ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ
ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ
અમથી ગર ગાંડી નથી કે'વાઈ, જ્યાં પ્રકૃતિનો નહિ પાર,
અહીં મદભર ગેહંકે મોરલા, રૂડો કોયલ રાગ.
( એક મિત્રની રચના)
ગીર એટલે શિયાળે - ચોમાસે સોળે કળાએ ખીલતું અને ઉનાળામાં પાનખરમાં સૂકું ભઠ્ઠ બની જતું જંગલ. પક્ષીઓની કિલકારીઓથી ગાજતું વન એટલે ગીર. ક્યારેક ખળખળ વહેતાં નદી નાળાથી છલકાતું અને ક્યારેક પીવાં માટે પાણીનાં છીછરાં પોઇન્ટ ભરવાં પડે તેવું સૂકું ગીર. ગીરનું જંગલ એટલે નેસડામાં રહેતાં માલધારીઓ...
ફરી એક વખત ગીરને ખુંદવાનો મોકો મળ્યો.
તાલાલાનાં કાર્યકાળ દરમિયાન ચાર વર્ષ જેટલાં લાંબા સમયમાં ગીર સાથેની જીવનભર જોડાયેલી યાદીઓ ફરી પાછી જીવંત થઈ ગઈ. કંઈ કેટલાંય પ્રસંગો. કયો ભૂલું અને કયો યાદ કરું. ગિરીકંદરાઓ એટલી આકર્ષે જાણે ભૂલાં પડેલાં સ્વજનને સાદ પાડીને બોલાવતી હોય. લગભગ તો થોડાં થોડાં સમયે ગીર જવાનું થાય જ પણ દર વખતે કંઈ નવું જ ગીર હોય તેવો મનને ભાસ થાય.
આ વખતે મિત્રોનાં આગ્રહવશ ગીરનાં નેસમાં વસતાં માલધારીઓની મહેમાનગતિ માણી.
દાયકાઓ પહેલાંના સમયથી ગીરમાં વસેલાં માલધારીઓની જિંદગી આજે અઢાર વર્ષ બાદ (હું પહેલીવાર 2007માં મળેલી) પણ લગભગ એવી જ છે. એક કુટુંબનાં ભાઈઓ એકબીજાની નજીકમાં લાકડાં, માટી અને ગારનું લીંપણ કરેલાં ઘરમાં રહેતાં હોય. બહાર માલ (પશુધન) રાખવાનો મોટો વાડો હોય અને ફરતે રક્ષણ માટેની વાડ. તેમનાં આઠ દસ કુટુંબની વસાહતને નેસ તરીકે ઓળખવામાં આવે.
તેમનાં પરંપરાગત ડિઝાઇનનાં એકદમ સાદા પણ સુંદર એવાં ઘરનું આર્કિટેક્ચર એકદમ કામણગારું લાગે. લાંબી ઓસરીએ ઓરડાઓ. ઓસરીમાં બહાર રસોડું, રસોડામાં કાંધી (અભેરાઈ) પર ગોઠવાયેલાં તાંબા - પીત્તળ અને કાંસાના ચકચકિત વાસણોની હાર. ઓરડાઓમાં લાકડાંની પટ્ટીઓવાળી હવાની અવરજવર થઈ શકે તેવી મોટી બારીઓ અને તેની બહાર પ્લાસ્ટિકનાં વિંટેલા પડદાઓ. આજનાં યુગની લેટેસ્ટ ડિઝાઇન હોય તેવાં આકર્ષક લાગતાં હતાં.
ચારપાંચ વર્ષથી સોલાર લાઈટ મળવાને કારણે અહીં પંખા, લાઈટ, ઇન્વર્ટર જોવાં મળે બાકી સેલફોન નેટવર્ક માટે તો એકાદ ગણ્યો ગાંઠ્યો પોઇન્ટ મળે જે એકાદ ટેકરી પર હોય તેમ પણ બને.
તેમની મહેમાનગતિ એટલે સોરઠની મહેમાનગતિ. જેનાં દુહાઓ ગવાય તે યાદ આવી જાય. કઢેલાં દૂધ, ચોસલાં પડે તેવું દહીં અને તેની સાથે સાકર જ આપે. આ પદ્ધતિ એટલે આપણી પરંપરા અને આયુર્વેદનો સમન્વય. થાળી જેવડાં હાથનાં ઘડેલાં ચૂલામાં પકવેલાં રોટલાં, રસાવાળું શાક, લસણની ચટણી, જંગલમાં મળતી વસ્તુનું એકાદ અથાણું અને દહીં ,દૂધ ,ઘીની તો નદીઓ વહે.
પ્રેમ નીતરતો આગ્રહ બહુ પોતીકો લાગતો હતો.
મહેમાનો માટેનો અલાયદો ખંડ સંસ્કૃતિનાં વધુ એક પ્રતીક સમો હતો. જુદી જુદી ડિઝાઇનનાં ગૂંથેલા /ભરેલાં ખાટલા આપણી લુપ્ત થતી જતી કળાની સાક્ષી પૂરતાં હતાં.
આજે પણ સમગ્ર ગીર પંથકમાં ( જંગલમાં) નાનાં મોટાં ચોપન જેટલાં નેસ વસેલાં છે. પશુપાલન એ તેમનો એકમાત્ર વ્યવસાય. સવારથી ભેંસોને લઈને જંગલમાં ચરાવવા નીકળી જાય. બે ટાઇમ દૂધ ભરાય એટલે તેમનું ગુજરાન ચાલ્યાં કરે. કાળી એકદમ ચમકતી ચામડીવાળી ભેંસોને જોઈએ તો જંગલનું ઔદાર્ય તેનાં શરીર પર જોવાં મળે.
ભેગી થાય એટલે વનરાજાને પણ એકવાર હંફાવી દે તેવી બળુકી અને બહાદુર.
ગીરની ગિરિમાળાઓ વચ્ચે ફરતાં ફરતાં અનેક અલભ્ય વનસ્પતિઓ, ઔષધિઓના દર્શન થાય. લુપ્ત થતી જતી અલભ્ય વનસ્પતિઓની ઓળખ પણ એકદમ નિરાંતે કરવાં મળે.
ગિરિકંદરાઓ સોળે કળાએ ખીલી ઉઠી હતી. દૂર દૂરથી સંભળાતાં મોરનાં ટહુકાર મેહની રાહ જોતાં હતાં. ગીરની પશ્ચિમે અનરાધાર વરસાદ જાણે બારે મેઘ ખાંગા અને પૂર્વમાં રાહ જોઈ જોઈને થાકેલી ખાલી નદીઓ અને વોંકળાઓ. પાછું મધ્યગીર એટલે આરક્ષિત વન જેનું સૌન્દર્ય કંઇક નિરાળું જ લાગે. આ વખતે આ ત્રણેય અનુભવ લીધાં.
અહીં સમય જાણે થંભી ગયો હતો. જીવન એકદમ ધીમું છતાં ક્ષણે ક્ષણને માણી શકાય તેવું આહ્લાદક લાગતું હતું. એક દિવસ અનેક દિવસોનું સાટું વાળે તેવો ઊગ્યો હતો. મઘ્યગીરની વિદાય લઈ અને બીજી એક અદ્ભુત જગ્યાનો આનંદ લેવાં નીકળી પડ્યાં ત્યારે સોનેરી સાંજ ઢળતી હતી, ગોધુલીનો સમય થતો હતો ક્યાંક દૂર દૂર આરતીનો ઘંટારવ સંભળાતો હતો.
અમારું બીજું ગંતવ્ય સ્થાન શહેર કે ગ્રામ્ય વિસ્તારથી પણ માઈલો દૂર અને એકદમ ઊંચાઈ પર વન્ય વિસ્તારની લગભગ વચ્ચે આવેલું હતું.
સોહામણી સંધ્યા ખીલી અને વનરાજીઓ પર સોનેરી પ્રકાશ પાથરી દીધો હતો. ઊંચી નીચી ટેકરીઓ પરનું ટ્રેકિંગ ઠંડા પવનને કારણે આહ્લાદક લાગતું હતું. ખેરનાં જંગલ એટલે ચકલીઓ (ગોરૈયા) નું રાજ. ઝુંડના ઝુંડ ઊડતાં જોઈ અને હૈયાને એકદમ ટાઢક વળે.
વિશાળ ફાર્મને નજર ભરીને જોઈ શકાય તે રીતે ઊંચી ટેકરી પર બનાવેલું નાનકડું પણ સોહામણું ઘર હતું જ્યાં આમારે રહેવાનું હતું. વાળું પતાવીને સાંજે વાંસની ઝૂંપડી નીચે બેઠાં ત્યારે વાતાવરણ આહ્લાદક બની ગયું હતું.
ચંદ્રનો શીતળ પ્રકાશ, શિયાળોની લારી, તમરાઓનો ત્રમ ત્રમ, શેઢાળીનો ચોક્કસ આવાજ માત્ર શહેરથી જ દૂર નહિ, ગ્રામ્ય વિસ્તારનાં વાતાવરણથી પણ દૂર સુદુર જંગલની મધ્યમાં સૂતા હોવાનો ભાસ કરાવતાં હતાં. આમ તો જંગલ અહીંથી ક્યાં દૂર હતું. જ્યાં નજર ઠેરવીએ ત્યાં લીલીછમ વનરાઈઓ તેનાં પ્રદેશનો હવાલો આપી અને લલચાવતી હતી.
અજવાળી રાત્રિમાં શશી તેનાં તેજોમય કિરણો ચારે તરફ રેલાવતો હતો. દૂર દૂર હુક્તાં સાવજો જાણે હમણાં આસપાસ આવી જશે તેવો ભાસ થતો હતો જો કે, ખૂબ અંતર હોવાં છતાં પણ આ અવાજ નિરવ શાંતિને ચીરતો જાણે સાવ આસપાસમાં હોય તેવું લાગતું હતું. તમારાંઓ એ ચારેતરફ પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું હતું.
સામાન્યરીતે તહેવારોમાં પર્યટનનાં સ્થળોએ માનવ મહેરામણ ઉમટતો હોય છે પણ અમે જે જગ્યા પસંદ કરેલી ત્યાં અમારાં સિવાય કોઈ ન મળે. શહેરનાં કોલાહલથી દૂર થયાને માત્ર ચાળીસ કલાક જેટલો સમય પણ થયો નહોતો છતાં જાણે વર્ષોથી આ એકાંત સાથે હદયનાં તાર જોડાઈ ગયેલાં હોય તેવું ઊંડે ઊંડે અનુભવાતું હતું.
કુદરતનું રૂપ એકદમ અનોખું, સાવ નિરાળું છે.
તે કોઈપણ સ્થિતિમાં આપણને સ્વમાં સમાવી લે છે અને પોતાનાપણાનો અનેરો આસ્વાદ કરાવે છે છતાં મનુષ્ય શા માટે તેને નષ્ટ કરવાં પર ઉતર્યો છે તે સમજાતું નથી. કદાચ નરી સ્વાર્થવૃતિ અને કશુંક મેળવી લેવાની ઘેલછાં તેને પોતાના વિનાશ તરફ લઈ જઈ રહી છે.
નભ ઘણું દૂર હોવાં છતાં એકદમ પાસે હોય તેવું લાગતું હતું. અજવાળી ચૌદશની ચાંદનીની શુભ્ર સુંવાળી હૂંફ સાથે, ખુલ્લા આકાશ નીચે દસકાઓ પછી સૂવાનો જે સોનેરી અવસર મળ્યો તે બાળપણમાં ઘરની અગાશીમાં ભાઈ બહેનો સાથે લાઈનબંધ સૂતાં સૂતાં તારામંડળ જોવાની ખુશીની ઝાંખી કરાવતો હતો. દિવસભરની જંગલની રઝળપાટ બાદ થાક લાગવાને બદલે મન એકદમ પ્રફુલ્લિત અને શરીર ખૂબ સ્ફૂર્તિવાન સાથે પ્રાણવાન બની ગયું હોય તેમ એક એક અણું પોકારી પોકારીને કહેતો હતો. દૂર દૂરનાં દરિયાપારથી ઊઠીને ગીર પરથી આવતો સમીર ક્યારેક મંદ તો ક્યારેક સૂસવાટા બોલાવતો ત્યારે વનરાજીનો સ્વર પણ સાથે અરણ્યમાંથી સાથે ઉડીને શરીર સાથે મનને પણ સ્પર્શીને ભીંજવી જતો હતો.
ટોળામાં તો નહિ જ પરંતુ સાવ ગણ્યાં ગાંઠ્યા મિત્રો/સ્વજનો સાથે જ્યારે કુદરતનાં સાનિધ્યમાં પોતાની જાતને છૂટી મૂકી દઈએ છીએ તેમાં જ્યારે બહારનાં આવજો તો હોતાં જ નથી ત્યારે ભીતરનાં આવજો ધીમે ધીમે બહાર ડોકિયાં કરે છે. વર્ષો જૂની યાદો, સ્મરણો ફિલ્મની રિલની જેમ બંધ આંખ સામે પણ પસાર થતાં હોય છે. ખારાં મીઠા પ્રસંગો ધીમે ધીમે પૂરાં થઈ અને છેલ્લે એ રિલ પણ ખતમ થઈ અને પરમ શાંતિની દુનિયાનો અહેસાસ કરાવતી હોય છે.
આવાં સ્થળોએ શબ્દોની જરૂર તો લાગતી જ નથી. ક્યારેક તો આસપાસ થતી વાતો પણ વ્યર્થ, નિરર્થક અને નકામી લાગે કારણ કુદરતનું સાનિધ્ય અમાપ અને અપૂર્વ હોય છે.
આ બે દિવસોએ ઘણાં દિવસનો ઓકસીજન, શુધ્ધ પાણી અને એકદમ દેશી શુધ્ધ ખોરાકથી તનમનને તરબતર કરી દીધાં.
કુદરત શું નથી આપતી..
સુખ, શાંતિ, મનની અપાર સમૃધ્ધિ, ખુશી, સ્વાસ્થ્ય અને સંવેદના બધું જ આપે છે છતાં આપણે તેનો આદર કરી શકતાં નથી તે માનવમનની મોટી કમનસીબી છે.
ઘરે આવવાં નીકળ્યાં ત્યારે એક અલગ પ્રકારની એનર્જી, ખુશી અને સંવેદના સાથે પરત ફરી રહ્યાં હતાં ત્યારે મારાં હ્રદયના તાર સાથે જોડાયેલ ગીરનું અરણ્ય મારી સાથે સંકોરાઈને સાથે આવતું હોય તેવું સતત લાગતું હતું.
Comments
Post a Comment