કોબ્રા ઇફેક્ટ: જ્યારે ઉપાય જ ઉપાધિ બની જાય..

કોબ્રા ઇફેક્ટ: જ્યારે ઉપાય જ ઉપાધિ બની જાય..
✍️અમી દોશી
પંચામૃત પૂર્તિ ફૂલછાબ

કોઈ મોટી સમસ્યા સામે આવે ત્યારે આપણું મન સૌથી પહેલાં રાહત શોધે છે. સીધો, ઝડપી અને સરળ ઉકેલ મળી જાય તો જાણે અડધી ચિંતા ઓછી થઈ જાય. મનોવૈજ્ઞાનિક ડેનિયલ કાનેમન જેને "ઝડપી વિચાર" કહે છે, એ આપણને લાંબી ગણતરીને બદલે પહેલો તાર્કિક લાગતો રસ્તો પકડાવી દે છે. કોબ્રા ઇફેક્ટની શરૂઆત અહીંથી જ થાય છે.

કહેવાય છે કે બ્રિટિશ શાસન વખતે દિલ્હીમાં કોબ્રાનો ત્રાસ વધ્યો, એટલે સરકારે મરેલા સાપ પર ઇનામ જાહેર કર્યું. લાલચમાં આવી લોકોએ સાપ ઉછેરીને ઇનામ કમાવાનું શરૂ કર્યું, અને યોજના રદ થતાં બધા સાપ છૂટા મૂકી દીધા. આ કથાના પાકા દસ્તાવેજી પુરાવા નથી, ઇતિહાસકારો તેને લોકકથા ગણે છે. પણ કથા ટકી રહી છે, કારણ કે તેમાં માણસના મનનું એક સનાતન સત્ય છુપાયેલું છે. જર્મન અર્થશાસ્ત્રી હોર્સ્ટ સીબર્ટે એના પરથી "કોબ્રા ઇફેક્ટ" શબ્દ આપ્યો.

સવાલ એ છે કે લોકોએ આવું કેમ કર્યું? કારણ કે યોજના બનાવનારા માનતા હતાં કે, લોકો હેતુને સમજીને વર્તશે, પણ માણસનું મન હેતુ કરતાં નિયમની ગોઠવણ તરફ વધુ ધ્યાન આપે છે. જ્યાં ઇનામ મળે, ત્યાં મન આપોઆપ પૂછવા લાગે છે: "સૌથી ઓછી મહેનતે પૈસા કેવી રીતે મળે?" એ આપણી સહજ વૃત્તિ છે. દોષ માણસનો નથી, દોષ એવી ગોઠવણનો છે જે આ વૃત્તિને ગણતરીમાં લેતી નથી. વળી, લોકો પોતાની નજરમાં "સારા" રહીને જ ગેરરીતિ કરે છે. સાપ ઉછેરનારો પોતાને ગુનેગાર નહીં, હોશિયાર વેપારી ગણે છે. "નિયમમાં ક્યાં ના પાડી છે?" એવી દલાતરવાડી જેવી દલીલથી મન પોતાને સમજાવી લે છે,  અંતરાત્મા સાથે સમાધાન જેટલું સહેલું તેટલી ગોઠવણની નાનકડી તિરાડ ધીમે ધીમે મોટી ખાઈ બની જાય છે.
ઇનામની બીજી એક મોટી અસર પ્રેરણા પર પણ પડે છે. 1973માં મનોવૈજ્ઞાનિક માર્ક લેપર અને તેમના સાથીઓએ ચિત્ર દોરવાનું ગમતું હોય એવાં બાળકો પર પ્રયોગ કર્યો. એક જૂથને કહેવાયું કે ચિત્ર દોરશો તો ઇનામ મળશે, બીજાને કોઈ વચન ન અપાયું. પછી ઇનામ વગર દોરવાની છૂટ મળી ત્યારે ઇનામનું વચન મેળવનારાં બાળકોએ ઓછો રસ બતાવ્યો. જે કામ પહેલાં આનંદ માટે હતું, તે હવે "ઇનામ માટેનું કામ" બની ગયું. બહારનું પ્રોત્સાહન અંદરની પ્રેરણાને ધીમે ધીમે ગળી જાય છે.

દંડનું પણ કંઈક એવું જ છે. ઇઝરાયલના ડે-કેર સેન્ટરોમાં બાળકોને લેવા માટે મોડાં આવતા માતાપિતા પર દંડ લાદવામાં આવ્યો, અપેક્ષા હતી કે મોડાં આવનારાનું પ્રમાણ ઘટશે. થયું ઊલટું, મોડાં આવનારા વધી ગયાં. પહેલાં મોડું થાય તો મનમાં શરમ અને ખટકો રહેતો. દંડ આવતાં જ એ નૈતિક બોજ હટી ગયો અને મોડું આવવું એક "ફી" બની ગયું. પૈસા ચૂકવી દીધા એટલે વાત પૂરી. જે નિયમ વર્તન સુધારવા માટે આવ્યો હતો, તેણે જ અંતરાત્માને બાજુપર મૂકી દીધો.

આ જ કારણ છે કે, "અર્થશાસ્ત્રી ચાર્લ્સ ગુડહાર્ટનો નિયમ આટલો જાણીતો છે: જ્યારે કોઈ માપદંડ પોતે જ લક્ષ્ય બની જાય, ત્યારે તે સારો માપદંડ રહેતો નથી." વિદ્યાર્થીને ગુણથી માપીએ તો તે સમજવાને બદલે ગોખે છે. કર્મચારીને કલાકોથી માપીએ તો તે કામ કરવાને બદલે બેસી રહે છે. આપણે જે માપીએ છીએ, માણસ એ જ બનવા લાગે છે, એનાથી હેતુ બાજુ પર રહી જાય છે.

આ બધાના મૂળમાં એક જ વાત છે: આપણે "પહેલાં પગલાં"ના પરિણામ વિચારીએ છીએ, "બીજા પગલાં"ના નહીં. ઇનામ આપીશું તો લોકો સાપ મારશે, એ પહેલું પગલું. પણ ઇનામ મળતું રહે એ માટે લોકો શું કરશે, અને ઇનામ બંધ થશે ત્યારે શું થશે, એ બીજું અને ત્રીજું પગલું આપણી નજરની બહાર રહી જાય છે. મન સામે દેખાતી સમસ્યા પર એટલું ચોંટી જાય છે કે એની આસપાસની આખી માનવ-વ્યવસ્થા અદૃશ્ય થઈ જાય છે.

આપણા રોજિંદા જીવનમાં પણ આવા માનસિક કોબ્રા ચૂપચાપ ફરતા રહે છે. બાળકને "પરીક્ષામાં સારા ગુણ લાવીશ તો ભેટ આપીશ" એમ કહીએ ત્યારે આપણે અજાણતાં શીખવીએ છીએ કે, "ભણવું એ કંટાળાજનક કામ છે અને ભેટ એની કિંમત."

 ઓફિસમાં મોડે સુધી બેસનારને શાબાશી મળે તો લોકો કામ નહીં, હાજરી બતાવવા લાગે છે. સોશિયલ મીડિયા પર "લાઇક" મળે એટલે માણસ સાચું બોલવાને બદલે ગમે તેવું બોલવા લાગે છે. દરેક વખતે મૂળ વાત એક જ છે,જેનો બદલો મળે, એ જ વર્તન વધે.

તો ઉપાય શું? કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એક નાનો પ્રશ્ન પૂછવો: "જો હું સામેની વ્યક્તિની જગ્યાએ હોઉં, તો આ ગોઠવણનો મારા ફાયદા માટે કેવી રીતે ઉપયોગ કરું?" આ એક પ્રશ્ન ઘણા કોબ્રાને જન્મતા પહેલાં જ રોકી શકે છે. અને જ્યારે વ્યક્તિને લાગે કે તેનું કામ કોઈ મોટા હેતુ સાથે જોડાયેલું છે અને તેના પર ભરોસો મુકાયો છે, ત્યારે તેને શોર્ટકટ શોધવાની જરૂર જ નથી પડતી. નિયમો કરતાં સમજણ વધુ દૂર સુધી ચાલે છે.
સારા ઇરાદા પૂરતા નથી. સાચો ઉકેલ એ છે જે સમસ્યાની સાથે માણસના મનને પણ સમજે. નહીં તો આપણે ઉતાવળમાં સમસ્યા ઉકેલ્યાનો સંતોષ માણતા હોઈએ છીએ, અને અંધારામાં ચૂપચાપ નવા કોબ્રા ઉછેરતા હોઈએ છીએ.

લાસ્ટ વેવ્ઝ: ઉકેલ શોધવો સહેલો છે, પણ ઉકેલ પછી માણસ શું કરશે એ વિચારવું અઘરું છે. જે એ વિચારી શકે છે, તે સમસ્યા ઉકેલે છે. જે ન વિચારે, તે સમસ્યાને ઉછેરે છે.


Comments

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

અજંપો

માફી