કિચન ગાર્ડનની પાઠશાળા

ચોમાસું એટલે ઉનાળાની દાહક ગરમી પછીની હ્રદય મનને ભીંજવતી ઠંડક. કુદરત સોળે કળાએ ખીલે ત્યારે માનવ જ નહિ પશુ પક્ષીઓમાં એક આનંદનો ઉન્માદ જાગે છે..

ચોમાસું એટલે ઘણાં બધાં વૃક્ષોને વાવવાની ઈચ્છા જગાડતી ઋતુ. કહેવાય છે કે, તન મન તરબતર કરતી આ ઋતુમાં જે કંઈ વાવો એ તુર્તજ ઉગી નીકળે પછી તે છોડ હોય કે લાગણી.

છોડ વાવવાની વાત આવે એટલે દરેક વ્યક્તિ એમ તો કહે જ કે, " મને પણ બહુ શોખ છે, મને પણ બહુ ગમે". હું પણ વાવું છું.
ખરેખર છોડ વાવવાની અને પછી તેને સફળતાપૂર્વક ઉછેરવાની આવડતની એક કસોટી રાખવામાં આવે તો મોટાં ભાગના લોકો ફેઇલ થાય અથવા માંડ માંડ પાસ થાય.

આવી જ એક પાઠશાળા આજે રોટરી કલબ ગ્રેટરમાં હતી અને ભણાવનાર શિક્ષક હતાં અમારાં મિત્ર પ્રવીણભાઈ પટેલ.

દાયકાઓથી એગ્રો પ્રોડક્ટ્સનાં વ્યવસાય સાથે જોડાયેલાં પ્રવીણભાઈ એ આ વ્યવસાયમાં જ પોતાનું ઇકિગાઈ ( હવે તો બધાને આ શબ્દની ખબર જ હશે) તેમાં જ શોધી લીધું છે. ખેડૂતોને શીખવતાં શીખવતાં સમાજનાં દરેક લોકોને ઘર આંગણે શાકભાજી ઉગાડતા કરવાની નેમ સાથે તેમણે ટેલીગ્રામ ચેનલ, ફેસબુક પેજ (રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી) દ્વારા સોશિયલ મીડિયા શિક્ષણ ચાલુ કર્યું.

પ્રચંડ પ્રતિસાદને કારણે ધીમે ધીમે ઓફ લાઈન સેમિનાર પણ શરૂ કર્યા.
આ પ્રકારનાં સેમિનારમાં જતાં પહેલાં મોટાભાગની વ્યક્તિઓને એવો વહેમ હોય છે કે, "આમ તો મને બધું આવડે જ છે પણ લાવને જરા આંટો મારી આવું."

ધીમે ધીમે વિષયનો ઉઘાડ શરૂ થાય છે અને ક્લાસરૂમ ક્યારે સંવાદમાં પરિવર્તિત થઈ જાય છે તેની બન્ને પક્ષમાંથી કોઈને ખબર રહેતી નથી. ભાવકો એટલાં મગ્ન થઈ જાય છે જાણે કે, કોઈ ગહન વિષય હોય.
ખરેખર અઢી કલાક ક્યાં પસાર થઈ ગયાં તેનું ધ્યાન પણ ન રહે તે રીતે આ વિષયને પ્રવિણભાઇએ રસાળ બનાવી દીધો.

પોતાનાં દાયકાઓ જૂનાં જ્ઞાન, સમજ અને માહિતીનો એટલો સુભગ સમન્વય કરી દિધો કે, સાંભળનારને એકવાર તો એમ થઈ જાય કે, ઘરે જઈને પહેલું કામ શાકભાજી વાવવાનું કરી જ દઉં.

કિચન ગાર્ડનની પાયાથી માંડી અને દરેક પાકમાં થતાં રોગ અને તેનાં ઉપાયની ખૂબ જ અગત્યની ઊંડી સમજ આપી  ત્યારે બધાંને લાગ્યું કે, વાવવું તો સહેલું છે પણ ઉછેર જ સમય, સંભાળ  માંગી લે તેવો છે. છેલ્લે ક્વિઝ અને ઇનામોની રમઝટ લોકો માટે એકદમ ઇન્સ્પાયરિંગ (પ્રેરણાદાયી) સરપ્રાઇઝ હતી.

કુદરત સાથે રહેવું, તેમાં તાદાત્મ્ય કેળવવું એ ખરેખર જીવનનો અનેરો લ્હાવો લેવાં જેવું , જીવન જીવ્યાં જેવું લાગવાનો અહેસાસ, સંતોષ અને પરમ આનંદ આપનારું તત્વ છે.

ઘરમાં જ્યાં જેવી સગવડતાં, અનુકૂળતા હોય તે રીતે પણ કંઇક તો વાવી અને ઉછેરવું જ જોઈએ. જેનાથી પર્યાવરણ કે કુદરતને નહિ પણ આપણે પોતાની જાતને જ મદદ કરી શકીશું. કારણ કુદરતને કંઈ આપવાની પામર મનુષ્યની કોઈ હેસિયત જ નથી. જે આપે છે તે કુદરત જ આપે હંમેશા, બદલા સ્વરૂપે પછી તે કૃપા હોય કે કોપ.

તમને કિચન ગાર્ડન બનાવી તાજા શાકભાજી ખાવાનો શોખ જાગ્યો હોય તો પ્રવિણભાઇનાં સેમીનારનો એકવાર જરૂર લાભ લેવો જોઈએ અને તેમનાં સોશિયલ મીડિયા પરથી તો રોજ કંઇક નવું શીખી જ શકાય.

ઘર આંગણે ઉગાડો, તાજુ જૈવિક ખાઓ.

અસ્તુ
Rajkot kitchen garden club (fb)
@prohomegarden (ટેલીગ્રામ)

Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1