શું તમે ઘરે બેઠાં વિશ્વની સેવા કરવા માંગો છો?

✍️ અમી દોશી

       27/06/2022

        રાજકોટ

જેમ આપણે વારે તહેવારે ફરવા જઈએ છીએ તેમ ક્યારેક એકવાર આપણાં ગામ/શહેરની લેન્ડ ફિલ સાઇટ(જ્યાં ગામનો બધો કચરો ઠલવાય છે.) તેની મુલાકાત લઈએ તો ખ્યાલ આવે કે , આપણાં દ્વારા કેટલાં ગણી ગંદકી ઠલવાય છે.

  સામાન્ય રીતે શહેરની આસપાસનું કોઈ એક ગામ લેન્ડ ફીલ સાઈટ  માટે નક્કી થયેલ હોય છે.અને ગ્રામ્ય વિસ્તારમાં  ભાગોળ પર ઠલવાય છે. રાજકોટની લેન્ડ ફિલ સાઇટ નાકરાવાડી ગામ પાસે આવી છે.

આ સાઈટની 5 કિમિ.દૂર હોઈએ ત્યાં જ માથું ફાડી નાખે તેવી ભયઁકર દુર્ગંધનો સામનો કરવો પડે છે.તો એ ગામના લોકોની શું દશા હશે?

બસ, રોજની કાળજીપૂર્વકની 15 મિનિટ આપીએ એટલે ઘરે બેઠાં ખૂબ મોટી સેવા થઈ શકે. જે કોઈ પણ કરી શકે.અહીં જેન્ડર,ઉંમર,શૈક્ષણિક લાયકાત કોઈ પણ બાબત બાધ્ય નથી બસ ઇચ્છાશક્તિ અને એ કામ કર્યાનું ગૌરવ થાય એટલું જ મહત્વનું છે.

કચરો એટલે જેની સૌથી નિમ્ન કક્ષામાં ગણતરી થાય,લોકો મોઢું બગાડે,સુગ ચડાવે...

પણ એ જ કચરો સમગ્ર સૃષ્ટિને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે.વિશ્વના મોટાભાગના દેશોમાં 80%ડ્રાય વેસ્ટ અને 20%વેટ વેસ્ટ(ભીનો કચરો) નીકળે છે. જ્યારે ભારતમાં તેનાથી તદ્દન વિરુદ્ધ 70 થી 80% ભીનો કચરો અને 20 થી 30% સૂકો કચરો નીકળે છે.કારણ આપણે હજુ પણ તૈયાર (રેડી ટુ ઇટ) ભોજનને બદલે રસોઈ બનાવવામાં માનીએ છીએ.

જો કે પેકેજીંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આપણાં જીવન પર દિવસેને દિવસે કબજો જમાવતી જાય છે.શું ખાવું અને શું ન ખાવું? કેવું ખાવું? (આ બધાં પર તો એક બીજો લેખ લખી શકાય અને વિષયાંતર થઈ જશે.)

બસ આપણે ઘરમાંથી નીકળતાં કચરા તરફ  ધ્યાન આપીએ અને એનર્જીના કુદરતી સ્ત્રોતનો આદર કરીએ તો પણ મોટી ક્રાંતિ લાવી શકાય.ભીના કચરાને અલગ કરીએ અને શક્ય હોય તો તેનું ખાતર બનાવીએ.કોઈપણ પ્રકારનું મકાન/ફ્લેટ હોય આ વાત શક્ય છે, અથવા સોસાયટી/એપાર્ટમેન્ટમાં સામૂહિક રીતે પણ ખૂબ સુંદર કાર્ય થઈ શકે.(આ પ્રક્રિયા શીખવી અને અમલમાં મૂકવી ખૂબ જ સહેલી છે.)

સૂકા કચરામાં અનેક પ્રકાર હોય છે.

પ્લાસ્ટિક(ડિગ્રેડેબલ-નોન ડિગ્રેડેબલ)

મેટલ,પૂંઠા,ઇ વેસ્ટ.

સૂકા કચરામાં ઘરમાંથી નીકળતી ધૂળને ફરી પાછી કોઈપણ પ્લાન્ટના કુંડામાં નાખીએ તો ઘરની બહાર નાખવાનો મુદ્દો જ ઉપસ્થિત થતો નથી.

છાપા પૂંઠાને અલગ પાડી પસ્તીમાં આપીએ.(લોકો આ વાતને low dignity માને છે પણ એ કરી શકવું તે ગૌરવની વાત છે.)

ટેકનોલોજીના વિકાસ સાથે ઇ વેસ્ટનો પણ વિસ્ફોટ સર્જાયો છે.આપણે વારે તહેવારે છાપામાં જોતાં હોઈએ છીએ કે વિશ્વના અનેક દેશોમાં કોમ્યુટર,ફ્રીઝ,ટીવી વગેરેના મોટાં મોટાં ઢગલાં ખડકાયેલાં હોય છે.આપણાં દેશમાં તેનું પ્રમાણ હજુ ઓછું છે. આવાં ઇવેસ્ટને કચરાની ડૉલમાં નાખવાને બદલે એકત્ર કરી અને સ્પેશિયલ ઇ વેસ્ટ રિસાયકલિંગ માટે આપીએ.

રોજબરોજના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બેગ, કાચ/પ્લાસ્ટિકની બોટલ કે જેમાં ઘણી વસ્તુઓ ઘરમાં આવતી હોય છે જેને આપણે નકામી ગણી અને કચરામાં પધરાવતા હોઇએ છીએ.તેમાંથી જેટલી ફરી ઉપયોગમાં આવી શકે તેવી હોય તેનો reuse(ફરીથી ઉપયોગ કરવો) કરવો જોઈએ.Reuseમાં  ઘણાં લોકો નાનમ અને શરમ અનુભવતાં હોy છે.હકીકતમાં 3R (reduce,reuse and recycle)  જો દેશનો દરેક વ્યક્તિ આ 3R ને વત્તે ઓછે અંશે  જીવનમાં અપનાવી લે તો,જીવન અને પર્યાવરણ બંને રળિયામણાં થઈ જાય.

વિશ્વના ઘણાં દેશો આ બાબતે ખૂબ જાગૃત છે.સરકારે પણ કાયદાકીય ખૂબ મોટાં ફેરફાર કર્યા છે.પેકેજિંગ એક્ટ લાવ્યાં,જેમાં રિસાયકલિંગમાં જર્મની મોખરે છે અને આપણો દેશ ઘણો પાછળ છે.

ઘણાં લોકો દોષનો ટોપલો સરકાર પર ઢોળી અને પોતાની નૈતિક,સામાજિક અને વ્યક્તિગત ફરજથી ઢાંક પીછોડો કરતાં હોય છે.પોલિસી લેવલની વાત છે તે સરકારનું કામ છે પણ આપણું કામ છે આપણા લેવલની સહભાગિતા.

ત્રણ R ને જીવનમાં અપનાવીએ અને પર્યાવરણ બચાવીએ.

REUSE

REDUCE

RECYCLE

હું 3R નું પાલનમાટે સતત પ્રયત્નશીલ છું તમે કરશો?

આપણો નાનો એવો  પ્રયત્ન એ 

પર્યાવરણની મોટી સેવા સમાન છે.

પર્યાવરણ બચશે તો આપણે જીવી શકીશું

અસ્તુ

Comments

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

અજંપો

માફી