સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-3)✍️ અમી દલાલ દોશી28 જૂન 2020
સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન
માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-3)
✍️ અમી દલાલ દોશી
28 જૂન 2020
દિવસે ટ્રાફીકથી ધમધમતાં શહેરના સુમસામ રસ્તાની શાંતિને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન દૂર સુધી સંભળાતી હતી હતી. એમ્બ્યુલન્સની અંદર પ્રસવની અસહ્ય પીડા અનુભવતી અમૃતાએ પતિ અરહંતનો હાથ કસીને પકડ્યો હતો આ હાથના સ્પર્શથી તેની વેદના કાંઈક અંશે ઓછી થતી હતી.
તેનો હાથ પસવારતા અરહંત સતત તેને હૂંફ અને પોતાના સહવાસનો સધિયારો આપતો હતો. હોસ્પિટલમાં પ્રવેશતાં જ અમૃતાને ઇમરજન્સી કેસ હોવાથી સીધી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. ડોક્ટર શાહ અને તેનો સ્ટાફ તૈયાર જ હતા. પ્રસવ વેદના સાથે ઝઝૂમતી અમૃતાનો આખરે છેક સવારે છૂટકારો થયો. સુંદર મજાની ફૂલ જેવી બાળકીને જોતાં જ જાણે તમામ દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ હોય તેમ અમૃતા ગાઢ નિદ્રામાં સરકી ગઈ. મિસરીના પ્રવેશથી અમૃતા અને અરહંતનું જીવન પૂરબહારમાં ખીલી ઊઠ્યું. ખાસ કરીને અમૃતાનો મોટા ભાગનો સમય મિસરીની પાછળ જ પસાર થતો. એને નવડાવવી, તૈયાર કરવી, રમાડવી, કાલીઘેલી ભાષામાં વાત કરવી અને સ્તનપાન કરાવવામાં અમૃતાને જે માતૃત્વ અને ખુશીનો આનંદ પ્રાપ્ત થતો તે અવર્ણનીય હતો. અરહંત અને મિસરીની વચ્ચે અમૃતાના દિવસો ખબર ન પડે એટલી ઝડપથી સુંદર રીતે ખૂબ આનંદમાં પસાર થતા હતા. જીવનને જાણે એક સાર્થક દિશા મળી ગઈ.
અમૃતા અને અરહંતનું જીવન આમ પણ પહેલેથી ખૂબ જ ખુશીમય હતું. તેમના જીવન પર એક નજર કરીએ તો અમૃતા વડોદરાની ખ્યાતનામ રોયલ ઇમ્પિરિયલ કોલેજની સૌથી સુંદર સ્ટુડન્ટ હતી. એટલુંજ નહીં પરતું અભ્યાસમાં પણ તે કાયમ ટોપ રહેતી. તે વડોદરાના પ્રતિષ્ઠિત વેપારી આગેવાનની એકની એક વહાલી દીકરી હતી.
કોલેજના કેટલાક રંગીનમિજાજ છોકરાઓ અમૃતાના આગમનની રાહ જોતાં અને વિવિધ બહાને અમૃતા સાથે પરિચય કેળવવાનો પ્રયત્ન કરતા. પણ અમૃતા માટે પોતાના રૂપ કરતાં પિતાની આબરૂ અને ગરિમા વધુ મહત્વનાં હતાં. એટલે તે કાયમ આવી બાબતોથી દૂર રહેતી.
પરંતુ તેની ફ્રેન્ડ્સ ગ્રુપમાં એ સૌથી વાચાળ, હસમુખી અને મળતાવડી હોવાથી બધાની પ્રિય હતી. કોલેજના દરેક ફંક્શનમાં તે પાર્ટીસીપેટ કરતી જેના કારણે પ્રાધ્યાપકોની પણ લાડકી હતી.
કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પૂર્ણ થયા પછી પરિણામની રાહ જોવાતી હતી. પ્રાધ્યાપકોમાં પરિણામને લઈને એક વાત ચર્ચાતી હતી કે સેકન્ડ નંબર પર કોણ આવશે કારણ કે ટોપ પર તો અમૃતાએ એકાધિકાર જમાવેલો હતો. આખરે પરિણામ જાહેર થયું. અમૃતાએ હંમેશ મુજબ ટોપ કર્યું હતું. સેકન્ડ નંબર પર અરહંત નામનો સ્ટુડન્ટ આમ તો અમૃતા આવી બાબતોથી દૂર રહેતી પણ માનવ સહજવૃત્તિથી પ્રેરાઇને તેમને આ અરહંત કોણ છે એ જાણવાની ઈચ્છા થઈ એટલે તેની ફ્રેન્ડ્સ મારફત અરહંત ને મળી . અરહંત વડોદરામાં જ ઓઇલ મિલ ધરાવતા વેપારીનો પુત્ર હતો. દેખાવમાં થોડો શ્યામ પણ આકર્ષક ચહેરો અને એથલેટીક બોડી ધરાવતો અરહંત મિતભાષી અને શરમાળ પ્રકૃતિ ધરાવતો હતો. અરહંતના આ જ ગુણોના કારણે અમૃતાને તેની સાથેની વાતચીત દરમિયાન સમજાઈ ગયું કે અરહંત કોલેજના અન્ય યુવાનો કરતાં કાંઈક અલગ છે. પહેલી જ મુલાકાતમાં અરહંતે અમૃતા પર એક અલગ છાપ અંકિત કરી દીધી.
વધુ અભ્યાસ માટે અમૃતાએ યુનિવર્સિટીમાં એડમિશન લીધું યોગાનુયોગે અરહંતે પણ એજ ફેકલ્ટીમાં એડમિશન લીધું. બંને અભ્યાસુ જીવ અવારનવાર લાઈબ્રેરીમાં મળતાં ત્યારે ઔપચારિક વાતો થતી. આ ઔપચારિકતા દરમિયાન બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમના અંકુર ફૂટ્યા અને સમયની સાથે આ અંકુર ઘટાટોપ વૃક્ષમાં પરિણમ્યા. હવે તો બંનેને એકબીજાને મળવાનું વ્યસન થઈ ગયું હોય તેમ બંને કોઈ ને કોઈ બહાને મળતા જ . પરંતુ જે દિવસે ન મળી શકાય ત્યારે બંને બેચેન થઈ જતાં. આખરે બંનેએ એકબીજા સાથે જીવન જીવવાનું નક્કી કરી નાખ્યું. સદનસીબે બંને એક જ જ્ઞાતિના હોવાથી બંને પરિવારો પોતાના વહાલા સંતાનો માટે ખુશીથી એકમેક સાથે જોડાઈ ગયા.
હવે અમૃતા અને અરહંતના આનંદની કોઈ સીમા ન રહી. બંને એકબીજા સાથે કલાકો વિતાવતાં. તેમ છતાં સમય ઓછો જ પડતો. અરહંત જ્યારે અમૃતાને પોતાના આલિંગનમાં લેતો, ત્યારે અમ્રિતાના રોમેરોમમાં ખુશીની લહેર ઊઠતી અને મદહોશ બની અરહંતમાં ખોવાઈ જતી. અમૃતાને અરહંતના બાહુપાશમાં સુરક્ષાના અહેસાસ સાથે એક અવર્ણનીય આનંદ પણ થતો.
અભ્યાસ પૂર્ણ થતાં બંને લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ ગયાં . હવે તો આ પ્રેમી યુગલ સાતમા આસમાને વિહરતું હતું. જીવન ખુશીઓથી મહેકી ઊઠ્યું. અરહંત પિતાની મિલ સંભાળવા લાગ્યો, જ્યારે અમૃતા ઘર સંભાળવાની સાથેસાથે તેના પિતાનો વેપાર પણ સંભાળતી. આમ બેવડી જવાબદારી છતાં અમૃતા કાયમ ખુશ રહેતી અને સમાજના દરેક મેળાવડામાં અવશ્ય જતી અને અરહંતને પણ આગ્રહ કરીને લઈ જતી. તેના હસમુખા અને મિલનસાર સ્વભાવ અને વાક્છટાથી તે સમારંભનું કેન્દ્રબિંદુ બની રહેતી. સમય પસાર થતાં અમૃતા પ્રેગ્નન્ટ થઈ અને નવ માસ પૂર્ણ થતાં રવિવારની એક રાત્રે અમૃતાને પ્રસવની પીડા થતાં અરિહંતે પોતાના પરિચિત ગાયનેક ડોક્ટર ને કૉલ કરી એમ્બ્યુલન્સ બોલાવી અમૃતાને નર્સિંગ હોમમાં દાખલ કરી, જ્યાં તેણે મિસરીને જન્મ આપ્યો. આ નાનકડી બાળકીને કારણે બંનેનું જીવન કિલ્લોલતું થઈ ગયું.
પરંતુ આ ખુશી બહુ લાંબી ન ટકી. એકાદ માસ બાદ અમૃતાના વર્તનમાં ન સમજી શકાય તેવો ફેરફાર થવા લાગ્યો. પોતાની દીકરીને પોતાની છાતીથી અળગી ન કરનાર અમૃતા હવે એ જ મિસરીને સ્તનપાન કરાવવાનું ભૂલી જવા લાગી. ક્યારેક અરહંત તેના ખોળામાં બાળકીને મૂકતો ત્યારે પણ અમૃતા ધીમે ધીમે મિસરીથી અલગ થવા લાગી. તેનું માતૃત્વ જાણે કે ઓસરવા લાગ્યું . તે પોતાની જાત પ્રત્યે બેદરકાર રહેવા લાગી . એક સમયે જેને પારાવાર પ્રેમ કરતી તેવાં અરિહંત પર કોઈ પણ કારણ વગર ગુસ્સે થઈ જતી ત્યારે અરહંત ડઘાઈ જતો. એક સમયની હસમુખી, વાચાળ અને હરણી જેવી અમ્રિતાના મોં પરથી હાસ્ય ઊડી ગયું. જે વાતો કરતાં ન ધરાતી, તે ભાગ્યે જ કોઈ શબ્દ બોલતી. હવે ઘરની ચાર દીવાલ જ તેની દુનિયા સમેટાઈ ગઈ હતી. અમૃતાની આવી સ્થિતિના કારણે અરહંત પણ તૂટી ગયો . સતત કિલ્લોલ કરતું પ્રેમી જોડું દુઃખની ઊંડી ખીણમાં ગર્ત થઈ ગયું .આખરે અરહંત તેના એક ડૉક્ટર મિત્રની પાસે જઈ અમૃતાની સ્થિતિની વાત કરી, ત્યારે ડૉક્ટરદ્વારા અમૃતાને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જવા જણાવ્યું જેની સારવાર અને કાઉન્સેલિંગથી ધીરેધીરે અમૃતા પહેલા જેવી સાજી થઈ ગઈ.
આપણી આસપાસ આપણે નજર કરીશું તો અમૃતા જેવા કિસ્સા આપણા માનસપટલ પર જરૂર આવશે . પણ દરેક કિસ્સામાં આવું નથી બનતું, જે અમૃતા સાથે બન્યું પ્રસુતિ બાદ અમૃતા સાથે એવુ તે શું બન્યું કે એક ક્ષણમાં તેનું ખુશીથી ભરેલું જીવન દોજખ બની ગયું ?
આની પાછળનાં કારણો પૈકી મુખ્ય જવાબદાર છે ઓક્સીટોસિન નામનું ન્યુરોટ્રાન્સમીટર/બ્રેઈન કેમિકલ.
તો ચાલો જોઈએ શું છે આ ઓક્સીટોસિન
(1) ઓક્સીટોસિન શું છે
LOVE હોર્મોન કે cuddle હોર્મોન તરીકે ઓળખાતું આ ન્યુરોટ્રાન્સમીટર/કેમીકલ તરીકે ઓક્સીટોસિન સુવિખ્યાત છે.
ઓક્સીટોસિન શબ્દ ગ્રીક ભાષાના *oxutokia* ઉપરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે *Quick birth* આમ આ જોતાં જ સમજાઇ જાય કે પ્રસુતિ માટે આ કેમિકલ કેટલું મહત્ત્વ ધરાવે છે.
માણસના જીવનમાં પ્રેમ, સામાજિક સંબંધો, માતા-પિતાના સંતાનો સાથેના સંબંધ માટે ખૂબ જ અગત્યનું આ કેમિકલ છે. જ્યારે લોકો પ્રેમ, લાગણી, હૂંફ અને સામાજિક બંધનોથી જોડાય છે ત્યારે આ કેમિકલનો સ્રાવ થાય છે.
(2)ઓકસીટોસિનનો સ્રાવ મગજના કયા ભાગમાંથી થાય છે
ઓક્સીટોસિન એ બ્રેઇનમાં હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થાય છે અને પિચ્યુટરી ગ્રંથિમાં તેનો સ્રાવ થઈને લોહીમાં જાય છે. મતલબ બ્રેઈન, ગર્ભાશય, પ્લેસેન્ટા(ગર્ભનાળ) ઓવરી, ટેસ્ટીસમાં તેનો સ્રાવ થાય છે
(3)ઓકસીટોસિનનો સ્રાવ ક્યારે થાય છે
ઓક્સીટોસિનને મનુષ્યના સંબંધોની જીવાદોરી કહીએ તો પણ કદાચ વધારે પડતું નહિ કહેવાય. મનુષ્ય સામાજિક પ્રાણી છે.
માણસને જ્યારે પ્રેમ, જાતીય ઉત્તેજના, કોઈની લાગણીની હૂંફ, વહાલ મળે છે ત્યારે
ઓક્સીટોસિન રિલીઝ થાય છે.
સામાન્ય રીતે ઓક્સીટોસીન પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વનું હોર્મોન છે. સ્ત્રીઓમાં સગર્ભાવસ્થા દરમિયાન તેમ જ બાળકના જન્મ સમયે અને પ્રસૂતિ બાદ ગર્ભાશયના સ્નાયુઓના કોન્ટ્રેકશન ઓક્સીટોસિનને આભારી છે.
સ્તનપાન સમયે સ્ત્રીઓમાં સૌથી વધારે માત્રામાં ઓક્સીટોસીનનો સ્રાવ થાય છે. પરિણામે સ્ત્રી એક અલગ પ્રકારના સુખ અને સંતોષની લાગણી અનુભવે છે.
ધાવણ માટે જે stimulation થાય છે, તેનું કારણ પણ ઓક્સીટોસિનનો સ્રાવ જ છે.
દરેક વ્યક્તિએ જીવનમાં એવું અનુભવ્યું હશે જ કે જ્યારે પોતાને ગમતાં પાત્રો, સ્વજનો, મિત્રો, વગેરેને મળીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી થાય છે. એટલે તો લોકો વારંવાર મળતા હોય છે, પાર્ટી કરતાં હોય છે, સાથે જમવાના પ્રોગ્રામ બનાવતાં હોય છે. તેની પાછળનું રહસ્ય છે ઓક્સીટોસિનનો સ્રાવ. જે ખૂબ આનંદ આપે છે. તે સિવાય જાતીય ક્રિયા વખતે પણ ઓક્સિટોસીનનો સ્રાવ થાય છે.
4) ઓક્સીટોસિનનું કાર્ય
ઓક્સીટોસિન એ પ્રેમ અને સામાજિક સંબંધો માટે માટે બોન્ડિંગ નું કાર્ય કરે છે.
(A)જાતીય ક્રિયા સમયે અને સ્વજનને ભેટવાથી ઓક્સિટોસિનનો સ્રાવ થાય છે, જે સ્ત્રી-પુરુષને એકબીજા સાથે જોડી રાખવાનું અગત્યનું કાર્ય કરે છે.
(B)ગર્ભ ધારણથી લઈને પ્રસુતિ દરમિયાન ગર્ભાશય માટે જરૂરી એવા સ્નાયુઓના વિસ્તરણનું અને પ્રસુતિ બાદ ગર્ભાશય અને પ્રસૂતિમાર્ગના સંકોચનનું કાર્ય કરે છે, એટલુંજ નહીં પણ સગર્ભા સ્ત્રીનું ઓક્સિટોસિન ચેક કરવામાં આવે તો તેના આધારે બાળક સાથે તેની માતાનાં બોન્ડિગનું અનુમાન પણ થઇ શકે છે.
(C) પુરુષમાં શિશ્નોત્થાન, સ્પર્મની મોબિલિટી અને ઇજેક્યુલેશન માટે અગત્યનું કાર્ય કરે છે.
(D) હાર્ટરેટના નિયમન તેમજ હાર્ટના વિકાસ અને સ્વાસ્થ્ય માટે પણ ઓક્સીટોસિનનો મહત્ત્વનો રોલ છે.
(E) ઓક્સિટોસિન ઊંઘ માટે પણ મહત્વનું છે.
(F) માણસને જ્યારે શારીરિક સંકટ આવે ત્યારે સંરક્ષણાત્મક વૃત્તિ માટે ઓક્સિટોસિન જવાબદાર છે.
(G) સામાજિક સંબંધ માટેની સ્કિલ અને સંબંધ ટકાવી રાખવાના પાયામાં આ કેમિકલ ચાવીરૂપ છે.
(5) ઓક્સિટોસિનના ઇમ્બેલેન્સની અસરો
ઓક્સીટોસિનનું ઇમ્બેલેન્સ મનુષ્યના શારીરિક અને માનસિક વર્તન પર ખૂબ જ મોટી અસરો કરે છે .
(A) ઓક્સિટોસિનનું હાઈ લેવલ
સામાન્ય રીતે ઓક્સિટોસિનના ઊંચા પ્રમાણ અંગે ખાસ કોઈ સંશોધન થયેલ નથી. તેમ છતાં વધુ પડતું પ્રમાણ પુરુષમાં પ્રોસ્ટેટની વૃદ્ધિ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
(B)ઓક્સિટોસિનનું લો લેવલ
ઓક્સિટોસિનના લો લેવલ અથવા ઉણપના કારણે ઘણી બધી શારીરિક અને માનસિક તકલીફો સર્જાય છે. જેમાં,
• ગર્ભાવસ્થા તેમ જ પ્રસૂતિ વખતે ગર્ભાશયના અયોગ્ય કોન્ટ્રેકશનના કારણે પ્રસૂતિ થવા અડચણ આવી શકે છે. સમયસર પ્રસુતિ ન થાય તો બાળકનું માતાના પેટમાં ગૂંગળામણના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
• પ્રિ-પાર્ટમ(પ્રસુતિ પૂર્વ) અને પોસ્ટ પાર્ટમ (પ્રસુતિ બાદ) ઘણી સ્ત્રીઓમાં ડિપ્રેશન, મેનિયા, સ્કીઝોફ્રેનીઆ જેવી ગંભીર માનસિક બીમારી પાછળ ઓક્સિટોસિનની ખામી જવાબદાર ગણી શકાય.
•પતિ પત્ની વચ્ચે અસંતોષની લાગણી.
•સોશિયલ ડિટેચમેન્ટ
•હૃદયના ધબકારા વધી જવા, ઘટવા કે અનિયમિત થવા
•બાળકના જન્મ બાદ મોટા પ્રમાણમાં બ્લીડીંગ થવું
•ખૂબ જ માથું દુખવું.
• ઝાંખું દેખાવું
•ખૂબ નબળાઇ કે સતત થાક લાગવો
• બાળકો માં બિલીરુબિનનું પ્રમાણ વધી જવાથી કમળો થવો, આંખના પડદામાં હેમરેજ થવું, જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે
(6)ઓક્સીટોસિન ઇમ્બેલેન્સના કારણો
ઓક્સીટોસિનનું પ્રમાણ શરીરમાં વધઘટ થવાના કારણો જોઈએ તો
•વધુ પ્રમાણમાં પાણી વગેરે પ્રવાહી લેવાથી
•સામાજિક સંબંધોથી દૂર રહી એકાકી જીવન જીવવાથી
• કોઈ પ્રકારના ભયથી
•અમુક દવાના દુરુપયોગથી
•દુઃખદ પ્રસંગોના કારણે
•સતત ગુસ્સો કરવાથી
•જાતીય જીવનમાં વિક્ષેપ, વગેરે કારણો ઓક્સીટોસિન ના ઇમ્બેલેન્સ માટે કારણભૂત ગણી શકાય.
(7) ઓક્સિટોસિનનો કુદરતી સ્રોત
(1) ખોરાક
•ખજૂર:
ખજૂરમાં એમિનો એસિડનું પ્રમાણ ખૂબ હોય છે, જેનાથી સેક્સ્યુઅલ હેલ્થ અને નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ શરીરમાં વધે છે.
•તરબૂચ:
નેચરલ વિયાગ્રા કહેવામાં આવે છે. જેમાં citrulline નામના એમિનો એસિડનું પ્રમાણ ઉંચું છે, જે લોહીની ધમનીઓને રિલેક્સ કરી લોહીનો પ્રવાહ વધારે છે. અને સેક્સ્યુઅલ પ્લેઝર વધારે છે.
•પાલક:
પાલકમાં મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે, જે પુરુષોમાં જાતીય આવેગ વધારે છે.
•ગ્રીન ટી:
ગ્રીનટીમાં રહેલ કેફીન, થિઓનીન, ઝીનસેન્ગને કારણે લિબીડો (કામોત્તેજના) વધે છે.
•કોફી:
સ્ત્રીઓમાં કોફી પીવાને કારણે હોર્મોન્સ સંતુલિત થાય છે અને લિબીડો વધે છે.
•બદામ:
બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે છે જેનાથી શુક્રાણુઓની ગતિ તેમજ તંદુરસ્તી વધે છે.
•કોળાનાં બી:
કોળાનાં બીમાં ઝીંકનું પ્રમાણ વધારે હોવાથી લિબીડો વધે છે. રશિયન લોકો વર્ષોથી કોળાનાં બીનો ઉપયોગ પ્રોસ્ટેટ હેલ્થ માટે કરે છે.
(2) આલિંગન
ઓક્સીટોસિન અંગે થયેલા સંશોધન પ્રમાણે પોતાના લાઈફ પાર્ટનર, માતા, પિતા, ભાઈ, બહેન, વગેરેને 20 સેકન્ડ સુધી હગ કરવાથી ઓક્સીટોસિનનો સ્રાવ થાય છે, પરિણામે સંબંધમાં વિશ્વાસ અને બોન્ડિંગ વધે છે.
(3) જાતીય ક્રિયા
જાતીય ક્રિયા દરમિયાન ઓક્સિટોસીનનો ખૂબ જ સ્રાવ થાય છે, જે લાઈફ પાર્ટનર પર વિશ્વાસ ઉત્પન્ન કરી કાયમી બોન્ડિંગ માટે મદદરૂપ થાય છે.
(4) હાસ્ય
હાસ્યથી ઓક્સિટોસિનનો સ્રાવ વધે છે, તેવું રિસર્ચમાં જણાયું છે
(5) મ્યુઝિક
મ્યુઝિકથી તન અને મન ઝૂમી ઉઠે છે. તેનું કારણ ઓક્સિટોસિન છે.
(6) સગાં, સંબંધી , મિત્રોને મળવું
સોશિયલાઈઝેશન એ ઓક્સિટોસિનને આભારી છે, જેથી આ પ્રકારે સામાજિક સમારંભો, સ્નેહી મિત્રોને મળવાથી ઓક્સિટોસિનનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે.
(7) એક્સરસાઇઝ અને યોગ
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એક્સરસાઇઝ ગમે કે ના ગમે પરંતુ તે સુખી અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે અનિવાર્ય છે . એટલે જ કહેવત છે કે તન દુરસ્ત તો મન દુરસ્ત.
સાર
ઉપરની સ્ટોરી અને ત્યાર બાદ ઓક્સીટોસિન વિશે માહિતી મેળવતાં એક બાબત ચોક્કસપણે કહી શકાય કે જીવનમાં હસતા રહો, મળતાં રહો. તમામ જીવો પ્રત્યે પ્રેમની ભાવના રાખીએ, યોગ્ય ખાનપાનની આદત કેળવીએ એ જ સુખી જીવનની ચાવી છે.
Comments
Post a Comment