પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ
માં નર્મદે હર...
#3600kmyatra
પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ
તા.15/12/2024
આજે માં નર્મદા મૈયાની મારી પરિક્રમા યાત્રાનો એક માસ પૂર્ણ થયો. તા. 13 નવેમ્બર 2024નાં રોજ રાજકોટથી નીકળી ઈન્દોર પહોંચી. ત્યાંથી ઓમકારેશ્વર અને તા.15 નવેમ્બર 2024નાં સંકલ્પ પૂજા કરી લગભગ 10.30 કલાકે મારી યાત્રા શરૂ કરી. રાજકોટથી હું સાવ એકલી જ નીકળી છું. કોઈ ગ્રુપ, સંઘ કે સથવારો શોધવાનો પ્રયત્ન કર્યો નથી. શરૂઆતમાં ઘરમાં બધાને થોડી ચિંતા પણ હતી અને સંશય પણ રહ્યો કે, એકલાં કરવાનો નિર્ણય બરાબર હશે કે કેમ?
આજે કહી શકું છું કે, આ યાત્રા એકલાં કરવાનો આનંદ અવર્ણનીય છે. એવું કહેવાય છે કે, એક નિરંજન, દો સુખી, ત્રણમાં ખટપટ અને ચાર તો શું થાય તે નક્કી નહિ. સદ્દનસીબે મેં તો કુદરતી રીતે જ એકલાં પરિક્રમા કરવાનો નિર્ણય કર્યો જેના માટે આજે ખૂબ ખુશી અનુભવું છું.
આ ત્રીસ દિવસમાં લગભગ 850કિમી જેટલું અંતર પગપાળા પસાર કર્યું. સુંદર દ્રશ્યો અને યાત્રાનો આછેરો પરિચય જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે વાચકોને આપ્યો છે. આ સિવાય આ યાત્રાનાં અન્ય અનુભવો વિશે મિત્રો પૂછતાં હોય છે જેની આજે વાત કરવી છે.
એક બેગ પેક કે જે પોતે ઉપાડી શકીએ તેટલો સામાન લેવાનો જેમાં બે જોડી કપડાં, નિત્યક્રમ માટે જરૂરી વસ્તુઓ, ઠંડી માટે ગરમ કપડાં અને સુવા માટેની વસ્તુઓ. આ સિવાય કઈજ લેવું હિતાવહ નથી નહિતર વજન ઉપાડવાનો પ્રશ્ન સૌથી મોટો થાય.
નિત્યક્રમ
પરિક્રમા દરમિયાન નિત્યક્રમમાં સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ હું જાગી જાઉં.( અમુક લોકો ત્રણ વાગ્યે પણ જાગી જતાં હોય) કલાક સવા કલાકમાં નિત્યકર્મ પૂર્ણ કરી સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ યાત્રાનો પ્રારંભ મોટાભાગનાં લોકો કરતાં હોય છે.
દિવસભર પોતાની ક્ષમતા અનુસાર ચાલી અને સહુ પોતાનાં નિયત સ્થળ પર પહોંચી આરામ કરે, કપડાં ધુએ (કપડાં માત્ર બે જ જોડી હોય) પૂજા પાઠ કરે , ભોજન કરી અને લગભગ આઠ થી સાડા આઠ વચ્ચે સુઈ જતાં હોય.
પરિક્રમાની શરૂઆતમાં મનની મક્કમતા સામે મારાં શરીરે ઘણો વિરોધ નોંધાવ્યો કારણ, તેને આ પ્રકારનાં જીવનની બિલકુલ આદત નોહતી. જેને કારણે પગમાં દંડ અને છાલા પડવાથી તકલીફોની શરૂઆત થઈ. ત્યારબાદ બદલાતાં રહેતાં પાણીને કારણે ખૂબ ઝાડા ઉલટી થઈ ગયાં પણ મેં ભોજન સદંતર બંધ કર્યું એટલે બે દિવસમાં સરખું થઈ ગયું. (ત્યારે ચાલવાનું તો ચાલુ જ હતું) ત્યારબાદ ત્રીજો એટેક આવ્યો અતિભારે શરદી અને ખાંસીનો. મધ્યપ્રદેશની અતિશય ઠંડીમાં નદી કિનારે લગભગ ખુલ્લામાં (ઉપર બાંધેલું/ પતરા હોય) સુવાનું, નહાવાનું, કપડાં ધોવાનાં, ખુલ્લામાં શૌચક્રિયા વગેરે બાબતો મન અને શરીર માટે એકદમ નવી, અઘરી અને અસ્વીકાર્ય હતી. આવાં ચોક્કસ નિત્યક્રમને કારણે શરીરને અમુક પ્રકારની બિલકુલ આદત ન હોવાથી અતિ ભારે શરદી ખાંસી ( બ્રોંકાઇટીસ) સ્વરૂપે ફરી પાછો શરીરે જોરદાર બળવો પોકાર્યો. આખીરાત ખાંસીને કારણે બિલકુલ ઉંઘ ન આવે અને દિવસે વિકટ માર્ગો પર લગભગ આખો દિવસ ચાલવાનું. આ તકલીફ માટે જરૂરી એવી ચોક્કસ પ્રકારની દવાઓ તો સાથે પણ નોહતી અને તે વિસ્તારમાં ક્યાંય મળે તેમ પણ નહોતી છતાં નક્કી કર્યું કે, શૂલપાણિનાં જંગલ પૂરાં થાય પછી દવાઓ મેળવી લઉં. બાકી હતું તો શુઝના તળિયાં ઘસાઈને ફાટી ગયાં.( પહાડમાં સ્લીપ થઈ થઈને આ કલ્પના બહારનો પ્રોબ્લેમ થયો)
ઘરે પણ આવી બીમારીની બહુ વાત કરીએ તો બધાં પ્રેમવશ પાછા આવવાનો આગ્રહ કરે તે ડરથી બહુ કોઈને જાણ પણ ન કરી. દવાઓ મળી ત્યારે બે ત્રણ દિવસ ઓછું ચાલી અને વધુ આરામ કર્યો એટલે ધીમે ધીમે તબિયતમાં સુધારો થયો એટલે મનની મક્કમતામાં પણ વધારો થયો.
લગભગ એક મહિનાનાં વિરોધ બાદ શરીરે પણ વિરોધથી થાકી અને સાથ આપવાનું શરૂ કર્યું એટલે પરિક્રમા વધુ સારી રીતે થવાં લાગી. આનંદમાં પણ ઉમેરો થયો.
આજે એક માસ બાદ મારાં કુટુંબીજનો મને મળવા માટે આવી રહ્યાં છે ત્યારે એક દિવસનો બ્રેક રાખ્યો છે અને મારી યાત્રાનાં કેટલાંક સંસ્મરણો મારાં સ્નેહીજનો વાચકો સાથે વહેંચવા , વાગોળવા માંગુ છું.
તો મારી શૂલપાણિ જંગલોની યાત્રા માં આપ સર્વેને પણ સામેલ કરું છું.
શૂલપાણિની ઝાડી/જંગલો
મહાદેવજીનાં અનેક નામ પૈકી એક નામ છે શૂળપાણેશ્વર. જંગલ મધ્યે આવેલાં આ મંદિરનાં (હાલમાં આ મંદિર સુધી જવું થોડું વિકટ છે કારણ તે ડૂબમાં ગયું છે) નામને કારણે આ વિસ્તાર શૂલપાણિની ઝાડી કે શૂલપાણિનાં જંગલો તરીકે ઓળખાય છે.
માં નર્મદાજીની પરિક્રમાનો વિચાર આવે અને શૂલપાણિનાં જંગલોનો વિચાર ન આવે તે શક્ય જ નથી તેનું કારણ છે, લગભગ 240કિમીનો આ અતિ વિકટ માર્ગ અને તેની સાથે જોડાયેલી અનેક પ્રકારની મુશ્કેલીઓ.
શૂલપાણિનાં જંગલો ( હિન્દીમાં તેને શૂલપાણિની ઝાડી કહે છે) શરૂ થવાનાં હોય તે પહેલાં મોટાભાગનાં
દરેક પરિક્રમાવાસીના મનમાં એક ચિંતા હોય છે કે, સુખરૂપ શૂલપાણિ પસાર થઈ જાય તો સારું.
અગાઉનાં સમયમાં (લગભગ 40-45 વર્ષ પહેલાં સુધી) દરેક પરિક્રમાર્થી અહીંથી પસાર થાય ત્યારે ત્યાંનાં ભીલ આદિવાસીઓ દ્વારા તેને સંપૂર્ણપણે લૂંટી લેવામાં આવતાં. પરિક્રમાવાસી જંગલની બહાર નીકળે ત્યારે તેનો નવો જન્મ થયો હોય અને બધું જ ( તમામ સામાન) ફરીથી લેવું પડતું. (આજે તો લૂંટફાટનો બિલકુલ ભય નથી તેની સામે આદિવાસી લોકો પરિક્રમાવાસીઓની ખૂબ ભાવ અને હ્રદયપૂર્વક સેવા કરે છે.) એટલે તે સમયે દરેક પરિક્રમાવાસીને એવો ડર રહેતો કે, સુખરૂપ બહાર આવીએ તો સારું. અમુક વિસ્તારોમાં તો કિલોમીટર સુધી કોઈ માણસ ન મળે અરે, પાણી પણ ન મળે.(આજે પણ પાણી ખોરાકની સ્થિતિ વિકટ તો છે જ)
લગભગ 240 કિમીનાં આ જંગલ માર્ગમાં આવતાં અનેક વિસ્તારો આજે પણ બહારની દુનિયા સાથેનાં જોડાણની રીતે જોઈએ કે અન્ય રીતે મહદઅંશે તેમની દુનિયા અલગ જ છે.
મધ્ય પ્રદેશનાં બડવાની શહેરને છોડ્યાં બાદ લગભગ 10-15 કિમી પછી ભામટા ગામથી આ વિસ્તાર ધીમે ધીમે શરૂ થાય છે. ચારે તરફ પહાડો અને વચ્ચે પગદંડી અથવા અમુક જગ્યાએ રસ્તો. આ સમગ્ર વિસ્તારમાં આદિવાસી પ્રજા રહે છે. જે આજે પણ ખેતી, મજૂરી, પશુપાલન, માછીમારી વગેરે પર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
અહીંનાં ઘણાં વિસ્તારો (કુલીથી ભાદલ) બહારનાં વિસ્તારથી સડક માર્ગથી કનેક્ટ ન હોવાને કારણે અફાટ કુદરતી સૌંદર્ય આજેપણ અકબંધ છે. આવાં વિસ્તારોમાં પહોંચીએ એટલે ચારે બાજુ ફેલાયેલી કુદરતને જોઈને મન તૃપ્ત થઈ જાય. અગાઉ ક્યારેય આવું કુદરતી સૌંદર્ય ન જોયું હોવાનો અફસોસ પણ થાય..
ભામટા પછી ભવતિ પહોંચી ત્યાં એકદમ નાનકડી રૂમમાં રસોડાનો તમામ સામાન અને થોડી અન્ય વસ્તુઓ જેને આશ્રમ તરીકે ઓળખવામાં આવે. બહાર ખુલ્લામાં સુઈ જવાનું. જમવાનું બની જાય એટલે પંગતમાં બેસી જવાનું. સદંતર ખુલ્લામાં સૂવાનો પ્રથમ અનુભવ, ચારેબાજુ જંગલ. મોટાભાગનાં પરિક્રમાર્થીઓ ઘસઘસાટ ઊંઘે. ખૂબ પ્રયત્ન બાદ ઉંઘ ન આવી એટલે પેલી ઓરડીમાં જઈ અને સુઈ ગઈ થાકને કારણે આજુબાજુ શું પડ્યું છે તે જોવાનો પણ વિચાર ન આવ્યો અને ઉંઘ આવી ગઈ.
અહીં પથારીની, સૂવાની જગ્યાની, બેસવાની જગ્યાની કોઈ પસંદગી હોતી નથી બસ જગ્યા મળે છે તેટલું જ મહત્વનું છે. તન અને મનની સારી એવી કસોટી થાય અને અંતે જો તેની કોઈ જીદ હોય તો હારવું જ પડે.
બસ આજે આટલું જ...
ક્રમશ:
Comments
Post a Comment