લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ


લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો પ્રેરણાદાયી સેવાયજ્ઞ 

વંદનાબહેનનાં ફ્લેટની બહાર સવારે 6 વાગ્યાનું દૃશ્ય

આપણાં દેશમાં દરેક ધર્મનાં નીતિ નિયમો, જપ તપ સાથે આયુર્વેદ અને સ્વાસ્થ્યને સુપેરે જોડવામાં આવ્યું છે જેને કારણે લોકો આસ્થાવશપણ જાણ્યે અજાણ્યે સ્વાસ્થ્ય માટેનાં અમૂલ્ય લાભ મેળવી શકે છે. આપણી એકાદશી પર વિદેશી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલાં રિસર્ચને એટલે તો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે.

ચૈત્ર મહિનો અને લીમડો એ જાણે એકબીજાનાં પર્યાય હોય તેમ આપણાં જીવન સાથે વણાઈ ગયાં છે. ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલાં લીમડો આખો કોલથી લચી પડતો હોય અને જાણે ઇજન આપતો હોય કે, "મારું સેવન કરો હું 
તમને આખા વર્ષ માટે ઉત્તમ સ્વાસ્થ્યની ગેરંટી આપુ છું". હું છેલ્લાં વીસ વર્ષથી ચૈત્ર મહિનામાં લીમડાનાં કૂણાં પાન, કોલ(ફૂલ) અને આંતર છાલનું સેવન કરું છું.(ચાવીને/ જ્યુસ સ્વરૂપે) કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષનાં દરેક ભાગને આયુર્વેદમાં પણ ખૂબ ઊંચો દરજ્જો પ્રાપ્ત છે. 

આજે લીમડાનાં ફાયદા વિશે વધુ વાત નથી કરવી પણ એક અનોખી વાત કરવી છે.

પાણીનાં કે છાશનાં પરબ લગભગ દરેક વ્યક્તિએ જોયાં હશે પણ લીમડાનાં જ્યુસનું પરબ કોઈએ જોયું હોય તેવું જવલ્લેજ બનતું હશે.

આજે વાત કરવી છે એક ઉત્તમ સંસ્કારી, ઉચ્ચવિચાર અને અન્યને કંઇક આપવાની વૃત્તિ ધરાવતાં, ખૂબ સારાં શિક્ષક, મારાં મિત્ર અને પાડોશી એવાં વંદનાબેન પટેલની.
વંદનાબહેન

ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થવાનો હોય ત્યારે લોકો પોતાની આસ્થા મુજબ ધર્મ ધ્યાન , પૂજા ઉપાસના, વ્રત ઉપવાસ કરે પણ અનોખું વ્યક્તિત્વ ધરાવતાં વંદના બહેન અમારી સોસાયટીનાં ગ્રુપમાં અગાઉથી મેસેજ મૂકે કે, "ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે, હું લીમડાની આંતરછાલ, કુમળાં પાન અને ફૂલમાંથી જ્યુસ બનાવી અને સવારે છ વાગ્યે મારાં ફ્લેટની બહાર રાખીશ. જેમની ઈચ્છા હોય તે ફલેટદીઠ સંખ્યા નોંધાવવા વિનંતી". આટલું જ નહિ લીમડાનાં ફાયદા વિશે લોકોમાં જાગૃતિ આવે તેવાં પ્રયત્નો કરે અને ઘરનાં અબાલ વૃધ્ધ સહુ કોઈને સેવન કરવાં વારંવાર આગ્રહ કરે.

આજનાં યુગમાં કોઈને કોઈ માટે સામાન્ય ખબર પૂછવાનો સમય નથી એટલાં લોકો પોતાની જાતમાં એકદમ વ્યસ્ત છે. ત્યાં સુધી કે, ઘરનાં સભ્યોમાં પણ લોકોનો રસ ઘટતો જાય છે ત્યારે ઘર અને નોકરીનાં અત્યંત વ્યસ્ત દૈનિકક્રમ વચ્ચે પણ છેલ્લાં પાંચ વર્ષથી ( કોરોના સમયથી) પોતાનાં કુટુંબ સિવાય સોસાયટીમાં રહેતાં લગભગ પાંચસો લોકોનાં આરોગ્ય માટે લીમડો તોડી લાવવો અને સવારે પાંચ વાગ્યે બે માટલાં ભરી અને ફ્રેશ જ્યુસ કોઈપણ પ્રકારની અપેક્ષા સિવાય બનાવવો તે અનોખી સેવાભાવના, ઉચ્ચવિચાર અને અનોખાં સંસ્કારોનું પ્રતિબિંબ છે.

તેમનાં આ કાર્યથી પ્રેરિત થઈ અને તેમનાં બે મિત્રોએ પણ આજુબાજુની અન્ય સોસાયટીમાં આવો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.

સમગ્ર સોસાયટીનાં મિત્રો અને સમાજ
વંદનાબહેનનાં  છેલ્લાં પાંચ વર્ષથી ચાલતાં આ અનોખા સેવાયજ્ઞની ખૂબ સરાહના કરી રહ્યાં છે.

Comments

Popular posts from this blog

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1