અતૃપ્તિ:નવીનતાની તલપથી સાતત્યની ઊંડાઈ સુધી

અતૃપ્તિ: નવીનતાની તલપથી સાતત્યની ઊંડાઈ સુધી

રવિવારની સવારે દસેક વાગ્યે મૃણાલ પોતાનું દૈનિક કાર્ય પતાવી મનમાં ઊગેલાં નવા વિચારને અમલમાં મૂકવા સ્ટડી રૂમમાં પ્રવેશી ખુરસી પર બેઠી.
47 વર્ષની મૃણાલના કાળા ભમ્મર વાળના સામ્રાજ્યમાં સફેદ વાળે ઘૂસણખોરી કરી પોતાના પાયા મજબૂત કરીને સામ્રાજ્યમાં નવી જ ભાત ઉભી કરી હતી.
મૃણાલની બુદ્ધિમત્તા કોઈ ધારદાર શસ્ત્ર જેવી હતી, જે કોઈ પણ નવા વિષયને આંખના પલકારામાં ચીરીને અંદર પ્રવેશી શકતી. પણ એ જ શસ્ત્ર હવે ધીમે ધીમે એના પોતાના અસ્તિત્વને છોલી રહ્યું હતું.

 મૃણાલની સમસ્યા નિષ્ફળતા નહોતી; એની સમસ્યા એ હતી કે, એ કોઈ પણ વસ્તુમાં નિષ્ફળ જવા જેટલું રોકાતી જ નહોતી. એનું મન એક એવું પંખી હતું, જેને કોઈ એક ડાળ પર બેસવાનું ફાવતું જ નહોતું.
મૃણાલના સુંદર સ્ટડીરૂમમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. જાણે અધૂરી ઈચ્છાઓનું કબ્રસ્તાન. ટેબલના એક છેડે અડધી લખાયેલી નવલકથાનાં પાનાં હવામાં ફરફરતાં હતાં, બીજા ખૂણે હાર્મોનિયમ કોઈ પોતાના પેટમાં હવા ભરે તેની રાહ જોતું પડ્યું હતું. બિઝનેસ પ્લાન, બારી પાસે મૂકેલા ઇઝલ પર એક અડધું ચિતરાયેલું કેનવાસ જાણે એની સામે તાકીને સવાલ પૂછી રહ્યું હતું.
મૃણાલની ડાયરીના પાના શરૂઆતથી ભરેલાં પડ્યાં હતાં પરંતુ અંત તરફ જતાં એના અક્ષરો ધૂંધળા થઈ અદૃશ્ય થઈ જતાં હતાં. મૃણાલના શરીરમાં ગજબ સ્ફુર્તિ હતી. એના શરીરમાં જાણે શક્તિનો અખૂટ પ્રવાહ નિરંતર વહેતો રહેતો. એને જ્યારે જુસ્સો ચડે ત્યારે મોર્નિંગ વોક શરૂ કરે અને એક જ વોકમાં આઠ દસ કિલોમીટર ચાલી નાખે. એ જ રીતે ક્યારેક યોગ તો ક્યારેક સંગીત.
 સવારે આધ્યાત્મિક પોડકાસ્ટ સાંભળતાં અચાનક એને નવી વેબસાઇટ બનાવવાનો વિચાર આવતો. બે દિવસ એ જ કામમાં ઝનૂનપૂર્વક ડૂબી જતી. ત્રીજા દિવસે કોઈ નવો લેખ વાંચ્યો કે દિશા બદલાઈ જતી ‘અસલી જિંદગી તો આ ક્ષેત્રમાં છે!’ બપોરે મિત્રો સાથે જીવનના ગહન અર્થોની ચર્ચા કરતી અને સાંજ સુધીમાં સવારના વિચારો એને બાલિશ લાગવા માંડતા.

બારી વાટે દેવચકલી સ્ટડીરૂમમાં આવીને સ્ટેન્ડ પર રાખેલ કેનવાસ પર બેસી ગઈ એટલે મૃણાલના વિચારો તૂટ્યા.
પક્ષી પ્રેમી મૃણાલે દેવચકલીને આંખોથી આવકારી. ચંચળ દેવચકલી ઘડીકમાં બુક શેલ્ફ પર તો ઘડીકમાં વળી વોલ ક્લૉક પર બેસે. જાણે રૂમની દરેક ચીજ પર પોતાનો માલિકી હક્ક હોવાનો દાવો કરતી હોય. દેવચકલીને જોઈને મૃણાલ મલકી ઉઠી, વાહ ક્ષણે ક્ષણે નવી શરૂઆત અને નિત્ય નવો પ્રવાહ.
અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ એ ઊભી થઈને ડ્રોઈંગ રૂમમાં આવીને નીરવની સામે વાળા સોફા પર બેસી ગઈ.
પતિ નીરવ નામ જેવો જ શાંત, ગંભીર અને જમીન સાથે જોડાયેલો. વર્ષોથી એક જ નોકરી, એક જ ઘર, સવારની એ જ ચા અને દર રવિવારે એ જ જૂના બગીચાની એ જ બેન્ચ.
નીરવના હાથમાં વર્ષો જૂનું પુસ્તક હતું જેના જર્જરિત પાનાંમાં ઝાંખા પડી ગયેલા અક્ષરો ઉકેલીને શાંતિથી વાંચતો હતો.
મૃણાલે અકળાઈને પૂછ્યું,
“તને ક્યારેય કંઈક નવું, કંઈક અસાધારણ કરવાની ઈચ્છા નથી થતી?”
નીરવે પુસ્તક પરથી નજર હટાવી કહ્યું.
“શાંતિથી જીવવું એ પણ એક સાધના છે, મૃણાલ.”
“સાધના નહીં, આળસ છે. તારામાં કોઈ તરવરાટ જ નથી.”
નીરવ ફરી શાંતિથી પુસ્તક વાંચવા લાગ્યો.
નીરવની આ શાંતિ મૃણાલના મનમાં ચાલતા વંટોળને વધુ ઉશ્કેરતી હતી. 
"તને ક્યારેય ગૂંગળામણ નથી થતી, નીરવ?" મૃણાલે ટેબલ પર આંગળીઓ પછાડતાં પૂછ્યું, "એક જ શહેર, એક જ નોકરી, એક જ પ્રકારનો વીકએન્ડ... તું આટલી સ્થિરતા સાંખી કેવી રીતે શકે છે?"
નીરવે પુસ્તક પરથી નજર હટાવી. એના ચહેરા પર કોઈ ત્વરિત પ્રતિક્રિયા નહોતી, માત્ર એક પ્રકારનો પરિપક્વ થાક હતો, જે વર્ષો સુધી કોઈ વંટોળની સાથે જીવવાથી આવે. "સતત આડી અવળી દિશામાં દોડતા રહેવાથી અંતર નથી કપાતું, મૃણાલ. માત્ર આપણા પોતાના જ શ્વાસ ટૂંકા થાય છે. અંતર કાપવા માટે એક દિશા અને એકધારો પ્રયાસ જોઈએ. તું જેને સ્થિરતા કહે છે, એ મારું મૂળ છે."
"મૂળ નહિ, એ જડતા છે!" મૃણાલ બબડી અને રૂમની બહાર નીકળી ગઈ.

પોતાની અંદરની તરસને કોઈ નામ આપવા મૃણાલે જાણીતા ચિત્રકાર અને આર્ટ થેરાપિસ્ટ પ્રોફેસર જનાર્દનના "આર્ટ ઓફ લાઇફ" વર્કશોપમાં પ્રવેશ લીધો. વર્કશોપ પ્રોફેસર જનાર્દનના સ્ટુડિયોમાં જ હતો. સ્ટુડિયોમાં પ્રવેશ કરતાં જ વિશાળ દીવાલો પર ટાંગેલા ચિત્રોમાં જીવનની ઝલક જોવા મળતી હતી. દરેક ચિત્ર જાણે જીવનનો મર્મ સમજાવીને સંદેશ આપતું હોય તેવો ભાસ થતો હતો. એક અજબ આકર્ષણ અને શાંતિ અનુભવાતી હતી.
મૃણાલે ઘણા વર્ષો બાદ આજે ફરી પેઇન્ટિંગ  બ્રશ પકડ્યું અને એની આંગળીઓ નૃત્ય કરવા લાગી. પહેલા જ દિવસે એના બ્રશના લસરકાઓમાંથી કોઈ તેજસ્વી અમૂર્ત આકૃતિ ઊપસી આવી. તેની કળાની પ્રશંસા થઈ. એને લાગ્યું કે બસ, આ જ એની મંઝિલ છે. નવીનતાનું આકર્ષણ હંમેશાં એને કોઈ જાદુ જેવું લાગતું.
વર્કશોપના ચોથા દિવસે મૃણાલે પોતાના મનના નવા ઉમંગને કંડારવા માટે નવું કેનવાસ માંગ્યું ત્યારે પ્રોફેસર જનાર્દને અધૂરું ચિત્ર એની સામે મૂકી દીધું.
"આજે નવું કંઈ નહીં, પહેલાં આને પૂર્ણ કર મૃણાલ."
"પણ સર, આ તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે." મૃણાલનો અવાજ અકળામણથી ભરેલો હતો.
જનાર્દને એની આંખોમાં જોતાં એકદમ ધીમા સાદે કહ્યું, "ઓલમોસ્ટ પૂરું થયું છે પણ સંપૂર્ણ નહીં, આમાં શેડિંગ હજુ બાકી છે."
મૃણાલ કેનવાસ પર પોતે બનાવેલ જૂના ચિત્ર સામે અણગમાં સાથે જોતી સ્ટૂલ પર બેસી ગઈ.
અડધો કલાક પસાર થયો, પછી પોણો કલાક...
મૃણાલની ધીરજ ખૂટી ગઈ. બાજુમાં એક સામાન્ય દેખાતી સ્ત્રી છેલ્લા બે કલાકથી ગુલાબની એક નાનકડી પાંખડી પર રંગના હળવા શેડ્સ ઘૂંટી રહી હતી. એના ચહેરા પર એવી તલ્લીનતા હતી, જાણે આખી દુનિયા એ એક પાંખડીમાં સમાઈ ગઈ હોય.
મૃણાલને ગૂંગળામણ થઈ.
‘એક જ પાંખડી પર આટલો સમય! સમયનો આવો વ્યય?’
એણે બ્રશ મૂકી અને બેગ ઉપાડી.
દરવાજા પાસે પ્રોફેસર જનાર્દન ઊભા હતા.
“થાકી ગઈ?”
“ના સર. પણ મને લાગે છે કે હવે અહીં કંઈ નવું શીખવા જેવું રહ્યું નથી.”
પ્રોફેસર મંદ હસ્યા.
“મૃણાલ, તું શાઈની ઑબ્જેક્ટ સિન્ડ્રોમનો શિકાર છે.”
મૃણાલ અટકી ગઈ.
“તમારું મન નવી વસ્તુની શરૂઆતના ઉત્સાહનું બંધાણી બની ગયું છે. શરૂઆતમાં નવીનતા હોય છે, પ્રશંસા હોય છે, ડોપામાઇનનો ચમકારો હોય છે. પણ જ્યારે એ ચમક ઓસરે અને કામ સાતત્ય તથા પરિશ્રમ માગે, ત્યારે મન એને ‘કંટાળો’ કહીને ભાગી જાય છે. નવી શરૂઆત એ નશો છે પણ એને અંત સુધી લઈ જવી એ જ સાચી કળા છે. આરંભ નહીં અંત ભવ્ય હોવો જોઈએ. કળા હોય કે માનવીય સંબંધો શરૂઆત તો શોખથી પણ થઈ શકે છે પણ ભવ્ય અંત સુધી લઈ જવા માટે સાધના કરવી પડે છે. અધુરા સર્જનનો કોઈ અર્થ નથી."
પ્રોફેસરના શબ્દો મૃણાલના ધારદાર વ્યક્તિત્વ અને અહમને ચીરીને આરપાર નીકળી ગયા.
મૃણાલ નિઃશબ્દ ઊભી રહી.
“તમને નવી દિશા શોધવાની માત્ર તલપ નથી,” જનાર્દને ધીમેથી કહ્યું, “તમને એક જ દિશામાં ઊંડે ઊતરવાનો કંટાળો છે. સપાટી પર તરવું સહેલું છે; ઊંડાણમાં ઉતરવા ધીરજ જોઈએ.”

એ સાંજે મૃણાલ લાંબા સમય પછી પોતાના સ્ટડીરૂમમાં બેઠી. એના કાનમાં પ્રોફેસર જનાર્દનના શબ્દો ગુંજતા હતા. મૃણાલની સામે જ પોતાનું આખું જીવન ફ્લેશ બેકની જેમ પસાર થવા લાગ્યું.
એક પછી એક અધૂરી વસ્તુઓ એની સામે આવી. નવલકથા, બિઝનેસ પ્લાન, કેમેરા, કેનવાસ, હાર્મોનિયમ...
દરેક વસ્તુ જાણે એક સવાલ પૂછતી હતી ‘મને કેમ છોડ્યું, મારો શું દોષ હતો? માત્ર નવીનતાના નશા માટે જ?’.
રાત્રે નીરવે સહજતાથી પૂછ્યું,
“આજે કંઈ નવું વિચાર્યું?”
મૃણાલે એની સામે જોયું.
વર્ષોથી જેને એ મહત્ત્વાકાંક્ષા વિનાનો માણસ માનતી હતી, એ જ કદાચ સાતત્યનો સાચો અર્થ જાણતો હતો.
“ના નીરવ,” એ ધીમેથી બોલી, “આજે કશું નવું નથી વિચારવું. જે અધૂરું છે, એ પૂરું કરવું છે. નીરવ... ક્યારેક કોઈ બાબતથી કંટાળો આવે એટલે એને છોડી દેવી જરૂરી નથી હોતી, ખરું?”

નીરવે એની તરફ જોયું.
“કદાચ નહીં.”
મૃણાલ હળવું સ્મિત કરી બોલી,
“કદાચ સાચું કામ તો ત્યાંથી જ શરૂ થાય છે, જ્યાં નવીનતાનો નશો ઊતરી જાય.”
નીરવ કશું બોલ્યો નહીં. એની આંખોમાં સ્વીકૃતિનું શાંત સ્મિત હતું.
બીજા દિવસે વર્કશોપમાં એ અધૂરા ચિત્ર સામે સ્ટૂલ પર બેઠી.
આજે એને કોઈ ઉતાવળ નહોતી. એણે બ્રશ હાથમાં લીધું અને એક જ લીટી પર, એક જ રંગના શેડ્સ ઘૂંટવાનું શરૂ કર્યું. જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ એક લયબદ્ધ એકાગ્રતા પ્રગટી. એક કલાક... બે કલાક... ત્રણ કલાક. જ્યારે એણે પીંછી નીચે મૂકી, ત્યારે કેનવાસ પર માત્ર રંગો નહોતા, પણ એના પોતાના અસ્તિત્વનો એક નાનકડો હિસ્સો જડાઈ ગયો હતો. એ થાકી ગઈ હતી, પણ આ થાકમાં પહેલી વાર કોઈ રિક્તતા નહોતી, એક વજનદાર સંતોષ હતો.
સાંજે એ ઘરે પહોંચી ત્યારે નીરવ એ જ સોફા પર બેઠો હતો. એની પાસે જઈને મૃણાલ ચૂપચાપ બેસી ગઈ.

આજે પહેલી વાર એને નીરવની સ્થિરતામાં જડતા નહોતી દેખાતી, પણ એક ઊંડો, પરિપક્વ પ્રેમ દેખાતો હતો. એ સમજી ગઈ હતી કે કોઈપણ સંબંધમાં કે કામમાં શરૂઆતનું આકર્ષણ એક મોજા જેવું હોય છે, જે કિનારાને પલાળીને પાછું જતું રહે છે. પણ જ્યારે એ મોજાંઓ શમી જાય, ત્યારે જ સાચો દરિયો દેખાય છે. નીરવે એ દરિયાની શાંતિ સ્વીકારી લીધી હતી, જ્યારે પોતે આજીવન માત્ર મોજાંઓની જ તલાશમાં રહી હતી.
નીરવે એના તરફ જોયું, "આજે કંઈ નવું?"
મૃણાલે નીરવના હાથ પર પોતાનો હાથ મૂક્યો. એના સ્પર્શમાં એક નવો જ ઠહેરાવ  હતો.
"ના," મૃણાલના અવાજમાં એક ભીની શાંતિ હતી, "આજે કશું નવું નહીં. જે આપણું છે, એને જ થોડું વધુ ઊંડાણથી ઓળખવું છે."

બારી બહાર પવન સૂસવાટા મારતો હતો, પણ મૃણાલના મનનું પંખી આજે પહેલી વાર પોતાની ડાળ પર નિરાંતે બેઠું હતું.
વર્ષો પછી મૃણાલને સમજાયું કે,
પૂર્ણતા નવી ક્ષિતિજ શોધવામાં નથી; જે ક્ષિતિજ સામે ઊભા છીએ, તેમાં પૂરતું ઊંડું ઊતરવામાં છે.
અને કદાચ એ જ ક્ષણે, એની અંદરની અતૃપ્તિએ પહેલી વાર શ્વાસ છોડ્યો.

 ✍️ અમી દોશી
રાજકોટ
9825971363

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. ઊંડાણમાં ઉતરવું કેટલું જરૂરી છે તે સરસ સમજાવ્યું. Gen Z ને આ રીત ની બહુ જરૂર છે. સુંદર વાત 👌💐

    ReplyDelete
  3. અત્યંત હ્રદયસ્પર્શી.. દરેક વખતે કશીક નવી શરૂઆત કરવાના બદલે અધુરા રહેલા કાર્યને પૂર્ણતાની પરિપાટી સુધી પહોંચાડવામાં.. ડાયરેક્ટ દિલ સે.. એક અલગ પ્રકારનો અનુભૂત્યોત્સવ માણી શકાય છે.. અભિનંદન.. 🙏💐🌹

    ReplyDelete
  4. એક અનોખો ઠહેરાવ.... સરસ વાત છે

    ReplyDelete
  5. ખુબજ સરસ, હું પણ મારી જાત ને જોઇ શક્યો. 2010 પહેલા મારી મનોસ્થિતિ મૃણાલ જેવી જ, પણ Landmark forum માં સ્વયં ને ઢંઢોળ્યો અને મોજ પડી.. ભાવપૂર્ણ કૃતજ્ઞતા અમી બેન.

    ReplyDelete
    Replies
    1. આપણાંમાં વતે ઓછી અંશે મૃણાલ હોય જ છે.

      Delete
  6. આ રચના ખરેખર વિચારવા મજબૂર કરે એવી છે.

    ‘શરૂઆતનો ઉત્સાહ’ અને ‘અંત સુધી પહોંચવાની સાધના’ વચ્ચેનો તફાવત ખૂબ જ સુંદર રીતે રજૂ થયો છે. મૃણાલનું પાત્ર માત્ર એક વ્યક્તિની વાર્તા નથી રહેતું, પરંતુ આપણા સૌના જીવનમાં રહેલી અધૂરાપણાની વૃત્તિનું પ્રતિબિંબ બની જાય છે.

    ખાસ કરીને “સપાટી પર તરવું સહેલું છે; ઊંડાણમાં ઉતરવા ધીરજ જોઈએ” અને અંતે “પૂર્ણતા નવી ક્ષિતિજ શોધવામાં નથી; જે ક્ષિતિજ સામે ઊભા છીએ, તેમાં પૂરતું ઊંડું ઊતરવામાં છે” જેવી પંક્તિઓ મનમાં લાંબો સમય ગુંજતી રહે છે.

    નીરવની સ્થિરતાને મૃણાલ દ્વારા નવેસરથી સમજવાનો પ્રસંગ પણ ખૂબ હૃદયસ્પર્શી છે. ઘણી વાર આપણે સ્થિરતાને કંટાળો અને નવીનતાને પ્રગતિ સમજી બેસીએ છીએ; આ લેખ એ ભ્રમને ખૂબ સરળતાથી ઉઘાડે છે.

    સુંદર વિચાર, પરિપક્વ રજૂઆત અને અંતરમાં ઉતરી જાય એવો સંદેશ. ખરેખર વાંચ્યા પછી પોતાની અધૂરી વસ્તુઓ તરફ ફરી એક વાર જોવાનું મન થાય એવો લેખ.

    ReplyDelete
    Replies
    1. આપનું ઊંડાણપૂર્વકનું અવલોકન અને પ્રતિભાવ મને વધુને વધુ લખવા માટે પ્રેરિત કરશે...ખૂબ ખૂબ આભાર

      Delete
  7. અમી દીદી, તમારી “અતૃપ્તિ” વાર્તા ખૂબ જ ધ્યાનથી વાંચી. ખરેખર કહું તો આ માત્ર એક સુંદર વાર્તા નથી, આજના માણસના મનનો અરીસો છે.
    મૃણાલના પાત્રમાં આપણામાંથી ઘણાં લોકો પોતાની જાતને જોઈ શકે છે—નવું શરૂ કરવાનો અદમ્ય ઉત્સાહ, પરંતુ એ નવીનતાની ચમક ઓછી થાય ત્યારે સાતત્ય જાળવવામાં આવતો કંટાળો. તમે આ ખૂબ ગહન માનસિક વિષયને જરાય ભારરૂપ ન બનાવતાં મૃણાલ, નીરવ અને પ્રોફેસર જનાર્દનના પાત્રો દ્વારા ખૂબ સહજ રીતે સમજાવ્યો છે.
    ખાસ કરીને મૃણાલના અધૂરાં સર્જનોનું વર્ણન, અધૂરા કેનવાસને પૂર્ણ કરવાની ઘટના અને અંતે નીરવની સ્થિરતામાં તેને દેખાતું પ્રેમનું ઊંડાણ—આ ત્રણેય પ્રસંગ બહુ જ અસરકારક લાગ્યા. વાર્તા આગળ વધતાં મૃણાલનો બદલાવ કૃત્રિમ લાગતો નથી; વાચક જાણે એની સાથે સાથે અંદરથી બદલાતો જાય છે.
    “નવી શરૂઆતનો ઉત્સાહ સરળ છે, પરંતુ એક જ દિશામાં ઊંડે ઊતરવું સાધના છે”—આ આખી વાર્તાનો ભાવ મારા મનમાં રહી ગયો. અને અંતે જે વિચાર આવે છે કે પૂર્ણતા હંમેશાં નવી ક્ષિતિજ શોધવામાં નહીં, પરંતુ સામે રહેલી ક્ષિતિજમાં પૂરતું ઊંડું ઊતરવામાં છે—તે ખૂબ જ પરિપક્વ જીવનદર્શન છે.
    તમારી ભાષામાં સાહિત્યિક સુંદરતા છે, પરંતુ તે એટલી સરળ પણ છે કે વિચાર સીધો હૃદય સુધી પહોંચી જાય છે. સૌથી મોટી વાત એ છે કે વાર્તા પૂરી થયા પછી પણ વાચક થોડો સમય પોતાની જ અધૂરી બાબતો અને સંબંધો વિશે વિચારતો રહે—મારા મતે સફળ લેખનની આ જ સાચી ઓળખ છે.
    ખૂબ ખૂબ અભિનંદન અમી દીદી. 💐
    આવી વાર્તાઓ માત્ર વાંચવામાં આનંદ નથી આપતી, જીવન તરફ જોવાની દૃષ્ટિ પણ થોડીઘણી બદલી જાય છે. આગળ પણ તમારી પાસેથી આવી જ વિચારસભર અને હૃદયસ્પર્શી રચનાઓ વાંચવા મળે એવી આતુરતા રહેશે. 🙏🌷
    ખાસ ખાનગી વાત: મૃણાલના જીવનમાં આવતી સમસ્યા "શાઈની ઑબ્જેક્ટ સિન્ડ્રોમનો" શિકાર એક સમયે હું પણ હતો.... છતાં પણ મારી એ નબળાઈ સ્વીકારીને... હવે આગળ નીકળી ગયો છું.... જાણે મારી પોતાની જ આ વાત હોય.. એવું તાદાત્મ્ય આ શોર્ટ સ્ટોરીમાં અનુભવ્યું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

અજંપો

માફી