ચિકમંગલુર ડાયરી Coffee land of karnataka
ચિકમંગલુર ડાયરી
Coffee land of karnataka
ચેપ્ટર 1
ટ્રેનનો યાદગાર પ્રવાસ
પ્રવાસ માટે જ્યારે ઘર બહાર પગ મૂકીએ ત્યારથી જ પ્રવાસ ચાલુ થઈ જાય છે કારણ, મૂળ ગંતવ્ય સ્થાન પર પહોંચતાં પહેલાંના પ્રવાસની મજા પણ અનેરી હોય છે.
ટ્રેન એ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સાધન જ નહી સાથે સાથે યાદો અને અનુભવોની એક સફર છે. પ્લેન કે બસ કરતાં ટ્રેનની મુસાફરીમાં જે નિરાંત અને મજા આવે છે, તે કંઈક અલગ જ હોય છે.
અમારા તાજેતરના પ્રવાસની શરૂઆત પણ આવી જ એક સુંદર મજાની ટ્રેન જર્નીથી થઈ. કર્ણાટકના હિલ સ્ટેશન અને "કોફી લેન્ડ ઓફ કર્ણાટક" તરીકે વિશ્વ વિખ્યાત અને યુનેસ્કો હેરિટેજમાં સ્થાન પામેલાં વેસ્ટર્નઘાટની વચ્ચે આવેલું સુંદર મજાનું શાંત હિલસ્ટેશન ચિકમંગલુર એ અમારું ગંતવ્ય સ્થાન. બેંગલોર અને મેંગલોર બન્ને શહેરોથી ચિકમંગલુર પહોંચી શકાય.
મુસાફરીની પળોને યાદગાર બનાવવા અમે મેંગલોરથી જવાનું પસંદ કર્યું. મુંબઈથી મેંગલોર સુધી અરબી સમુદ્રના કિનારે અને પશ્ચિમ ઘાટ વચ્ચે પસાર થતી કોંકણ રેલ્વે ભારતની સૌથી સુંદર અને યાદગાર રેલ સફર પૈકીની એક છે.
કોંકણ રેલવેની મુસાફરી એટલે યાદોનો હરિયાળો પટારો. બારીમાંથી અનિમેષ નજરે બસ જોયાં જ કરીએ. વર્ષો પછી ફરી એકવાર આ અનુભવ લેવાનો મને મોકો મળ્યો.
મુંબઈથી મેંગલુરુ સુધી અરબી સમુદ્રના કિનારે અને પશ્ચિમ ઘાટ વચ્ચે પસાર થતી કોંકણ રેલવે માટે યથાર્થ શબ્દ હોય તો એક જ છે અદ્ભુત.
મુંબઈની ભાગદોડમાંથી બહાર નીકળતી ટ્રેનમાંથી એક નવું જ જગત બારીની બહાર ચલચિત્રની જેમ દૃશ્યમાન થાય છે.
સહ્યાદ્રિની ગિરિમાળાઓ,લીલાછમ જંગલો, ક્યારેક દેખાતો દરિયો કે કલકલ વહેતી નદીઓ... એવું લાગે જાણે કુદરતે પોતાના હાથે ચિત્ર બનાવ્યું હોય અને ટ્રેન તેની વચ્ચે સરકતી તૂલિકા બની ગઈ હોય.
પશ્ચિમ તરફ ક્યારેક ઊછળતો ક્યારેક મુનિ જેવો શાંત દેખાતો મહેરામણ અને પૂર્વ તરફ ગાઢ હરિયાળા પહાડ.આ છે Western ઘાટનું અદ્ભુત આલિંગન. ટનલમાં ટ્રેન પ્રવેશે ત્યારે ક્ષણભર અંધકાર, અને બહાર નીકળતાં જ સૂર્યકિરણો પહાડના ઢોળાવ પર સોનેરી પટ્ટો દોરી દે જાણે નિરાશ જીવનમાં આશાનો દીવો પ્રગટ્યો હોય તેમ લાગે.
રત્નાગિરિ નજીક લાલ માટીના ટેકરા અને હાફૂસ આંબાની વાડીઓ વચ્ચેથી ટ્રેન પસાર થાય. નદી પર ઊભેલા પુલ પરથી ટ્રેન સરકે ત્યારે પાણીમાં પડતો એનો પડછાયો જાણે સરકતું જતું જીવંત ચિત્ર! વરસાદી ઋતુમાં તો દરેક ઢોળાવ ઝરણાંઓથી ગૂંજી ઉઠે, અને ચારેતરફ ફેલાતું ધુમ્મસ પહાડોને સફેદ ઓઢણી ઓઢાડી દે.
ગોવા તરફ આગળ વધતાં મડગાંવ આસપાસ પવન સાથે લહેરાતા નાળિયેર અને કાજુનાં વૃક્ષો અને તેની વચ્ચે ઉભેલાં નાના રંગબેરંગી ઘર મીઠો આવકારો આપતાં હોય તેમ લાગે. આગળ કરવાર પાસે અરબી સમુદ્ર એટલો નજીક આવી જાય કે લાગે ટ્રેન પાણીની ધાર સાથે દોડતી હોય તેમ લાગે. સાંજ પડતાં આકાશમાં કેસરિયો રંગ છવાઈ જાય, અને સૂર્ય દરિયામાં ઓગળી જાય, ક્ષણભર સમય અટકી જાય જાણે જીવન થંભી ગયું હોય તેમ લાગે.
આ પ્રવાસમાં આવતાં અનેક પુલ, ટનલ અને તેમાંથી પસાર થતી ટ્રેનની સફર માત્ર મુસાફરી નથી પણ કુદરત સાથેનો સંવાદ છે.
ટ્રેનના દરેક વળાંકે નવું દૃશ્ય, નવી લાગણી અને દિલમાં એક જ વિચાર આવે “આ સફર બસ આમ જ ચાલ્યા કરે !”
મેંગલોર પહોંચી રેલવે સ્ટેશન પરનાં રીટાયરીંગ રૂમમાં આરામ કર્યો કારણ અહીંથી પણ અમારે શ્રવણ બેલગોડા સુધીની ટ્રેનમાં બેસવાનું હતું. મેંગલોરથી બેંગલોરને જોડતી ટ્રેન "ગ્રીન રૂટ ટ્રેન" તરીકે ઓળખાય છે. ભારતીય રેલ્વેના કેટલાંક યાદગાર ટ્રેન રુટમાં આ "ગ્રીન રૂટ ટ્રેન" નો પણ સમાવેશ થાય છે. આ ટ્રેનમાં બેસવાનું સ્વપ્ન ઘણાં વર્ષથી હતું જે પૂરું થયું.
ફરીથી કર્ણાટકના વેસ્ટર્ન ઘાટમાં આવેલાં અડાબીડ જંગલો, ઊંડી ખાઇ, કોતરો, પહાડોની વચ્ચેથી લગભગ ત્રીસથી ચાલીસની ગતિથી પસાર થતી ટ્રેનના દરવાજે પગ લટકાવીને બેસવાનો જે અનેરો મોકો મળ્યો એ જીવનભરની યાદીમાં રહેશે. ખીણની વચ્ચેથી જ્યારે એકદમ ઊંચા વાયડક્ટ પરથી ટ્રેન પસાર થાય ત્યારે હૃદય એક થડકારો ચૂકી જાય કે, ક્યાંક આ ખીણમાં પડીએ તો શું થાય અને બીજી ક્ષણે મન મનોરમ્ય દ્રશ્યોમાં ખોવાઈ જાય.
બપોરે દોઢ વાગ્યે સાડા છ કલાકની મુસાફરી બાદ અમે શ્રવણ બેલગોડાની નજીક પહોચ્યાં ત્યારે પહાડો પર ઉભેલી બાહુબલીજીની પ્રતિમા દૂરથી જોઈને જ મન આજથી હજાર વર્ષ જૂના ઈતિહાસ તરફ સરકતું જતું હતું.
બસ અહીં અમારી ટ્રેનની યાદગાર મુસાફરી પૂર્ણ થઈ. ટ્રેનની મુસાફરી આપણને ધીરજ રાખતાં, રસ્તાનો આનંદ લેતા શીખવે છે. મંજિલ ગમે તે હોય, પણ ટ્રેનનો પ્રવાસ તો હંમેશા દિલની નજીક રહે છે કારણ જીવન ત્યારે શાંતિથી અને હૃદયનાં ઊંડાણથી જીવાતું હોય તેમ લાગે છે.
Comments
Post a Comment