જીવનની સર્વિસબુક

જીવનની સર્વિસબુક

✍️અમી દોશી

પિસ્તાલીસ વર્ષના અભયના જીવનમાં હાલ બે જ વસ્તુઓ સૌથી મહત્ત્વની હતી: પોતાનો બિઝનેસ અને બ્લેક રંગની ડ્રીમ એસયુવી.
પચીસ લાખ ખર્ચીને કાર લાવ્યો, ત્યારે જાણે વર્ષો જૂનું સપનું સાકાર થયું હતું. કાર ઘરે આવે એ પહેલાં જ તેણે કમ્પાઉન્ડમાં પચાસ હજારનો શેડ બનાવડાવ્યો હતો. તડકો કે વરસાદ, કશું તેની કારને અડે નહીં.
રવિવારની સવાર એટલે કારની સફાઈની સવાર.
કૂણો તડકો શેડની જાળીમાંથી ચળાઈને બોનેટ પર પડતો હતો. અભય માઇક્રોફાઇબર ક્લોથથી એવી કાળજીથી લૂછતો હતો, જાણે કોઈ નાનું બાળક સૂતું હોય જેને વહાલ કરતાં જાગી ન જાય.
કારનો ફોટો પાડીને પુણેમાં ભણતી દીકરી રીચાને મોકલ્યો.
“આપણી ડ્રીમ કાર! વેકેશનમાં ક્યાં જવું છે એ પ્લાન કરી લેજે.”
જવાબ આવ્યો, “નાઇસ... પણ મમ્મી કહે છે તમારી તબિયત સારી નથી રહેતી. પ્લીઝ પાપા, ટેક કેર. લવ યુ.”
અભય મલકાયો. એ ચિંતાને તેણે મનમાં વધારે જગ્યા ન આપી. કપડું ફરી વ્હીલપ્લેટ પર ફરવા લાગ્યું.
ત્યાં જ ગેટ ખૂલ્યો. નિકિતા મૉર્નિંગ વૉકથી પરસેવે રેબઝેબ પાછી આવી.
“બે કલાકથી કારની પાછળ પડ્યો છે!” તેણે કમર પર હાથ મૂકીને હસતાં કહ્યું. “તું તો મારા અને રીચા કરતાં પણ તારી આ નિર્જીવ પ્રેમિકાની વધારે કેર કરે છે.”
અભયે બોનેટ પર પ્રેમથી હાથ ફેરવ્યો.
“પચીસ લાખની કાર છે! સમયસર સર્વિસ કરાવીએ તો દસ વર્ષ સુધી કંઈ જોવું ન પડે.”
નિકિતાએ પાણીની બોટલ બાજુ પર મૂકી.
“અચ્છા... પણ તેં તારા પોતાના એન્જિન વિશે શું વિચાર્યું છે?”
“એટલે?”
“છેલ્લા ત્રણ મહિનાથી તું છાતીમાં બળતરા અને થાકની ફરિયાદ કરે છે. એક વાર ડૉક્ટરને બતાવી દે.”
અભય હસી પડ્યો.
“અરે યાર! ગાંઠિયા-ભજિયાં ખાઈએ એટલે એસિડિટી થાય. એના માટે પાંચ હજારના રિપોર્ટ?”
“પણ...”
“મારું શરીર એકદમ ફિટ છે. તું ખોટી ચિંતા છોડી દે.”
નિકિતા ચૂપ થઈ ગઈ.
અભય ફરી કાર લૂછવા લાગ્યો. એ ક્ષણે બોનેટની ચમક છાતીની બળતરા કરતાં વધારે મહત્ત્વની હતી.

દર રવિવારે અભય ડેશબોર્ડમાંથી સર્વિસ બુક કાઢતો. કઈ સર્વિસ ક્યારે થઈ, હવે ક્યારે કરાવવાની, કેટલા કિલોમીટર બાકી, બધું તેને મોઢે હતું.
કારની એક પણ ચેતવણી તે અવગણતો નહીં.
અને શરીરની ચેતવણીઓ? એને તે એસિડિટી કહીને હસી કાઢતો.
ગુરુવારની રાત્રે જમતાં જમતાં નિકિતાએ કહ્યું,
“આ શનિ-રવિ રજા છે. હું અને મારી ચાર ફ્રેન્ડ્સ સો કિલોમીટર દૂર સ્મિતાના રિલેટિવના નેચર રિસોર્ટમાં જવાનાં છીએ.”
“અરે વાહ! જવું જ જોઈએ. થોડો બ્રેક મળશે.” અભયે થોડું વિચારીને ઉમેર્યું, “પાંચ જણ છો ને? આપણી કાર લઈ જજે. ગ્રુપમાં વટ પડશે.”
નિકિતા રાજી થઈ ગઈ. તેણે તરત પારુલને મેસેજ કર્યો, “આપણે અમારી કારમાં જઈશું.”
અભય પાર્કિંગમાં ચાવી લઈને ગયો. ડેશબોર્ડ પર નજર ગઈ. ઓડોમીટર: નવ હજાર આઠસો ચાલીસ.
તે થંભી ગયો.
તે ઉતાવળા પગલે અંદર આવ્યો.
“નિકિતા, એક નાનો પ્રોબ્લેમ છે. તમે આપણી કાર નહીં લઈ જઈ શકો. કોઈ બીજી ફ્રેન્ડની કાર લઈ જજો.”
નિકિતા તેને તાકી રહી.
“કેમ?”
“સર્વિસ ડ્યુ છે. દસ હજાર કિલોમીટર વટાવી જશે.”
“દસ મિનિટ પહેલાં તો તેં જ કહ્યું હતું કે કાર લઈ જજે!”
“હા, પણ ત્યારે મેં મીટર જોયું નહોતું.”
થોડી વાર શાંતિ રહી.
“તું ખરેખર કમાલ છે, અભય.” તેની નજરમાં હવે મજાક નહોતી. “તો પછી કાર આપણે શોકેસમાં મૂકવા માટે લીધી છે?”
અભય કંઈ બોલ્યો નહીં.
“જવા દે. મારે દલીલ નથી કરવી. અમે પારુલની કારમાં જતાં રહીશું.”
શનિવારની સવારે નિકિતા નીકળી ગઈ. ઘર એવું શાંત થઈ ગયું કે ઘડિયાળના ટકોરા પણ સંભળાવા લાગ્યા.

રવિવારની બપોર. અભય સોફા પર બેસીને ટીવી જોતો હતો.
અચાનક છાતીના ડાબા ભાગમાં દુખાવો ઊપડ્યો.
આ વખતે એસિડિટી નહોતી. જાણે કોઈએ છાતી પર પથ્થર મૂકી દીધો હોય. ડાબા હાથમાં ઝણઝણાટી થઈ. પરસેવો છૂટ્યો. શ્વાસ ભારે થવા લાગ્યો.
કંપતા હાથે તેણે પાડોશી મિત્ર રાહુલને ફોન કર્યો.
“રાહુલ... મને બહુ ગભરામણ થાય છે... જલદી આવ...”
હાથ ઢીલો પડ્યો. મોબાઇલ નીચે પડ્યો. અભય સોફા પરથી ઢળી પડ્યો.
બીજી તરફ, રિસોર્ટના ગેટ પાસે પારુલ ફરીને આવ્યાં બાદ કાર પાર્ક કરી રહી હતી. નિકિતાએ નીચે પગ મૂક્યો અને ફોન રણક્યો. સ્ક્રીન પર રાહુલનું નામ.
“હેલો?”
“નિકિતા, જ્યાં હો ત્યાંથી પાછી આવ. અભયને મેજર હાર્ટ એટેક આવ્યો છે. હું તેને સિટી હોસ્પિટલ લઈ આવ્યો છું.”
નિકિતાની  હેન્ડબેગ સરકી ગઈ. ચહેરા પરથી રંગ ઊડી ગયો.
પારુલે કંઈ પૂછ્યું નહીં. તેણે કાર રીતસરની ભગાવી.

બે કલાકમાં પછી નિકિતા આઇસીયુની બહાર પહોંચી ગઈ હતી. ડૉ. મહેતા બહાર આવ્યા.
“ડૉક્ટર, મારા પતિ...?”
“સમયસર આવી ગયા એ સારું થયું. હાલત સ્થિર છે. તેઓ ભાનમાં છે. મળી શકો, પણ વધારે વાત ન કરાવતાં.”
અભય બેડ પર પડ્યો હતો. શરીર પર વાયર, બાજુમાં બીપ બીપ કરતું મૉનિટર.
જે માણસ કલાકો પહેલાં કારના એન્જિનની ચિંતા કરતો હતો, તે આજે પોતે મશીનો સાથે જોડાયેલો હતો.
ડૉક્ટરે એન્જિયોગ્રાફીનો રિપોર્ટ હાથમાં લીધો.
“મિસ્ટર અભય, ત્રણ નળીઓમાં ગંભીર બ્લૉકેજ છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વર્ષોથી વધેલાં હશે. આ એક દિવસમાં ન થાય. શરીર ઘણા સમયથી સંકેતો આપતું હશે, તમે તેને એસિડિટી સમજ્યા. હવે બાયપાસ કરવી પડશે.”
ડૉક્ટર ગયા.
અભય છત તરફ જોતો રહ્યો.
તેને પાર્કિંગમાં ઊભેલી પોતાની ચમકતી કાર દેખાઈ. ઓડોમીટરના આંકડા. સર્વિસ બુક. પચાસ હજારનો શેડ. અને નિકિતાનો અવાજ:
“તેં તારા પોતાના એન્જિન વિશે શું વિચાર્યું છે?”
તેણે આંખો બંધ કરી.
કારમાં વૉર્નિંગ લાઇટ થાય તો તે તરત ગેરેજ દોડતો. શરીરે ત્રણ મહિનાથી વોર્નિંગ લાઇટ ચાલુ રાખી હતી,છાતીમાં બળતરા. થાક. અસ્વસ્થતા સ્વરૂપે.
અને તેણે? એક ગોળી ખાધી. પાણી પીધું. કહ્યું, “એસિડિટી હશે.”
કારને તડકાથી બચાવવા શેડ બન્યો હતો. પોતાને તેણે વર્ષોની બેદરકારીના તડકામાં ઊભો રાખ્યો હતો.
તેની આંખના ખૂણેથી એક આંસુ સરી પડ્યું.
તેણે નિકિતાનો હાથ પકડ્યો.
“મને માફ કરી દે, નિકિતા... હું મૂર્ખ હતો
પચીસ લાખની કિંમતની ગાડીની હું સંભાળ લેતો હતો પણ જેની કિંમત કરી ન શકાય એવાં મારાં શરીર તરફ હું કેટલો બેદરકાર રહ્યો કારણ કે એ ફ્રીમાં મળેલું છે."
નિકિતાએ તેના માથે હાથ ફેરવ્યો.
“હવે કંઈ નહીં થાય. તું બસ હિંમત રાખ.”
તે જ ક્ષણે અભયના ફોનમાં રીચાનો મેસેજ ચમક્યો. નિકિતાએ સ્ક્રીન અભય તરફ ફેરવી.
“પાપા, કાર ક્યાંય જવાની નથી. તમે ફક્ત જલદી સાજા થઈ જાવ. ”
અભય કંઈ બોલ્યો નહીં. તેણે ફોનને છાતી સરસો દબાવ્યો, બરાબર એ જગ્યાએ, જ્યાં દુખાવો હતો.

સોમવારની સવાર.
શેડની જાળીમાંથી કૂણો તડકો કાળા બોનેટ પર પથરાયો હતો. ડેશબોર્ડ પર સર્વિસ બુક એમ જ પડી હતી, દસ હજાર કિલોમીટરની રાહ જોતી.
આજે બોનેટ પર કોઈ કપડું ફરતું નહોતું.
સિટી હોસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર નિકિતા બેઠી હતી. દરવાજા ઉપર લાલ બત્તી ચાલુ હતી.
બરાબર કારના ડેશબોર્ડની વૉર્નિંગ લાઇટ જેવી.

કારની સર્વિસ મોડી થાય તો એન્જિન ખરાબ થાય છે;
પણ જિંદગીની સર્વિસ મોડી થાય તો... કદાચ જિંદગી જ હાથમાંથી નીકળી જાય છે.

અસ્તુ

Comments

  1. અત્યંત હ્રદયસ્પર્શી.. સાવ જ સાચું.. નિર્જીવ ગાડી તમે ગમ્મે તેટલી મોંઘી બીજી વાર પણ ધારો ત્યારે લઈ જ શકશો.. પણ જેનું મૂલ્ય અમૂલ્ય છે એવી માનવદેહરૂપી ગાડી એક વાર ખોટવાય પછી મૂળ સ્વરૂપમાં આવવી કાયમ માટે અસંભવ જ બની જાય છે.. અને આ સત્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.. 🙏💐🌹

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

અજંપો

માફી