આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?સવાર પડે અને દિવસ શરૂ થાય એ પહેલાં જ માનસિક દોડ જાણે શરૂ થઈ જાય છે. આંખ ખૂલે ત્યારથી જ મનમાં કામની યાદી તૈયાર હોય છે.આ કરવાનું છે, પેલું પૂરું કરવાનું છે, ત્યાં જવાનું છે, કોઈને ફોન કરવાનો છે, કોઈને મળવાનું છે. દિવસ પૂરો થાય ત્યારે શરીર તો થાકી જાય છે પણ મનને આ દિવસ પૂરો કરી અને સંતોષ મળ્યો છે કે નહીં, તે જાણતાં પહેલાં જ ઊંઘ આવી જાય છે.પણ ક્યારેક મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે,આપણે આખો દિવસ જીવ્યાં કે માત્ર વ્યસ્ત રહ્યાં?જાણે અજાણ્યે પણ વ્યસ્ત રહેવું આપણને ગમે છે. કદાચ એટલું ગમે છે કે ક્યારેક કોઈ કામ ન હોય ત્યારે પણ આપણે કામ શોધી કાઢીએ છીએ. બે ઘડી નિરાંતે બેસવું જાણે સમયનો બગાડ લાગે છે. કોઈ પૂછે, “આજે શું કર્યું?” અને જો જવાબમાં ખાસ કંઈ ન હોય તો દિવસ વેડફાઈ ગયો હોય એવી લાગણી થાય છે.પરંતુ દિવસનું મૂલ્ય માત્ર કરેલા કામોની સંખ્યાથી નક્કી થવું જોઈએ? ક્યારેક બારી પાસે ઊભા રહીને વરસાદ જોવો, બગીચામાં નવા ફૂટેલાં પાનને નિહાળવું, જૂના મિત્ર સાથે બે કલાક વાતો કરવી, કોઈ ગીત સાંભળીને ભૂતકાળમાં સરી જવું કે પછી ગમતી વ્યક્તિ સાથે સાવ નિરાંતે ચાની ચુસ્કીઓ માણવી આ બધું ક્યારેક ઉત્પાદક કેમ નથી લાગતું હોય.. તેની કોઈ ગણતરી કેમ નહીં થતી હોય. દેખીતી કોઈ સિદ્ધિ ન હોવાં છતાં કદાચ એ ક્ષણોમાં જ આપણે સૌથી વધારે જીવતા હોઈએ છીએ.આજના સમયમાં “બિઝી” હોવું જાણે એક ઓળખ બની ગઈ છે. કોઈ પૂછે, “કેમ છો?” અને જવાબ મળે “બસ, બહુ બિઝી છું.” વ્યસ્તતા એ સફળતાનું પ્રમાણપત્ર બની ગયું હોય તેમ લાગે છે.પણ, સમય સાથે સમજાય છે કે, વ્યસ્તતા અને અર્થપૂર્ણતા એક જ વસ્તુ નથી. ઘણીવાર આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે, આપણે શું માટે જીવીએ છીએ એ વાત જ ભૂલાઈ જાય છે.એક કામ પૂરું થાય એટલે બીજું કામ. એક જવાબદારી પૂરી થાય એટલે બીજી જવાબદારી. એક લક્ષ્ય હાંસલ થાય એટલે તરત જ બીજું લક્ષ્ય. અને આ બધાની વચ્ચે ક્યાંક એક નાનકડો પ્રશ્ન પાછળ રહી જાય છે “મારે ખરેખર શું જોઈએ છે?”માણસે જીવનને સરળ બનાવવા માટે કેટલી બધી શોધ કરી. મોબાઈલે અંતર ઓછું કર્યું, ઇન્ટરનેટે દુનિયાને આંગળીના ટેરવે મૂકી દીધી, ઘરનાં કામ માટે અનેક સાધનો આવ્યાં, વાહનવ્યવહાર સરળ બન્યો. સમય બચાવવા માટે આપણે કેટલીય વ્યવસ્થાઓ ઊભી કરી.પણ નવાઈની વાત એ છે કે તો પણ સમય તો બચ્યો જ નહીં.કારણ કે, આપણે બચેલો સમય પણ તરત જ નવા કામોથી ભરી દીધો.કદાચ સમસ્યા સમયની નથી. કદાચ સમસ્યા એ છે કે,આપણે શાંતિને સહન કરવાનું ભૂલી ગયા છીએ.બે ઘડી શાંતિથી બેસીએ તો અંદરથી અશાંતિ ઊભી થાય છે. રસ્તામાં પાંચ મિનિટ રાહ જોવી પડે તો હાથ તરત જ મોબાઈલ તરફ જાય છે. ભોજન પણ હવે માત્ર ભોજન નથી રહ્યું તેની વચ્ચે સ્ક્રીન ચાલતી રહે છે.આપણી આસપાસનૉ અવાજ એટલો વધી ગયો છે કે, પોતાના મનનો અવાજ સાંભળવા માટે મૌન શોધવું પડે છે.અને કદાચ આ જ કારણ છે કે, આજનો માણસ એકાંતથી ડરે છે.એકાંત એટલે કોઈ નહીં એવું નહીં.એકાંત એટલે પોતાની સાથે નિર્ભય રીતે બેસી શકવું.મારાં જીવનમાં મારાં અરણ્ય એ મને ઘણું શીખવાનો મોકો આપ્યો છે.એક છોડ કેટલો નિરાંતે પોતાનું કામ કરે છે. બીજમાંથી કૂંપળ ફૂટે છે. કૂંપળમાંથી પાન, પાનમાંથી ડાળ. વેલ ધીમે ધીમે આધાર શોધે છે. ફૂલ પોતાની ઋતુ આવે ત્યારે જ ખીલે છે. ફળને પાકવા માટે પોતાનો સમય જોઈએ છે. કોઈ છોડને ઉતાવળ નથી, કોઈ વૃક્ષને સ્પર્ધા નથી, કુદરત સતત કાર્યરત છે, પરંતુ ક્યારેય બેચેન નથી. કદાચ માણસે આમાંથી જ જીવનની મોટી શીખ લેવાની છે. કામ કરવું અને દોડવું એક જ બાબત નથી.મારા અરણ્યમાં જ્યારે હું કોઈ છોડ વાવું છું, ત્યારે એ ક્ષણે મને એ નથી ખબર હોતી કે એ ક્યારે મોટો થશે. છતાં હું વાવું છું.કારણ કે, ત્યાં તરત પરિણામની અપેક્ષા નથી, ત્યાં વિશ્વાસ છે.અને કદાચ જીવન પણ આવું જ છે.દરેક વસ્તુ તરત જ દેખાય એવું જરૂરી નથી. સંબંધો, સંવાદો, પ્રેમ, ધીરજ, સાંભળવું, સાથે બેસવું આ બધું ધીમે ધીમે અંદર ઊગે છે. અને એ જ જીવનને ઊંડાણ આપે છે.ક્યારેક વિચાર આવે છે આપણે બાળકોને શું શીખવીએ છીએ?“સમય બગાડશો નહીં.” “હંમેશા આગળ વધો.” “કંઈક હાંસલ કરો.”પણ શું આપણે તેમને ક્યારેય કહીએ છીએ કે,“ક્યારેક બસ બેસી રહો. કંઈ ન કરો. અને એ ક્ષણને અનુભવો.”કારણ કે જીવન માત્ર આગળ વધવાનું નામ નથી.જીવન ક્યારેક થોભીને કંઈક અનુભવવાનું પણ નામ છે.મોટા થયા પછી પણ આપણે એ જ દોડમાં રહીએ છીએ.કારકિર્દી, ઘર, જવાબદારીઓ, પૈસા, ભવિષ્ય આ બધાની વચ્ચે એક દિવસ સમજાય છે કે, આપણે બધું મેળવ્યું છે, પણ એ બધું માણવાનું શીખ્યા નથી.ઉંમર વધે ત્યારે આ સમજ વધુ સ્પષ્ટ થાય છે.જીવનનો મોટો ભાગ “આગળ શું?” પૂછવામાં પસાર થઈ જાય છે.અને પછી એક દિવસ એ પ્રશ્ન બદલાઈને બની જાય છે, “હવે શું?”કદાચ એ જ જીવનનો સૌથી શાંત અને સાચો વળાંક છે.અહીંથી આપણે પહેલી વાર બીજાના સમયપત્રકમાંથી બહાર આવીને પોતાના મનને સાંભળવાનું શરૂ કરીએ છીએ.કોઈને ગાવું હોય તો ગાય, લખવું હોય તો લખે , કોઈને બગીચામાં માટી સાથે બેસવું હોય તો બેસેઅને કોઈને માત્ર શાંતિ જોઈએ તો એ પણ સ્વીકાર્ય છે.કારણ કે દરેક દિવસનું “ઉત્પાદન” હોવું જરૂરી નથી.કેટલાક દિવસો માત્ર અનુભવવા માટે હોય છે. કેટલાક દિવસો માત્ર જીવવા માટે.આપણે ઘણીવાર કહીએ છીએ“સમય ક્યાંથી કાઢવો?” પણ કદાચ પ્રશ્ન સમયનો નથી.પ્રશ્ન આપણો છે ,આપણે પોતાને ક્યાંક ગુમાવી દીધા છે.દિવસમાં થોડો સમય એવો હોવો જોઈએ જેમાં કોઈ બાબતની ડેડલાઇન ન હોય, કોઈ ટાર્ગેટ ન હોય, કોઈ દબાણ ન હોય.માત્ર આપણે હોઈએ,અને એ ક્ષણે જીવન ફરીથી ધીમે ધીમે સંભળાવા લાગે છે.ચકલીનો ટહુકો,પવનનો સ્પર્શ,માટીની સુગંધ,કોઈ જૂના ગીતની ધૂન,અને અંદરથી આવતો એક સાવ શાંત અવાજ “હું અહીં છું.”ત્યારે સમજાય છે કે, જીવન આપણને સતત બોલાવતું રહ્યું અને આપણે “વ્યસ્ત છું” કહીને એને અવગણતા રહ્યા.વ્યસ્ત રહેવું જરાય ખરાબ નથી.કામ કરવું પણ એટલું જ જરૂરી છે.સપનાઓ માટે મહેનત પણ જરૂરી છે. પણ એ બધાની વચ્ચે એટલું યાદ રહે કે, જીવન કોઈ દોડનું અંતિમ સ્ટેશન નથી. આ યાત્રાના રસ્તામાં પણ જીવવાનું હોય છે. થોડું રોકાવાનું હોય છે. થોડું જોવાનું હોય છે.થોડું સાંભળવાનું હોય છે.અને ક્યારેક પોતાને પૂછવાનું હોય છે“હું ખરેખર જીવી રહી છું કે, માત્ર દિવસો પૂરા કરી રહી છું?” કદાચ જીવનની સાચી સમૃદ્ધિ એમાં નથી કે આપણે કેટલું કર્યું.એમાં છે કે જે કર્યું તેમાં કેટલું જીવ્યા.કારણ કે અંતે એ યાદ નહીં રહે કે, કેટલાં કામ પૂરાં કર્યા.યાદ રહેશે,કોઈ વરસાદી સાંજ,કોઈ મિત્ર સાથેનું ખડખડાટ હાસ્ય,કોઈ પ્રિયજનનો નિતાંત સ્પર્શ.કોઈ વૃક્ષની છાંયા,કોઈ પુસ્તકનો એક વિચાર.અને કોઈ દિવસ એવો પણ હશે કે,જ્યારે કંઈ ખાસ ન કર્યું હોય, છતાં અંદરથી લાગ્યું હોય કે“આજે મેં ખરેખર જીવ્યું છે.”અસ્તુ

Comments

Popular posts from this blog

સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2. લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

સ્વાંતઃ સુખાય(1) : પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર