સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માંણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5)✍️ અમી દોશી 10જાન્યુ.2023

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન
માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5)

✍️ અમી દોશી
      10જાન્યુ.2023

વોચમેને ઓલવેલ (આલબેલ)પોકારી, સળિયો પછાડ્યો અને 
બેડ પર પડખા ઘસતાં ઋષભની નજર ટીક ટીક કરતી વોલ ક્લોક પર પડી બે દિવસથી લાગતી બેચેનીને કારણે તેણે એક દિવસની રજા લીધી હતી પણ રાત્રીનો દોઢ થવા આવ્યો છતાં તેને ઊંઘ ન જ આવી . ઋષભ ક મને ઉભા થઇ કબાટમાં રાખેલ સ્લીપિંગ પીલની સ્ટ્રીપ ઉઠાવી તેમાંથી એક ગોળી લઈ ફરી બેડરૂમમાં આવીને સૂતો તેમ છતાં ઊંઘ તો ન જ આવી.આ તો ઋષભ માટે રોજનું થયું.પોલીસ ડિપાર્ટમેન્ટમાં કડક અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ઋષભે ખૂબ સારી નામના મેળવી હતી. ચોવીસ કલાકની એકદમ અનિશ્ચિત ડ્યુટી ,અઠવાડિયામાં બે વાર નાઈટ પેટ્રોલિંગ ઉપરાંત ગુન્હાઓને ઉકેલવા માટેની મગજની કસરત સાથે વીઆઇપી પ્રોટોકોલ તો ખરા જ ક્યારેક ઋષભને પણ થતું કે પોલિસ ડિપાર્ટમેન્ટમાં આવતાં પહેલાં કેટલી કલ્પનાઓ કરેલી પણ 24 કલાકનો સમય પણ જાણે ઓછો પડતો હતો.
પથારી તરફ નજર પડતાં જ સુંદર મજાની પત્ની રીતકા દેખાઈ અને ક્ષણભરમાં અલોપ થઈ ગઈ.વ્યથિત થઈ ગયો ઋષભ.હા એ ચાલી ગઈ હતી એને છોડીને ...વાતમાં આમ જોઈએ તો કાંઈ નહતું અને એક રીતે જોઈએ તો ઘણું બધું. બે વર્ષ પહેલાં બન્નેએ જ્યારે એક પ્રસઁગમાં એકબીજાને જોયાં ત્યારે જ મનોમન પ્રેમમાં પડી ગયેલાં. વર્ષોજૂના કૌટુંબિક સબન્ધોને કારણે બીજું કશું તો જોવાનું હતું નહીં પણ બહાર ભણવા ચાલ્યા જવાને કારણે બન્ને બાળપણ બાદ પહેલીવાર મળ્યા અને એકબીજાના બની ગયાં. જીવન ખૂબ સુંદર રીતે ચાલતું હતું.બસ એક નાની વાત ...જે બીજી વ્યક્તિ માટે બહુ મોટી વાત હતી અને જીવનની ગાડી ક્યારે પાટા પરથી ઉતરવા લાગી એની બંનેમાંથી કોઈને ખબર ન પડી.ઋષભને કોલેજના સમયથી રાત્રે વાંચવા માટે જાગવાની ટેવ પડેલી દિવસે દિવસે તે કાયમી આદત બની ગઈ અને નોકરીની અનિયમિત્તતાને કારણે 
ઋષભને યાદ પણ નથી કે ક્યારથી ઉંઘનો પ્રશ્ન તેના જીવનમાં પ્રવેશી ગયો.આખી રાત ઊંઘ ન આવે ,વહેલી સવારે આવે અને બીજો દિવસ બગડે.રૂટિન કામો,ઓફિસ વર્ક,રૂટિન લાઈફ બધા પર તેની અસર પડવા લાગી.
રિતિકા વર્ષોથી વહેલી સૂવા અને વહેલી ઉઠવા ટેવાયેલી.શરૂઆતમાં તો આ બદલાયેલું જીવન તેને ખૂબ રંગીન લાગતું.મોડી રાત સુધી જાગવું,મૂવી જોવા,ક્યારેક લોન્ગ ડ્રાઈવ પર નીકળી જવું,એકબીજામાં ખોવાઈ જવું.પણ ધીરે ધીરે આ બાબતની જ્યારે રેગ્યુલર લાઈફ પર અસર પડવા લાગી ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ચૂકી હતી.કાયમી રાત્રે જાગવું એ રિતિકાની શારીરિક અને માનસિક ક્ષમતા બહાર હતું.વહેલાં ઉઠીને ધ્યાન,પ્રાણાયામ,યોગ,કસરત કરવા ટેવાયેલી રીતિકાને ઉજગરાને કારણે બીજા દિવસના રૂટિન પર પર અસર થવા લાગી અને સવારે ન ઉઠીં શકવાનું ગિલ્ટ પણ ખૂબ જ મોટું હતું.તેણે ઋષભને પ્રેમથી સમજાવવાની શરૂઆત કરી કે વિક એન્ડમાં એકાદ દિવસ જાગીએ પણ રોજ રોજ શક્ય નથી.ઋષભનો સતત આગ્રહ કે તે જાગે ત્યાં સુધી રિતિકા તેને કંપની આપે જે રિતિકા માત્ર ખૂબ અઘરું બનતું જતું હતું.પ્રેમભર્યો આગ્રહ ક્યારે જીદમાં પલટાઈ ગયો અને ક્યારે છૂટા પડવાની નોબત આવી ગઈ એની બન્નેમાંથી કોઈને ખબર ન પડી.રિતિકાએ ઋષભને કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરવા માટે ખૂબ સમજાવ્યો પણ એ ઋષભ માટે એક રૂટિન હોવાથી તેણે સ્વીકાર્યું જ નહીં.એક વર્ષની મથામણ બાદ એક ઢળતી સાંજે રિતિકા એક ચિઠ્ઠી છોડીને ચાલી ગઈ.

શું કોઈની અનિંદ્રાની આદત છૂટા પડવાનું કારણ બની શકે? 
હા ઘણું બની શકે અને તેના માટે જવાબદાર છે એક ખૂબ જ અગત્યનું અને મનુષ્યની ઊંઘ માટે જવાબદાર હોર્મોન એટલે મેલાટોનિન.

પ્રસ્તાવના

*(1)મેલાટોનીન શું છે?*
મનુષ્યની ઊંઘ અને જાગવાની આખી સાયકલ /પ્રોસેસમાં મેલેટોનીનનો ખૂબ મોટો ફાળો છે.તે એક હોર્મોન છે.1958માં અમેરિકન ફિઝિશિયન આરોન લર્નર અને તેના મિત્રએ પ્રથમવાર તેને ઓળખાવ્યું.તે triptofan એમિનો એસિડનું તત્વ છે.મનુષ્ય સિવાય સસ્તનપ્રાણીઓ,પક્ષીઓ,રેપ્ટાઇલ્સમાં જોવા મળે છે.તે 'નેચરલ ટ્રાંકવીલાઈઝર હોર્મોન' તરીકે પણ ઓળખાય છે.

*(2)મેલાટોનીનનું સિક્રેશન ક્યાં થાય છે*
તેનું સિક્રિસન પીનીયલ ગ્લેન્ડમાં,અંડકોષમાં ,લોહીની ધમનીઓમાં તેમજ આંતરડામાં થાય છે.

*(3)મેલાટોનિનનું સિક્રેશન ક્યારે થાય છે?*

જ્યારે રેટિના પ્રકાશ પછી અંધકાર અનુભવે ત્યારે ઉત્તેજિત થાય છે.મગજના હાયપોથેલેમસના SCNને રેટીનામાં રહેલાં ફોટો રિસેપ્ટર લાઈટ અંગેના સ્ટેટસનો મેસેજ આપે છે.આ સિગ્નલ્સ પીનીયલ ગ્લેન્ડસમાં ટ્રાન્સમીટ થાય છે.જે રાત્રીના સમયે એકદમ પિક ઉપર હોય છે અને ઊંઘ માટેના ફિઝિયોલોજીકલ ફેરફાર થઈને ઊંઘ લાવે છે.

*(4)મેલાટોનિનનું કાર્ય*
પીનીયલ ગ્લેન્ડ દ્વારા આપણું શરીર આ નેચરલ હોર્મોન બનાવે છે.આ ગ્રંથી દિવસ દરમિયાન સક્રિય નથી હોતી પરંતુ સૂર્ય અસ્ત થાય અને અંધકાર શરૂ થાય ત્યારે સક્રિય થાય છે અને મેલાટોનિન ઉતપન્ન થવાનું શરૂ થાય છે જે લોહીમાં ભળે છે.આ ઘટના અંધકાર શરૂ થયાના લગભગ એક કલાકમાં શરૂ થાય છે ધીરે ધીરે આપણાં લોહીમાં મેલાટોનિનનું પ્રમાણ વધતું જાય છે.અને આપણે ઊંઘમાં સરી પડીએ છીએ.ઊંઘ વધતી જાય છે ગાઢ બનતી જાય છે.રાત્રીના સમય દરમીયાન અને સવારે દિવસ પ્રકાશિત થાય છે ત્યાં સુધી લોહીમાં મેલાટોનિનનું પ્રમાણ બાર કલાક સુધી વધેલું રહે છે.અને તેની અસર રહે છે.સવારે 9 વાગ્યે તેનું પ્રમાણ સાવ ઘટી જાય છે.દિવસ દરમિયાન તેનું પ્રમાણ સાવ નહિવત/નિલ રહે છે .તેનો સ્ત્રાવ રાત્રીના થતો હોવાથી તે 'ડ્રેક્યુલા ઓફ હોર્મોન્સ' તરીકે પણ ઓળખાય છે જે માત્ર અંધકારમાં જ બહાર આવે છે.
પીનીયલ ગ્રંથિને એક્ટિવ કરવામાં આવે તો પણ વ્યક્તિ જ્યાં સુધી અંધકારમાં ન હોય ત્યાં સુધી મેલાટોનિન ઉતપન્ન થતું નથી.માત્ર સૂર્યપ્રકાશ નહીં પણ ઘરની ઝળહળતી લાઈટ્સ પણ મેલાટોનિનનું ઉત્પાદન અટકાવે છે.

તે 'હોર્મોન ઓફ સ્લીપ'ને બદલે 'હોર્મોન ઓફ ડાર્કનેસ' તરીકે ઓળખાય છે.

(A) બહાર અંધકાર છવાયો હોવાનું મગજને સિગ્નલ મળે છે જેથી શરીરની સર્કાડિયન રિધમ સેટ થાય છે.
(B)પીટયૂટરી ગ્રન્થી અને ઓવરીમાં મેલાટોનિન રિસેપ્ટર્સ હોય છે જે સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતાને વધારનાર હોર્મોનના સ્રાવમાં મહત્વનો ભાગ ભજવે છે.
(C) સ્ત્રીઓમાં માસિક    
 સ્ત્રાવ ,તેનો સમયગાળો,માસિકચક્રમાં વધારો ઘટાડો થાય તેમાં મેલાટોનિનનો ફાળો મહત્વનો છે.

(D)મનુષ્ય સિવાય ઘોડાં અને ઘેટાં જેવાં પ્રાણીઓમાં સંવનન અને પ્રજનનમાં મેલાટોનીનની ખૂબ મોટી અસરકારકતા જોવા મળે છે.જે શિયાળાની લાંબી રાત્રીઓ હોય ત્યારે વધી જાય છે અને ઉનાળાની ટૂંકી રાત્રીઓમાં સ્ત્રાવ ઘટી જાય છે.

(E)તે એન્ટી એજિંગ તરીકે કામ કરે છે.ખૂબ ઉજાગરો કરતાં ,અપૂરતી ઊંઘ લેતાં લોકોની ઉંમર જલ્દી દેખાય છે.ઉંમર સાથે તેનો સ્ત્રાવ ઘટતો જાય છે અને ઉંમર આધારિત રોગો થાય છે ત્યારે પણ તેના સ્રાવનું પ્રમાણ ઘટે છે.
(F)તે એન્ટી ઓક્સીડેન્ટ તરીકે વર્તે છે.નુકસાનકર્તા ઓક્સીડેટિવ રેડીકલ્સને બેલન્સ કરે છે અને કેટલાંક એન્ટી ઓક્સીડેન્ટ એન્ઝાઇમ્સને (ઉત્સેચકોને)એક્ટિવ કરે છે.
(G)શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
(H) અનિંદ્રા , અન્ય ઊંઘને લગતી બીમારીઓમાં ,જેટલેગ,ઊંઘની સાયકલને સેટ કરવામાં તે ખૂબ ઉપયોગી છ
(I) અંધજનોમાં દિવસ અને રાતની સાયકલને સેટ કરવા માટે સિન્થેટિક ગોળી તરીકે મેલાટોનિન વપરાય છે.

*(5)મેલાટોનિન ઇમબેલેન્સની અસરો*

*(A) મેલાટોનિનનું હાઈ લેવલ*

*મેલાટોનિન લીધાં પછીના ચાર થી પાંચ કલાક સુધી ડ્રાઇવિંગ કે મશીન ન ચલાવવું જોઈએ.
*ચામડી પર ક્રીમ તરીકે લામ્બો સમય ન લગાડવું જોઈએ.
*સગર્ભા સ્ત્રીઓ અથવા માતૃત્વ માટેની તૈયારી કરતી સ્ત્રીઓ માટે મેલાટોનિનનો હાઇ ડોઝ નુકશનકારક છે કારણ મેલાટોનિન બર્થ કન્ટ્રોલમાં અસરકારક છે.
*સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ મેલાટોનિન ન લેવું જોઈએ.
*બ્લીડીંગ ડિસ્ઓર્ડરમાં પણ તે હિતાવહ નથી.
*જેમને ડાયાબીટીસ હોય છે તેમનાં બ્લડમાં મેલાટોનિન વધવાથી સુગર વધે છે જેથી ડાયાબિટીક પેશન્ટે મેલાટોનિન લેતાં હોય ત્યારે સુગરને મોનીટર કરવી પડે છે.
*હાઇ બ્લડપ્રેશરવાળા પેશન્ટ જ્યારે મેલાટોનિન લે છે ત્યારે તેના પ્રેશરમાં વધારો થાય છે.જેથી તેમણે ઉપયોગ ન કરવો.
*જેમને આંચકીઓ આવતી હોય તેમને મેલાટોનિન લેવાથી આંચકીનું પ્રમાણ વધી જાય છે.


*(B) મેલાટોનીનનું લો લેવલ*
*સરખી ઊંઘ ન થવાને કારણે આંખો સોજી જાય ,આઇ બેગ્સ ફૂલી જાય, કાળા કુંડાળા થવાં, કરચલીઓ પડે, સોજો આવી જાય છે કારણ શરીરના કોષોને ઊંઘ દરમિયાન રીપેર થવાનો મોકો નથી મળતો.
*ઊંઘ શરીરના હોર્મોનને કન્ટ્રોલ કરે છે.અપૂરતી ઊંઘથી શરીરની રોગપ્રતિકારક શક્તિ અને બીજા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
*શરીરને પૂરતી ઊંઘ અને આરામ મળે છે ત્યારે શરીર અને મનને ભૂખ્યા હોવાનું ફિલ કરાવનાર ghrelin અને leptin નામનાં હોર્મોન્સ કન્ટ્રોલ થાય છે પણ ઊંઘ ન થવાને કારણે આ હોર્મોન અસઁતુલિત થવાથી સતત ભૂખ્યા હોવાનો અહેસાસ થાય છે જેને પરિણામે વગર વિચાર્યું ખવાઈ જવાથી વજન વધે છે.
*જ્યારે સરખી ઊંઘ નથી થતી ત્યારે બીજે દિવસે અપને જંકફૂડ ખાવાનું વધુ પસંદ કરીએ છીએ.કારણ મગજ થાકી ગયું હોવાથી આપણે સારું ખરાબ વિચારી શકતાં નથી.
*ઘણાં લોકોને રાત્રે કોફી પીવાની કે સોડા પીવાની ફેશનથી શરૂ થયેલી ટેવ વ્યસનમાં ફેરવાઈ જાય છે.જેને કારણે માઈન્ડ વધું પડતું એક્ટિવ થઈ જાય છે.જેને કારણે માણસ લાંબા સમયે અનિંદ્રા અને એન્ગઝાયટીનો ભોગ બને છે.

*રાત્રે માત્ર ત્રણથી ચાર કલાક ઊંઘ લેતાં લોકોએ પોતાના શરીર અને મનને થતાં નુકશાન તરફ બેદરકારી ન રાખવી જોઈએ.

*(6) મેલાટોનિન ઇમબેલેન્સના કારણો*
(1) વધતી જતી ઉંમર
(2)કેન્સર,ખૂબ જ દુખાવો,મૂડમાં થતાં અચાનક ફેરફાર,ટાઈપ 2 ડાયાબીટીસ,
(3) રોજબરોજની દિનચર્યામાં અચાનક અને વારંવાર ફેરફાર થવાને કારણે બોડીની સરકાડિયન રિધમમાં ફેરફાર થવાને કારણે..
(4) ઋતુમાં ફેરફાર થવાને કારણે.
(5) મોડી રાત સુધી જાગવું,કંઈપણ ખાવું,મોબાઈલ,વિડીયો ગેઇમ,ટીવી મોડી રાત સુધી જોવાને કારણે
(6) મોડી રાત સુધી પાર્ટી કરવી,કોફી,ચાય વગેરે કેફી પીણાં પીવાને કારણે.

*(7) મેલાટોનિનના કુદરતી સોર્સ*

(A)પ્રાણીજન્ય ખોરાકમાંથી ઈંડા,ફિશમાંથી મળે છે.

(B) વનસ્પતિજન્ય ખોરાકમાં સૂકામેવામાં ખૂબ મોટાં પ્રમાણમાં હોય છે.

(C) અમુક પ્રકારનાં મશરૂમ્સ, ઉગાડેલા કઠોળ,સિરિયલ્સ લીધાં પછી મનુષ્યના સિરમમાં મેલાટોનિનનું પ્રમાણ વધેલું જોવા મળે છે.
(D) મનુષ્યના દૂધમાં,ગાયના દૂધમાં,દહીંમાં મળે છે

(E)સિરિયલ્સ,મકાઈ,ઘઉં, ઓટ્સમાંથી મળે છે

(F)સફરજન,દાડમ,પાઈનેપલ,કિવી,સ્ટ્રોબેરી,મલબેરી,દ્રાક્ષ જેવાં ફ્રૂટમાંથી મળે છે.

(G)ડુંગળી,લસણ,કિવી,કાકડી,
ગાજર,મૂળો, બીટ,આદુ,બટેટા,પાલખ,ટમેટાં, મરચાં જેવાં શાકભાજી,રાઇ, મેથી,ધાણા, જવ,વરિયાળી,ખસખસ તથા સોયાબીન,ઓલિવ,સૂર્યમુખીના તેલમાંથી મળે છે.

સાર

પશ્ચિમના દેશોમાં તો અનિંદ્રાના દર્દી માટે મેલાટોનિન વધે તેવી દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે જેનું મુખ્ય કારણ તેમની જીવનશૈલી છે.પણ આપણે ત્યાં હજુ બધાને દવા લેવી પડે એવી સ્થિતિ નથી આવી.
આપણી રહેણી કરણી અને આદતો મેલાટોનિનના સ્રાવને ડિસ્ટર્બ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.મોડી રાત સુધી જાગીને મૂવી,વેબસિરિઝ કે અન્ય કોઈપણ રીતે મોબાઈલ, ટીવી જોવાની આદત એક વ્યસન જેવી બની જાય છે.મોડી રાત સુધી જાગતી વ્યક્તિ એમ જ કહે છે કે," મને ઊંઘ જ નથી આવતી" પણ દરેક કિસ્સામાં એ સાચું નથી.ગેજેટ્સની આદતોનો મેલાટોનિનના ડિસ્તરબન્સમાં ખૂબ મોટો ફાળો છે.
રાત્રે 10 પછી મોબાઈલ કે ટીવી અને લાઇટ્સ બંધ કરી એકદમ ધીમું સંગીત ,યોગનિદ્રા,ધ્યાન માટેનું સંગીત સાંભળવાથી મોટાભાગના કિસ્સામાં ઊંઘ આવી જ જાય છે.કદાચ શરૂઆતમાં તકલીફ પડે પણ ધીરે ધીરે આ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
પહેલાના સમયમાં સાંજ પડતાં જ વાળું (ડિનર) કરી લેવામાં આવતું.વીજળી નોહતી પહોંચી ત્યાં સુધી તો રાત્રે 9 વાગ્યાની આસપાસના અંધકારમાં તો ગામમાં સોપો પડી જતો , લોકો સૂઈ જતાં અને સવારે 5 સુધીમાં એકદમ સારી ઊંઘ થઈ જતી.આજના ઝાકઝમાળવાળા બદલાયેલા યુગમાં 9 વાગ્યે સૂવું શક્ય ન બને તો પણ 10 વાગ્યે તો સૂવાનો પ્રયત્ન કરવો જ જોઇએ.અંધકાર સાથે જોડાયેલ મેલાટોનિનને બેલેન્સ રાખવું હશે અને તંદુરસ્ત જીવન જીવવું હશે તો આ ટેવ અનિવાર્યપણે અપનાવવી જ પડશે.

Comments

Popular posts from this blog

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ