એકવીસ દિવસમાં કાયમી આદત પડી શકે?
એકવીસ દિવસમાં કાયમી આદત પડી શકે?
✍️ અમી દોશી
પંચામૃત પૂર્તિ: ફૂલછાબ
નવું વર્ષ આવે એટલે કેટલાય લોકો સંકલ્પ કરે છે હવે રોજ સવારે વહેલા ઊઠીશ, ચાલવા જઈશ, નિયમિત વાંચીશ, મોબાઇલનો ઉપયોગ ઓછો કરીશ. શરૂઆતના થોડા દિવસ ઉત્સાહ પણ રહે છે. પછી ધીમે ધીમે સવારનો એલાર્મ બંધ થવા લાગે છે, પુસ્તક ટેબલ પર જ રહી જાય છે અને મોબાઇલ ફરી હાથમાં આવી જાય છે!
આવું થાય ત્યારે આપણે ઘણી વાર પોતાની ઇચ્છાશક્તિને દોષ આપીએ છીએ. પરંતુ એક સવાલ વિચારવા જેવો છે: કોઈ નવી આદત કેળવવા માટે ખરેખર કેટલો સમય જોઈએ? એકવીસ દિવસ, છાસઠ દિવસ કે એનાથી પણ વધુ?
સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ પણ આદત પાડવા માટે એકવીસ દિવસ પૂરતા છે. આ માન્યતા એટલી પ્રચલિત થઈ છે કે અનેક લોકો તેને વૈજ્ઞાનિક હકીકત માની લે છે. પરંતુ આદત બનવા માટે એકવીસ દિવસનો કોઈ ચોક્કસ, સર્વમાન્ય વૈજ્ઞાનિક નિયમ નથી.
તો પછી છાસઠ દિવસની વાત ક્યાંથી આવી?
વર્ષ 2009માં યુનિવર્સિટી કોલેજ લંડનનાં સંશોધક ફિલિપા લેલી અને તેમના સાથીઓએ રોજિંદા જીવનમાં નવી આદતો કેવી રીતે વિકસે છે તેનો અભ્યાસ કર્યો. સહભાગીઓએ ખાવા-પીવાની કે શારીરિક પ્રવૃત્તિ સંબંધિત પોતાની પસંદગીનું એક વર્તન પસંદ કરીને બાર અઠવાડિયા સુધી રોજ કરવાનો પ્રયાસ કર્યો.
અભ્યાસમાં આદત કેટલી સહજ બની રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પરિણામે, આદતને લગભગ આપમેળે થતી સ્થિતિ સુધી પહોંચવામાં લાગેલો સમય વ્યક્તિ પ્રમાણે ઘણો જુદો હતો. અભ્યાસમાં આ સમય ૧૮ દિવસથી લઈને ૨૫૪ દિવસ સુધી જોવા મળ્યો. આશરે ૬૬ દિવસનો આંકડો સરેરાશ તરીકે નોંધાયો હતો; એટલે કે એ દરેક વ્યક્તિ માટે જરૂરી સમય નહોતો.
વધુ રસપ્રદ વાત એ છે કે 2024માં પ્રકાશિત થયેલી એક વ્યવસ્થિત સમીક્ષા અને મેટા-વિશ્લેષણમાં પણ આદત બનવાનો સમય નોંધપાત્ર રીતે બદલાતો હોવાનું જણાયું. વિવિધ અભ્યાસોમાં સરેરાશ સમય આશરે ૫૯થી ૬૬ દિવસ હતો, જ્યારે કેટલાક અભ્યાસોમાં ૧૦૬થી ૧૫૪ દિવસ સુધી પહોંચ્યો હતો. આ આંકડાઓ જુદી પદ્ધતિઓ અને મર્યાદાઓ ધરાવતા અભ્યાસોમાંથી આવ્યા છે; એટલે તેને દરેક વ્યક્તિ માટેનું સમયપત્રક માનવું યોગ્ય નથી.
આખરે, આદત માટે દિવસો કરતાં વધુ મહત્ત્વનું છે પુનરાવર્તન અને સંજોગો.
માણસના મગજની એક રસપ્રદ વાત એ છે કે કોઈ ક્રિયા વારંવાર કરવામાં આવે તો મગજમાં આ ક્રિયા માટે એક રસ્તો બની જાય છે. જેને ન્યુરલ પાથવે કહેવાય છે. એક વખત ન્યુરલ પાથવે બની જાય એટલે એ મસલ મેમરી બની જાય કેમ ક્રિયા કરાવવા માટે પ્રયત્ન નથી કરવો પડતો એ શરીર ઓટોમેટિક કરવા લાગે છે.
આપણે ડ્રાઇવિંગ શકીએ ત્યારે ક્લચ કરીને બ્રેક મારવા બાબતે વારંવાર યાદ રાખીને કરવું પડે છે. પણ એક વખત એ મસલ મેમરી બની જાય એટલે શરીર આપોઆપ બ્રેક મારતા પહેલાં ક્લચ પર પગ દબાવી દે છે!
આદતોનો પણ કંઈક આવું જ છે.
ધારો કે આપણે રોજ સવારે ચા પીધા પછી દસ મિનિટ વાંચવાનો નિર્ણય કરીએ છીએ. દરરોજ એક જ સમય અને એક જ સંજોગમાં આ કામ કરવાથી ધીમે ધીમે ચા પછી પુસ્તક ખોલવાની ક્રિયા સહજ બની શકે છે. શરૂઆતમાં યાદ રાખવું પડે, પછી પ્રયત્ન કરવો પડે અને સમય જતાં એ કામ માટે ઓછો સભાન પ્રયાસ કરવો પડે.
નવી આદત કેળવવામાં બીજી એક બાબત મદદરૂપ બને છે: કામને નાનું અને સ્પષ્ટ રાખવું. “હવે રોજ કસરત કરીશ” એ અસ્પષ્ટ સંકલ્પ છે. એની જગ્યાએ “સવારે ચા પહેલાં પાંચ મિનિટ ચાલવાનું શરૂ કરીશ” એવો નિર્ણય અમલમાં મૂકવો સરળ બની શકે છે. પછી ક્ષમતા અને અનુકૂળતા પ્રમાણે સમય વધારી શકાય.
આ ઉપરાંત, નવી આદતને જૂની દિનચર્યા સાથે જોડવાથી પણ મદદ મળી શકે છે. નાસ્તા પછી દવા લેવી, રાત્રે દાંત સાફ કર્યા પછી પુસ્તકના બે પાનાં વાંચવાં કે કામ પૂરું થયા પછી થોડી વાર ચાલવું આવી નિશ્ચિત જોડાણો નવી ક્રિયાને યાદ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
અને એક દિવસ આદત ચૂકી જવાય તો? તેનો અર્થ એ નથી કે અત્યાર સુધીની મહેનત વ્યર્થ ગઈ. લેલીના અભ્યાસમાં એક પ્રસંગે ક્રિયા ચૂકી જવાથી આદત બનવાની પ્રક્રિયા પર નોંધપાત્ર અસર જોવા મળી નહોતી. જોકે વારંવાર લાંબો વિરામ પડે તો નિયમિતતા જાળવવી મુશ્કેલ બની શકે છે. એટલે એક દિવસ ચૂકી જવા કરતાં ફરીથી શરૂઆત કરવી વધુ મહત્ત્વની છે.
આપણે ઘણી વાર આદત પાડવા માટે નક્કી કરેલા દિવસોની ગણતરી કરીએ છીએ હજી કેટલા દિવસ બાકી છે? પરંતુ કદાચ વધુ ઉપયોગી સવાલ એ છે કે આજે હું આ કામને મારી દિનચર્યાનો ભાગ કેવી રીતે બનાવી શકું?
કારણ કે આદત કોઈ જાદુઈ તારીખે અચાનક જન્મતી નથી. તે નાના નિર્ણયો, વારંવારના પ્રયાસો અને અનુકૂળ સંજોગોથી ધીમે ધીમે વિકસે છે.
આદત બનવા માટે એકવીસ દિવસની ખાતરી નથી, છાસઠદિવસની પણ નહીં. પરંતુ દરેક વખતનું પુનરાવર્તન આપણને એ દિશામાં એક પગલું આગળ લઈ જઈ શકે છે.
કદાચ સફળતાનું રહસ્ય દિવસો પૂરા કરવામાં નહીં, પરંતુ દિવસો પૂરા થાય એ પહેલાં પ્રયત્ન છોડી ન દેવામાં છે.
લાસ્ટ વેવ્ઝ:
આપણે ત્યાં ખૂબ જૂની કહેવત છે,
બાર ગાઉએ બોલી બદલે, તરુવર બદલે શાખા, ઘડપણમાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા.
આની પાછળનું વિજ્ઞાન એ છે કે, એક વખત કોઈ ક્રિયા અંગે ન્યુરલ પાથવે બની જાય તો એ મસલ મેમરીમાં તે કાયમ માટે સેવ થઈ જાય છે અને આજીવન રહે છે. આ ન્યુરલ પાથવે અને મસલ મેમરી એકવીસ દિવસમાં જ બની જાય એવું જરૂરી નથી.કેટલાક દિવસોથી લઈને અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે. ટૂંકમાં,કાયમી બદલાવ માટે એકવીસ દિવસ નહીં, પણ સાતત્ય અને સમયની જરૂર પડે છે.
Comments
Post a Comment