જૂનું ઘર છોડતી વેળાએ
ટૂંક સમયમાં કહેવાશે કે,
એક હતું મારું અરણ્ય ....
(જૂનું ઘર છોડતી વેળાએ)
ગ્રીષ્મનાં મધ્યાહને સૂર્ય આગ ઓકતો હોય અને ચકલું પણ બહાર ફરકવાની હિંમત ન કરી શકે ત્યારે આંગણામાં હીંચકે બેસી અને ઝૂલી શકાય તેવું વાતાવરણ હોય તેને શું કહેવું...
અષાઢી મેઘ અનરાધાર વરસતો હોય ત્યારે ગીરની યાદ અપાવતું અને કડકડતી ઠંડી વચ્ચે તાપણું કરીને બેસતાં કે, ચૂલા પર રીંગણાં શેકી અને બાજરીના રોટલાં સાથે ચૂલા પર રાંધેલી ખીચડીનો અનેરો સ્વાદ આપતું અનન્ય સ્થળ એટલે મારું અરણ્ય...
ચારે બાજુ ફેલાયેલાં સવન, શેતુર, સાગ, ગરમાળો, લીંબુ, સરગવો, કદમ, ગ્લેરસેડિયા, કાંચનાર, કરેણ, કેળ, આંબા, બહેડા, પીલુ, ગૂગળ, કરમદા ....કોને ભૂલું કોને યાદ કરું...
ગીરની યાદમાં નાનું એવું ગીર બનાવવામાં મિયાવાકી જંગલ પદ્ધતિ કારગર સાબિત થઈ અને એકબીજા સાથે પોતાની તાકાત અને કુદરતી બંધારણ મુજબ હરીફાઈ કરી અને આભને આંબવાની કોશિશ કરતાં કરતાં બધાં છોડએ ભેગા મળી સામ્રાજ્યને ઘટાટોપ બનાવી દીધું. જાણે એકમેકનાં કાયમી સાથી. આપણને પણ આવી રીતે જીવતાં શીખવી જાય છે.
આંગણાની વચ્ચો વચ્ચ સ્થાપિત થયેલો માત્ર પંદર દિવસમાં બધાં પાન ખંખેરી અને નવાં પાનનાં ક્લેવર ધારણ કરતો મારો અરીઠો તો જાણે એકદમ અવિચળ ધ્યાનસ્થ સાધુ. જેની ફરતે ઓટલો બનાવી અને તેની શીતળ છાયાની તળે બેસવાનો અલૌકીક, અવિસ્મરણીય આનંદ. કદી ભૂલી ન શકાય તેવો.
અરીઠાનાં ઘટાટોપ છત્ર નીચે હીંચકો અને તેની ફરતે પ્રેયસીની જેમ વીંટળાયેલી પડદાવેલ. હીંચકા પર બેસે એને એકદમ લીલી ભીની લાગણીઓમાં તરબોળ કરી દેતી.
વનરાઈમાં સંતાકૂકડી રમતાં ચકલી, બુલબુલ , પોતાનાં પહાડી આવાજથી બધાને ડરાવતો ભારદ્વાજ, નિયત સમયે મારી બારીમાં ટહુકા કરી જતી દેવચકલી, માળા બનાવી પોતાની હાજરી પૂરાવતો દરજીડો, એક ડાળીથી બીજી ડાળી પર અને છેક ટોચ પર કૂદાકૂદ કરતી, વચ્ચે વચ્ચે પોતાનાં બે હાથ વચ્ચે પકડીને ટેટા ખાતી ખિસકોલીઓ જે બિલાડીની નજરે ચડી જાય ત્યારે તેને ભારે ચીડવતી.
વરસાદી માહોલ વચ્ચે રંગ બદલતો કાચિંડો, ચંદન ઘો. આ બધાં મારાં અરણ્યના કાયમી સાથી.
પપૈયા, કેળા, ટમેટાં, કોબી, ફ્લાવર, લીંબુ, શાકભાજી અને ફળફળાદી થી ભરપૂર મારું અરણ્ય....
બસ હવે ટૂંક સમયનું મહેમાન છે.
જીવનની ઘટમાળ ચાલ્યાં જ કરે છે. પરિવર્તન સંસારનો નિયમ છે પણ અમુક પરિવર્તન બહુ વસમાં લાગે છે.
લગ્નબાદ જીવનનાં પચીસ વર્ષ જ્યાં પસાર કર્યાં, જેણે જીવનને એક નવું જીવન આપ્યું, અનેક અનુભવો આપ્યાં તે તમામ સારાં માઠા સંભરણાઓ એટલે મારું અરણ્ય.
માટીનાં એક એક કણનું જાતે સિંચન કર્યું હોય. ઍ હવામાં મૌન લાગણી, સંવેદનાઓ, તરતાં રહેતાં હોય છે જાણે સાદ પાડીને હમણાં બોલાવશે.
નવી જગ્યા, નવું ઘર, તમામ પ્રકારની કલ્પેલી ન કલ્પેલી સગવડતાઓ, કશું જ ખૂટે નહીં તેવું નવું ઘર અકબંધ હોવાં છતાં સાવ અજાણ્યું અને ખાલી લાગતું હતું. બીજાને માટે કારણો કદાચ ક્ષુલ્લક હોઈ શકે પણ પાંપણ ઊંચકાય અને વિશાળ નભનાં દર્શનની ઝંખના, સમયે સમયે મલયાનિલ જુદો જુદો સ્પર્શ કરીને ક્યાંક છુપાઈ જતો પણ શોધું તો પાછો ખડો થઈ જતો એને શોધતી મારી આંખોમાં સૂનકાર ડૂસકાં ભરે છે.
તેની પાનખરનો સુકાયેલો રવ મને સાદ પાડતો અને રંગ બદલતી દુનિયાનો વધુ એક મિજાજ બતાવતો. એનાં પર થતાં મારાં પગરવ સ્વપ્નમાં પણ મારો સંગાથ કરે.
મારાં આ નાનાં એવાં વિશ્વ (અરણ્ય) એ મને શું નથી આપ્યું.
જાત સાથે જીવતાં શીખવ્યું, પોતાની જાતને ભૂલી જતાં શીખવ્યું, હરિયાળી મૌન વાચા સાથેનો સંવાદ શીખવ્યો, એકબીજા સાથેનાં મીઠો સંઘર્ષ પછીનો સમન્વય શીખવ્યો.
સમગ્ર દુનિયા જ્યારે ઓકસીજન રૂપી શ્વાસ માટે તડપતી હતી ત્યારે ઓક્સિજનનું આખું વિશ્વ મારી આસપાસ ખડું કરી અને સાચો શ્વાસ લેતાં શીખવ્યું. મારી એકલતાને એકાંતમાં પરિવર્તિત કરતાં શીખવ્યું. મૌનનો સાદ સાંભળતાં શીખવ્યું.
ઝાકઝમાળ અને નાવિન્યતા તરફની દોટને કારણે શહેરનાં જૂનાં થતાં જતાં વિસ્તારો ધીરે ધીરે ખાલી થઈ રહ્યાં છે. એક સમયે જૂનાં શહેરનાં હાર્દ સમાન વિસ્તારો લોકોને સૂના, ભેંકાર અને વાસી લાગી રહ્યાં છે. જ્યાં મનની શાંતિ અને જીવનનું વૈભવ્ય વધુ હોય તેને છોડીને લોકો ખોખલાં જીવન તરફ પ્રયાણ કરી રહ્યા છે.
ક્યારેક તે ખુશીથી હોય છે ક્યારેક ફરજિયાતપણે. સિમેન્ટનાં જંગલો વચ્ચે અટવાતાં લોકોને શુધ્ધ શ્વાસનાં પણ સાંસા પડવા લાગ્યાં છે. છતાં તેમાંથી બાકાત રહી શકાતું નથી.
મારાં માટે તો,
એક યુગની સમાપ્તિ સાથે સાથે મારી અંદર પણ ધીમેધીમે કંઇક ખરતું જતું, તૂટતું જતું, વિખેરાતું જતું હતું અને અંતે યાદોનાં વેરાન રણમાં દૂરદૂર કણ કણ સ્વરૂપે ફેલાતું જતું હતું.
જોરદાર
ReplyDeleteThank you
Delete