ઠંડી પડી ગયેલી ચા....
ઠંડી પડી ગયેલી ચા....
✍️ અમી દોશી
રવિવારની બપોરે કબીર કોઈ કામથી બહાર જવા નીકળ્યો. એણે બારમાં માળેથી લિફ્ટનું બટન દબાવ્યું. લિફ્ટ તેના ફ્લોર પર જ હતી એટલે દરવાજો તરત ખુલ્યો.અંદર એક વૃદ્ધ હાથમાં કાપડની થેલી લઈ ને ઊભા હતા. તેમને જોતાં શિખરને લાગ્યું કે, 'ક્યાંક જોયા હોય તેમ લાગે છે'.
નવમો માળ, આઠમો માળ, સાતમો... અને અચાનક એક ભયંકર અવાજ સાથે લિફ્ટ ઝટકો ખાઈને ઊભી રહી ગઈ, સાથે જ લિફ્ટની લાઈટ ગુલ થઈ ગઈ. અચાનક લિફ્ટમાં ઘોર અંધકાર થઈ ગયો.
થોડી સેકન્ડસ માટે તો કબીરના શ્વાસ અટકી ગયા. પછી તરત જ લિફ્ટની ઈમરજન્સી લાઈટનો આછો પીળો પ્રકાશ ફેલાયો. કબીરના કપાળ પર પરસેવો વળવા લાગ્યો હતો. લિફ્ટનો ફેન બંધ થઈ જવાને કારણે થોડી જ વારમાં ગૂંગળામણ શરૂ થઈ ગઈ. કબીરે બેચેન થઈને તરત જ સ્માર્ટફોન ઊંચો કર્યો, પણ સિગ્નલ ગાયબ હતું. અંદર પુરાઈ જવાની અકળામણ હવે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. એણે ઉચાટમાં લિફ્ટની પેનલ પર લાગેલું ઈમરજન્સી અલાર્મનું બટન દબાવવા માંડ્યું. બે વાર, ત્રણ વાર, પાંચ વાર... કોઈ જ અવાજ ન આવ્યો. ઈન્ટરકોમનું રિસીવર ઉઠાવીને હેલો-હેલો બૂમો પાડી, પણ સામે છેડેથી માત્ર ડેડ ટોન જ સંભળાતો હતો.
"અરે યાર! વોટ ધ હેલ! આટલાં મોટાં અને મોંઘા એપાર્ટમેન્ટમાં મેઈન્ટેનન્સ જેવું કંઈ છે કે નહીં? કોઈ ફોન પણ નથી ઉપાડતું. કોઈને કોઈની પડી જ નથી આ દુનિયામાં!" કબીરે પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
***
શહેરના વિકસી રહેલાં પોશ વિસ્તારમાં 'શિખર રેસિડેન્સી' નામની લોકોના સ્વપ્નના ઘર સમાન પચીસ માળની આલિશાન ઈમારત આવેલી હતી. બિલ્ડિંગનું નામ ભલે શિખર હતું, પણ અંદર રહેતા મોટાભાગના લોકોની સંવેદનાઓ પાતાળ સુધી પહોંચી ગઈ હતી. બહારથી કાચ અને સ્ટીલથી ચમકતી આ ઈમારત અંદરથી એકદમ થીજી ગયેલી હતી. સિમેન્ટના આ જંગલમાં આવેલો દરેક ફ્લેટ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટાપુ હતો, પણ આ ટાપુ પર રહેતાં મોટાભાગના માણસો પોતાના જીવનમાં તો મસ્ત હતાં પણ બીજાના જીવનથી સાવ અળગા હતાં. અહીં સવાર સૂર્યના કિરણોથી નહીં, પણ સ્માર્ટફોનના એલાર્મથી પડતી. લિફ્ટ એ એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં આ અજાણ્યા લોકો રોજ સવારે અકસ્માતે ભેગા થઈ જતા. કોઈનો ચહેરો મોબાઈલની સ્ક્રીન પર ઝુકેલો હોય, કોઈએ ઈયરબડ્સ ભરાવેલા હોય, તો કોઈ સ્માર્ટ વોચમાં પોતાના હાર્ટબીટ્સ ચેક કરતું હોય. માંડ કોઈની નજર મળે તો એક યાંત્રિક, આત્મા વગરનું "હાય" કે "હેલો" ફેંકવામાં આવતું.
આવી જ પ્લાસ્ટિકની જિંદગી જીવતો સત્યાવીસ વર્ષનો કબીર બારમા માળે આવેલાં ફ્લેટમાં એકલો રહેતો હતો. મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર, ખૂબ સારી ઈનકમ. આજના યુગમાં સંબંધો એટલે માત્ર સોશિયલ મીડિયા પરના કનેક્શન્સ, અને સફળતા એટલે ઈન્સ્ટાગ્રામ પર આવતી લાઈક્સનો આંકડો આ વાત કબીરને પણ સુપેરે લાગુ પડતી હતી. સવારે જીમમાં એક્સરસાઇઝ કરી એલ્ગોરિધમે સજેસ્ટ કરેલા ગીતો સાંભળતા સાંભળતા ફૂડ એપ પરથી નાસ્તો ઓર્ડર કરતો, ક્યારેક ઑફલાઇન તો ક્યારેક ઓનલાઈન તેનું ઓફિસ વર્ક ચાલતું. ડિનર માટે ફૂડ પાર્સલ મંગાવી લેતો અને વિકેન્ડમાં કોઈ સાથે ચીલ કરવું આ તેની સરેરાશ લાઇફ હતી.
સામેના ફ્લેટમાં કોણ રહે છે એની એને ખબર નહોતી. પ્રાઈવસી અને 'પર્સનલ સ્પેસ'ના નામે આજના યુવાનોએ પોતાની આસપાસ એવી મજબૂત દીવાલો ચણી લીધી છે કે, બાજુના ઘરમાં કોઈનું મૃત્યુ થાય, તો પણ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવે ત્યારે જ ખબર પડે.
અત્યારે આ જ પ્રાઈવસીના ટાપુ વચ્ચે તે લિફ્ટમાં ફસાયો હતો. જ્યારે ઈન્ટરકોમ ડેડ હતું અને તે બરાડા પાડી રહ્યો હતો, ત્યારે ખૂણામાં સાવ શાંતિથી, એક પણ શબ્દ બોલ્યા વિના ઊભેલા પ્રભાશંકર કાકા ધીમું હસ્યા. કાકાની ઉંમર સિત્તેરની આસપાસ હશે. ઝભ્ભો અને લેંઘો પહેરેલા કાકાના હાથમાં કાપડની થેલી હતી. તેમના ચહેરા પર કોઈ જ ડર કે ગભરામણ નહોતી. એમનાં અનુભવી સ્વભાવને ખબર હતી કે થોડીવારમાં લિફ્ટ ચાલુ થઈ જશે.
ઇન્ટરકોમ રણક્યો, ઓફિસમાંથી ફોન આવી ગયો કે ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ બંધ થઈ છે, થોડીવારમાં ચાલુ થઈ જશે. કબીરની માનસિક સ્થિતિ થોડી ઠીક થઈ પણ ઇન્ટરનેટ ચાલતું નહોતું એટલે એ અંદરથી વિહ્વળ તો હતો જ. કાકાની કોઈ ઓળખાણ નહોતી.ક્યારેય કોઈ વાત થઈ જ ન હોય એટલે કબીરે મેન્ટેનન્સનો બબડાટ ચાલુ રાખ્યો.
"મેઈન્ટેનન્સ તો સંબંધોનું પણ ભરવું પડે ભાઈ, પણ એનો હપ્તો તો લોકો ક્યારનાય ચૂકી ગયાં છે. એટલે આ મશીનો કદાચ ક્યારેક અટકે પણ માણસો તો એનાથી પણ પહેલાનાં અટકી ગયા છે," કાકાના અવાજમાં એક વિચિત્ર ઠંડક હતી.
કબીરે ભવાં ચડાવીને કહ્યું, "અંકલ, આ સિક્યુરિટી અને મેનેજમેન્ટની બેદરકારી કહેવાય. આપણે હજારો રૂપિયા મેઈન્ટેનન્સના આપીએ છીએ, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી."
"અવાજ સાંભળવાનો સમય છે કોની પાસે બેટા? સંપર્ક તો આમ પણ ક્યાં કોઈનો થઈ રહ્યો છે? આ બિલ્ડિંગમાં બસો પરિવારો રહે છે, છતાં બધા એકલા જ છે. પહેલાં અમારા ફળિયામાં કોઈ એક જણ માંદો પડતો કે કોઈના ઘરે મહેમાન આવતા, તો આખું ફળિયું ભેગું થઈ જતું. એકબીજાના અવાજ પરથી અમે ઓળખી જતા કે કોના ઘરમાં આજે દુઃખ છે ને કોના ઘરમાં આનંદ અને આજે લિફ્ટમાં રોજ મળતા માણસનું નામ પૂછવાની ય આપણને ફુરસદ નથી. આપણે ઈમારતો તો ઊંચી કરી લીધી, પણ માણસાઈના મૂળિયાં જમીનમાંથી ઉખેડી નાખ્યા."
કબીરે બચાવ કરતા કહ્યું, "અંકલ, આજના સમયમાં બધા બહુ બિઝી છે. હસલ કલ્ચર છે. કોઈને બાજુવાળાના ઘરમાં દખલ કરવી ગમતી નથી. એને પ્રાઈવસી કહેવાય."
"હા, હું એ જ તો કહું છું દીકરા. લોકોને હવે એકબીજાના ઘરમાં નહીં, પણ એકબીજાની 'ઇન્સ્ટા સ્ટોરીઝ'માં ડોકિયું કરવું વધારે ગમે છે. બાજુવાળાનો દરવાજો ખખડાવવા કરતા એની પ્રોફાઇલ ચેક કરવી સહેલી છે ને! કારણ કે સ્ક્રીન પાછળ કોઈ જવાબદારી નથી હોતી. એટલે જ તો મેં મારા દરવાજા પર 'ડુ નોટ ડિસ્ટર્બ'નું બોર્ડ લગાવી દીધું છે. ખુલ્લા દરવાજે હવે કોઈ આવતું નથી, અને બંધ દરવાજો કોઈ ખખડાવતું નથી."
કબીરને આ સીધો ટોણો વાગ્યો. તેના પોતાના જ વર્તનની ચાડી કાકાના શબ્દો ખાઈ રહ્યા હતા. "અંકલ, તમારી વાત સો ટકા સાચી છે," કબીરે ધીમા અવાજે કબૂલાત કરી. "અમે બધા લોકો ફોનમાં અને કરિયરની દોડમાં એટલા ઘૂસી ગયા છીએ કે સાચું કનેક્શન શું છે એ ભૂલી ગયા છીએ. માણસ જ માણસથી દૂર ભાગવા લાગ્યો છે. પણ... પણ આજે હું એક શરૂઆત કરીશ. આજે સાંજે હું તમારી સાથે જ ચા પીવાનો. ફ્લેટનો દરવાજો ખુલ્લો રાખજો શાર્પ સાત વાગ્યે."
કાકાની કરચલીવાળી આંખોમાં અચાનક એક આશાભરી ચમક આવી ગઈ. વર્ષો પછી કોઈ યુવાને સામેથી તેમની સાથે સમય વિતાવવાની વાત કરી હતી. તેમના હોઠ પર એક સાચું, હૂંફાળું સ્મિત આવી ગયું. "ચોક્કસ બેટા, હું રાહ જોઈશ."
એટલામાં જ એક હળવા આંચકા સાથે લાઈટ ચાલુ થઈ અને લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી. બહાર નીકળતા જ કબીરને અંદરથી એક અલગ જ શાંતિ અને કોઈ મોટું 'લાઈફ લેસન' મળ્યાનો રોમાંચ થઈ રહ્યો હતો. તેણે તરત જ પોતાનો ફોન બહાર કાઢ્યો, કેમેરો ઓન કર્યો અને આગળ જતા કાકાને રોકીને કહ્યું, "અંકલ, વન સેક! લેટ્સ ટેક અ સેલ્ફી! આજનો આ ઇન્સિડન્ટ મેમોરેબલ બની ગયો."
કાકાને આમાં ખાસ રસ નહોતો, પણ તેમણે કબીરના ઉત્સાહને માન આપીને કેમેરા સામે જોઈને એક હળવું સ્મિત આપ્યું. પોતાનું કામ પતાવીને બપોરે ઘરે પહોંચતા જ કબીરે સોફા પર પટકાઈને સૌથી પહેલું કામ એ સેલ્ફીને એડિટ કરવાનું કર્યું. એણે ફોટા પર એક વૉર્મ ફિલ્ટર લગાવ્યું, અને પોસ્ટ ડ્રાફ્ટ કરી:
"લિફ્ટમાં ફસાયા પછી આજે રિયલ રિયાલિટી ચેક મળ્યો. સિમેન્ટના જંગલોમાં માનવીય સંબંધોની શોધ... NGL (Not Gonna Lie), આપણે આ ડિજિટલ દુનિયામાં એટલા ઘૂસી ગયા છીએ કે, બાજુમાં કોણ રહે છે તે પણ નથી ખબર. મેન્ટેનન્સ માત્ર બિલ્ડિંગનું નહીં, સંબંધોનું પણ ભરવાની જરૂર છે. My neighbour Prabhashankar Uncle is an absolute W (Winner). આજે મેં નક્કી કર્યું છે કે હું આ ટ્રેન્ડ બદલીશ. આજે સાંજે એમની સાથે ચા પીવાનો પ્લાન છે. Time to touch grass and make real connections! FR! (For Real) Let's disconnect to connect! #RealConnections #VibeCheck"
પોસ્ટ પબ્લિશ થતાની સાથે જ વાઇરલ થવા લાગી. નોટિફિકેશનની રિંગ સતત વાગવા લાગી.
"Bro, this is so deep! Big W!", "FR bro, we need this."
કબીર ડ્રોઈંગ રૂમના મોંઘા કાઉચ પર બેઠો બેઠો દરેક કમેન્ટને લાઈક કરવામાં અને "થેન્ક્સ બ્રો", "એક્ઝેટલી" જેવા રિપ્લાય આપવામાં એવો ખૂંપી ગયો કે તેને સમયનું કોઈ ભાન જ ન રહ્યું. સોશિયલ મીડિયા પરથી મળતો આ વર્ચ્યુઅલ અહંકાર તેના મગજમાં ડોપામાઈનનું પૂર લાવી રહ્યો હતો.
સાંજના સાત વાગી ગયા હતા. બહાર અંધારું થવા લાગ્યું હતું.
સામેના ફ્લેટમાં, પ્રભાશંકર કાકા બરાબર સાડા છ વાગ્યે જ તૈયાર થઈ ગયાં હતા. તેમણે ડ્રોઈંગ રૂમ સરખો કર્યો. પડોશી મહેમાનને આવકારવા તે ખૂબ ઉત્સુક હતાં. તેમણે બારણા પર લટકતું પેલું 'ડુ નોટ ડિસ્ટર્બ'નું પાટિયું ઉતારીને મૂકી દીધું અને દરવાજો આખો ખુલ્લો રાખી દીધો હતો. ડાઇનિંગ ટેબલ પર સુંદર મજાના કપ રકાબી ગોઠવાયેલા હતા. રસોડામાંથી આદુ અને ફુદીનાવાળી તાજી ચાની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. કાકા સોફા પર બેસીને વારંવાર ખુલ્લા દરવાજા તરફ આશાભરી નજરે જોતા હતા.
સાત વાગ્યા... સાડા સાત થયા... આઠ વાગ્યા.
કાકા બે-ત્રણ વાર ઊભા થઈને બહાર કોરિડોરમાં જોઈ આવ્યા. કબીરના ઘરનો દરવાજો ચુસ્તપણે બંધ હતો. રાહ જોઈને ચા પણ સાવ ઠંડી પડી ગઈ હતી. કાકાનો ઉત્સાહ ધીમે ધીમે ઓસરી રહ્યો હતો અને તેની જગ્યા એક અકથ્ય ઉદાસી લઈ રહી હતી. તેમને સમજાઈ ગયું હતું કે ખુલ્લો દરવાજો જોઈને કોઈ આવવાનું નહોતું.
આઠ ને પંદર મિનિટે, કાકા ધીમેથી ઊભા થયા. તેમની આંખોમાં રહેલી પેલી આશા હવે શૂન્યાવકાશમાં ફેરવાઈ ગઈ હતી. તેમણે ભારે હૈયે ચાના બંને કપ ઉપાડ્યા અને સીધા સિંકમાં ઢોળી દીધા. પછી ધીમા પગલે જઈને પેલું 'ડુ નોટ ડિસ્ટર્બ' નું પાટિયું ફરીથી હેન્ડલ પર ભેરવ્યું અને પોતાના ઘરનો ખુલ્લો દરવાજો અંદરથી બંધ કરી દીધો.
બરાબર એ જ વખતે, માત્ર પંદર ફૂટ દૂર સામેના ફ્લેટમાં બંધ દરવાજાની પાછળ બેઠેલો કબીર પોતાની સ્ક્રીન પર ઝબકી રહેલી નોટિફિકેશન્સ જોઈને મલકાઈ રહ્યો હતો.
'રાહુલ રિપ્લાયડ ટુ યોર સ્ટોરી: G.O.A.T mindset bro!'
તેણે એક ઊંડો શ્વાસ લીધો, દુનિયાને 'ડિસ્કનેક્ટ ટુ કનેક્ટ'નું જ્ઞાન વહેંચવામાં તે એટલો બધો વ્યસ્ત હતો કે કોમેન્ટ્સમાં 'ફાયર (🔥)' ઈમોજી રિપ્લાય કરવામાં તેની આંગળીઓ ચાલતી રહી... અને બહાર પંદર ફૂટ દૂર બંધ થઈ ચૂકેલા દરવાજાના ધીમા અવાજ તરફ તેનું સહેજ પણ ધ્યાન ન ગયું.
Comments
Post a Comment