમની પણ. જો અમારે ખરેખર એકબીજાને પ્રેમ કરવો છે, તો એકબીજાની આઝાદી અને ઓળખનું સન્માન પણ કરવું પડશે.”
ઋજુતાનો અવાજ ધીમે-ધીમે ભીનો થઈ રહ્યો હતો.
“પાપા, તમે સાચું કહ્યું. આખી જિંદગી માત્ર મુક્ત આકાશમાં ઊડી શકાતું નથી. રાત પડે ત્યારે વિસામો લેવા માટે એક મજબૂત ડાળી જોઈએ જ.”
સુધાએ આંખો મીંચી દીધી.
“અમને એ પણ સમજાયું કે લગ્ન માત્ર સમાજને જવાબ આપવા માટે કરવાના નથી. જો અમે એકબીજાની આવતીકાલની જવાબદારી સ્વીકારવા તૈયાર છીએ, તો એ નિર્ણય અમારી પોતાની પસંદગી પણ હોઈ શકે.”
થોડી ક્ષણો માટે ફરી મૌન છવાયું.
પછી સોહમનો અવાજ સંભળાયો, “પાપા...”
“હા, બેટા.”
“અમારે કૂંડાનો છોડ નથી રહેવું.”
સુધાના હોઠ ધ્રૂજ્યા.
“અમારે પણ આપણા ફળિયાના પીપળા જેવાં ઊંડા મૂળિયાં નાખવાં છે.”
અનિમેષે આંખો મીંચી દીધી.
“આવતા મહિને અમે બંને ઘરે આવીએ છીએ.”
ફોન કપાઈ ગયો.
થોડી ક્ષણ સુધી ઘરમાં કોઈ બોલ્યું નહીં. પછી સુધાએ અનિમેષ સામે જોયું. બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. એ આંસુમાં હવે ભય નહોતો, અજંપો નહોતો. વર્ષોની તરસ પછી ધરતી પર પડેલાં પહેલાં વરસાદ જેવી એક શાંત તૃપ્તિ હતી.
સુધા ધીમેથી હીંચકેથી ઊભી થઈ અને ફળિયામાં આવી. પીપળાના ઝાડ નીચે સુકાયેલાં પાન પડ્યાં હતાં. તેણે એક પાન હાથમાં લીધું. પાન સુકાઈ ગયું હતું, પણ ઉપર નજર કરી તો ડાળીઓ પર અસંખ્ય નવી કૂંપળો ફૂટી રહી હતી.
જીવન કદાચ આવું જ હોય છે.
જૂનાં પાન ખરે છે, ઋતુઓ બદલાય છે, નવી કૂંપળો ફૂટે છે; પરંતુ જે વૃક્ષનાં મૂળિયાં ઊંડાં હોય છે, તે દરેક ઋતુ પછી ફરી લીલું થઈ ઊભું થાય છે.
પવનની એક હળવી લહેરખી આવી. જૂનો પીપળો સરસર્યો. સુધાને ક્ષણભર એવું લાગ્યું કે, વર્ષોથી આ ઘર, આ આંગણું અને આ વૃક્ષ જેની રાહ જોઈ રહ્યાં હતાં, એ પગલાંનો અવાજ હવે બહુ દૂર નહોતો.
અને પીપળો જાણે માથું હલાવીને કહી રહ્યો હતો:
“મૂળિયાં ઊંડાં હોય તો ઋતુઓ બદલાય, ઘર નહીં.”
✍️અમી દોશી
રાજકોટ
9825971363
Comments
Post a Comment