ધોળાવીરા: એક અવર્ણનીય અનુભવ(ભાગ:1)
અમી દોશી રાજકોટ તા.16જાન્યુ.2023 બાળપણમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરતાં ત્યારે તેની નગર રચના,ગટર વ્યવસ્થા એ લોકો કેવાં હશે, કઈ રીતે જીવન પસાર કરતાં હશે વગેરે વિશે પ્રાથમિક અભ્યાસ કરેલો ત્યારે એક વિશેષ આકર્ષણ રહેલું કે, આવી નગરી કેવી હશે!ત્યાંના લોકો કેવાં હશે!અને મને ક્યારે આ નગરી જોવાં મળશે.! ઇતિહાસ અને પુરાતત્વ વિષય સાથે હંમેશાથી એક વિશેષ લગાવ હોય તેવું મને કાયમ લાગ્યું છે અને આવાં સ્થળોની મુલાકાત સમયે એ રોમાંચનો અનુભવ પણ કાયમ થયો જ છે. અનેક લોકોને માત્ર પત્થરો, માટી સાથેના નિર્જીવ લાગતાં સ્થળોમાં મને એ સમયના લોકોનો જીવંત ધબકાર દેખાય છે અને તેમનું જીવન તાદૃશ્ય થઈ જતું દેખાય છે. ધોળાવીરા જવાની ઈચ્છા તો વર્ષો જૂની હતી પરંતુ સથવારાની રાહમાં પણ ઘણાં વર્ષો નીકળી ગયાં. અમુક સ્થળો એવાં હોય છે જ્યાં મોટાભાગના લોકોને જવામાં કોઈ રસ હોતો નથી અને જે જાય છે તેના પણ ત્રણ ચાર પ્રકાર છે.પ્રથમ ક્રમમાં જેને ખરેખર ઉંડાણપૂર્વકનો રસ છે અને અભ્યાસ કરવો છે તેવાં લોકો.બીજા ક્રમના લોકો કશું જ વિચાર્યા વિના સમય મળ્યે એક પર્યટન સ્થળ સમજી અને મુલાકાતે તો જાય છે પણ નિરાશ થઈને પરત ફરે છે.(ત્યા...