ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 3 અધ્યાત્મ નગરી - યોગ નગરી ઋષિકેશ

ઋષિકેશ ડાયરી:  ચેપ્ટર 3
અધ્યાત્મ નગરી - યોગ નગરી ઋષિકેશ. 

વિશ્વભરમાં યોગ નગરી તરીકે પ્રસિદ્ધ ઋષિકેશ એટલે આપણાં ભવ્ય આધ્યાત્મિક વરસાની નગરી.

માં ગંગાનાં વિશાળ તટ પર ફેલાયેલી આ યોગ નગરી આજે સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે પણ દુનિયાને જે આધ્યાત્મિકતામાં જીવનનો મર્મ હવે સમજાયો છે તે આપણી તો પ્રાચીન સંસ્કૃતિ અને ભવ્ય પરંપરા છે.

રિવર ફ્રન્ટ

ઋષિઓની ભૂમિ એટલે ઋષિકેશ. ચંદ્રભાગા નદી જ્યાં ગંગાને મળે છે તે સ્થાન એટલે ઋષિકેશ. પૌરાણિક માન્યતાઓ મુજબ ઇન્દ્રિયોનાં દેવતા વિષ્ણુનાં નામ પરથી ઋષિકેશ નામ લેવામાં આવ્યું છે. એક એવી પણ માન્યતા છે કે રાભ્ય ઋષિની હજારો વર્ષની તપશ્ચર્યા બાદ વિષ્ણુ ભગવાન તેમની સમક્ષ ઋષિકેશ સ્વરૂપે પ્રગટ થયાં એટલે આ સ્થળનું નામ ઋષિકેશ પડ્યું.
પુરાણમાં કહેવાયું છે કે, રાવણનાં વધ બાદ પ્રાયશ્ચિત માટે ભગવાન રામે દેવપ્રયાગમાં તપશ્ચર્યા કરી હતી જ્યારે લક્ષ્મણ અને શત્રુઘ્નએ ઋષિકેશમાં તપશ્ચર્યા કરેલી. 

હરિદ્વાર અને ઋષિકેશ ટ્વીન સિટી તરીકે ઓળખાય છે. માત્ર 24 કીમીનાં અંતરે આવેલાં બન્ને શહેર ગંગા તટ પર વસેલાં છે. બન્ને શહેર એકબીજાથી સ્થૂળ સામ્યતાઓ ધરાવતાં હોવાં છતાં સૂક્ષ્મ રીતે જોઈએ તો સાવ અલગ જ હોય તેવું લાગે. હરિદ્વાર ધાર્મિક આસ્થાનું ધામ છે જ્યાં લોકો મોક્ષની વાંછના સાથે આવતાં હોય છે જ્યારે ઋષિકેશમાં આધ્યાત્મ પ્રાપ્તિ માટેની ઝંખના સાથે લોકો યોગ અને ધ્યાનમય બનતાં જોવાં મળે છે. 


હરિદ્વારમાં હર કી પૌડી હોય કે, કોઈપણ મંદિર લોકો 'હર હર મહાદેવ ' અને 'ગંગા મૈયા કી જય ' નાં નારા લગાવતાં સતત દોડતાં જોવાં મળે છે. જ્યારે ઋષિકેશમાં મોટાભાગનાં લોકો શાંતિની શોધમાં સાધના માટે આવતાં હોય છે. અહીંનો ગંગા કિનારો અફાટ સમુદ્ર જેવો પણ નિરંતર વહેતો અને શાંત જોવાં મળે છે. ઠેર ઠેર તટ પર લોકો ધ્યાન કરતાં જોવાં મળે છે.


ગંગાનાં બન્ને કાંઠે વસેલું આ શહેર આશ્રમ, ધર્મશાળા, ભવન અને હોટેલ્સનું બનેલું અને વિસ્તરેલું છે. ઋષિકેશ વિદેશી પર્યટકો માટે વિશેષ આકર્ષણ ધરાવતું હોવાથી અહીં પ્રમાણમાં વિદેશી લોકો મોટાં પ્રમાણમાં જોવાં મળે છે. આપણે ગ્રુપ ફોટો પાડતાં હોઈએ ત્યારે આ સરળ લોકો અચૂક કહે કે, ('should i click?') હું ફોટો પાડી દઉં? ત્યારે બહુ સારું લાગે છે.


જૂનું ઋષિકેશ એટલે ગંગા નદીને પેલે પાર વસેલું શહેર. અહીં ગીતા ભવન, વેદ ભવન, સ્વર્ગાશ્રમ, પરમાર્થ નિકેતન, બીટલ આશ્રમ જે લગભગ 70 થી 90 વર્ષ જૂનાં છે. જેનું સમયાંતરે નવિનીકરણ (રીનોવેશન) થતું રહે છે. અહીં રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા, જાનકી ઝુલા સ્વરૂપે નવાં અને જૂનાં શહેરનાં કિનારાને જોડતાં ત્રણ સુંદર પુલ જોવા મળે છે.


જાનકી ઝુલા

અમારે થોડાં શાંત વિસ્તારમાં અને ઘાટ પાસે જ રહેવું હતું એટલે શાંત વિસ્તાર પસંદ કર્યો. દિવસમાં ગમે તેટલીવાર ઈચ્છા થાય એટલે ઘાટ પર પહોંચી જવાનું. બહુ સુંદર રિવર ફ્રન્ટ હોવાથી સવારે ચાલવાની પણ ખૂબ મજા આવે. 


પરમાર્થ નિકેતન

પહેલી સાંજની આરતી પરમાર્થ નિકેતનમાં કરી. જેના માટે જાનકી પુલ પસાર કરી અને સામે કાંઠે જવાનું હોય છે. 2021માં ખુલ્લાં મુકાયેલાં આ પુલ પરથી ચાલવું એ પણ એક અલગ પ્રકારનો લહાવો છે. નવ મીટર પહોળાં પુલમાં બંને તરફ દ્વી ચક્રી વાહન (ટુ વ્હીલર) આવ જા કરી શકે અને વચ્ચેનો રસ્તો રાહદારીઓ માટેનો.

આ પ્રકારની ટેકનોલોજી વાળો ઉત્તરાખંડ રાજ્યનો પ્રથમ પુલ છે. ચાલતાં ચાલતાં નીચેથી વહેતાં ગંગાજીનું દ્ર્શ્ય ઉપરથી એટલું મનમોહક અને આહ્લાદક લાગે કે, જાણે ઊભા રહી જઈએ પણ રાહદારીઓનો પ્રવાહ એટલો મોટો હોય છે કે, ઊભાં રહેવું કદાચ મધ્યરાત્રિએ જ શક્ય બને.


જાનકી ઝુલા

બીજી એક યાદ રહી જાય તેવી બાબત તે ઋષિકેશવાસીઓનાં સ્વભાવની. અમારી સાથેનાં વડીલો આ પુલ ચાલીને પસાર કરી શકે તેમ નહોતાં. અમારાં માટે આ ચિંતાનો વિષય હતો કારણ રિક્ષામાં જઈએ તો પંદર કિમી ફરીને આવવું પડે જેમાં સમય પણ ખૂબ બગડે. જાનકી પુલ પર પહોંચી અને કોઈપણ સ્કૂટર સવારને વિનંતી કરીએ એટલે તરત બેસાડી અને ખૂબ પ્રેમથી પેલે પાર મૂકી જાય. પોતાનાં ગામમાં આવતાં યાત્રીઓ માટેનો તેમનો ભાવ કાયમી યાદ રહી જાય તેવો હતો.

પરમાર્થ નિકેતન આરતી સ્થાન
મેઈન માર્કેટ રોડ પર , રામ ઝુલાની નજીક આવેલ પરમાર્થ નિકેતન આશ્રમ ખૂબ સુંદર છે. અહીંની આરતી ખૂબ લોકપ્રિય છે. એકવાર તો લાભ લેવો જ જોઈએ તેવું અમને અગાઉ પણ લાગેલું. ગંગા તીરે ભોલેનાથની વિશાળ પ્રતિમા સમક્ષ થતી આ આરતી એ માત્ર આરતી નથી પણ આરતી સ્વરૂપે માનવીય સંવેદનાઓને કુદરત સાથે જોડી અને એક અલૌકિક ભાવમાં થોડાં સમય માટે તરબોળ કરી દેનારું વાતાવરણ અહીં સર્જાય છે.

આરતીનો લાભ લઈ અને બજારમાં ફર્યાં. સહુએ પોતાની રીતે શોપિંગ કર્યું અહીંની પ્રખ્યાત વસ્તુઓ ખાધી. દિવસ ખૂબ સુંદર રીતે પૂરો થઈ ગયો.
આવનારાં દિવસોમાં ક્યાં જવું, શું કરવું તેનું આયોજન રાત્રે ઘાટ પર બેઠાં બેઠાં કર્યું અને પછી સહુ સૂવા ચાલ્યાં ગયાં.

બીજે દિવસની સવાર સાહસની સવાર બનવાની હતી.

વધુ આવતાં અંકે....








 


Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1