ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 6 (અંતિમ)
ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 6 (અંતિમ)
ચૌરાસી કુટિયા/ બીટલ્સ આશ્રમ
ચારે તરફ ખંડેર જોઈને તત્કાલીન સમયની ભવ્યતા, વિશાળતા કે વૈભવની કલ્પના થઈ શકે અથવા એ ભવ્ય ભૂતકાળની કલ્પના કરી અને આનંદનો અનુભવ કરી શકવાની ક્ષમતા કે શોખ હોય તેમણે જ આ સ્થળે જવાનો કાર્યક્રમ બનાવવો. મારી મુલાકાત દરમિયાન મેં લોકોને એવું કહેતાં સાંભળ્યાં કે, ઓહ! અહીં તો કંઈ જોવાં જેવું નથી.' એમને એ ખ્યાલ નહીં હોય કે ખંડેરમાં આલીશાન ઇમારત જોવાં માટે એક ખાસ દ્રષ્ટિ અને રુચિ જોઈએ. ખંડેરમાં જેમને રસ છે તેમનાં માટે આ જગ્યાને શાંતિથી જોવાં ઓછામાં ઓછાં ત્રણ ચાર કલાક અને (મારાં જેવાં લોકોએ) અહીંના સ્પંદનોને અનુભવવા માટે લગભગ આખો દિવસ માંગી લે તેવું સ્થળ છે. બાકી ઘણાં લોકોને એમ પણ થઇ શકે કે, 'અહીં ખંડેર જોવા શું આવ્યાં...!'
પણ કહેવાય છે ને કે,
पसंद अपनी अपनी।
વધુ સસ્પેન્સ નહીં રાખું. આજે વાત કરવી છે ઋષિકેશનાં એક એવાં જર્જરિત થઇ ગયેલાં આશ્રમની કે જ્યાં એક સમયે ઋષિકેશમાં બીજે ક્યાંય ન હોય તેવી ભવ્યતા હતી. આ આશ્રમને કારણે આજથી સાઠ વર્ષ પહેલાં યોગક્ષેત્રે ઋષિકેશનું નામ આખી દુનિયામાં ગાજતું થઈ ગયું હતું. ત્યારે અહીં ડોલર અને પાઉન્ડનો કદાચ વરસાદ વરસતો હશે.
ચૌરાસી કુટિયા / બીટલ્સ આશ્રમ જેવાં એકબીજાથી તદ્દન વિરુદ્ધ ( દેશી - વિદેશી) બે નામ પણ છે આ એક જ જગ્યાનાં. ચૌરાસી કુટિયા નામ પરથી જ ખ્યાલ આવે કે, અહીં ચોર્યાસી જેટલી કુટીર હશે પણ એવું તે શું ખાસ હશે કે, એક સમયે જેનાં સંગીત પાછળ આખી દુનિયા પાગલ હતી તે બીટલ્સ બેન્ડનાં સ્થાપક અને ચાર સંગીતકાર, મહર્ષિ મહેશ યોગી અને તેમનાં આ આશ્રમ પાછળ પાગલ બન્યાં હશે. જેને કારણે તે બીટલ્સ આશ્રમ તરીકે પણ દુનિયાભરમાં વિખ્યાત બન્યો.
ચૌરાસી કુટિયા મતલબ ચોર્યાસી ધ્યાન કુટીર. આ આંકડો પણ જાણે વિચારીને નક્કી કરવામાં આવ્યો હશે. યોગ વિદ્યામાં કુલ 84 આસનો બતાવવામાં આવ્યાં છે. જેનાં પરથી ચૌરાસી કુટિયા નામ આપવામાં આવ્યું છે.
Transdental મેડિટેશન માટે ઇ.સ.1958થી 1965 સુધી વિશ્વ ભ્રમણ કરી અને દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર મહર્ષિ મહેશ યોગી દ્વારા ઈ.સ. 1961માં આશ્રમની સ્થાપના કરવામાં આવી. પચાસનાં દાયકામાં વ્હાઈટ હાઉસ સામે લગભગ ચાર હજાર લોકો દ્વારા યોગ કરવામાં આવેલાં જેનાં પરથી ખ્યાલ આવે કે, તે સમયે મહર્ષિ મહેશ યોગીએ વિશ્વને યોગનું કેવું ઘેલું લગાડેલું હશે. એમ કહેવાતું કે, આ સમયગાળા દરમિયાન યોગને કારણે કેલિફોર્નિયામાં ક્રાઇમ રેટ એંશી ટકા ઘટી ગયો હતો. મહેશ યોગીની દેશ વિદેશમાં ખૂબ નામનાં હોવાથી વિશ્વ વિખ્યાત રોક બેન્ડ બીટલ્સનાં ચારેય મ્યુઝિશિયન્સ અહીં ત્રણ મહિનાનો transdental મેડિટેશન કોર્સ કરવા આવેલાં. અહીંનાં વસવાટ દરમિયાન તેમણે ઘણાં ગીતો લખ્યાં અને ધૂન પણ બનાવેલી જે ખૂબ પ્રસિધ્ધ થયેલી આજે પણ લોકોને હૈયે આ સંગીત વસેલું છે.
જાનકી ઝુલાથી લગભગ એક દોઢ કિલોમીટર ચાલીએ (દ્વીચક્ર સિવાય વાહનો જતાં નથી) એટલે બીટલ્સ આશ્રમ આવી જાય. આ આશ્રમમાં ભારતીય માટે 200/ અને વિદેશી સહેલાણીઓ માટે 1200/ પ્રવેશ ફી છે. સવારે 9 થી 4 વચ્ચેનાં સમયગાળા દરમિયાન પ્રવેશ મળી શકે. 5.30 કલાકે સંપૂર્ણ બંધ થઈ જાય. પ્રવેશદ્વાર પરનાં વનકર્મીઓ સમય બાબતમાં કોઈ બાંધછોડ કરતાં નથી.
પંદર એકરમાં પથરાયેલ આ આશ્રમને સમગ્રરીતે જોઈએ તો એક સમયે તમામ પ્રકારની ઉચ્ચતમ સુવિધાયુક્ત, અત્યાધુનિક, સુંદર મજાનું આકર્ષક સ્થળ લાગે જે ત્યારે ભવ્યતાની ઉંચાઈઓ આંબતું હશે.
મુખ્ય પ્રવેશદ્વારથી એકદમ સીધાં ચઢાણ વાળો રસ્તો જમણી બાજુ વળીએ એટલે
અંદરનાં પ્રવેશદ્વાર સુધી લઈ જાય. જ્યાંથી ડાબી તરફ (ટિકિટ કાઉન્ટર માં મૂકેલાં નકશા મુજબ) જઈએ એટલે ઓફિસ હોય તેવું મોટું પરસાળવાળું મકાન જોવાં મળે. તેની આગળ લગભગ પાંચસો માણસોની રસોઈ બની શકે તેવી તમામ સુવિધાઓવાળું રસોડું જોવાં મળે અલબત કાટમાળ સ્વરૂપે.
દરેક ઇમારતની બહાર લગાડેલા બોર્ડ પરથી તે શું વપરાશમાં લેવાતી હશે તેનો અંદાજ આવી શકે અને જો કલ્પનાશક્તિને એકદમ કામે લગાડીએ તો મનથી તેની ભવ્યતાનો અહેસાસ પણ થઈ શકે.
ચારે તરફ એકદમ વિશાળકાય વૃક્ષો વચ્ચે વચ્ચે છૂટી છૂટી ઇમારતો. આમ તો એક સમૃદ્ધ વિસ્તારમાં જોઈએ તે તમામ સુવિધાઓ અહીં જોવાં મળે છે જેમાં પોસ્ટ ઓફિસ, પ્રિન્ટિંગ પ્રેસ, લગભગ બસ્સો જેટલાં રૂમ ધરાવતાં આનંદ ભવન અને સિધ્ધિ ભવન તરીકે ઓળખાતાં ત્રણ મોટાં બિલ્ડિંગ જેમાં સ્પેસ પ્લાનિંગ, હવા ઉજાસ અને અન્ય અવ્વલ દરજ્જાની સગવડતાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો હોય તેમ જણાય. બીટલ્સ બેન્ડને રહેવાં માટે ખાસ સપ્તપુરી નામનું કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટેનું સૌથી મોટું આકર્ષણનું સ્થાન એટલે બીટલ બેન્ડ હોલ.
આમ તો આશ્રમની દરેક ઇમારત પર ખૂબ સારી અને મર્મસ્પર્શી કલાકૃતિઓ પેઈન્ટ કરેલી જોવાં મળે પણ બિટલબેન્ડ હોલ તેમાં અગ્રેસર છે. મહર્ષિ મહેશ યોગીની બન્ને તરફ બે બે બિટલ્સનાં વિશાળ પેઇન્ટિંગ જોઈને યોગ દ્વારા તેમનામાં આવેલ પરિવર્તનનો અહેસાસ થયાં વિના ન રહે. અમે અહીં પહોંચ્યા ત્યારે ઘણાં વિદેશી પર્યટકો સાઠનાં દાયકામાં ખોવાઈને બીટલ બેન્ડનાં વિખ્યાત ગીતો વગાડતાં અને ગાતાં હતાં. ખંડેર વચ્ચે પણ કંઇક અલગ પ્રકારનું કુદરત સાથેનું તાદાત્મય અનુભવાતું હતું.
આગળ વધીએ એટલે લેક્ચર માટે વેદ ભવન જોવાં મળે જે 1976માં બનાવવામાં આવેલું. ત્યારબાદ મહર્ષિ ધ્યાન વિદ્યાપીઠ જેમાં હાલનાં આધુનિક વર્ગખંડોમાં પણ ન હોય તેવી સુવિધાઓનાં અવશેષ જોવાં મળ્યાં. સુંદર મજાનું શિવાલય પણ જોવાં મળે છે.
આગળ જતાં આ આશ્રમની ઓળખ એવો યોગ હોલ જેને મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સ્થળનું આર્કિટેકચર ખરેખર અદભૂત છે. પ્રવેશ કરીએ એટલે સામે બોર્ડ દેખાય જેમાં ચૌરાસી કુટિયા લખેલું છે. બન્ને તરફથી એક સુંદર મજાની ગલી જેવો રસ્તો જે આખો ગંગા નદીમાંથી નીકળેલાં ગોળ પથ્થરમાંથી મઢેલો દેખાય. આ સાંકડાં રસ્તામાંથી પસાર થવું તે પણ એક અલગ પ્રકારની અને આહ ! વાહ! નીકળી જાય તેવી અનુભૂતિ જગાડે છે. પાછળ જઈએ એટલે વિશાળ યોગ હોલ જોવાં મળે. તદ્દન રુગ્ણ અવસ્થામાં પહોંચેલા આ હોલને જોઈને હ્રદય દ્રવી જાય છે. આ હૉલની ડાબી તરફ ચુંમાલીસ અને જમણી તરફ ચાળીસ ધ્યાન કુટીર નિર્માણ પામેલી છે. એકવાર અચૂક જોવાં જેવી આ ધ્યાન કુટિરને રૂબરૂ જોવે તે જ તેની સાર્થકતાને અનુભવી શકે.
યોગહૉલની બરાબર સામે એક સુંદર મજાની છત્રી છે જેની નીચે આવેલી બેન્ચ પર બેસીએ એટલે સામે જ વહેતી માં ગંગાનાં દર્શન થાય. એકદમ અકલ્પનીય વાતાવરણ.
વિશ્વભરની હસ્તીઓ તે સમયે અહીં ધ્યાન શીખવા આવતી હતી એટલે દરેક ઇમારતનાં સ્થાપત્યને વૈશ્વિક દરજ્જાનું બનાવવાનો પ્રયત્ન ઉડીને આંખે વળગે તેવો છે. આ કુટીરમાં ફરવાનો, ત્યાં ઊભા રહેવાનો અને કશુંક અનુભવવાનો મેં હદયપૂર્વક પ્રયત્ન કર્યો ત્યારે એમ થયું કે કાશ, આ લાગણી સરકારને પણ થતી હોત તો આજે પણ વિશ્વ કક્ષાનું યોગધામ અહીં ફરી એકવાર ઊભું થઈ શક્યું હોત.
અહીંથી આગળ વધીએ એટલે મહર્ષિ મહેશ યોગીજીનું નિવાસ સ્થાન જોવાં મળે. બન્ને તરફ મોટી પરસાળ, વચ્ચે ઓરડાઓ. આ સ્થળનું મહત્વનું આકર્ષણ એટલે તેની નીચે આવેલું ભોંયરું. બેઝમેંત્માં પ્રવેશ કરીએ એટલે એકદમ ઠંડકનો અનુભવ થાય. જેટલું ઉપર તેટલું જ નીચે જોવા મળે. આ સ્થળનો સાધના માટે તથા અન્ય બાબતો માટે ઉપયોગ થતો હશે. નિવાસ સ્થાનની બન્ને તરફ સુંદર મજાનો બગીચો, ફુવારા હોવાનાં અવશેષો મોજૂદ છે. પાછળનાં ભાગમાં ઊભા રહીએ એટલે માં ગંગાનાં દર્શન થાય.
સમયનાં અભાવે ક મને પણ હું આગળ ચાલી એટલે એક માળવાળી ઉપરથી ગોળાકાર ગુંબજવાળી કુટીરની હારમાળા જોવાં મળી. ખંડેર હાલતમાં હોવાં છતાં ગંગા નદીનાં પ્રવાહમાં ઘસાઈને આવેલાં, ગોળ સુંદર મજાનાં પથ્થરોમાંથી બનેલી આ કુટિરોની દીવાલ આજે પણ એકદમ અડીખમ ઊભેલી દેખાય છે અલબત તેની ઉપર અને અંદર અનેક ઝાડપાન ઉગી ગયાં હોવાથી બિહામણી પણ લાગે.
અંદરથી તદન જર્જરિત, આ ગોળાકાર કુટિરોમાં પ્રવેશ કરીએ એટલે નીચે એક રૂમ, વોશરૂમ, રૂમમાંથી ઉપરનાં રૂમ તરફ જતી ગોળાકાર સીડી જેનાં મોટાભાગનાં પગથિયાં તૂટેલાં જોવાં મળ્યાં. નીચેનો રૂમ ડ્રોઈંગરૂમ અને ઉપરનાં રૂમ બેડરૂમ તરીકે હશે તેવું માની શકાય. ઉપરનાં રૂમમાંથી બહાર નીકળીએ એટલે સુંદર મજાની ગોળાકાર અગાશી. આવી એકસરખી સોથી વધુ કુટીર છે જેમાં, 121 સુધીનાં નંબર જોવાં મળ્યાં. કુટિરોની હારમાળા, તેની પાછળની તરફ ખળખળ વહેતી ગંગા. આ સ્થાન જોઈ અને એમ થાય કે આ દરેક મકાન( કુટીર)માં એક સમયે રહેતાં લોકોએ કુદરતનાં અમાપ સૌંદર્ય અને સામીપ્યની સંવેદનાઓ કેટલી નજીકથી અનુભવી હશે!
એક એક કુટીર પાસે ઊભાં રહી, ત્યાંનાં પ્રગાઢ મૌન સાથેનું અનુસંધાન કરવાની કોશિશ કરીએ તો ખંડેરો વચ્ચેથી પણ કુદરત, શાંતિ, અબોલ વાતાવરણ અને ગંગા નદીનાં અસ્ખલિત પ્રવાહનાં સ્પંદનો અનુભવાયા વિના ન રહે. જો કે તેનાં માટે ચોક્કસ દ્રષ્ટિ, ભાવ અને કુદરત પ્રત્યેની અનન્ય પ્રીતિ હોવી એ પ્રાથમિક આવશ્યકતા છે.
આખો આશ્રમ લગભગ અવશેષ અને ખંડેર સ્વરૂપે જ છે વચ્ચે આવેલાં મોટા બે રૂમમાં ફોટો ગેલેરી છે જેમાં ફોટો જોઈને ત્યારની જાહોજલાલીનો અંદાજ આવી શકે.
સમગ્ર મુલાકાત દરમિયાન સતત એક વિચાર મગજમાં ઘુમરાયા કરે કે, ઉત્તરાખંડ સરકારનાં વનવિભાગ પાસેથી મહર્ષિ મહેશ યોગી એ ચાલીસ વર્ષની લીઝ પર (ભાડા પટ્ટે) મેળવેલી આ જમીન વર્ષ 2000માં સરકારે પરત લઇ લીધી. છેલ્લાં ચોવીસ વર્ષથી આ આશ્રમ સરકારનાં વનવિભાગ પાસે હોવાં છતાં તેની આવી દુર્દશા શા માટે હશે! જો કે જાહેર જનતા માટે તો વર્ષ 2016થી ખુલ્લો મૂકવામાં આવેલો છે. ખેર, સરકાર પાસે કોઈ પ્લાન હોઈ શકે પણ આવી વિરાસત જેવી ઇમારતને સાચવવાથી તે પર્યટન માટે પણ એક ધરોહર સાબિત થઈ શકે.
પરત આવવા નીકળ્યાં ત્યારે કોઈક અદ્ભુત માયાવી નગરી નિહાળવાની ખુશી અને તેની થયેલી અવદશાનાં દુઃખ મિશ્રિત ભાવ એકસાથે અનુભવાતાં હતાં.
અહીં મારી ઋષિકેશ ડાયરી પૂર્ણ થાય છે. વાચકોનાં અપ્રતિમ પ્રતિસાદ માટે હું ખૂબ જ આભારી છું. જ્યાં મોટાભાગનાં લોકો એક અથવા અનેકવાર મુલાકાત કરી ચૂક્યાં હોય તેવાં સ્થળનાં પ્રવાસ વર્ણનને આટલો સુંદર અને પ્રચંડ પ્રતિસાદ મળશે તે મારાં માટે અકલ્પનીય હતું.
અસ્તુ.
Comments
Post a Comment