ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 2
ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 2
હરિદ્વાર : હિન્દુઓની આસ્થાનું પરમધામ
ચારધામ યાત્રા હોય કે પંચ પ્રયાગ બધાનું પ્રવેશ દ્વાર એટલે હરિદ્વાર. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું દ્વાર એટલે હરિદ્વાર. હિન્દુઓની આસ્થાનું પરમધામ એટલે હરિદ્વાર.
સાત મોક્ષનગરી પૈકીની એક નગરી એટલે હરિદ્વાર. હરિદ્વારમાં પ્રવેશી જીવન જીવી અને હરદ્વાર એટલે કે, મોક્ષ તરફની ગતિ એટલે સમગ્ર જીવનનો સાર.(હરિ-વિષ્ણુ હર-શંકર)
કેટલાંક લોકો અહીં જીવન પછી મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ શોધવાં, કોઈ જાણતાં અજાણતાં થઈ ગયેલાં પાપને ધોવા તો કોઈ માત્ર યાત્રાધામ તરીકે યાત્રા કરવાં, તો કુંભના મેળામાં લાખો ભાવિકો સ્નાન કરવાં આવતાં હોય છે.
ગંગા તટ પર ઓછા સમયમાં અને વહેલી સવારે પણ જઈ શકાય તે અર્થે અમે રહેવાનું નરસિંહ ભવનમાં રાખેલું જે હર કી પૌડીથી ખૂબ નજીક છે. લગભગ સો વર્ષ જૂનાં આ ભવનનું બાંધકામ ખૂબ સુંદર છે. વચ્ચે મોટો ચોક અને ફરતે એકદમ મોટી પરસાળ અને વિશાળ એર કંડિશન્ડ રૂમમાં બે ડબલબેડ સાથે ટીવી અને તમામ ફર્નિચર. સો વર્ષ જૂની ધર્મશાળા આટલી સુંદર, સગવડતાવાળી હોય શકે તે અપેક્ષા બહારની વાત હતી. બહાર નીકળીએ એટલે ધમધમતી બજાર પણ અંદર કાઈ જ ખબર ન પડે. આવાં સ્થાનોમાં જઈએ ત્યારે ખરેખર હોટેલની જગ્યાએ આવી ધર્મશાળા પસંદ કરવામાં આવે તો વધુ આનંદ આવે તેવું મને લાગ્યું.
યોગાનુયોગ કે સંયોગ અમારી યાત્રા દરમિયાન મહાશિવરાત્રિ આવતી હોવાથી હરિદ્વાર તદન નવાં સ્વરૂપે જોવાં મળ્યું. હર કી પૌડી એટલે ગંગા કિનારે જ્યાં દરરોજ સવાર સાંજ આરતી થાય તે કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્રબિંદુ. રાજા વિક્રમાદિત્ય એ પોતાનાં ભાઈ ભર્તૃહરિની યાદમાં આ ઘાટ બનાવડાવ્યો હતો.
શિવરાત્રી આવતી હોવાથી હર કી પૌડી તરફ જતાં મોટાં ભાગના રસ્તાઓ માત્ર ચાલીને જવા માટે આરક્ષિત કરવામાં આવ્યાં હતાં. હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટયો હતો. રસ્તાની બન્ને બાજુ અને આમ તો ચારે બાજુ કાવડ લઈને વેચવાવાળા ઊભા હોય. ખરીદવાવાળા ખરીદ કરતાં હોય, કોઈ કાવડ ખભે લઈને જતું હોય તો કોઈ કાવડને ખૂબ સુંદર સજાવતું હોય.
કાવડ્યાત્રા આમ તો જૂન મહિનામાં શરૂ થાય પણ હાલ શિવરાત્રી હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો/અસ્થાળુઓ કાવડ લઈ ગંગાજીમાંથી પાણી ભરી અને નીલકંઠ મહાદેવ ( કે જે 4250 ફિટની ઊંચાઈ પર આવેલ છે તેમના) પર અભિષેક કરવા જાય.
લોકો સમજણ વગર આવાં હજારો કાવડને ગંગામાં વિસર્જિત કરી દેતાં જોવાં મળ્યાં.
ત્યારે એમ લાગ્યું કે, ગંગા સફાઈ અભિયાન પાછળ આપણે ચૂકવેલાં ટેક્સમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જેનું પરિણામ શૂન્ય થઈ જાય છે. દિવડાઓને ગંગામાં વિસર્જિત કરવાથી એક પવિત્ર કૃત્ય કર્યાનો આનંદ તો પ્રાપ્ત કરે છે પણ પ્લાસ્ટિકના બનેલાં પડિયા, ફૂલ, દીવો વગેરે હજારોની સંખ્યામાં રોજ વિસર્જિત થતાં હોવાથી પાણીનું પ્રદૂષણ વધતું જાય છે.
અહીં ગંગા તટ પર રોજ લાખો લોકો સ્નાન કરતાં હોય છે. અહીંના તટ પર ફરતાં ફરતાં અનેક જગ્યાએ ગામમાંથી નીકળતું ગટરનું પાણી પણ નદીમાં પ્રવેશત્તું જોવાં મળ્યું. આ જોઈને વિચાર આવે કે, ક્યાં હિમાલયમાંથી નીકળી અનેક જડીબુટ્ટીઓ અને ખનીજોને પોતાની સાથે લાવતી પવિત્ર ગંગા અને ધીમે ધીમે લોકોની અણસમજ અને બેદરકારીને કારણે મેલી થતી ગંગા. આ જ ગંગાને પવિત્ર સમજી અને લોકો સ્નાન કરે, ડૂબકી લગાવે, આચમન કરે તે જોઈને આપણી જાત માટે પ્રશ્ન થઈ જાય.
દિવસ દરમિયાન ફરવા માટે સામાન્ય સંજોગોમાં માર્ચ મહિનામાં અહીં થોડી ગરમી લાગે પણ હિમાલયમાં બરફ વર્ષા થવાને કારણે પહેલી સાંજે હરકી પૌડીની આરતી બાદ ઝરમર વરસાદ ચાલુ થયો. વાતાવરણ અદ્ભુત હતું. અમે અહીંની વિખ્યાત મલાઈ ગુલ્ફી, મલાઈ રબડી ખાધી અને લસ્સી પીધી.
બીજે દિવસે સવારે 5.30 વાગ્યે ફરી આરતી માટે પહોંચી ગયાં. અમને એમ કે, સવારે ભીડ ઓછી હશે પણ કાવડ યાત્રાળુઓથી આખો ઘાટ ઉભરાતો હતો. વાતાવરણ એકદમ આહ્લાદક હતું. સવારનો માહોલ જાણે મન અને શરીરમાં પ્રાણ પૂરતો હોય તેમ લાગતું હતું.
હરિદ્વાર એટલે મંદિરોનું ધામ. શિવાલિક પર્વતમાળા વચ્ચે બિલ્વ પર્વત પર મનસાદેવી માતાનું મંદિર આવેલું છે. જે બિલ્વ તીર્થ તરીકે પણ ઓળખાય છે.
મનસાદેવી માતાના મંદિરે લોકો ચાલીને કે રોપ વે થી આસ્થભેર જતાં હોય છે. નવરાત્રિમાં આ યાત્રાનું વિશેષ મહત્વ હોય છે.
ભારત માતાનું મંદિર અગાઉ જોયું હોવાથી ત્યાં ફરી જવા જેટલો સમય પણ નોહતો.
શોપિંગ કરવા માટે નીચેનાં માર્ગમાં સરસ બજાર છે. જેમાં ગરમ કપડાંથી માંડીને ઘણી વસ્તુઓ મળી જાય. અમને એવું લાગ્યું કે, ખરીદી કરવી હોય તો હરિદ્વાર કરતાં ઋષિકેશ વધુ સારું રહે છે.
અમારાં પ્રવાસનું કેન્દ્રસ્થાન ઋષિકેશ હોવાથી ઋષિકેશ જવાં નીકળી ગયાં.
વધુ આવતાં અંકે....
Comments
Post a Comment