સૂના માળાની વેદના
સૂના માળાની વેદના
✍️અમી દોશી
શહેરના પોશ વિસ્તારમાં આવેલા શુભમના બંગલા ‘વૈભવ’માં આજે મહેમાનોનો કોલાહલ હતો. મોંઘા પરફ્યુમની સુગંધ, ક્રિસ્ટલ ગ્લાસનો ધીમો રણકાર અને શહેરના ભદ્ર વર્ગના લોકોની ધીમી વાતોથી ડ્રોઈંગરૂમ જીવંત હતો.
દેશની ટોચની કંપનીના ચીફ એન્જિનિયર તરીકે શુભમનું ઘર તેના વ્યક્તિત્વનો જ પડછાયો હતું. એકદમ વ્યવસ્થિત, દરેક વસ્તુ પોતાની ચોક્કસ જગ્યાએ અને અદ્યતન સ્માર્ટ હોમ સિસ્ટમથી સજ્જ. પચાસ વર્ષની ઉંમરે પોતાના અફાટ જ્ઞાન અને વિઝનથી તેણે કંપનીની સૌથી ઊંચી પોસ્ટ હાંસલ કરી હતી. તેના એક ઈશારે સેંકડો મશીનો અને હજારો માણસો કામે લાગી જતા.
પરંતુ આજની પાર્ટીમાં ચર્ચાના કેન્દ્રમાં શુભમનું કોઈ પ્રમોશન કે કંપનીનો કોઈ મેગા પ્રોજેક્ટ નહોતો. આજની સાંજનો હીરો હતો તેનો અઢાર વર્ષનો દીકરો વ્યોમ...
બારમા ધોરણમાં આખા રાજ્યમાં પ્રથમ આવ્યા પછી વ્યોમ સીધો અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બેચલર્સ ડિગ્રી માટે જઈ રહ્યો હતો, અને તે પણ સંપૂર્ણ સ્કોલરશીપ સાથે.
સ્કોચનો ગ્લાસ હાથમાં ફેરવતા એક સહકર્મી શુભમ પાસે આવ્યા અને પૂછ્યું, “શુભમ સર, તમે આટલી મોટી કંપનીના ચીફ એન્જિનિયર છો. સરકારમાં અને ઇન્ડસ્ટ્રીમાં તમારું એટલું વજન છે કે ,વ્યોમ અહીં ભણે તો પણ સીધો તમારી કે દેશની કોઈ ટોચની કંપનીમાં મોટા હોદ્દા પર ગોઠવાઈ જાય. તો પછી એને આટલી નાની ઉંમરે ઘરથી દૂર કેમ મોકલો છો?”
શુભમે છાતી સહેજ પહોળી કરી. હાથમાંનો મોકટેલનો ગ્લાસ સેન્ટર ટેબલની એકદમ વચ્ચે મૂકીને ગર્વભર્યા છતાં શાંત અવાજે કહ્યું, “જુઓ મહેતા, મેં આખી જિંદગી આ દેશ માટે સિસ્ટમ્સ ડિઝાઇન કરી છે. પણ વ્યોમને હવે ગ્લોબલ એક્સપોઝર જોઈએ. એ બોર્ન જીનિયસ છે. એનું દિમાગ મારા કરતાં અનેકગણું તેજ છે. એ કંઈક અલગ જ લેવલ પર વિચારે છે. એ મારું તૈયાર કરેલું પ્લેટફોર્મ નહીં વાપરે. એને અહીંની ઘેટાંદોડ નહીં, ફોરેનની સિસ્ટેમેટિક કોમ્પિટિશન જોઈએ. ટુ બી ઓનેસ્ટ, વ્યોમ જેવા બ્રેન માટે ઇન્ડિયામાં સ્કોપ જ નથી. મારે તો એને આખું આકાશ આપવું છે!”
થોડે દૂર સિલ્કની સાડીમાં સજ્જ અદિતી પતિની વાત સાંભળીને ગર્વથી મલકાઈ રહી હતી. વ્યોમ પોતે પણ નવી દુનિયા, નવી આઝાદી અને નવી ઉડાનના રોમાંચમાં તરબતર હતો. જાણે હમણાં જ તેને પાંખો ફૂટી હતી અને આખું આકાશ તેને સાદ પાડી રહ્યું હતું.
પણ એ રાત્રે, પાર્ટી પૂરી થયા પછી મહેમાનોની ગાડીઓના અવાજ શમી ગયા ત્યારે કોઈને એવો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો કે વ્યોમની આ ઉડાન પછી ઘરમાં જે ખાલીપો સર્જાશે, તે વર્ષો સુધી આ ઘરને કોરી ખાશે.
વર્ષો પુસ્તકનાં પાનાંની જેમ ફડફડ ઊડવા લાગ્યાં.
વ્યોમ અમેરિકા ગયો અને પાછળ ઘરમાં ધીમો, પણ મક્કમ ફેરફાર આવતો ગયો. વ્યોમના ઓરડામાંથી તેની સ્કૂલની સાયન્સ મોડલની ટ્રોફીઓ, તેનું પ્રિય ગિટાર અને બાળપણનાં પુસ્તકો કાર્ડબોર્ડનાં બોક્સમાં પૅક થઈને માળિયે ચડી ગયાં. તેની જગ્યાએ દીવાલ પર બરફથી ઢંકાયેલા શહેરો, સ્ટેનફોર્ડ કેમ્પસ અને ન્યૂયોર્કનાં ફોટા ગોઠવાતા ગયા.
શુભમના વાળમાં સફેદી વધતી ગઈ, અદિતીના ચહેરા પર ઉંમરની રેખાઓ ઘેરી બનતી ગઈ અને એક દિવસ ઓફિસની વિશાળ કૅબિનમાંથી ‘શુભમ દેસાઈ ચીફ એન્જિનિયર’ લખેલી સાગના લાકડાની ભવ્ય નેમપ્લેટ કાયમ માટે ઘરે આવી ગઈ.
જેના ફોનની એક રિંગથી આખી ફેક્ટરી દોડતી થઈ જતી હતી, એ શુભમ હવે સત્તાવાર રીતે નિવૃત્ત હતો.
બીજી તરફ, વ્યોમ અમેરિકાની પ્રોફેશનલ લાઇફમાં સંપૂર્ણ ગોઠવાઈ ગયો હતો. એક બહુરાષ્ટ્રીય ટેક કંપનીમાં તેને ઊંચા પગારવાળો હોદ્દો મળી ગયો હતો.
હવે અઠવાડિયાના અંતે આવતા વિડિયો કૉલ જ આ વિશાળ ઘરમાં થોડી જીવંતતા લાવતા.
દર રવિવારે સવારે શુભમ અને અદિતી ડ્રોઈંગરૂમમાં આઈપેડની સ્ક્રીન સામે ગોઠવાઈ જતાં.
“ડેડ, મેં નવી ટેસ્લા બુક કરાવી છે. અહીં લોકલ કમ્યુટ માટે ઇલેક્ટ્રિક જ બેસ્ટ છે,” વ્યોમ સ્ક્રીન પરથી બોલ્યો.
ત્યાં જ પાછળથી એક વિદેશી ચહેરો ડોકિયું કરીને હસતો દેખાયો. સોનેરી વાળ અને વાદળી આંખોવાળી એ યુવતી હાથ હલાવીને બોલી, “Ciao (ચાઓ) અંકલ! હાય આન્ટી!”
એ જુલિયા હતી, વ્યોમની ઇટાલિયન ગર્લફ્રેન્ડ, જે લગ્ન કર્યા વિના જ એની સાથે એના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
અદિતીના ચહેરા પર ઔપચારિક સ્મિત આવી ગયું.
“હાય બેટા, હાઉ આર યુ?”
પણ કૉલ પૂરો થયો કે તરત એનો જીવ ઊંચો થઈ ગયો.
નિવૃત્તિ પછીની સૂનકારભરી જિંદગીથી કંટાળીને, દીકરાના આગ્રહથી શુભમ અને અદિતીએ નક્કી કર્યું કે બાકીની જિંદગી વ્યોમ સાથે અમેરિકામાં જ વિતાવશે.
આલિશાન ઘરને તાળું મારીને બંને આશાઓનું પોટલું બાંધીને અમેરિકા પહોંચ્યાં.
શરૂઆતના પંદર દિવસ અદભુત રહ્યા.
સબર્બમાં આવેલું વ્યોમનું નવું, શાનદાર લાકડાનું ઘર જોવામાં, વિશાળ મૉલ્સમાં ફરવામાં અને જુલિયાએ ગોઠવેલી પાર્ટીઓમાં ખૂબ ઉત્સાહથી સમય વીત્યો. વ્યોમ અને જુલિયાને એકબીજા સાથે ખુશ જોઈને બંનેને હળવાશ અને આનંદ પણ થયો, પણ તેમનો ઉછેર, તેમના સંસ્કાર અને ભારતીય માનસિકતા આ ઝગમગતી દુનિયા વચ્ચે પણ ક્યાંક ડોકિયાં કરી જતાં.
એક રાત્રે બહાર માઈનસ ડિગ્રી તાપમાનમાં બરફ પડી રહ્યો હતો. હીટરથી ગરમ બેડરૂમમાં રજાઈ ઓઢતાં અદિતીએ ધીમા સાદે પૂછ્યું, “શુભમ, દીકરો ખુશ છે એનો મને આનંદ છે. જુલિયા પણ સ્વભાવની સારી છે, મારું માન જાળવે છે. અહીંનું કલ્ચર છે એટલે બંને લગ્ન વગર સાથે રહે છે, એ માટે તો મેં મન મનાવી લીધું... પણ આગળ જતાં બાળકો થશે ત્યારે શું? અને સાચું કહું? આ બંનેનું કરિયર અને દોડધામ જોતાં મને શંકા જાય છે કે એ લોકો બાળકો વિશે ક્યારેય વિચારતાં પણ હશે કે નહીં. આપણો વંશ...”
શુભમે ચશ્માં ઉતારીને સાઇડ ટેબલ પર મૂક્યાં.
અદિતીની વાત સાવ સાચી હતી, અને તેની પાસે ઊંડા નિઃસાસા અને મૌન સિવાય કોઈ જવાબ નહોતો.
જીવનભર મશીનોની ગૂંચ ઉકેલનાર આ એન્જિનિયરને પહેલી વાર સમજાયું કે સંબંધોનું કોઈ ફિક્સ મેન્યુઅલ હોતું નથી.
પછીના અઠવાડિયાથી વાસ્તવિકતા ધીમે ધીમે સામે આવવા લાગી.
વ્યોમ અને જુલિયા સવારે આઠ વાગ્યે પોતપોતાની કાર લઈને ઓફિસ જતાં અને સાંજે સાત-આઠ વાગ્યે નિચોવાયેલા લીંબુની જેમ થાકીને પાછાં ફરતાં.
શુભમ અને અદિતીને ભારતમાં ડ્રાઇવિંગ આવડતું હતું, પણ ટ્રાફિકના નિયમો, ફ્રીવેની રાક્ષસી ઝડપ અને અજાણ્યા જીપીએસ આધારિત રસ્તાઓના ડરથી તેઓ ગેરેજમાં પડેલી ત્રીજી કારને અડવાની પણ હિંમત કરતાં નહોતાં.
જેની નીચે મોટી ટીમ કામ કરતી હતી, જે રોજ સવારે દસ મોટા નિર્ણયો લેતો હતો, એ જ શુભમ આખો દિવસ લાકડાના એ સુંદર પણ બંધ ઘરમાં શૂન્યાવકાશ અનુભવતો.
હવે તેની પાસે સંભાળવા માટે માત્ર માઇક્રોવેવનું ટાઇમર, વૉશિંગ મશીન અને ડિશવૉશર જ બચ્યાં હતાં.
અદિતી માટે પણ આ નીરવ શાંતિ અસહ્ય બની ગઈ હતી. ઇન્ડિયામાં આસપાસ પડોશીઓ, કામવાળાં અને સગાં સંબંધીઓની સતત અવરજવર રહેતી. શાકભાજીવાળાનો સાદ પણ જીવતા હોવાનો અહેસાસ કરાવતો.
અહીં કાચની મોટી બારીની બહાર માત્ર ખાલી, ભેંકાર રસ્તો અને ક્યારેક અવાજ કર્યા વિના પસાર થઈ જતી કાર જ દેખાતી.
તેમને આ પોતાનું ઘર લાગતું નહોતું; આધુનિક સગવડોથી સજ્જ એક સુંદર જેલ જેવું લાગતું હતું.
વીક-એન્ડમાં વ્યોમ અને જુલિયા તેમને જમાડવા કે ફરવા લઈ જતાં, પણ શુભમ જોઈ શકતો હતો કે આખું અઠવાડિયું કામ કરીને બંને કેટલાં થાકેલાં હોય છે. તેમને પણ આરામની, પોતાની સ્પેસની જરૂર હોય.
પાછલી સીટ પર બેઠેલા શુભમને વારંવાર સૂક્ષ્મ અહેસાસ થતો કે પોતે દીકરાના ફાસ્ટ-ફોરવર્ડ જીવનમાં ‘સ્પીડ-બ્રેકર’ બની ગયો છે.
આખરે છ મહિનાના ગૂંગળાવનારા માનસિક સંઘર્ષ પછી, સ્વમાન અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા શુભમે ઇન્ડિયા પાછા ફરવાનો કઠોર નિર્ણય લીધો. વ્યોમે રોકવાનો આછો પ્રયાસ કર્યો, પણ તેની આંખોમાં ડોકાતી રાહત શુભમથી છુપાઈ ન શકી.
આ વાતને બે-ત્રણ વર્ષ વીતી ગયાં.
એક વાર વ્યોમ પંદર દિવસના વેકેશન માટે ઇન્ડિયા આવ્યો. જુલિયાને રજા ન મળતાં તે એકલો જ આવ્યો હતો.
શુભમનું સ્માર્ટ ઘર તમામ આધુનિક સગવડોથી સજ્જ હતું અને એરપોર્ટ પર એને લેવા લક્ઝરી કાર મોકલાઈ હતી. છતાં વ્યોમે ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ શુભમ અને અદિતીને લાગવા માંડ્યું કે તે હવે આ ઘરનો સભ્ય ઓછો અને ‘એન.આર.આઈ. મહેમાન’ વધુ છે.
પહેલા જ દિવસે તેને ઇન્ડિયાના બદલાતા હવામાન અને ધૂળથી એલર્જી થઈ ગઈ. ઘરમાં હાઈ-એન્ડ આર.ઓ. સિસ્ટમ હોવા છતાં તબિયત બગડવાના ડરથી મિનરલ વૉટરની બૉટલોનાં કાર્ટન આવવા લાગ્યાં.
માતા-પિતા સાથે ડ્રોઈંગરૂમમાં બેસવાને બદલે તેનો મોટાભાગનો સમય બેડરૂમમાં લેપટોપ પર ઑફિસના ઈ-મેઈલ તપાસવામાં જતો. અમેરિકા અને ભારત વચ્ચેનો ટાઇમ-ઝોનનો તફાવત હવે તેમના સંબંધોમાં પણ આડશ બનીને ઊભો હતો.
એક સાંજે અદિતીએ હોંશે હોંશે વ્યોમને ભાવતો મોહનથાળ, પૂરી, ઊંધિયું અને કઢી બનાવ્યાં. ગરમાગરમ થાળી પીરસીને તેણે દીકરાને બોલાવ્યો.
વ્યોમે ડાઇનિંગ ટેબલ પરની થાળી સામે જોઈને ઊંડો શ્વાસ લીધો અને કપાળ પર હાથ ફેરવતાં કહ્યું, “મોમ... પ્લીઝ! આટલું બધું ઓઇલ અને સુગર? ટેસ્ટ તો હજુય એ જ છે જે મને બહુ ભાવતો, પણ હવે મારું ડાયજેશન આ પચાવી નથી શકતું. મારું ગટ-માઇક્રોબાયોમ ડિસ્ટર્બ થઈ જશે અને કૅલરી કાઉન્ટ પણ બગડશે. પ્લીઝ, મને બસ બાફેલાં બ્રોકોલી, ગાજર કે સાદું સલાડ જ આપો ને.”
અદિતીના હાથમાંની પૂરીની થાળી હવામાં જ થંભી ગઈ. તેનું ઉભરાતું માતૃત્વ ડાઇનિંગ ટેબલ પર જ સંકોચાઈ ગયું. તેણે ચુપચાપ થાળી પાછી ખેંચી લીધી.
સાંજે શુભમ દીકરા સાથે બાલ્કનીમાં બેસીને દેશના બદલાતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા હાઇવે અને ભારતના આઈ.ટી. બૂમની વાતો કરવા માગતો. તે ઇચ્છતો હતો કે દીકરો પોતાના મૂળ સાથે જોડાયેલો રહે. પણ વ્યોમનો પ્રતિભાવ ઉપરછલ્લો અને કંટાળાભર્યો રહેતો. તે આછું હસીને કહેતો, “ધેટ્સ ગ્રેટ ડેડ, પણ સિલિકોન વેલીનું સ્કેલિંગ અને ત્યાંનું વર્ક-કલ્ચર અલગ જ છે. અહીંના લેબર લૉઝ અને સિસ્ટમમાં હજુ બહુ ટાઇમ લાગશે.”
વ્યોમનું વિશ્વ હવે સિલિકોન વેલી પૂરતું જ સીમિત થઈ ગયું હતું. તેના માટે ભારત માત્ર એક ‘વેકેશન ડેસ્ટિનેશન’ હતું.
માતા-પિતા બંને પોતાના જ દીકરાને ટોકવાને બદલે, ક્યાંક તેને ખોટું ન લાગી જાય એ ડરથી, એક પ્રોફેશનલ ટૂરિસ્ટની જેમ સાચવી રહ્યાં હતાં. વ્યોમ પણ પોતાના બાળપણના આ વિશાળ ઘર કરતાં અમેરિકાના પેલા નાના લાકડાના ઘરને વધુ ‘પોતાનું’ માનતો થઈ ગયો હતો. પંદર દિવસ આંખના પલકારામાં, રેતીની જેમ હાથમાંથી સરકી ગયા.
એરપોર્ટ પર વિદાયનો સમય આવ્યો.
અદિતીની આંખોમાં આંસુ ઉભરાતાં હતાં.
સિક્યુરિટી ચેક-ઇન તરફ જતાં પહેલાં વ્યોમે ટ્રોલી બેગ ઊભી રાખી અને બંનેને એક-એક ઔપચારિક હગ કર્યું ,જાણે મીટિંગ પૂરી થયા પછી કલીગ્સ એકબીજાને મળતા હોય!
“ડેડ, પ્લીઝ તમારી હેલ્થનું ધ્યાન રાખજો. હવે તો તમે રિટાયર છો. બહુ ટેન્શન લીધા વગર શાંતિથી ગોલ્ફ રમો, ટીવી જુઓ અને લાઇફ એન્જોય કરો.”
શુભમે હળવું, પણ કડવાશભર્યું સ્મિત કર્યું અને માથું હલાવ્યું.
આખી જિંદગી મશીનો અને માણસોને ગતિમાં રાખનાર એન્જિનિયર માટે ‘કામ વગરનો આરામ’ એન્જોયમેન્ટ નહીં, સૌથી મોટી સજા હોય છે, એ વાત આ પ્રેક્ટિકલ અમેરિકન બની ગયેલો દીકરો ક્યાંથી સમજે?
વ્યોમ પાછળ ફરીને એક વાર હાથ હલાવી સિક્યુરિટીની લાંબી લાઇનમાં અદૃશ્ય થઈ ગયો.
અદિતીનાં આંસુ ગાલ પર વહી રહ્યાં હતાં અને શુભમ ખાલી નજરે પેલી ભીડમાં પોતાના વંશને ખોવાતો જોઈ રહ્યો હતો.
ખાલીખમ ઘરમાં બંને પાછાં ફર્યાં.
ભારેખમ લાકડાનો દરવાજો ખોલતાં જ શુભમને લાગ્યું કે ઘર આજે પહેલાં કરતાં વધુ ભેંકાર, વધુ ડરામણું અને મોટું લાગે છે.
જાણે દીવાલો તેમને ખાવા ધાતી હતી.
અદિતી સીધી વ્યોમના રૂમમાં ગઈ.
ત્યાં પથરાયેલી શાંતિ છાતી પર પથ્થર મૂકે એવી હતી.
બેડશીટ એકદમ સપાટ ખેંચેલી હતી. વપરાયેલો ટુવાલ બાથરૂમમાં ચોક્કસ ઘડી વાળીને મૂકેલો હતો.
જાણે કોઈ ફાઇવ-સ્ટાર હોટેલનો રૂમ મહેમાનના ગયા પછી રૂમ-સર્વિસવાળાએ સાફ કરીને બંધ કરી દીધો હોય!
દીકરાની અસ્તવ્યસ્તતા, તેના પરસેવાની ગંધ કે તેના તોફાનનો કોઈ અંશ બચ્યો નહોતો.
ત્યાં માત્ર એક મહેમાનના રોકાણની નિશાનીઓ હતી. અદિતીએ એ ચોખ્ખી પથારી પર માથું મૂક્યું અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.
થોડી વાર પછી ડ્રોઈંગરૂમના સોફા પર બેઠેલા શુભમનું મન ટાઇમ-મશીનમાં બેસીને ભૂતકાળમાં સરી ગયું.
ઢળતી સાંજે ઘરમાં છવાયેલા સન્નાટાને ચીરતો તેનો અવાજ ગુંજ્યો.
એ અવાજ હુકમ કરતા ચીફ એન્જિનિયરનો નહોતો, એક હારેલા બાપનો હતો.
“અદિતી...”
પાણીનો ગ્લાસ લઈને આવેલી પત્નીને તેણે કહ્યું, “તને યાદ છે, વ્યોમ પંદર વર્ષનો હતો ત્યારે સાયન્સ ફેર જીતીને આવ્યો હતો? એ નાનપણથી જ કેટલો તેજસ્વી હતો! એને પોતાને ક્યાં અમેરિકા જવાનો કોઈ મોહ હતો? કે નાનપણથી એવું કોઈ સપનું હતું? એણે તો કહેલું કે મારે બેંગ્લોર ભણવા જવું છે...”
અદિતીએ શૂન્યમાં તાકતાં, આંસુ લૂછતાં હકારમાં માથું ધુણાવ્યું.
શુભમે ટેબલ પર પડેલા વ્યોમના જૂના ફોટા પર હાથ ફેરવ્યો.
ભારે, રડમસ અવાજે તે આગળ બોલ્યો, “આપણે જ, અદિતી... આપણે જ આપણી ખોટી પ્રતિષ્ઠા અને દેખાદેખીમાં એના કુમળા મનમાં અમેરિકાનું બીજ રોપ્યું હતું. આપણને એમ કે ઇન્ડિયામાં ફ્યુચર નથી. અહીં ભીડ છે, સિસ્ટમ ખરાબ છે. પણ વ્યોમ જેવા હોશિયાર છોકરા માટે તો અહીં પણ ઉજ્જવળ ફ્યુચર હતું જ ને!” તેની આંખો ભીની થઈ ગઈ.
“આપણે એને ઊડતાં શીખવ્યું, પણ એ ન શીખવ્યું કે સાંજે પાછું પોતાના માળામાં જ ફરવાનું હોય.” તેનો અવાજ હવે ફાટી ગયો હતો.
“જો આપણે જ એને પહેલેથી આ રસ્તે ન વાળ્યો હોત, તો આજે આપણું એકનું એક સંતાન, સંતાન મટીને આમ ‘મહેમાન’ ન બની ગયું હોત. આપણે આપણો દીકરો માત્ર સમાજમાં મોટા દેખાવા માટે ગુમાવી દીધો!”
ઘરમાં ફરી સન્નાટો છવાઈ ગયો.
ડ્રોઈંગરૂમની દીવાલ પર બે ઘડિયાળો લટકતી હતી.
એકમાં ભારતનો સમય હતો, બીજીમાં અમેરિકાનો.
ઘડિયાળની ટિક-ટિક શાંત ઘરમાં ગુંજતી રહી
શુભમ અને અદિતી શૂન્યમનસ્ક થઈને એ ઘડિયાળોને તાકી રહ્યાં.
એક ઘડિયાળમાં રાત આગળ વધી રહી હતી.
બીજીમાં દિવસ.
સમય બંને જગ્યાએ સરખો જ પસાર થતો હતો...
માત્ર તેમના દીકરા અને તેમની વચ્ચેનો સમય ક્યારનો અટકી ગયો હતો.
અસ્તુ
અમી દોશી
9825971363
Comments
Post a Comment