સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2. લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે
સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2
લીમડાનાં જ્યુસનું પરબ
આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે
આ વિષય પર વર્ષ 2024માં મેં એક બ્લોગ લખેલ જેને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.(https://amidalaldoshi.blogspot.com/2024/04/blog-post_8.html?m=1)
ત્યારબાદ ઘટનાઓ જ એવી બની કે, આજે બે વર્ષ બાદ ફરીથી આ જ વિષય પર પણ થોડું અલગ રીતે લખવાનું મન થયું છે.
જ્યારે આપણું સુખ બીજાના સુખ સાથે જોડાઈ જાય ત્યારે તે સાચા અર્થમાં સ્વાંત સુખાય બની જાય છે.
ભારતીય ઋતુચક્રમાં ચૈત્ર મહિનો માત્ર ઋતુપરિવર્તનનો સંકેત નહીં પરંતુ આંતરિક શુદ્ધિ અને નવા પ્રારંભનો સંદેશ પણ આપે છે. ઉનાળાની શરૂઆત સાથે શરીર અને મનને સંતુલિત રાખવા માટે પરંપરાગત રીતે લીમડાનું સેવન વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ આ પરંપરા જ્યારે નિઃસ્વાર્થ સેવા સાથે જોડાય છે, ત્યારે તે એક સુંદર સામાજિક અભિવ્યક્તિ બની જાય છે.
સોસાયટીમાં રહેતાં અમારાં મિત્ર વંદનાબેન આ નિ:સ્વાર્થ સેવા અભિવ્યક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે તો, તેમનાથી પ્રેરાઈ અને બીજા બહેનો આ સેવાને વધુ એક ઊંચાઈ પર લઈ ગયા છે.
વાત છે એવાં બહેનોની જે ચૈત્રી નવરાત્રી શરૂ થાય એટલે સ્વાસ્થ્યનાં સંદેશરૂપે એક મેસેજ વહેતો મૂકે છે કે, " આવતીકાલથી અમે લીમડાનાં જ્યુસનું પરબ શરૂ કરીએ છીએ આપ અને આપના કુટુંબમાંથી કેટલા લોકો લાભ લેવા માંગે છે તે સંખ્યા જણાવશો. લોકો સંખ્યા જણાવી દે છે અને ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી રોજ વહેલી સવારે 10 ગ્લાસથી શરૂ કરી અને 160 ગ્લાસ જેટલો લીમડાનો જ્યુસ આ બહેનો પોતાના ફ્લેટની બહાર મૂકી દે છે. લોકો જરૂરિયાત મુજબ પી ને ચાલ્યાં જાય છે.
આજે તો એક નાનું એવું કામ કર્યું હોય ત્યાં લોકો સોશિયલ મીડિયા દ્વારા તેને અનેકગણું રજૂ કરી અને વાહવાહી, લાઈક્સ, કૉમેન્ટ્સ મેળવવાની હોડમાં આવી જાય છે. ત્યારે આ જ યુગમાં આ બહેનો દર વર્ષે ચૂપચાપ પોતાનો સેવાયજ્ઞને આગળ વધારતા જાય છે.
આજથી બાર વર્ષ પહેલાં વંદનાબેને લીમડાનું જ્યુસ બનાવવાનું શરૂ કર્યું ત્યારે 12 થી 15 ગ્લાસ બનાવતાં જે આંકડો આજે 160/170 ગ્લાસ પર પહોંચ્યો છે.
અમે તો સાક્ષી છીએ કે, આ કામ જરાય સહેલું નથી. દરરોજ લીમડાંનાં તાજા કૂણા પાન અને કોલ (ફુલ) તોડવા, ઘરે લાવી સાત આઠ પાણીથી ધોવા ત્યારબાદ વહેલી સવારે લગભગ 4.30 કલાક આસપાસ જ્યુસ બનાવવાનું શરૂ કરે અને 6 પહેલાં તો ફ્લેટની બહાર ત્રિપાઇ પર બે મોટાં માટલાં અને બે જગ સાથે થોડાં ગ્લાસ મુકાઈ ગયાં હોય. લોકો જાતે આવીને પી અને ચાલ્યાં જાય. જેમને ઘરનાં લોકો માટે લઈ જવું હોય તે બોટલ ભરીને લઈ પણ જાય. વહેલાં તે પહેલાં..
વંદનાબેન કહે છે કે, " લીમડો તોડવાનું કામ ખૂબ કપરું છે. આ વર્ષે શિલ્પન આઇકોનના સિનિયર સિટિઝન્સ પૈકી કેટલાંક વડીલોએ આ જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી હતી એટલે મારો ભાર ઘણો હળવો થઈ ગયો."
સ્વાભાવિક છે કે, આવાં સેવાકાર્યમાં વધુ લોકો જોડાય ત્યારે કામ હળવું થઈ જાય છે અને સહકારથી દીપી ઊઠે છે.
વંદનાબેન સિવાય આવાં કેટલાક બહેનો વિશે અમને માહિતી મળેલ છે. તેમનાં એડ્રેસ સાથે વિગતો આપેલ છે જેથી આવતાં વર્ષે કોઈને ઈચ્છા થાય તો આ આરોગ્યપ્રદ અમૃત જળનો લાભ લઈ શકે.
વંદનાબેન ઈચ્છે છે કે, આવતાં વર્ષે લીમડાંના જ્યુસના વધુને વધુ પરબ શરૂ થાય તો વધુને વધુ લોકોને તેનો લાભ મળી શકે. આ બાબતે માર્ગદર્શન માટે આપ એમનો સંપર્ક કરી શકો છો.
( વંદનાબેન પટેલ 9427565390)
વંદનાબેન પટેલ શિલ્પન આઇકોન પાટીદાર ચોક. રાજકોટ 12 વર્ષથી
શીતલબેન ડઢાનિયા સત્યજિત સોપાન
રાજકોટ. 3વર્ષથી
જયશ્રીબેન પટેલ. પૂજાબેન પટેલ
નંદ એમ્પાયર. રાજકોટ. 3 વર્ષથી
પ્રફુલાબેન ઘોડાસરા. શિલ્પન ઓનીક્સ
રાજકોટ. 3 વર્ષથી
ક્ષમા આદ્રોજા, વસુંધરા હિલ્સ. મોરબી. 2 વર્ષથી
જિગ્ના કાસુંદ્રા ,એવેન્યુ પાર્ક, મોરબી, 2 વર્ષથી
રાજકોટ 1 વર્ષથી
પ્રકૃતિ ભલાણી ,ચાંદખેડા, અમદાવાદ. 1 વર્ષથી
અમી દોશી ( લેખિકા) છેલ્લાં 20 વર્ષથી જ્યુસ પીવે છે. ( માત્ર ઘર પૂરતું જ મર્યાદિત હતું. હવે વંદનાબેનનો લાભ લઈએ છીએ.)
Comments
Post a Comment