આપણો ખોરાક:અમૃત કે ઝેર?

આપણો ખોરાક:અમૃત કે ઝેર??
--------///---------////---------//
જંતુનાશક(દવા નહીં) ઝેરનો ઉપયોગ આપણી પેઢીને ક્યાં લઈ જશે?

જાયેં તો જાયેં કહાઁ???

✍ અમી દોશી
--------------------------------------
'આહાર એ જ ઔષધ': આ વાક્ય આપણે બાળપણથી જ સાંભળીએ છીએ.એટલે કે આહારનું જીવનમાં ઔષધ સમાન મહત્વ છે.ખોરાક કેવી રીતે લેવો,ક્યારે શું લેવું,ઋતુ પ્રમાણે જ આહાર લેવો વગેરે વગેરે...આ બાબતે આપણે સતત સલાહ,માહિતી સાથે સજાગતાં પણ રાખીએ છીએ.જે લોકો 'હેલ્થ કોન્શિયસ' છે તેઓ આહારના સમય નિયમનું ચુસ્તપણે પાલન પણ કરતાં હોય છે.

પણ જો આ આહાર જ ઝેર સમાન હોય તો ??જાયેં તો જાયેં કહાઁ?

 આજકાલ આપણાં રોજ- બરોજના જીવનમાં આપણી આસપાસના લોકોમાં કલ્પના પણ ન કરી શકાય તેવાં આઘાતજનક રોગ સાવ સામાન્યપણે જોવાં મળે છે.તેમાં પણ  કેન્સરનો ભોગ બનનાર લોકોની સંખ્યા વધતી જાય છે.બ્રેસ્ટ કેન્સર,આંતરડાનું કેન્સર,પ્રોસ્ટેટનું કેન્સર...
આશ્ચર્ય એ વાતનું થાય કે જેને કોઈ પ્રકારની કુટેવો નથી,જેનું જીવન એકદમ સરળ છે તેને કેમ આવું થતું હશે?
 અચાનક માથું ઉંચકેલા આવાં રોગ વિશે હજુ તો સ્વજનો કંઈ વિચારે તે પહેલાં તો બહુ ગંભીર અવસ્થામાં પહોંચી જતો હોય છે.અને મોટાભાગના કિસ્સામાં તો બાજી હાથમાંથી સરી જતી હોય છે.પુખ્ત માણસોમાં હજુ પણ સમજી શકાય પણ જે જન્મ્યા પણ નથી અથવા જન્મતાની સાથે જ અસાધ્ય રોગના ભોગ બનેલાં નિર્દોષ બાળકોને જોઈએ ત્યારે હૈયું વલોવાઈ જાય છે પણ આવો આખો સમાજ જોવા મળે ત્યારે મન વિચાર કરવા મજબૂર બની જાય કે આવું કેમ?
આની પાછળ એક મોટો દૈત્ય છે,પેસ્ટીસાઈડ્સ (જંતુનાશક ઝેર- હું તેને જંતુનાશક દવા નહીં કહું)

 આખી વાત સમજતાં પહેલાં ખૂબ પ્રચલિત એવાં થોડાં કિસ્સાઓ અને અભ્યાસ જોઈએ.

કેરળના કસારાગોડ જિલ્લામાં કેરળ રાજ્ય સરકાર દ્વારા કાજુના પ્લાન્ટેશન પર વર્ષ 1976 થી સતત 25 વર્ષ સુધી એટલે કે 2001 સુધી હેલિકોપ્ ટર દ્વારા *એન્ડોસલ્ફાન નામના જંતુ નાશક ઝેરનો છંટકાવ કરવામાં આવ્યો* 

15000 હેકટર વિસ્તારમાં 25 વર્ષ સુધી 22 લાખ લિટર જેટલું એન્ડોસલ્ફાન નામનું જંતુનાશક ઝેર હવા,જમીન અને પાણીમાં લગાતાર ભળવાને કારણે શરૂઆતના દાયકામાં 4000 લોકોના અસાધારણ મોત થયાં. ત્યારબાદ પણ આ પ્રક્રિયા અટકી નહીં જેને કારણે એ આંકડો હજારોની સંખ્યા સુધી પહોંચ્યો.

એટલું જ નહીં ગર્ભપાત,કેન્સર,માનસિક બીમારીઓ,સેરેબ્રલ પાલ્સિ,એપિલેપ્સી(વાઇ), તેમજ જન્મતાંની સાથે જ અનેક બાળકો અસાધ્ય રોગોના શિકાર બન્યાં.

લગભગ બે જનરેશનને અકલ્પનિય અસર થઈ અને હજારો લોકો તબાહ થઈ ગયાં. માત્ર નિર્દોષ મનુષ્યો જ નહીં આ ઝેરથી લાખો પશુ પંખીઓ,જીવજંતુઓ, માછલીઓ,દેડકાંઓ વગેરે સાફ થઈ ગયાં અને આખી ઇકોલોજીકલ સિસ્ટમ જ ખોરવાઈ ગઈ. કાજુના પાકનો નાશ કરનારા જંતુઓના નાશ માટે ઉપયોગમાં લીધેલ જંતુનાશક ઝેરથી માનવજાત અને પ્રકૃતિને ન પૂરી શકાય તેવું નુકશાન થયું.

લોક જાગૃતિ,લોક ઝુંબેશ અને તીવ્ર રોષને કારણે આ સ્પ્રેને  2001 થી બંધ તો કરવામાં આવ્યો પણ ત્યારબાદ થયેલાં અભ્યાસ મુજબ હજુ સુધી આ વિકૃતિઓનું પ્રમાણ જોવા તો મળ્યું જ છે જે સૂચવે છે કે આ જંતુનાશક ઝેર કેટલી હદે ભયંકર હશે.
એન્ડોસલ્ફાન નામના જંતુનાશકથી થયેલ તબાહીના પડઘા વિશ્વકક્ષાએ પડયાં જેને કારણે વર્ષ 2011માં થયેલ *સ્ટોકહોમ કનવેન્શનમાં નક્કી થયાં મુજબ વર્ષ 2012થી એન્ડોસલ્ફાનને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી જેનાથી 60 દેશોમાં પ્રતિબંધિત હોવાં છતાં ADAMA તરીકે ઓળખાતી ઇઝરાયેલની ક્રોપ પ્રોટેક્શન કંપની તેનું ઉત્પાદન કરે છે અને ભારત,ચીન જેવાં દેશો તેનો બિન્ધાસ્ત ઉપયોગ પણ કરે છે*.

 એન્ડોસલ્ફાનની અસર એ પાણીમાં રહેલી હિમશીલાની માત્ર ટોચ સમાન ઉદાહરણ છે.આવી તો અસંખ્ય પેસ્ટીસાઈડ્સ (જંતુનાશક ) છે જેણે જે તે સંપૂર્ણ વિસ્તારની શારીરિક,માનસિક,સામાજિક તેમજ આર્થિક જીવનને ભયનકતાની હદ પર લાવીને છોડી દીધાં હોય.

 રાજસ્થાનમાં એક વિસ્તારમાં ઓર્ગેનોકલોરીન નામની પેસ્ટીસાઈડ્સ ને કારણે મહિલાઓમાં ગર્ભાશય,સર્વાઈકલ,યુટ્રેઇનના કેન્સરના થવાના એકસરખા કિસ્સાઓ જોવા મળ્યાં છે.આ તમામ મહિલાઓના લોહીની તપાસ કરતાં તેમાં પેસ્ટીસાઈડ્સના તત્વો જોવાં મળ્યાં હતાં.
ઉપરાંત બાળક જન્મે ત્યારે ખુલ્લી ખોપરી તથા અવિકસિત મગજ સાથે જન્મે છે જેનું કારણ ફોલિક એસિડની ખામી છે.જે પેસ્ટીસાઈડ્સને કારણે સર્જાય છે.આ કિટનાશક  કિટકોની જેમ માનવ શરીરના ફોલિક એસિડનો પણ નાશ કરી નાખે છે.

 એક સમયે દેશના "અનાજનો કોઠાર" તરીકે ઓળખાતું પંજાબ આજે મૃત:પ્રાય થતું જાય છે.જેનાં અનેક કારણો પૈકી એક સબળ કારણ છે ' જંતુનાશકનો છંટકાવ'.
1960માં શરૂ થયેલી 'હરિત ક્રાંતિ'(ગ્રીન રિવોલ્યુશન) સમયે અત્યાધુનિક ખેતી પદ્ધતિ ,અત્યાધુનિક સાધનોની સાથે સાથે ધીમા પગલે આ જંતુનાશક ઝેરનો પણ ખેતીમાં અને દેશમાં પગપેસારો થયો ત્યારે કોઈને તેના આ ભયાનક ભવિષ્યની કલ્પના પણ નહીં હોય.
કપાસક્ષેત્રે વિશ્વના બીજા નંબરના ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતનું નામ જ્યારે વિશ્વમાં ગાજવા લાગ્યું ત્યારે તે ઉત્પાદનમાં પંજાબનો ખૂબ મોટો હિસ્સો હતો.
ખેડૂતોની વધુ પાક લેવાની હોડ,ઘેલછા,પેસ્ટીસાઈડ્સના ઉપયોગનું અજ્ઞાન તેમજ બેદરકારીને કારણે પંજાબમાં રાસાયણિકખાતર, પેસ્ટીસાઈડ્સ વગેરેના બિનજરૂરી અને વધુ પડતાં ઉપયોગને કારણે જમીન,પાણી અને ખોરાકમાં ઝેરની માત્રા ધીરે ધીરે વધવા લાગી અને કલ્પના પણ ન કરી હોય તેવાં રોગોનો જન્મ થવાં લાગ્યો.

આવી ઝેરી જમીનમાંથી નીકળતાં પાણીને 'ટોક્સિન કોકટેઇલ' કહી શકાય!!
ફરીદકોટની જમીનના પાણીનું એનાલિસિસ કરતાં તેમાંથી સિન્થેટિક નાઇટ્રેટનું પ્રમાણને કારણે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોના જન્મનું પ્રમાણ વધુ હોવાનું પણ નોંધાયું છે.વાળમાં બેરીયમ,કેડમિયમ,મેંગેનીઝ,
સીસું,યુરેનીયમનું પ્રમાણ પણ જોવા મળ્યું.

પંજાબના માળવા વિસ્તારમાં કેન્સરનું પ્રમાણ છેલ્લા દાયકાઓમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે.કપાસમાં થતાં (1995) બોલવોર્મને કારણે પાકમાં દર ત્રણ દિવસે છંટકાવ કરવાને કારણે ધીરે ધીરે આખો વિસ્તાર કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓની લપેટમાં આવી ગયો.પંજાબના અબોહરથી ઉપડતી ટ્રેઈન આજે પણ કેન્સર ટ્રેઈન તરીકે કમનસીબે વિશ્વભરમાં જાણીતી છે.જે દર્દીને  બિકાનેર ઉતારે છે જ્યાં રોજના 50 થી 80 દર્દીઓ પંજાબથી માત્ર કેન્સરની સારવાર માટે બિકાનેર જાય છે.
 આ તો વાત થઈ પેસ્ટીસાઈડ્સ,ઇનસેક્ટિસઇડ્સ,ફન્જીસાઈડ્સ વગેરેથી થતાં ભયાનક રોગોની.

કોઇપણ વસ્તુ જંતુનાશક ઝેરના છંટકાવ વગરની છે કે નહીં તે સામાન્યરીતે જાણી શકાય તેવાં કોઈ ટેસ્ટ નથી.વિશ્વમાં કુલ જેટલી પેસ્ટીસાઈડ્સ વપરાય છે તેમાં 75% ખેતીમાં અને 25%ઘર તેમજ બગીચામાં વપરાય છે.

WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અને અનેક સંસ્થાઓ મહેનત કરે છે પણ વિશ્વમાં પેસ્ટીસાઈડ્સનું ઉત્પાદન કરતી કંપનીઓનું સંગઠન એટલું જ મજબૂત છે.

 'cide' નો અર્થ થાય છે 'to kill'- મારવું. પછી તે પેસ્ટીસાઈડ્સ( જંતુનાશક-કિટનાશક), ફંજીસાઈડ્સ(ફૂગનાશક)
હર્બસાઈડ્સ(ન જોઈતી વનસ્પતિનો નાશ કરે તે)
હોય તો પછી તેને જંતુનાશક દવા શા માટે કહેવામાં આવે છે.દવાનો અર્થ ઉપચાર.આવા ભ્રામક અર્થથી પ્રેરાઈને એક સામાન્ય,અભણ/અજ્ઞાની કે વિચારશીલ ખેડૂત તેને ખેતી માટે ઉપયોગી માની અને તેનો વિશ્વાસથી ઉપયોગ કરે છે.આમ તેને દવા ન કહેતાં જંતુનાશક ઝેર કહેવું જ યોગ્ય રહેશે.કારણ તે ઝેર જ છે. 

પણ આપણે એ ભૂલી જઈએ છે કે આ ઝેર ખરાબ કીટકની સાથે સારા કીટકનો પણ નાશ કરે છે.

યુનાઇટેડ નેશન્સના ફૂડ અને પર્યાવરણ વિભાગના એક્સપર્ટ ના મત મુજબ , "વિશ્વની વધતી જતી વસ્તીની ખોરાકની માંગને પહોંચી વળવા માટે ખેત ઉત્પાદનમાં પેસ્ટીસાઈડ્સ જરૂરી છે તે માન્યતા સદંતર ખોટી છે"
માનવ અધિકાર માટેના યુ.નો.(U N) રિપોર્ટસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે,વિશ્વની પેસ્ટીસાઈડ્સ ઉતપન્ન કરતી કંપનીઓ પેસ્ટીસાઈડ્સ કોઈ નુકશાન નહી કરતી હોવાનો દાવો કરે છે તે પણ તેની એક છેતરામણી માર્કેટિંગ સ્ટ્રેટેજી જ છે
આ મેન્યુફેક્ચરિંગ લોબીની એટલી મોટી પહોંચ હોય છે કે,તેને કંટ્રોલ કરવા ,રોકવા કે વિરોધ કરવા માટે સરકાર પાંગળી સાબિત થઇ છે.

 માનવજીવન,પશુપક્ષીઓ,પર્યાવરણ સાથે ચેડાં કરનાર પેસ્ટીસાઈડ્સનો વિશ્વભરના લોકો એકસાથે મળીને બહિષ્કાર કરે તો જ આ રાક્ષસને નાથી શકાય.જેમ સ્વરાજ્ય માટે જનક્રાંતિનો જુવાળ ઉભો થયો હતો તેવું જ કંઈક બને તો જ આ વિશ્વને ,આવનારી પેઢીને બચાવી શકાશે.

1) પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ કરનાર ખેડૂત જો આ આખા વિષચક્રને સમજી જશે તો તેમાંથી જરૂર બહાર નીકળી શકશે.આ ચુંગાલમાંથીબહાર નીકળવા માટે કમર કસે તો જરૂર નીકળી જ શકે.

2) દરેક ખેડૂત નક્કી કરે કે મારે ઝેરમુક્ત ખેતી કરવી છે તો તેની સામે ઘણાં સારા વિકલ્પો પણ મળી આવશે.બસ જરૂર છે ઇચ્છાશક્તિની.

3) દેશની ઘણી સઁસ્થાઓ અને સઁગઠનો સજીવખેતી માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે તેમાં વિશ્વાસ મૂકી અને ખેડૂતોએ તેમના માર્ગદર્શન હેઠળ સજીવ ખેતી શરૂ કરવી જોઈએ.
ખેડૂતો પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ બંધ કરી દેશે એટલે આપોઆપ આ વિષચક્રની મોટી કડી તૂટી જશે.

4)પેસ્ટીસાઈડ્સ ઉત્પાદન કરતી કંપનીઓના માનવતાવાદી માલિકોએ  ધરતીમાતા અને જીવસૃષ્ટિનું નિકંદન કરનારા આ ઉદ્યોગને તિલાંજલિ આપી અને સજીવ ખેતીને મદદ થઇ શકે તેવાં પ્રકારના ઉત્પાદન તરફ વળવું જોઈએ.

5)ડીલર ,ડિટીબ્યુટર્સ માટે કંપની દવારા વેચાણના ટાર્ગેટ પુરા કરવા બદલ ખૂબ લોભામણી સ્કીમ આપવામાં આવતી હોય છે તેનો લાભ લેવાની લાલચમાં તેઓ ખેડૂતોને આડેધડ ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપે છે જેને કારણે 5 મિલી ની સૂચના હોય ત્યાં ખેડૂત 50 મિલી વાપરી નાખે છે.અને વિષચક્ર ચાલુ જ રહે છે.

6)જાગૃત ગ્રાહકો જે ઝેરમુક્ત વસ્તુઓ ખરીદવા માંગે છે તેમણે એક ગ્રૂપ બનાવી નજીકના ગામના ખેડૂતોની સાથે સંકલન કરી અને ઝેરમુક્ત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી અને પ્રામાણિકતાથી ઉત્પાદન કરતાં ખેડૂતો પાસેથી વસ્તુઓ ખરીદવામાં આવે તો ખેડૂતોને પણ ઝેરમુક્ત ખેતી તરફથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું પ્રોત્સાહન મળે અને સીધા ગ્રાહકો મળવાને કારણે સારું વળતર પણ મળી રહે.

7)શક્ય હોય તો સોસાયટીના કોમન પ્લોટ,ફ્લેટની ટેરેસ,બાલ્કનીમાં કિચન ગાર્ડન બનાવી ઝેરમુક્ત જીવન તરફ ડગલું ભરવું જોઈએ.

8) સરકાર દ્વારા ઇન્ટ્સેક્ટિસઇડ્સ એકટ 1968 બનાવવામાં આવ્યો છે પણ તે બનાવીને બેસી રહેવાને બદલે માનવ જીવન અને સમગ્ર પર્યાવરણ માટે ખતરારૂપ એવી આ ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે અત્યંત કડક હાથે કામ લેવામાં આવે તો  આ વિષચક્ર તૂટી જતાં વાર ન લાગે.

9) સરકાર દ્વારા અભ્યાસક્રમમાં સજીવ ખેતીના ફાયદા અને જંતુનાશક દવાઓની આડઅસર વિશેના મુદ્દાઓ સામેલ કરી અને  નવી પેઢીને સજીવ ખેતી તરફ વાળી શકાય.

કેરળના કસારાગોડના હોય,રાજસ્થાનના *હોય , ગુજરાતનાં  કેશોદ પાસેનાં અજાબ ગામનાં હોય ,પંજાબના હોય કે વિશ્વના કોઈપણ ખૂણામાં બનતાં આવાં ઉદાહરણરૂપ કરુણ કિસ્સાઓ મુજબ રોજના હજારો યુવાનો, બાળકો,સ્ત્રીઓ,વૃધ્ધો એવાં નિર્દોષ લોકો કોઈપણ ગુના વગર મોતને ભેટ્યા હોય,લાખો લોકો અસાધ્ય રોગના ભોગ બનીને નર્કસમાન જીવન વિતાવતાં હોય તેને માટે જવાબદાર લોકો સમગ્ર માનવજાત તથા કુદરતમાં રહેલાં લાખો અબોલ પશુપક્ષીઓ, કીટકો,જીવજંતુઓના ગુનેગાર છે.

ચાલો આપણે આ ઝેરને જીવનમાંથી જાકારો આપીએ. આપણે પણ બચીએ અને આવનારી પેઢીઓને પણ બચાવીએ
સ્વસ્થ ભારત! સુખી ભારત!!
9825971363
adoshi480@gmail.com
-------///----------////---------//

Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1