ખોળિયાં
ખોળિયાં
✍️ અમી દોશી
ગામના ઝાંપામાં દાખલ થતા જ કાનજીભાઈએ બનાવેલ આર.સી.સી.નો નવોનક્કોર બંગલો પર ગામ આખાની નજર પડતી. ગામનાં નળિયાંવાળાં અને ગાર-માટીથી લીંપેલાં ખોરડાંઓ વચ્ચે આ બે માળનો પાકો બંગલો સાવ નોખો તરી આવતો.
સુરત ગયેલા કાનજીભાઈએ હીરાના કારખાનામાં ખૂબ સારી કમાણી કરી, એટલે ગામમાં વટ પાડવા અને મા-બાપને ‘સુખ’ આપવા માટે, માતા પિતાએ બનાવેલ જૂનું ગાર-માટીની ઓસરી અને નળિયાંવાળું ખોરડું પાડીને આ આધુનિક પાકું મકાન બનાવી આપ્યું હતું. એની સીધી સપાટ સિમેન્ટની દીવાલો, મોટી સરકતા કાચવાળી બારીઓ અને બહારથી લગાવેલો આછો ગુલાબી કલર જાણે કોઈ પારકા પ્રદેશમાંથી ઊંચકીને અહીં મૂકી દીધો હોય એવો લાગતો. બંગલો ગામની શાન હતો. આખા ગામના લોકો બંગલો જોઈને આભા થઈને કહેતાં કે, "રામજીબાપા અને રૂડીમાએ ઓલ્યા ભવમાં કોક હારા કરમ કૈરાં હઈશે તઈ જાતી જંનગીમાં આ રાજાના મેલ જીવા બંગલામાં રેવા મૈડું સે."
રામજીબાપા અને રૂડીમા પણ બંગલો જોવા આવનારને ચા પાણી પીવડાવતાં અને બધાનો આભાર માનતાં. બેય માણસ કાનજીના વખાણ કરવામાં જરાય ઊણપ ન રાખતાં.
કાનજીભાઈ પોતાના બાળબચ્ચાં સાથે સુરતમાં સ્થાયી થયા હતા. ગામડે વૃદ્ધ માતા-પિતા એકલાં રહેતાં હતાં.
શિયાળો વીત્યો ને ઉનાળો આવ્યો. પણ જેમ જેમ ઉનાળો આવતો ગયો તેમ તેમ આ ભવ્ય બંગલોએ પોતાના રંગ બતાવવાનું ચાલુ કર્યું. ચૈત્ર મહિનો તો રામજીબાપા અને રૂડીમા એ જેમ તેમ કરીને કાઢી નાખ્યો. વૈશાખ મહિનો આવ્યો....
વૈશાખની મધ્યાહને સૂર્ય જ્યારે બરાબર ઉપર આવતો ત્યારે ધોમધખતા બપોરના તાપમાં સિમેન્ટની દીવાલો બહારની ગરમી શોષીને અંદર ઠાલવતી. ત્યારે આખો બંગલો ઈંટોની ભઠ્ઠીની માફક ધખી ઊઠતો.
સિલીંગ ફેન લુહારની ધમણની માફક ગરમ હવા ફેંકી રહ્યો હતો એટલે રૂડીમા પલંગ પરથી ઊભાં થઈને ઘરમાંથી ગોદડું લાવીને પંખાથી દૂર જમીન પર પાથરતાં બોલ્યાં, "આ ગાદલાં તો કુણ જાણે કઈ જાતના સે, હેઠેથી વરાળું મેલે સે!"
રૂડીમાના કપાળ પરથી પરસેવો નીતરીને એમની આંખોમાં જઈ રહ્યો હતો. એમણે ખાટલા પર બેઠેલા રામજી કાકા સામે જોયું. કાકા ફાળિયાથી પરસેવો લૂછી રહ્યા હતા.
અકળામણ અનુભવતાં રૂડીમા ઊભાં થયાં અને ફ્રીજમાં રાખેલી ઠંડા પાણીની બોટલ કાઢી. થોડું પાણી પીધું અને બોટલ પોતાના ધણી તરફ લંબાવતા કહ્યું, "લ્યો તમેય બેક ઘુંટડા ભરો, આ મૂઈ ગરમીએ તો હાવ જીવ લીધો સે."
રામજી કાકાએ બોટલમાંથી થોડું પાણી પીધું. બોટલ બાજુમાં મૂકતાં બોલ્યા, "કાનજીની બા, તમને હાચુ કવ તો આ ફરીજના પાણીમાં ઓલા માટલાના પાણી જેવી મીઠાહ નથ હો."
રૂડીમાએ કહ્યું, "તમારી વાત હાવ હાચી સે. ફરીજના પાણીથી સોદરી જ નથ વરતી." એમના અવાજમાં આધુનિકતા સામેની ખારાશ ઉભરી આવી.
રામજી કાકા ઊભા થઈ બાથરુમ તરફ ચાલ્યા. બાથરૂમમાં જઈ ફાળિયું પલાળીને પહેરણ વગરના ખુલ્લા શરીર મૂક્યું.
રૂડીમાથી રહેવાયું નહિ એટલે બોલી ઊઠ્યાં, "બવ ગરમી થાતી હોય તો દીકરાએ ઓલું ભીંત્યે એસી નંખાઈવું સે, ઈ સાલુ કરું?"
રામજી કાકાએ તરત ના પાડતાં કહ્યું, "ના રે ના! ઈ મશીનની ટાઢ્ય આપણા ગઈઢાં હાડકાં ખમી નો હકે. ગયે અઠવાડિયે કાનજી આઇવો તયે સાલુ કઈરુંતું, તે આખો દી મારા હાંધા કઇળા'તા. ઈ બંધિયાર હવાની ટાઢ્ય આપણને નો કોઠે પડે.મારે તો આ ભીનું ફાળિયું જ બરોબર સે. રોંઢે તો ટાઢક વળી જાહે."
"હા, ઈ તો બરોબર, પણ આ બપોર કાઢવી બવ વહમી લાગે સે આ બંગલામાં. બળ્યો આ બંગલો..." રૂડીમાએ નિસાસો નાખીને કહ્યું.
"વાત તો તમારી હાચી સે. પણ દીકરાએ પંદર લાખ ખરસી બંગલો બનાઈવો સે, આમાં રિયા વગર છૂટકો થોડો સે?" રામજી કાકાએ હળવી ઉધરસ ખાઈને કહ્યું. રૂડીમાએ જે તરફ રામજી કાકા સૂતા હતા તે તરફ પડખું ફેરવ્યું.
આખો દિવસ બંગલાની અકળામણમાં કાઢ્યા પછી માંડ સાંજ પડી અને સૂરજનો તાપ નરમ પડ્યો. વાળુ પાણી પતાવીને રામજી કાકા અને રૂડીમા બંગલાની અગાસી પર ગયાં. ખુલ્લા આકાશ નીચે રાહત હતી. આકાશમાં ચંદ્રનું આછું અજવાળું પથરાયેલું હતું.પવનમાં હવે ઠંડક આવી હતી.
રામજી કાકાએ રૂડીમાની પાસે બેસતાં કહ્યું "હાચું કેજે, આ બંગલો ભલે પંદર લાખનો હોય ઓલ્યા જૂના ખોરડાની તોલે તો નો આવે હોં!"
જાણે રૂડીમાની આંખો સામે જૂનું ખોરડું જીવંત થયું હોય! "હું પહેલી વખત આણું વળીને સાસરે આવી પસી આપણે ઈ ખોરડાના પાયા નાખેલા." ખોરડાની વાત કહેતા જ જાણે રૂડીમાની આંખોમાં ચાંદનીનું અજવાળું ભળી ગયું એમ ચમક આવી ગઈ.
"હું એક-એક પથ્થર ગોઠવતો જાતો અને તું એમાં ચૂનાનું ગારિયું નાખતી જાતી. આખો દિવસ કામ કરતાં તોય થાક નો લાગતો." રામજી કાકા બોલ્યા. એમની આંખો ક્યાય દૂર, આકાશના તારાઓમાં જૂના દિવસો શોધતી હોય તેમ સ્થિર થઈ ગઈ. તે રૂડીમા સામે જોઈને બોલ્યા, "આખોદી કામમાં વાતું કરતા ધરાતી નઈ તે વાળુ કરીનેય તારે વાતું તો કરવી જ પડે."
"કામ કરતાં કરતાં તે વળી કેવીક વાતું થાય? મીઠી વાતું તો નિરાંતે બેહીને જ થાય ને!" રૂડીમાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું.
રામજી કાકા, રૂડીમાની વાત સાંભળી હસી પડ્યા.
"લે ઈમાં હહવા જેવી હું વાત સે?" રૂડીમા છણકો કરીને બોલ્યાં, પછી વાત આગળ ચલાવતા કહ્યું, "ચાર મહિનામાં ખોરડું ચણાયું ને પછી ઘોડાની લાદ, ગાયનું છાણ અને ઘઉંના પરાળનો ફળિયામાં ઢગલો કરી એમાં પાણી નાખીને આપણે બેય જણાએ પગથી ખૂંદીને છાંદણ ત્યાર કઈરુંતું."
"પણ હાચુ કવ, તારા હાથ હોનાના હો. આખા ઘરને છાંઈંદા પસી ખડી માટીમાં પલાળીને પોતું ફેરવીને દિવાલોને ધોરી દૂધ જેવી સમકાવી દીધીતી. ને માથે ગેરુથી સરસ મજાની ભાત્ય પાડી હતી!" રામજી કાકાએ રૂડીમાના વખાણ કરતાં કહ્યું.
"મેં એકલીએ બધું થોડું કઈરુંતું? તમેય બધા કામમાં હારોહાર જ હતા. એકલી બાય માણહ તમારા ટેકા વગર થોડું કરી હકે?" રૂડીમાએ રામજી કાકા સામે હસીને કહ્યું.
રૂડીમાની વાત સાંભળી રામજી કાકાના ચહેરા પર ઊંડા વિચારોના ભાવ પ્રગટ્યા. જાણે એમની નજર સામે પણ એ જૂનું યુવાન ખોરડું આવી ગયું હોય! રૂડીએ પોતાના કામણગારા હાથથી ખોરડામાં કળા ઠાંસી ઠાંસીને ભરી હતી. એ માત્ર ચિત્રો નહોતાં, એમાં યુવાન રૂડીના કામણગારા હાથ, કળા અને હૈયાના હેત ઠાંસી ઠાંસીને ભર્યાં હતાં. દિવાળી આવે એટલે બંને જણાં હોંશે-હોંશે ફરીથી આખા ઘરને ગાર-માટીથી લીંપી-ગૂંપીને નવીવહુ જેવું રૂપાળું કરી દેતાં. આછા અજવાળામાં એ જૂના ખોરડાની વાતો બપોરના બળબળતા તાપને ભૂલાવીને બંનેના ચહેરા પર શીતળતા પ્રસરાવી રહી હતી.
થોડીવારે રામજીકાકા ઊભા થઈને નીચે જતાં બોલ્યા, તું ખમજે હું આ ઘડીએ આઈવો."
થોડીવારમાં પાછા આવીને હાથથી પાછળ સંતાડેલી માટીની ભૂંભલી બતાવી. ભૂંભલી જોઈને રૂડીમા હરખમાં બોલી ઉઠ્યાં, આ તમે ક્યાંથી લાઇવા?"
"જૂનું ખોરડું પાડતા' તા તયે મે આને હાંચવીને રાઈખી'તી. પસી આ નવા બંગલા માં હંતાળી દીધી'તી. હમણાં ઓહાંણમાં આવી ગઈ એટલે લાઇવો" કહેતાં એ રૂડીમાને પાસે બેસીને ભૂંભલી માંથી પાણી પીતાં બોલ્યા, "લે તુંય પી."
રામજી કાકાએ ભૂંભલી રૂડીમા સામે ધરી. રૂડીમાએ એક ઊંડો શ્વાસ લઈને માટીની સોડમ લીધી અને પછી બે ઘૂંટડા પાણી પીધું. જાણે આખા દિવસની અકળામણ એ બે ઘૂંટડામાં જ શાંત થઈ ગઈ! રામજીકાકા બોલ્યા, "જોયું? આ ટાઢક ઓલા લાકડાના કબાટ જેવા ફરીજમાં ક્યાંથી જડે!"
બંનેની નજર મળી.રૂડીમાએ પોતાનો હાથ રામજી કાકાના હાથ પર મૂક્યો. ફરી બેય માણસ વિતેલા દિવસોની મીઠી યાદોની વાતોમાં પરોવાઈ ગયા.
"લ્યો તાણે હવે હેઠે જાહુંને? ચંદોય આથમવા આઇવો સે." રૂડીમા એ ઊભા થતાં કહ્યું.
" હાલો લ્યો" કહેતા રામજી કાકા ઊભા થયા પણ છત પર પાથરેલી લાદી ના કારણે રામજી કાકાનો પગ સહેજ લપસ્યો. એ પડે તે પહેલાં રૂડીમા એને પકડી લેતાં બોલ્યાં, "જાળવજો, હવે આ ઉંમરે હાડકાં ભાંગહે તો
હંધાહે નય."
રામજી કાકા હસીને બોલ્યા, " આય નય હંધાય તો પસી મહાણે તો હંધાહે ને ?"
રૂડીમા એ તરત રામજીકાકા ના મોઢા પર પોતાનો હાથ દબાવી દીધો. " રાતે આવું કાં બોલો સો.?"
શુક્લપક્ષ આઠમનો ચંદ્ર આ વૃદ્ધ દંપતી શરમાઈ ન જાય તેમ આથમી ગયો. ધીમે ધીમે બે ખોળિયાં બંગલોના પગથિયાં ઉતરી રહ્યાં હતાં.
સાચે જ... Old is Gold...!
ReplyDeleteઆ આધુનીકતાવાદમાં માનવી સારુ કરવા જતા પરોક્ષ રીતે પોતાનુ કેટલુ નુકસાન કરી બેસે છે તે તો જે અનુભવે તેને જ ખબર પડે ! શાંતી સમાધી હણાય જાય છે... તેનો સહજ રીતે વાર્તા માં તમે અનુભુતી કરાવી.
અમી, આપશ્રીની ગામઠી કાઠિયાવાડી ભાષા પરની સચોટ જબરદસ્ત પકડ પ્રશંસાને પાત્ર છે. મારુ પણ આપણી દેશી ભાષાનુ રીવીઝન થઈ જાય છે..!
આવી સટીક ઉત્કટ નવલીકા લખીને આપ સમાજની હકીકત સમાજના લોકો સામે રજુ કરો છો અને સાચી વસ્તુસ્થિતી નુ અનુકરણ કરવા પ્રેરણા આપો છો તે બહુ મોટી વાત છે.
આભાર ધન્યવાદ અભિનંદન શુભકામનાઓ.
સાચે જ તમારી વાર્તાઓ વાંચવાની બહુ જ મજા આવે છે... આનંદ થાય છે... અને આપણે ક્યા છીએ અને શું ખરેખર કરવુ જોઈએ એની શીખ આપો છો તે મને ગમે છે !