કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)
કોંકણ કોલિંગ
ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી ,
રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)
રાયગઢથી નીચે ઉતરી પાચડ ગામમાં આવીએ એટલે અહીં છત્રપતિ શિવાજી મહારાજના માતુશ્રી જીજાબાઈનું સમાધિ સ્થળ છે. થોડે આગળ જઈએ એટલે બૌધ ગુફાઓ આવેલી છે. વરસાદને કારણે અંદર જઈ શકાય તેમ પણ નહોતું. પાચડ ગામથી નીચે ઉતરીએ એટલે મહાડ આવે અહીંના પ્રખ્યાત વડાપાઉં ખાધાં, આંખમાં પાણી આવી ગયાં પણ મજા પડી ગઈ..
રોડ પર આવેલી એક હોટલમાં રાત્રિ મુકામ કરી અને સવારે ચિપલૂણ જવા નીકળ્યાં ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ફરી એક સુંદર સવાર , વાદળોની પાછળ છુપાયેલ સૂર્યદેવ, વરસતો વરસાદ, સર્પીલી સડકો, તેની પર પાણીની જેમ વહેતી જતી અમારી ગાડી, મિત્રોનો સંગાથ, મ્યુઝિક ~ ગીતો, નાસ્તો ...બીજું શું જોઈએ.
સ્થાનિક લોકો જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી કહે છે તે, ( સરકારનો દાવો નથી પણ અહીં એવરેજ 160 ઇંચ વરસાદ થતો હોય છે એવું તેમનું કહેવું છે) ચિપલૂણ કોંકણનું એક અગત્યનું , રમણીય અને પ્રાચીન કથાઓ સાથે જોડાયેલું નગર છે. કોંકણને ભગવાન પરશુરામના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાન પરશુરામે ઘોર તપસ્યા કરી અને દરિયાને અંદર ધકેલી દીધો જેમાંથી કોંકણ પટ્ટીની રચના થયેલી. આમપણ પ્રાચીન મંદિર, સ્થાન સાથે આવી કોઈને કોઈ વાર્તાઓ જોડાયેલી હોય જ છે. વશિષ્ટી નદીને કિનારે અને સહ્યાદ્રિની ગિરિમાળાઓની ગોદમાં વસેલું નગર એવું ચિપલૂણ વ્યાપારિક મહત્વ પણ ખૂબ ધરાવે છે. પરશુરામ ઘાટ તરીકે ઓળખાતા એકદમ ઊંચાઈવાળા રોડના વળાંક પરથી ગિરિમાળાઓની વચ્ચે વહેતી વશિષ્ટી નદી દેખાય છે આ દ્રશ્ય એટલું એકદમ નયનરમ્ય લાગે છે કે, હટવાનું મન ન થાય.અહીંથી ગોવાલ ધક્કા(જેટી)થી ક્રોકોડાઈલ સેન્ટર પર જવાય છે. પ્રાચીન પરશુરામ મંદિર ખૂબ સુંદર સ્થાન પર આવેલું છે. મંદિરોની ખાસિયત છે કે, તેની રચના કુદરતના ખોળે એકદમ રમણીય સ્થાન પર કરવામાં આવી હોય છે જેથી આસ્તિક હોય કે નાસ્તિક સહુને પોતાની દ્રષ્ટિ મુજબ આનંદ તો મળી જ રહે.
ચિપલૂણમાં એક મરાઠી મિત્રનાં આગ્રહવશ તેમને ત્યાં જવાનું થયું. દરેક વિસ્તાર,સંસ્કૃતિ ત્યાં વસતાં લોકોની એક આગવી ઓળખ હોય છે. અહીંના મકાનોની અગાશીને પણ છાપરાથી ફરજિયાત કવર કરવી પડે નહિતર ભારે વરસાદ મકાનને અને લોખંડને બહુ જલ્દી ખોખલુ કરી નાખે. મિત્રની મહેમાનગતિ એટલી જોરદાર હતી કે, નાસ્તામાં અમારું ભોજન થઈ ગયું. આ પ્રેમાળ કુટુંબ સાથે ઘણી વાતો કરવી હતી પણ સમયની માંગને કારણે આગળ વધવું ફરજિયાત હતું.
અમુક પ્રવાસ એવાં હોય કે, તેમાં ગંતવ્ય સ્થાનનું વધુ મહત્વ હોય પણ ત્યાં પહોચવાનો માર્ગ કોઇપણ હોઈ શકે. અમુક પ્રવાસ એવાં હોય જેમાં સુંદર, નયનરમ્ય માર્ગનું વધુ મહત્વ હોય પછી ભલે અંતિમ સ્થાન સાધારણ હોય. અમારા આ પ્રવાસની ખાસિયત એટલે પ્રવાસી પથ અને ગંતવ્યો બન્ને લોભાવનારા અને મન મોહી લેનાર હતાં.
જ્યાં જુઓ ત્યાં કુદરતની મોહિની અમાપપણે વિસ્તરેલી જોવા મળે. ઠેર ઠેર વોટરફોલ ક્યાંક નાનો ક્યાંક મોટો , ક્યાંક પથરાયેલો ક્યાંક પ્રપાત સ્વરૂપે. ધોધનું સ્વરૂપ ગમે તે હોય પણ અંતે સરનામું તો કુદરતનો ખોળો જ એટલે તેની મજા ભરપૂર જ હોય. બોમ્બે ગોવા નેશનલ હાઈવે પર ગિરિમાળાઓનાં ધોધની વચ્ચે વસેલાં સુંદર મજાના ગામની રજા લઈ , રોડની મજા લેતાં લેતાં અમે રત્નાગિરિ તરફ આગળ વધ્યા.
રત્નાગિરિ નામ આવે એટલે આલ્ફેન્ઝો મેંગોની સુગંધ મનને તરબતર ન કરી દે તે શક્ય જ નથી. રત્નાગિરીના દેવગઢની આલ્ફેન્ઝો મેંગો વિશ્વકક્ષાની પ્રસિદ્ધિ મેળવી ચૂકી છે. પણ આ શહેરમાં પ્રવેશીએ એટલે આ માન્યતા થોડી બદલાય પણ ખરી. પોતાની સંસ્કૃતિની ગૌરવગાથા ગાવા માટે જાણે આખું નગર તૈયાર હોય તેમ મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ, ઠેર ઠેર કોંકણનો ઇતિહાસ એક એક પૃષ્ઠ ખોલતો હોય તેમ લાગે. દરિયાકિનારો, દુર્ગ તેની માટે ખેલાયેલા યુદ્ધો, શહીદી વહોરેલા યોદ્ધાઓની શહીદી પણ અહીંના સ્મારકોમાં સુપેરે ઉજાગર થાય છે.
એક સુંદર સ્થાન પર અમારો પડાવ નિશ્ચિત કરી, સામાન ઉતારી નીકળી પડ્યા રત્નાગિરિ દુર્ગ ~ દરિયાના સંગમને માણવા. દરિયો, કિલ્લો, મંદિર, ઐતિહાસિક સ્મારક અને પ્રાકૃતિક સૌંદર્યનો સુભગ સમન્વય એટલે રત્નાગિરિ.
વધુ આવતાં અંકે....
આ વિસ્તારમાં શિવસેનાનો ભારે દબદબો છે
Comments
Post a Comment