કોંકણ કોલિંગ:એક સ્વપ્નીલ પ્રવાસચેપ્ટર 2 ગઢોનો ગઢ ~ રાયગઢ

કોંકણ કોલિંગ:એક સ્વપ્નીલ પ્રવાસ

ચેપ્ટર 2   ગઢોનો ગઢ ~ રાયગઢ
કોંકણ પ્રવાસની સામાન્ય ભૂમિકા બાદ અમારી સફરની મજા લઈએ.

રાત્રે લગભગ 11 વાગ્યે
રાજકોટથી  દુરોન્તો એક્સપ્રેસ ટ્રેઇનમાં બેસી જઈએ એટલે સવારે આઠ આસપાસ મુંબઈ સેન્ટ્રલ પહોચાડે જેથી પૂરો દિવસ મળી રહે. સ્ટેશનથી અમારા મિત્ર રસિકભાઈ, ગીતાબેન અને મધુબેન સાથે અમારી રોડ સફર શરૂ થઈ. ખારઘર પનવેલથી ખપોલી, પાલી થઈ અને રાયગઢનો રસ્તો લીધો.  આજે દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો હતો. જેના ગૌરવ સ્વરૂપ કેટલાંક સાઈકલ સવારો ભારતના રાષ્ટ્રધ્વજ સાથે આ પ્રવાસને ગૌરવપથ બનાવતાં તેજ ગતિએ સાઇકલની ઉડાન ભરી રહ્યાં હતાં તો ક્યાંક શાળાઓમાં ઉજવણી જોવાં મળી રહી હતી. ભારત દેશની વિશેષતા તેનું વૈવિધ્ય છે, પછી તે ભાષાનું હોય, સંસ્કૃતિનું હોય કે ભૌગોલિક.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમ્વિષ્ટ આપણાં વેસ્ટર્ન ઘાટ પણ દેશની અનેરી વિશેષતા છે. ગુજરાતની સરહદે આવેલાં તાપી જિલ્લાના સાતપુડાની પર્વતમાળા થી શરૂ કરી, મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિ પર્વતમાળા અને કેરળમાં સહ્યમ પર્વતમાળા તરીકે ઓળખાતી આ ગિરિમાળાઓ છેક તમિલનાડુ સુધી વિસ્તરેલી છે. આ ગિરિમાળાઓ જ અરબી સમુદ્ર પરથી આવતાં વાદળોને રોકીને આખા વિસ્તારને હરિયાળો બનાવતો વરસાદ વરસાવે છે. છે ને બાકી અજબ ગજબની કુદરતની રચના ...

રસ્તો શરૂ થયો ત્યારથી જ એકદમ નયનરમ્ય. સર્પીલી ઘાટીઓ, તેમાંથી વહેતાં અસંખ્ય ઝરણાઓ અને ચારે તરફ બસ હરિયાળી જ હરિયાળી.
પહાડો કોતરીને બનાવેલા રસ્તાઓ જોઈને એમ થાય કે, જ્યારે આ રસ્તાઓ નહીં હોય ત્યારે તો અહીં કેવાં જંગલો હશે. સમયની માંગને પહોંચી વળવા રસ્તાઓ બનતાં ગયાં હશે પણ જ્યારથી મનુષ્ય સિમેન્ટ કોંક્રિટના જંગલો બનાવી અને જરૂરિયાતના નામે અસીમિત લાલચ તરફ વળ્યો ત્યારથી કુદરતના નાશ સાથે પોતાના પતન તરફ પણ દોટ મૂકી છે.

કરોડો વર્ષોની કુદરતી પ્રક્રિયાઓ બાદ બનેલી પર્વતમાળાઓ અને જંગલો કે જેને કારણે આપણાં જીવનની જીવંતતા અને સમૃદ્ધિ જળવાયેલી છે તેને વિકાસની તેજ ગતિ તરફ દોડતો કાળા માથાનો માનવી થોડાં દિવસોમાં મશીનોની મદદથી જમીનદોસ્ત કરતો દેખાય ત્યારે એમ થાય કે સગવડતા, અનુકૂળતા, વિકાસ, આધુનિકતાના નામે થતી આ પ્રવૃતિઓ આવનારા થોડાં વર્ષોમાં આ પહાડોને સાવ ગાયબ કરી અને ઇતિહાસ બનાવી દે તો નવાઈ નહીં. જો કે આપણે એ દિશા તરફ બહુ ઝડપથી આગળ વધીએ છીએ ત્યારે એ વિચાર નથી આવતો કે, આ પહાડો નહીં રહે ત્યારે સમુદ્ર પરથી આવતાં વરસાદી વાદળોને કોણ રોકશે? અહીંની જૈવ વિવિધતા કેવી રીતે જળવાયેલી રહેશે? દરિયો અહીંની જમીનોને ગળી તો નહીં જાય ને??
ખેર, જેના થકી આ સુંદરતા આભારી છે તેની અવદશા થતી જોઈને આવાં વિચાર આવે તે સ્વાભાવિક છે.

માથેરાન, મહાબળેશ્વર, લોનાવલા , ખંડાલા વગેરે સહ્યાદ્રિની ગિરિમાળાઓમાં આવેલાં હિલ સ્ટેશન છે જ્યાં દરેક ઋતુની એક અલગ મજા છે જેનો લુફત મુંબઈગરાઓ ખાસ ઉઠાવતા હોય છે. અમે તો આ સુંદર મજાના પ્રવાસીપથનો આનંદ માણતાં શિવાજી મહારાજના ગઢ એવાં રાયગઢ પહોંચી ગયાં. મહાડથી આગળ જઈએ એટલે ઉપરના ભાગે પાછડ ગામ આવે જે રાયગઢ દુર્ગ (કિલ્લો)ની તળેટીમાં આવેલું નાનકડું સુંદર મજાનું ગામડું છે જે તેની ઐતિહાસિક ઓળખને કારણે ગૌરવાન્વિત છે.

રાયગઢ કિલ્લો એક હજાર વર્ષથી આજે અવશેષ સ્વરૂપે ઊભેલો છે જેનાં અવશેષ જોઈને એમ થાય કે, અહીંનો ભૂતકાળ કેવો ભવ્ય હશે.

 કેટલાંક લોકો એમ માને છે કે, રાયગઢ કિલ્લો શિવાજી મહારાજે બંધાવ્યો છે પરતું ઇતિહાસ  મુજબ ચૌદમી શતાબ્દીમાં ઇ.સ.1450 આસપાસ ભુલોટકર રાજવંશ દ્વારા આ કિલ્લાનું બાંધકામ કરવામાં આવેલ. ત્યારબાદ તે અહમદનગર સલ્તનત અને આદિલશાહને આધિન રહ્યો.
બસ્સો વર્ષ પછી 1656માં શિવાજી મહારાજે આ કિલ્લો જીતી લીધો અને પોતાની રાજધાની બનાવી. સમુદ્રતળથી લગભગ 800મીટરની ઊંચાઈ પર આવેલ રાયગઢ કિલ્લા પર પહોંચવા માટે બે માર્ગ છે. પગથિયા દ્વારા અને રોપ વે દ્વારા.
લગભગ 1780 પગથિયા ધરાવતો આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થાય છે જેમાં કેડી પરથી સહ્યાદ્રિની નીચે આવેલી ખીણનું દ્રશ્ય જોઈને રોમાંચિત થઈ જવાય છે. એકવાર પગથિયા ચડીને ઉપર પહોંચી ગયા બાદ રોપ વે થી નીચે આવવા માટેની ટિકિટ પણ મળી રહે છે. રિટર્ન ટિકિટના 310 રૂ. અને એક તરફની ટિકિટના 200રૂ. લાગે છે. રોપ વે થી ઉપર પહોંચવામાં ચાર પાંચ મિનિટનો સમય લાગે છે પણ એકદમ ઊભા પહાડ પર ચઢતી ટ્રોલીમાંથી વાદળોની વચ્ચેથી પસાર થતી હોય તેમ લાગે. પહાડો અને ઊંડી ખીણમાં વસેલાં ગામમાં દેખાતાં મકાનો સુંદર મજાના રમકડાં જેવાં લાગતાં હતાં.

ઉપર પહોંચીએ એટલે વિશાળ પ્રવેશદ્વાર સ્વાગત કરતું જણાય જે મહાદરવાજા તરીકે ઓળખાય છે. જગદીશ્વર મંદિર, શિવાજી મહારાજનું સમાધિ સ્થાન, રાણીવાસ, ટાકમટોક તરીકે ઓળખાતું ખતરનાક ખાઇ દેખાતું સ્થાન વગેરે આવેલાં છે. ઊંચાઈને કારણે ચારેતરફ વરસાદી વાદળો છવાયેલાં હતાં તો ક્યારેક સંતાયેલો સૂરજ ડોકું પણ કાઢી જતો હતો. રાયગઢ કિલ્લો અત્યારે પુરાતન વિભાગની સંભાળ હેઠળ છે પણ તેની ખાસ રખાવટ થતી હોય તેવું લાગ્યું નહીં. ગાઈડને સાંભળીએ એટલે શિવાજી મહારાજ તેમના સામ્રાજ્યની ઝાંખી થાય. આખા ગઢને જોતાં બે કલાકથી વધુ સમય નથી લાગતો પણ અમુક પોઇન્ટ પરથી જોવા મળતી સહ્યાદ્રિની પર્વતમાળાઓ, વચ્ચે લહેરાતાં વાદળોના પુંજ, વરસાદી માહોલ, ગરમ ગરમ ચા/ કોફી, વડાપાઉં આ બધું અજબ ગજબ કોમ્બિનેશન હતું.

વરસાદી માહોલ વચ્ચે ભૂતકાળનાં ભવ્ય વારસાને ખંડેર સ્વરુપે માણવાનો પણ એક આનંદ હતો. અહીં રાત્રિ મુકામ માટે કેટલાંક રૂમ અને ટેન્ટની પણ વ્યવસ્થા છે. અમારો પ્લાન અલગ હતો એટલે અમે તળેટીમાં ઉતરી જવાનું પસંદ કર્યું...

(ક્રમશઃ)




Comments

Popular posts from this blog

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)