ખાલીપો
ખાલીપો
રાત્રિના બે વાગ્યા હતા.
મંજરીની આંખ અચાનક ખૂલી ગઈ.
બાજુમાં વિનીત ઘસઘસાટ ઊંઘતો હતો. તેના શ્વાસનો લય એકસરખો હતો. રૂમમાં અંધકાર પથરાયેલો હતો અને ઘડિયાળની સેકન્ડની સોય એ અંધકારને ટક... ટક... ટક... કરીને ચીરતી હતી.
મંજરી છત સામે જોઈ રહી.
શરીરમાં ગરમીનો એવો ધસમસતો પ્રવાહ ઊઠયો, જાણે કોઈએ અંદરથી બારણાં બંધ કરી આગ સળગાવી હોય. ગભરામણ થવા લાગી, શરીર પરસેવે રેબઝેબ થઈ નીતરવા લાગ્યું.
એણે ચાદર હટાવી.બારી ખોલી.
બહારની રાત તો ઠંડી હતી.
વૃક્ષોના પાંદડાં ધીમેથી હલતાં હતાં. ચંદ્રનો ઝાંખો પ્રકાશ બારીમાંથી ડોકિયું કરતો હતો. આખી દુનિયા ઊંઘમાં હતી પણ મંજરીની અંદર રાત જાગી ગઈ હતી.
ડૉક્ટરે એને આ ગરમી/ હોટ ફ્લશનું નામ આપ્યું હતું, “મેનોપોઝ.”
બે સેકન્ડનું નિદાન.
“આ ઉંમરે થાય.” એટલું જ કહ્યું.
પણ શરીરની અંદર જે થતું હતું તેનું નામ કદાચ માત્ર મેનોપોઝ નહોતું.
કેટલીક ઋતુઓ શરીરમાંથી પસાર થાય છે ત્યારે સાથે જીવનની કેટલીક જૂની ઋતુઓ પણ વિદાય લેવા લાગે છે અને રાત્રે, જ્યારે આખું ઘર ઊંઘી જાય છે, ત્યારે સ્ત્રીને પોતાના જ જીવનની ખાલી ઓરડીઓ દેખાવા લાગે છે.
મંજરીને છેલ્લા કેટલાક મહિનાથી એ જ થતું હતું.
એણે મોબાઇલ હાથમાં લીધો.
દીકરાનો છેલ્લો મેસેજ બે દિવસ જૂનો હતો.
“મોમ, સુપર બિઝી. વિલ કોલ યુ ઓન વીકએન્ડ.”
દીકરીનો ગઈકાલનો મેસેજ,
“મમ્મી, બાળકોની સ્કૂલમાં બહુ કામ છે. પછી વાત કરું.”
મંજરીએ બંને મેસેજ ફરી વાંચ્યા.
આંખમાં આવી ગયેલાં પાણીને કારણે મોબાઇલની સ્ક્રીન પરનાં શબ્દો ધીમે ધીમે ઝાંખા થઈ ગયા.
એણે આંખો મીંચી.
બંને બાળકો ખૂબ સારા હતાં.
એમની સફળતાને તે પોતાની પ્રાર્થનાનો જવાબ માનતી આવી હતી.
દીકરો પોતાનું આકાશ શોધી ચૂક્યો હતો.
દીકરીએ પોતાનું ઘર વસાવી લીધું હતું.
બંનેની જીવનમાં મંજરી માટે એક સુંદર, સન્માનભર્યું સ્થાન હતું, પણ એ એમનું સમગ્ર જીવન ન્હોતી.
અને કદાચ મંજરીને હવે એ જ સમજાતું નહોતું.
જે ઘર માટે એણે આખી જિંદગી સમર્પિત કરી હતી, એ જ ઘર પોતાનાથી અળગું થતું જતું હોય એવું એને લાગતું હતું.
એણે ક્યારેય કોઈ મોટો ત્યાગ કર્યો હોય એવું એને લાગ્યું નહોતું.
ત્યાગ મોટા નિર્ણયોથી જ થાય એવું ક્યાં છે?
ક્યારેક આખી જિંદગી નાનાં નાનાં “નહીં”માં વહી જાય છે.
“હમણાં નહીં.”
“પછી.”
“આ વખતે શક્ય નથી.”
“બાળકો થોડા મોટા થઈ જાય પછી.”
“હમણાં ઘર વધારે જરૂરી છે.”
એ વખતે દરેક નિર્ણય યોગ્ય લાગ્યો હતો.
કોઈ નિર્ણય ખોટો પણ નહોતો.
વર્ષો પછી પાછું વળીને જોયું ત્યારે સમજાયું કે,
એ સમયે યોગ્ય લાગતા બધા નિર્ણયોએ જિંદગીમાંથી એક મહત્વનો આખો અધ્યાય જ ગાયબ કરી દીધો હતો.
લગ્ન પહેલાં મંજરી બીસીએ કરી ચૂકી હતી.
કોમ્પ્યુટરનો યુગ ત્યારે હજી નવો નવો હતો. સ્ક્રીન પર ઝબકતું કર્સર એને કોઈ અજાણી દુનિયાનું આમંત્રણ લાગતું. નોકરી કરીને કેરિયર બનાવવા માંગતી મંજરીએ
બે આકર્ષક જોબની ઓફર એટલા માટે જતી કરી કારણ કે, દાંપત્યજીવનના સુવર્ણકાળની શરૂઆત જ થઈ હતી જેને તે મન ભરીને માણવા માંગતી હતી.
કારણકે તે માનતી હતી કે, "પછી નોકરી ક્યાં નહીં કરી કરી શકાય."
પણ, એ સમય આવ્યો જ નહી.
આ સુવર્ણકાળ પૂરો થતાં જ મંજરીના જીવનમાં "પછી" નામના યુગનો આરંભ થયો.
પછી બન્ને બાળકો થયાં,
પછી બાળકોની પરીક્ષા, પછી વિનીતની બદલી, પછી સાસુની તબિયત, પછી દીકરાનું એડમિશન, પછી દીકરીનું લગ્ન.
અને દરેક “પછી” સાથે મંજરીનું પોતાનું જીવન થોડું વધુ પાછળ સરકતું ગયું.
"પછી" એ એની જિંદગીના પુસ્તકમાં પાનું વાળીને મૂકી દીધું, જે ફરી ક્યારેય ખૂલ્યું જ નહીં.
સવારના સાત વાગ્યે રસોડામાં વાસણોનો અવાજ થતો હતો.
વિનીત અખબાર વાંચતો હતો.
“આજે શું બનાવશે?”
“તમને જે ગમે તે.”
થોડી ક્ષણ પછી વિનીતે અખબારમાંથી નજર ઊંચી કરી.
“તને શું ગમે છે?”
મંજરીના હાથમાંનો ચમચો હવામાં જ અટકી ગયો.
“મને?”
“હા. તને.”
એ હસી.
એ હાસ્યમાં થોડી મૂંઝવણ હતી.
“મને ખબર નથી.”
વિનીત ફરી અખબારમાં ડૂબી ગયો.
સવાલ કદાચ વિનીત માટે ત્યાં જ પૂરો થઈ ગયો પણ એ સવાલ મંજરી માટે એ દિવસથી શરૂ થયો.
મને શું ગમે છે? એ સવાલ પોતાની જાતને પૂછવાનું જ ભૂલી ગઈ હતી.
એણે બધાની પસંદ યાદ રાખી હતી.
ફક્ત પોતાની પસંદનું નામ ભૂલી ગઈ હતી.
જૂની યાદો મન પર સવાર થઈ હતી.
બપોરે જૂના કબાટમાંથી એક ફોટો મળી આવ્યો.
પચ્ચીસ વર્ષની મંજરી.
ખભા સુધીના વાળ,હાથમાં પુસ્તકો,
આંખોમાં કોઈ દૂરના કિનારા તરફ જતી નદી જેવી ચમક.
મંજરીએ ફોટો હાથમાં લીધો.
લાંબો સમય જોયા કર્યું
પછી ધીમેથી પૂછ્યું,
“તું ક્યાં ગઈ?”
ફોટામાંની છોકરી કંઈ બોલી નહીં.
પણ એની આંખોમાંનો પ્રકાશ જાણે જવાબ બનીને ઊભો રહ્યો.
“હું ક્યાંય ગઈ નહોતી.
તું જ મારી પાસેથી દૂર જતી રહી.”
મંજરીની આંગળી ફોટાની ધાર પર ફરી.
એ છોકરીને કેટલાં નામ હતાં?
મંજરી
વિદ્યાર્થી
મિત્ર
કંઈક પોતાનું કરવાની હિંમત રાખતી યુવતી
પછી એ બધાં નામ એક પછી એક ખોવાઈ ગયાં.
મા
પત્ની
વહુ
દાદી નાની
અને
આ સંબંધોના મેળામાં મંજરી નામની સ્ત્રી ક્યાંક ભૂલી પડી ગઈ ગઈ.
સાંજે દીકરાનો ફોન આવ્યો.
“મમ્મી!”
માત્ર અવાજ સાંભળતાં જ મંજરીનું હૃદય વર્ષો પહેલાંની જેમ ભીનું થઈ ગયું.
“કેમ છે બેટા?”
“મજામાં. તમે દવા લો છો ને?”
“હા.”
“ડૉક્ટરને બતાવ્યું?”
“હા.”
“ગુડ. ટેક કેર, મોમ. લવ યુ.”
કોલ કપાઈ ગયો.
મંજરી ફોન હાથમાં લઈને બેઠી રહી.
લવ યુ.
કેટલાં વર્ષોથી એ બે શબ્દો એની અંદર દીવો પ્રગટાવતા આવ્યા હતાં.
પણ આજે એ દીવો પ્રકાશ કરતાં વધારે પડછાયો પાડી રહ્યો હતો.
એને અચાનક પોતાના પર જ ગુસ્સો આવ્યો.
“કેટલી સ્વાર્થી થઈ ગઈ છું હું!”
બાળકો સુખી છે.
તેમને પોતાની દુનિયા મળી ગઈ છે.
તો એમાં ખોટું શું છે?
શું મા હોવાનો અર્થ એ છે કે, સંતાનો જ્યાં જાય ત્યાં એની ખાલી જગ્યા પણ સાથે લઈ જાય?
એણે આંખો લૂછી.
અને અંદરથી કોઈએ ધીમેથી કહ્યું
“ના મંજરી...
તને બાળકોની ખોટ નથી.
તને તારી ખોટ છે.”
આ વખતે એણે એ અવાજને દબાવ્યો નહીં.
કારણ કે સત્યને જેટલું દબાવો, એ એટલાં જ વધુ ઊંડે મૂળ નાખે છે.
એ રાત્રે મંજરીએ વિનીતને પૂછ્યું,
“તમને ક્યારેય લાગે છે કે, આપણે સાથે તો રહીએ છીએ... પણ સાથે જીવતા નથી?”
વિનીતે આંખો ખોલી.
“શું થયું છે તને?”
“કશું નહીં.”
એ થોડું હસી.
“વિચારી રહી હતી... આપણે છેલ્લે ‘આપણા’ વિશે વાત ક્યારે કરી હતી?”
વિનીત ચૂપ રહ્યો.
બહાર ક્યાંક કુતરું ભસ્યું અને
પછી ફરી શાંતિ છવાઈ ગઇ.
“બાળકોની વાત કરીએ છીએ. એમની નોકરી,એમનાં બાળકો, એમનું ઘર,પૈસા, દવા, બિલ, બજાર.”
એ બારી તરફ જોતી રહી.
“પણ આપણે?”
આ સવાલ રૂમમાં લાંબો સમય તરતો રહ્યો.
વિનીતે ધીમેથી કહ્યું,
“હવે તો આરામ કરવાનો સમય છે.”
મંજરીએ આંખો બંધ કરી. વિનીતના હૂંફાળા આશ્લેષને ઝંખતું તેનું મન આ જવાબથી રડી પડ્યું.
આરામ?
એને આરામ નહોતો જોઈતો.
એને ફરી એક વાર કોઈ ગમતું કામ હાથમાં લેવું હતું.
કોઈ અજાણ્યો રસ્તો પસંદ કરવો હતો.
કોઈ સવાર પોતાના નામે કરવી હતી.
એને લાગ્યું
જીવનના આ તબક્કે એને આરામ નહીં, એક વાર ફરી પોતાને નામથી બોલાવતું હોય તેવું જીવન જોઈતું હતું.
રાત્રે મંજરીએ જૂની ડાયરી શોધી.
લગ્ન પહેલાં સુધી એ નિયમિત લખતી.
પછી લખાણ ઓછું થતું ગયું.
પહેલા અઠવાડિયામાં એક વાર.
પછી મહિનામાં.
પછી તહેવારે.
પછી...
કશું નહીં.
છેલ્લું અધૂરું પાનું ખોલ્યું.
પાનું પીળું પડી ગયું હતું.
શબ્દો ઝાંખા હતા.
પણ મંજરીને પોતાની જ યુવાનીનો ધબકાર સાંભળાયો.
એણે પેન હાથમાં લીધી.
વર્ષો પહેલાં જ્યાં વાક્ય અટકી ગયું હતું, ત્યાંથી આગળ લખ્યું,
“માતૃત્વ મારા જીવનનો સૌથી સુંદર અધ્યાય છે પણ આખું પુસ્તક નથી.”
એ પેનને થોડીવાર જોતી રહી.
પછી લખ્યું,
“મારા બાળકો મારી સિદ્ધિ છે.
પણ હું માત્ર એમની મા નથી.”
આટલું લખીને એ લાંબો સમય ચૂપ બેઠી રહી.
પછી પહેલી વાર ડાયરી કબાટમાં પાછી મૂકી નહીં. ટેબલ પર જ રાખી.
જાણે પોતાના જીવનને ફરી લખવા માટે જગ્યા બનાવવી હોય.
બીજા દિવસે સવારમાં વિનીત ઊઠ્યો ત્યારે મંજરી બગીચામાં હતી.
હાથમાં માટી,પગ પાસે નાનું કૂંડું.
“આટલી સવારે શું કરે છે?”
“કશુંક વાવું છું.”
“શું?”
મંજરીએ માટી તરફ જોયું.
પછી હસી.
“હજુ ખબર નથી.”
વિનીતને કદાચ આ જવાબ સમજાયો નહીં.
મંજરીને સમજાઈ ગયો.
વર્ષો સુધી એણે બીજાના જીવનને ઉછેર્યું હતું.
કોઈના સ્વપ્નને છાંયો આપ્યો હતો.
બીજાઓને ઉગાડતાં ઉગાડતાં કદાચ એ ભૂલી ગઈ હતી કે એની અંદર પણ એક નાનકડું બીજ પડેલું છે.
એ બીજ સુકાઈ ગયું હશે?
કદાચ નહીં.
બીજને જીવવા માટે ક્યારેક માત્ર એક ઋતુ જોઈએ.
અને મંજરીની અંદર કદાચ એ ઋતુ હવે આવી હતી.
એમાંથી કંઈક તો ઊગશે જ અને
કદાચ કશું જ નહી ઉગે તો પણ હવે એને પરિણામની ઉતાવળ નહોતી.
એને ફક્ત...
માટી નીચે પોતાનું બીજ ધબકતું અનુભવવું હતું.
મંજરીએ હાથમાંની ભીની માટી તરફ જોયું.
અને મનમાં પોતાની જાતને કહેતી હોય તેમ સ્વગત બોલી,
"મારે પણ એક વાર ઉગવું છે.”
સૂરજ ધીમે ધીમે બગીચાની વાડ પરથી ઊગતો હતો.
મંજરીએ માટીથી ખરડાયેલા પોતાના હાથ જોયા. એ હાથોમાં કરચલીઓ હતી.
વર્ષોની મહેનત હતી.
અગણિત સ્પર્શોની સ્મૃતિ હતી.
અને આજે પહેલી વાર...
એ હાથોમાં પોતાની જિંદગીનો અંકુર હતો.
એ ઊભી થઈ.
ઘરની અંદર ગઈ.
ટેબલ પર પડેલી ડાયરી ખોલી.
નવું પાનું ખોલ્યું.
એણે નીચે લખવાનું શરૂ કર્યું.
બહાર સવાર ઊગી રહી હતી.
અને અંદર...
ખાલીપો ભરવા માટે મંજરી
ધીમે ધીમે પાછી આવી રહી હતી.
Comments
Post a Comment