પીગળતું પોલાદ

પીગળતું પોલાદ


સાંજના સમયે કબાટ ગોઠવતી વખતે અદિતિના હાથમાં સમીરનો એક જૂનો, મનગમતો શર્ટ આવ્યો. આ શર્ટ સમીરના સુડોળ અને મજબૂત ભૂતકાળનું જાણે એક પ્રતીક હતો. અદિતિએ થોડા દિવસ પહેલાં જ સમીરને આ શર્ટ પહેરેલો જોયો ત્યારે નોટિસ કર્યું હતું કે શર્ટ હવે સમીરના ખભા પરથી સહેજ ઢળતો હતો. થોડાં વર્ષો પહેલાંના સમીરના અડીખમ, પોલાદી શરીરમાંથી સ્નાયુઓ જાણે ધીમે ધીમે ઓગળી રહ્યા હતા. કોઈ અચાનક કે રાતોરાત થયેલો આ બદલાવ નહોતો. આ એક એવી અત્યંત ધીમી પ્રક્રિયા હતી, જેની સમીરને ખુદને પણ ખબર નહોતી. પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી અદિતિની નજર સમીરની ભીતર અને બહાર થઈ રહેલા આ સૂક્ષ્મ ફેરફારોને બારીકાઈથી નોંધી રહી હતી.
ત્યાં જ ડોરબેલ વાગી. અદિતિએ બેડરૂમમાંથી બહાર આવી દરવાજો ખોલ્યો. સમીરે પોતાના શૂઝ કાઢીને સ્ટેન્ડમાં વ્યવસ્થિત મૂકવાને બદલે સીધા જ ડ્રોઈંગ રૂમમાં આવી પોતાની લેધર બેગ સોફા પર પછાડી. "અદિતિ! તું ક્યારેક તો સિરિયસલી કોઈ કામ કર." લિફ્ટ બંધ હોવાને કારણે ત્રણ માળ ચડીને આવેલો સમીર હાંફતાં-હાંફતાં ચિડાઈને બોલ્યો.
"કેમ શું થયું?" અદિતિએ શાંતિથી પૂછ્યું.
"જેનું કામ હતું એ લેટર તો તેં બેગમાં મૂક્યો જ નથી." આ વખતે સમીરના અવાજમાં અકળામણ અને નિરાશા બંને હતાં.
અદિતિએ ગુસ્સે થવાને બદલે બેગમાં બીજાં ડોક્યુમેન્ટ્સ સાથે રહેલો લેટર શોધી સમીરને આપતાં કહ્યું, "અંદર જ તો હતો."
"મને તો ના મળ્યો," સમીરે કહ્યું અને એ આંખો બંધ કરીને સોફા પર ઢળી પડ્યો.

સમીર હંમેશાંથી આવો નહોતો. પહેલાં ઓફિસથી આવીને ઉત્સાહથી આખા દિવસની વાતો કરતો સમીર, હવે ઘરે આવતાંવેંત સોફા પર ઢળી પડતો. જાણે શરીરમાં કોઈ ઊર્જા જ ન બચી હોય! રાત્રે પથારીમાં એને પડખાં ઘસતો જોઈને અદિતિને સમજાતું કે ઊંઘ એનાથી દૂર ભાગી રહી છે. વીકએન્ડમાં ફરવા જવાનો ઉત્સાહ ક્યાંય ગાયબ થઈ ગયો હતો અને એની જગ્યા વિચિત્ર ઉદાસીએ, એક પ્રકારના હળવા ડિપ્રેશને લઈ લીધી હતી. નાની નાની વાતોમાં એનો અવાજ ભલે મોટો નહોતો થતો, પણ એક ઊંડી ખામોશી એના સ્વભાવમાં ભળી ગઈ હતી.

સમીરની ભીતર એક ભયંકર મનોમંથન ચાલી રહ્યું હતું. અગાઉ એકદમ સ્ફૂર્તિવાળા સમીરની સ્ફૂર્તિ ગાયબ થઈ ગઈ હતી. ઓફિસથી આવે ત્યારે શરીરમાં રહેલી માંસપેશીઓ જાણે ઓસરી રહી હોય એટલો થાક અનુભવાતો. રાત્રે પથારીમાં જાગતો ત્યારે અંધારામાં એ પોતાની જાતને પૂછતો, "શું હું ખતમ થઈ રહ્યો છું? મારો આત્મવિશ્વાસ ક્યાં ગયો?"

દાંપત્યજીવનની પથારીમાં હવે એ અંતરંગ પળોની જગ્યા અદ્રશ્ય સૂનકારે લઈ લીધી હતી. જાતીય ઈચ્છાઓ અને શારીરિક સક્ષમતામાં આવેલી આ ઓટ સમીરના પુરુષત્વના અહંકાર પર સીધો ઘા કરતી હતી. પોતે પોતાની જ પત્નીને શારીરિક કે માનસિક રીતે પહેલાં જેટલો સંતુષ્ટ નથી કરી શકતો, એવો એક છૂપો અપરાધભાવ તેને અંદરથી કોરી ખાતો હતો. અંદરની આ નિરાશા બહાર અકારણ ગુસ્સારૂપે ક્યારેક ફૂટતી. એનો આ ક્રોધ બીજું કંઈ નહીં, પણ પોતાની જ શારીરિક અક્ષમતા પરની ચીડ હતી. પુરુષત્વ એટલે જો માત્ર શારીરિક તાકાત અને આક્રમકતા જ હોય, તો હવે એનામાં શું બચ્યું હતું? આ શૂન્યાવકાશ એને ડરાવી રહ્યો હતો.

સમાજે પુરુષને એક ઉપમા આપી છે 'પોલાદ'. જે કદી થાકે નહીં, કદી તૂટે નહીં, જે કદી વળે નહીં અને જે ક્યારેય નબળો ન પડે. સત્તાવન વર્ષનો સમીર પણ છેલ્લાં કેટલાંય દાયકાઓથી આ જ પોલાદના માળખામાં જીવી રહ્યો હતો. પણ તેને ક્યાં ખબર હતી કે, પોલાદ ભલે એક ઝાટકે તૂટે નહીં, પણ સમયની અદ્રશ્ય ભઠ્ઠીમાં ધીમે ધીમે પીગળે તો છે જ!
આ પીગળવાની શરૂઆત કોઈ એક રાતે અચાનક આવેલા વાવાઝોડા જેવી નહોતી. વિજ્ઞાન કહે છે કે, ચાલીસ વટાવ્યા પછી પુરુષના શરીરમાંથી 'ટેસ્ટોસ્ટેરોન' હોર્મોન દર વર્ષે દોઢથી બે ટકાના અત્યંત ધીમા દરે ઘટવા લાગે છે. આ પ્રક્રિયા એટલી નીરવ અને સૂક્ષ્મ હોય છે કે કેલેન્ડરનાં પાનાં બદલાતાં જાય પણ માણસને પોતાના અસ્તિત્વમાં થઈ રહેલી આ ભૌતિક ક્ષીણતાની કોઈ નોંધ જ ન લેવાય. વાર્ષિક એક બે ટકાનો ઘટાડો રોજબરોજના જીવનમાં તો ક્યાંથી દેખાવાનો! પણ હવે, સત્તાવન વર્ષે એનો પ્રભાવ સમીરના શરીર અને મન પર સ્પષ્ટ વર્તાવા લાગ્યો હતો.

ઘરના લોકો સમીરના વર્તનમાં ધીમે ધીમે આવેલા આ બદલાવથી અજાણ નહોતા. અદિતિ એક અત્યંત સમજદાર પત્ની હતી. તેનો યુવાન દીકરો શિવમ પણ પિતાના સ્વભાવમાં આવેલા ચીડિયાપણાને નોંધી રહ્યો હતો. પણ કમાલ એ વાતની હતી કે, પરિવારે સમીરના ગુસ્સાનો સામનો દલીલ કે ઘર્ષણથી ન કર્યો.

સમીરને આમ રોજબરોજ અંદરથી તૂટતો અને ઉદાસ રહેતો જોઈને અદિતિથી રહેવાયું નહીં. તેણે સમીરની અકળામણ પાછળનાં કારણો સમજવા થોડું રિસર્ચ કર્યું અને આ ફેરફાર શેને લીધે હોઈ શકે તેની શક્યતાઓ ચકાસી લીધી. વધુ સ્પષ્ટતા માટે તેણે સમીરના ખાસ મિત્ર એવા ડૉ. શશાંક સાથે વાત પણ કરી. તેમના કહેવા મુજબ આ કોઈ રોગ નહોતો પણ ઉંમરનો એક સહજ પડાવ હતો, આ ઉંમર કોઈ નિશ્ચિત નથી પચાસથી શરૂ કરી અને સિત્તેરના દાયકા સુધીની કોઈપણ હોઈ શકે.
જેની કોઈ દેખીતી સારવાર નહોતી. એટલે ડોક્ટર પાસે જવાની જીદ પકડીને અદિતિએ સમીરના અહંકારને પડકાર્યો નહીં. તેને બદલે, ઘરમાં એક અજબની શાંતિ અને સ્વીકૃતિ પ્રસરાવી દીધી.

સમીર વિના વાંકે કોઈ બાબતમાં ચિડાય તો અદિતિ માત્ર મીઠા સ્મિત સાથે એ કામ કરી આપતી. શિવમ પિતાના બિઝનેસનો ભાર ધીમે ધીમે પોતાના ખભા પર લેવા લાગ્યો હતો. ઘરનું વાતાવરણ જાણે સમીરને અવાજ વિના કહી રહ્યું હતું કે, 'તમારે હવે દરેક જગ્યાએ અડીખમ ઊભા રહેવાની જરૂર નથી, અમે છીએ.'

એક સાંજે બાલ્કનીમાં સમીર શૂન્યમનસ્ક બેઠો હતો. ઢળતા સૂર્યનો પ્રકાશ એના ચહેરા પર હતો. અદિતિ એની પાસે આવીને બેઠી. સમીરે પોતાના બંને હાથ તરફ જોતાં એક ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, "અદિતિ, આ હાથ હવે પહેલાં જેવા મજબૂત નથી રહ્યા. મારું શરીર જાણે મને પહેલાં જેવો સાથ આપી રહ્યું નથી. મને લાગે છે હું હવે સાવ નકામો..."

અદિતિએ વચ્ચેથી અટકાવી, સમીરના હાથ પોતાના હાથમાં લીધા. તેનાં સ્પર્શમાં એક અપાર પ્રેમ અને કરુણા હતી. "સમીર, તમે થાક્યા છો કારણ કે, તમે હજુ પેલા ચાલીસ વર્ષના સમીરને પકડી રાખવા માંગો છો. આ કોઈ બીમારી નથી કે, નથી આ તમારી કોઈ હાર. પચીસ-ત્રીસ વર્ષ જે શરીરે તમને દોડાવ્યા, એ હવે થોડો આરામ માંગે છે. ચાલીસ પછી જે ધીમો હોર્મોનલ બદલાવ આવે છે, એ પ્રકૃતિનો એક ઈશારો છે. કુદરત હવે તમને શારીરિક તાકાત અને દોડધામમાંથી મુક્ત કરીને માનસિક સ્થિરતા તરફ લઈ જવા માંગે છે. શારીરિક સંબંધોની ઉષ્મા ભલે ઓછી થઈ હોય, પણ આપણો એકબીજા પ્રત્યેનો લગાવ અને સાથ ક્યાંય વધુ ઘેરા બન્યા છે."

અદિતિએ સમીરની આંખોમાં જોતાં આગળ કહ્યું, "સમાજે તમને 'પોલાદ' કહીને તમારી પાસે હંમેશાં કઠોરતાની જ અપેક્ષા રાખી. પણ જ્યારે પોલાદ પીગળે ને સમીર, ત્યારે એ નબળું નથી પડતું. એ તો માત્ર એક નવો, વધુ સુંદર ઘાટ લેવા માટે તૈયાર થતું હોય છે. તમારે હવે આજીવન રક્ષક કે યોદ્ધા બની રહેવાની કોઈ જરૂર નથી. તમારે હવે માત્ર એવો 'માણસ' બનવાનું છે, જેને થાક લાગવાનો પૂરો અધિકાર છે, જેને નબળા પડવાનો અને રડવાનો પણ અધિકાર છે."
આ શબ્દોએ સમીરના મગજ પર બાઝેલું ધુમ્મસ એક જ ક્ષણમાં વિખેરી નાખ્યું.

વર્ષોથી જે 'અડીખમ પુરુષ હોવાના અહંકાર'નું બખ્તર એણે પહેરી રાખ્યું હતું, તે આજે હળવેકથી સરકી ગયું. પોલાદ પીગળી રહ્યું હતું. એણે પહેલી વાર પોતાની ઉંમર અને શરીરની આ અત્યંત ધીમી પ્રક્રિયાનો સંપૂર્ણ, હૃદયપૂર્વક સ્વીકાર કર્યો.

તે દિવસ પછી સમીરની જિંદગીમાં એક નવી જ લય આવી ગઈ. સવારની દોડધામને બદલે હવે તેમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાન ઉમેરાયાં. ખોરાકમાં સાત્વિકતા આવી. પોતાની નબળાઈઓને છુપાવવાને બદલે એણે પરિવાર સામે સહજતાથી સ્વીકારતાં શીખી લીધું. ઘરમાં હવે કોઈ તણાવ નહોતો, માત્ર એક ઊંડી સમજણ હતી.

એક સમય હતો જ્યારે અહંકાર તેનું બખ્તર હતો, હવે સમજણ એની સૌથી મોટી તાકાત હતી. બાલ્કનીમાં ઊભા રહીને સમીરે સવારની તાજી હવાનો એક ઊંડો શ્વાસ લીધો. હા, પોલાદ પીગળી રહ્યું હતું, પણ એમાંથી ઢળાયેલી જિંદગીની આ નવી મૂર્તિ ક્યાંય વધુ શાંત, સુંદર અને અર્થસભર હતી.

અસ્તુ
અમી દોશી 
રાજકોટ
9825971363


Comments

  1. ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી લેખન. “પીગળતું પોલાદ” માત્ર ઉંમર સાથે થતા શારીરિક પરિવર્તનની વાત નથી કરતું, પરંતુ જીવનના દરેક પડાવને સ્વીકારવાની પરિપક્વતા, પરિવારની સમજણ અને સંબંધોની સાચી તાકાતને પણ ખૂબ સુંદર રીતે રજૂ કરે છે.

    ખાસ કરીને “પોલાદ પીગળે ત્યારે એ નબળું નથી પડતું, પરંતુ નવા ઘાટ માટે તૈયાર થાય છે” — આ વિચાર ખૂબ જ પ્રેરણાદાયક છે. જીવનમાં પરિવર્તનને સ્વીકારીને પોતાની જાતને નવા સ્વરૂપે ઘડવાની સુંદર શીખ આપે છે.

    અમીબેન, ખૂબ જ સંવેદનશીલ, પરિપક્વ અને અર્થસભર લેખન. હૃદયસ્પર્શી. 👏🌷

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

અજંપો

માફી