કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)
કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (પાર્ટ 1)
આજથી લગભગ 38 વર્ષ પહેલાં શાળાકાળ દરમિયાન ટ્રેનમાં પ્રવાસ કરીને ગોવા જવાનું થયેલું. સેકન્ડ ક્લાસની ટિકિટ હતી. લગભગ ચોવીસ કલાકની મુસાફરી હતી. સવાર પડી અને અચાનક જ ટ્રેનમાં બેઠેલાં લોકોમાંથી મોટાભાગના બારી બહાર ડોકિયા કરવાં લાગ્યાં અને કેટલાક તો દરવાજા તરફ દોડીને દરવાજો ખોલીને ઊભા રહી ગયાં. પહેલાં તો કંઈ સમજાયું નહીં એટલે મોટા લોકોની પાછળ હું પણ દોડી. જોયું તો ટ્રેન જાણે સ્વર્ગ વચ્ચેથી પસાર થતી હોય તેમ લાગ્યું. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી... વોટર ફોલ, પહાડોની વચ્ચે ક્યારેક ખીણમાંથી તો ક્યારેક ઊંચા બ્રિજ પરથી પસાર થતી અમારી ટ્રેન. નાળિયેર, સોપારીનાં ઊંચા ઊંચા વૃક્ષો જાણે આભને ઢાંકીને ઊભા હોય અને વચ્ચેની ટનલમાંથી આપણે પસાર થતાં હોઈએ એવું દૃશ્ય. એ સમયે પ્રવાસમાં જવાનો આજના યુગ જેવો કોઈ ટ્રેન્ડ નહતો એટલે પોતાના વતન સિવાય કોઈ દુનિયા જોઈ નહતી એટલે આ પ્રવાસે દિલ અને દિમાગ પર કાયમ માટે કબજો જમાવી દીધો. ત્યારે જોયેલું ટ્રેલર આજે વર્ષો પછી ફિલ્મની જેમ માણવા મળ્યું.
ત્યારબાદ જેટલીવાર ગોવા જવાનું થયું ત્યારે ફલાઇટમાં જવાનું જ બન્યું એટલે કોંકણના અદ્ભુત સૌંદર્યને ટ્રેન કે કાર દ્વારા માણવાનો મોકો એક સ્વપ્ન બનીને જ રહી ગયેલો.
સાતમ આઠમ એટલે વિદાય લેતું ચોમાસું. આ સમયે એવો પ્રવાસ થાય જેમાં એક તરફ સહ્યાદ્રિની ગિરીમાળાઓ ( વેસ્ટર્ન ઘાટ) હોય,બીજી તરફ ઉછળતા અફાટ સમુદ્ર અને વચ્ચે અડાબીડ વન તો એને શું કહેવાય. એને કહેવાય કોંકણ કોલિંગ ( કોંકણ જાણે સાદ પાડીને બોલાવતું હોય...) અંતે આ વર્ષે આ સુખદ પ્રવાસનું આયોજન થયું.
આમ તો કોંકણ પટ્ટી એટલે મહારાષ્ટ્ર , ગોવા અને કર્ણાટક સુધીનો વેસ્ટર્ન ઘાટ અને અરબી સમુદ્ર વચ્ચેનો વિસ્તાર જેમાં ત્રણ રાજ્યોના વિસ્તારો આવે. જેમકે, મહારાષ્ટ્રમાં મુંબઈ,પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાનો સમાવેશ થાય છે. ગોવા એટલે મધ્ય કોંકણ અને કર્ણાટક કોંકણ કરવાલી તરીકે પણ ઓળખાય છે જેમાં કરવાર, ઉડુપી અને મેંગ્લોર જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેને " માલાબાર કોસ્ટ " તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોંકણ શબ્દ સંસ્કૃત પરથી આવેલો છે. જેમાં kona (કૉણ) એટલે કે ખૂણો, જમીનનો ટુકડો
Kana (કણ) એટલે પાર્ટિકલ/કણ/ટુકડો. પૃથ્વીનો એક ટુકડો અથવા પશ્ચિમી ઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો પૃથ્વીનો ટુકડો એમ કહી શકાય.
માત્ર પહાડો દરિયો અને જંગલો એટલે કોંકણ નહીં પરંતુ સંસ્કૃતિ, ભાષા , ભોજન અને કુદરતી સૌંદર્યનો સમન્વય એટલે કોંકણ.
અમારો પ્રવાસ મહારાષ્ટ્રની કોંકણ પટ્ટી પૂરતો નક્કી કરેલો. જેમાં અલીબાગ, મુરુડ ઝંઝીરા, ગણપતિપુલે, રત્નાગિરિ, રાયગઢ, ખપોલી, ચિપલુન અને દાપોલી વગેરેનો સમાવેશ કરેલો.
Comments
Post a Comment