જીવનની સર્વિસબુક
જીવનની સર્વિસબુક ✍️અમી દોશી પિસ્તાલીસ વર્ષના અભયના જીવનમાં હાલ બે જ વસ્તુઓ સૌથી મહત્ત્વની હતી: પોતાનો બિઝનેસ અને બ્લેક રંગની ડ્રીમ એસયુવી. પચીસ લાખ ખર્ચીને કાર લાવ્યો, ત્યારે જાણે વર્ષો જૂનું સપનું સાકાર થયું હતું. કાર ઘરે આવે એ પહેલાં જ તેણે કમ્પાઉન્ડમાં પચાસ હજારનો શેડ બનાવડાવ્યો હતો. તડકો કે વરસાદ, કશું તેની કારને અડે નહીં. રવિવારની સવાર એટલે કારની સફાઈની સવાર. કૂણો તડકો શેડની જાળીમાંથી ચળાઈને બોનેટ પર પડતો હતો. અભય માઇક્રોફાઇબર ક્લોથથી એવી કાળજીથી લૂછતો હતો, જાણે કોઈ નાનું બાળક સૂતું હોય જેને વહાલ કરતાં જાગી ન જાય. કારનો ફોટો પાડીને પુણેમાં ભણતી દીકરી રીચાને મોકલ્યો. “આપણી ડ્રીમ કાર! વેકેશનમાં ક્યાં જવું છે એ પ્લાન કરી લેજે.” જવાબ આવ્યો, “નાઇસ... પણ મમ્મી કહે છે તમારી તબિયત સારી નથી રહેતી. પ્લીઝ પાપા, ટેક કેર. લવ યુ.” અભય મલકાયો. એ ચિંતાને તેણે મનમાં વધારે જગ્યા ન આપી. કપડું ફરી વ્હીલપ્લેટ પર ફરવા લાગ્યું. ત્યાં જ ગેટ ખૂલ્યો. નિકિતા મૉર્નિંગ વૉકથી પરસેવે રેબઝેબ પાછી આવી. “બે કલાકથી કારની પાછળ પડ્યો છે!” તેણે કમર પર હાથ મૂકીને હસતાં કહ્યું. “તું તો મારા અને રીચા કરતાં પણ...