ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1
ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1
રેલ યાત્રા
પ્રવાસ અને જીવન એકબીજાનાં પૂરક છે. જીવનની એકધારી ઘટમાળમાંથી બહાર નીકળવા માટે પ્રવાસ જરૂરી છે જે થોડું નાવિન્ય આપે છે અને પ્રવાસમાંથી ઘણું જોયાં, જાણ્યાં અને માણ્યાં બાદ નવેસરથી જીવવાનો આનંદ પ્રાપ્ત થાય છે તે તરોતાજા કરી દેનારો હોય છે. એમાં પણ પ્રવાસ જો ભાઈ બહેનો અને મિત્રો સાથે કરવામાં આવે તો તેની મજા અને આનંદ અનેરો હોય છે. જાણે બાળપણની ઘણી યાદો તાજી થઈ જાય.
રેલવે સ્ટેશન પરનો થોડાં કલાકોનો સ્ટે પણ નોસ્ટાલ્જિક હોય છે. રિટાયરીંગ રૂમમાં આવતાં જતાં લોકો તેમની વાતો, જાણે અલગ અલગ વાર્તાનાં પાત્રો. બહારની દુનિયા ગમે તેટલી બદલાય પણ રેલવે અને રેલવે સ્ટેશનની દુનિયા કોઈને કોઈ રીતે તો જૂનાં સમયની યાદ આપે જ.
વ્યવસ્થાઓ , સગવડતાઓ વધતી જાય તેમ તેમ મુસાફરી ઘણી સરળ અને સુલભ બનતી જાય. સામાન ઉંચકવા માટે કુલીની ભીડનું ઘણું ખરું સ્થાન વ્હિલવાળી બેગ, થેલાં અને એસ્કેલેટર (સરકતી સીડી) એ લઈ લીધું છે. સ્વચ્છતાની દ્વષ્ટિએ કામ થઈ રહ્યું છે પણ ઘણું કામ હજુ કરવાની જરૂર પણ છે.
ટ્રેન આજે પણ સામાન્ય અને તેનાથી પણ નીચેનાં વર્ગનાં લોકો માટે સૌથી વધુ અનુકૂળ અને સસ્તું યતાયાતનું સાધન છે તો એરકન્ડીશન્ડ કંપાર્ટમેન્ટ સંપન્ન લોકોને પણ આકર્ષે છે. ફાસ્ટ અને સુપર ફાસ્ટ ટ્રેન પ્રવાસ માટે બહુ અનુકૂળ બની રહી છે.
પ્રવાસ માટે સૌથી મહત્વની બાબત છે કંપની. એમાં પણ એક જ કમ્પાર્ટમેન્ટમાં બધી સીટ મળી હોય ત્યારે તેની મજા ઓર જ હોય છે.
મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી સતત સાથે રહેવાનું જાણે એક નાનકડાં ઓરડામાં પ્રેમથી પુરાયેલાં પાત્રો. ફોન અને ઈન્ટરનેટની દુનિયામાંથી થોડો સમય થોભી અને પાછાં દોઢ દાયકા જૂની દુનિયામાં પ્રવેશી ગયો હોય તેવું લાગે. પૂરી ન થાય તેટલી વાતો, વર્ષો જૂનાં ફાલતું પણ ખૂબ હસાવનારા કિસ્સાઓ, નાની નાની બાબતોમાં સાર સંભાળ, સાથે મળી બેગને ડાઇનિંગ ટેબલ બનાવીને જમવાની મજા, અંતાક્ષરી તો વળી સિત્તેરનાં દાયકાથી બેહજાર ચોવીસની વચ્ચે ઝૂલ્યા કરે. કંપાર્ટમેન્ટમાં સતત ફર્યાં કરતાં જુદાં જુદાં વિસ્તારનાં ફેરિયાઓ પાસેથી ખરીદીને ખાવાનો આનંદ કંઇક ઓર જ હોય છે. ટુંકા સમય માટે સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનમાં ચડવાં ઉતરવા માટે દોડતાં લોકોને કારણે વાતાવરણ અડધી રાત્રે પણ એકદમ ધબકતું લાગે છે.
સમયનાં અભાવે અને દૂરનાં સ્થળોએ જલ્દી પહોચવાની ઉતાવળ હોવાને કારણે પ્લેનની મુસાફરી વધતી જાય છે એટલે જલદી ટ્રેનમાં બેસવાનો મોકો મળતો નથી હોતો પણ જ્યારે આ તક મળે છે ત્યારે એમ થાય કે, આ મુસાફરી અને સંગાથ દિવસો સુધી બસ આમ જ ચાલ્યાં કરે.
આવી મુસાફરી બિનજરૂરી અને એકદમ ફાસ્ટ દોડતાં જીવનને થોડું 'સ્લો ' કરે છે. સાચાં અર્થમાં જીવન જીવતાં હોવાનો અહેસાસ કરાવે છે. સંબંધોમાં પ્રેમનાં થોડાં વધુ પ્રાણ પૂરે છે જે જીવનને થોડું વધુ ધબકતું અને જીવવાં જેવું લાગતું હોવાનો અહેસાસ કરાવે છે.
Comments
Post a Comment