આહાર એ જ ઔષધ કે આહાર એ જ ઝેર?*
*આહાર એ જ ઔષધ કે આહાર એ જ ઝેર?*
*જંતુનાશકની સ્વાસ્થ્ય પર વિનાશક અસરો*
*જાયેં તો જાયેં કહાઁ...
*'આહાર એ જ ઔષધ':* આ વાક્ય આપણે બાળપણથી જ સાંભળીએ છીએ.એટલે કે આહારનું જીવનમાં ઔષધ સમાન મહત્વ છે.ખોરાક કેવી રીતે લેવો, ક્યારે શું લેવું, ઋતુ પ્રમાણે જ આહાર લેવો વગેરે વગેરે...આ બાબતે આપણે સતત સલાહ, માહિતી સાથે સજાગતાં પણ રાખીએ છીએ.જે લોકો 'હેલ્થ કોન્શિયસ' છે તેઓ આહારના સમય નિયમનું ચુસ્તપણે પાલન પણ કરતાં હોય છે.
પણ જો આ આહાર જ ઝેર સમાન હોય તો ??જાયેં તો જાયેં કહાઁ?
આજકાલ આપણાં રોજ- બરોજના જીવનમાં આપણી આસપાસના લોકોમાં કલ્પના પણ ન કરી શકાય તેવાં આઘાતજનક રોગ સાવ સામાન્યપણે જોવાં મળે છે.તેમાં પણ કેન્સરનો ભોગ બનનાર લોકોની સંખ્યા વધતી જાય છે.
બ્રેસ્ટ કેન્સર,આંતરડાનું કેન્સર,પ્રોસ્ટેટનું કેન્સર...
આશ્ચર્ય એ વાતનું થાય કે જેને કોઈ પ્રકારની કુટેવો નથી,જેનું જીવન એકદમ સરળ છે તેને કેમ આવું થતું હશે?
અચાનક માથું ઉંચકેલા આવાં રોગ વિશે હજુ તો સ્વજનો કંઈ વિચારે તે પહેલાં તો બહુ ગંભીર અવસ્થામાં પહોંચી જતો હોય છે.અને મોટાભાગના કિસ્સામાં તો બાજી હાથમાંથી સરી જતી હોય છે.પુખ્ત માણસોમાં હજુ પણ સમજી શકાય પણ જે જન્મ્યા પણ નથી અથવા જન્મતાંની સાથે જ અસાધ્ય રોગના ભોગ બનેલાં નિર્દોષ બાળકોને જોઈએ ત્યારે હૈયું વલોવાઈ જાય છે પણ આવો આખો સમાજ જોવા મળે ત્યારે મન વિચાર કરવા મજબૂર બની જાય કે આવું કેમ?
આની પાછળ એક મોટો દૈત્ય છે,પેસ્ટીસાઈડ્સ(જંતુનાશક ઝેર- હું તેને જંતુનાશક દવા નહીં કહું)
પેસ્ટીસાઈડ્સ ખેતરમાં છાંટવાથી પાકમાં ભળે અને ત્યારબાદ એ પાકને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ ત્યારે આપણા શરીરમાં પ્રવેશે એ જ માત્ર એક રસ્તો નથી પાક ઉપર છાંટવામાં આવતો પેસ્ટીસાઈડ્સ હવા મારફતે વાતાવરણમાં ફેલાય છે જે માત્ર તે છાંટનાર નહીં પરંતુ દૂર દૂર સુધી અને ઘણાં સમય સુધી વાતાવરણમાં ફરતો રહે છે.
એમ કહી શકાય કે, પેસ્ટીસાઈડ જ્યારે પાક ઉપર છાંટવામાં આવે છે ત્યારે પાણી મારફતે જમીનમાં ઉતરે છે. વરસાદ થાય છે ત્યારે જમીનમાં રહેલા ભયંકર તત્વો પાણીના વહેણમાં પણ ભળે છે જે પાણી આપણે પીવાના તેમજ અન્ય તમામ પ્રકારની દૈનિક ક્રિયાઓમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે આમ ખેતરમાં છાંટવામાં આવેલ પેસ્ટીસાઇડ માત્ર જમીન જ નહીં પરંતુ હવા પાણી અને ખોરાક સ્વરૂપે આપણા શરીરના કોષ -કોષ માં ફેલાઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે ખાઈએ છીએ તેમાં પણ પેસ્ટીસાઈડ, પીએ છીએ તેમાં પણ પેસ્ટીસાઈડ્સ અને શ્વાસમાં લઈએ છીએ તેમાં પણ પેસ્ટીસાઈડ છે.
આખી વાત સમજતાં પહેલાં ખૂબ પ્રચલિત એવાં થોડાં કિસ્સાઓ અને અભ્યાસ જોઈએ.
કેરળના કસારાગોડ જિલ્લામાં કેરળ રાજ્ય સરકાર દ્વારા કાજુના પ્લાન્ટેશન પર વર્ષ 1976 થી સતત 25 વર્ષ સુધી એટલે કે 2001 સુધી હેલિકોપ્ટર દ્વારા એન્ડોસલ્ફાન નામના જંતુ નાશક ઝેરનો છંટકાવ કરવામાં આવ્યો.
15000 હેકટર વિસ્તારમાં 25 વર્ષ સુધી 22 લાખ લિટર જેટલું એન્ડોસલ્ફાન નામનું જંતુનાશક ઝેર હવા,જમીન અને પાણીમાં વર્ષો સુધી ભળવાને કારણે શરૂઆતના દાયકામાં 4000 લોકોના અસાધારણ મોત થયાં. ત્યારબાદ પણ આ પ્રક્રિયા અટકી નહીં જેને કારણે એ આંકડો હજારોની સંખ્યા સુધી પહોંચ્યો.
એટલું જ નહીં ગર્ભપાત, કેન્સર, માનસિક બીમારીઓ, સેરેબ્રલ પાલ્સિ, એપિલેપ્સી(વાઇ), તેમજ જન્મતાંની સાથે જ અનેક બાળકો અસાધ્ય રોગોના શિકાર બન્યાં.
લગભગ બે જનરેશનને અકલ્પનીય અસર થઈ અને હજારો લોકો તબાહ થઈ ગયાં. માત્ર નિર્દોષ મનુષ્યો જ નહીં આ ઝેરથી લાખો પશુ પંખીઓ, જીવજંતુઓ, માછલીઓ, દેડકાંઓ વગેરે સાફ થઈ ગયાં અને આખી ઇકોલોજીકલ સિસ્ટમ જ ખોરવાઈ ગઈ. કાજુનાં પાકનો નાશ કરનારા જંતુઓના નાશ માટે ઉપયોગમાં લીધેલ જંતુનાશક ઝેરથી માનવજાત અને પ્રકૃતિને ન પૂરી શકાય તેવું નુકશાન થયું.
લોક જાગૃતિ, લોક ઝુંબેશ અને તીવ્ર રોષને કારણે આ સ્પ્રેને 2001થી બંધ તો કરવામાં આવ્યો પણ ત્યારબાદ થયેલાં અભ્યાસ મુજબ હજુ સુધી આ વિકૃતિઓનું પ્રમાણ જોવા તો મળ્યું જ છે જે સૂચવે છે કે આ જંતુનાશક ઝેર કેટલી હદે ભયંકર હશે.
એન્ડોસલ્ફાન નામના જંતુનાશકથી થયેલ તબાહીના પડઘા વિશ્વકક્ષાએ પડયાં જેને કારણે વર્ષ 2011માં થયેલ સ્ટોકહોમ કનવેન્શનમાં નક્કી થયાં મુજબ વર્ષ 2012થી એન્ડોસલ્ફાનને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી જેનાથી 60 દેશોમાં પ્રતિબંધિત હોવાં છતાં ADAMA તરીકે ઓળખાતી ઇઝરાયેલની ક્રોપ પ્રોટેક્શન કંપની તેનું ઉત્પાદન કરે છે અને ભારત,ચીન જેવાં દેશો તેનો બિન્ધાસ્ત ઉપયોગ પણ કરે છે.
એન્ડોસલ્ફાનની અસર એ પાણીમાં રહેલી હિમશીલાની માત્ર ટોચ સમાન ઉદાહરણ છે.આવી તો અસંખ્ય પેસ્ટીસાઈડ્સ (જંતુનાશક ) છે જેણે જે તે સંપૂર્ણ વિસ્તારની શારીરિક,માનસિક,સામાજિક તેમજ આર્થિક જીવનને ભયનકતાની હદ પર લાવીને છોડી દીધાં હોય.
રાજસ્થાનમાં એક વિસ્તારમાં ઓર્ગેનોકલોરીન નામની પેસ્ટીસાઈડ્સને કારણે મહિલાઓમાં ગર્ભાશય, સર્વાઈકલ, યુટ્રેઇનના કેન્સરના થવાના એકસરખા કિસ્સાઓ જોવા મળ્યાં છે.આ તમામ મહિલાઓનાં લોહીની તપાસ કરતાં તેમાં પેસ્ટીસાઈડ્સના તત્વો જોવાં મળ્યાં હતાં.
ઉપરાંત બાળક જન્મે ત્યારે ખુલ્લી ખોપરી તથા અવિકસિત મગજ સાથે જન્મે છે. જેનું કારણ ફોલિક એસિડની ખામી છે.જે પેસ્ટીસાઈડ્સને કારણે સર્જાય છે.આ કિટનાશક કિટકોની જેમ માનવ શરીરના ફોલિક એસિડનો પણ નાશ કરી નાખે છે.
એક સમયે દેશના "અનાજનો કોઠાર" તરીકે ઓળખાતું પંજાબ આજે મૃત:પ્રાય થતું જાય છે.જેનાં અનેક કારણો પૈકી એક સબળ કારણ છે ' જંતુનાશકનો છંટકાવ'.
1960માં શરૂ થયેલી 'હરિત ક્રાંતિ'(ગ્રીન રિવોલ્યુશન) સમયે અત્યાધુનિક ખેતી પદ્ધતિ ,અત્યાધુનિક સાધનોની સાથે સાથે ધીમા પગલે આ જંતુનાશક ઝેરનો પણ ખેતીમાં અને દેશમાં પગપેસારો થયો ત્યારે કોઈને તેના આ ભયાનક ભવિષ્યની કલ્પના પણ નહીં હોય.
કપાસક્ષેત્રે વિશ્વના બીજા નંબરના ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતનું નામ જ્યારે વિશ્વમાં ગાજવા લાગ્યું ત્યારે તે ઉત્પાદનમાં પંજાબનો ખૂબ મોટો હિસ્સો હતો.
ખેડૂતોની વધુ પાક લેવાની હોડ,ઘેલછા,પેસ્ટીસાઈડ્સના ઉપયોગનું અજ્ઞાન તેમજ બેદરકારીને કારણે પંજાબમાં રાસાયણિક ખાતર,પેસ્ટીસાઈડ્સ વગેરેના બિનજરૂરી અને વધુ પડતાં ઉપયોગને કારણે જમીન,પાણી અને ખોરાકમાં ઝેરની માત્રા ધીરે ધીરે વધવા લાગી અને કલ્પના પણ ન કરી હોય તેવાં રોગોનો જન્મ થવાં લાગ્યો.
આવી ઝેરી જમીનમાંથી નીકળતાં પાણીને 'ટોક્સિન કોકટેઇલ' કહી શકાય!!
ફરીદકોટની જમીનના પાણીનું એનાલિસિસ કરતાં તેમાંથી સિન્થેટિક નાઇટ્રેટનું પ્રમાણને કારણે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોના જન્મનું પ્રમાણ વધુ હોવાનું પણ નોંધાયું છે.વાળમાં બેરીયમ,કેડમિયમ,મેંગેનીઝ,
સીસું,યુરેનીયમનું પ્રમાણ પણ જોવા મળ્યું.
પંજાબના માળવા વિસ્તારમાં કેન્સરનું પ્રમાણ છેલ્લા દાયકાઓમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે.કપાસમાં થતાં (1995) બોલવોર્મને કારણે પાકમાં દર ત્રણ દિવસે છંટકાવ કરવાને કારણે ધીરે ધીરે આખો વિસ્તાર કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓની લપેટમાં આવી ગયો.પંજાબના અબોહરથી ઉપડતી ટ્રેઈન આજે પણ કેન્સર ટ્રેઈન તરીકે કમનસીબે વિશ્વભરમાં જાણીતી છે.જે દર્દીને બિકાનેર ઉતારે છે જ્યાં રોજના 50 થી 80 દર્દીઓ પંજાબથી માત્ર કેન્સરની સારવાર માટે બિકાનેર જાય છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલાં કેશોદ પાસેનું અજાબ ગામ જે તેના ગોટા રીંગણ માટે વિખ્યાત હતું તે ઘરે ઘરે કેન્સરને કારણે પતિને ગુમાવેલી જોવાં મળતી વિધવા બહેનોને જોઇને એમ થાય કે આ પેઢીનું શું થશે??
અમદાવાદ પાસેનું કેલિયા વાસણા ગામ કે જ્યાં ઘરે ઘરે કેન્સરના દૈત્યએ ભરડો લીધો છે એ લોકો આ ભયાનકતા સમજે છે પણ પાપી પેટ માટે શાકભાજીને ભરપૂર જંતુનાશક આપી અને પોતે તો ભોગ બને છે પણ સમાજને પણ ભોગ બનાવે છે.
આ તો વાત થઈ પેસ્ટીસાઈડ્સ,ઇનસેક્ટિસઇડ્સ,ફન્જીસાઈડ્સ વગેરેથી થતાં ભયાનક રોગોની.
કોઇપણ વસ્તુ જંતુનાશક ઝેરના છંટકાવ વગરની છે કે નહીં તે સામાન્યરીતે જાણી શકાય તેવાં કોઈ ટેસ્ટ નથી.વિશ્વમાં કુલ જેટલી પેસ્ટીસાઈડ્સ વપરાય છે તેમાં 75% ખેતીમાં અને 25%ઘર તેમજ બગીચામાં વપરાય છે.
WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અને અનેક સંસ્થાઓ મહેનત કરે છે પણ વિશ્વમાં પેસ્ટીસાઈડ્સનું ઉત્પાદન કરતી કંપનીઓનું સંગઠન એટલું જ મજબૂત છે જેની સામે કોઈ ટકી શકે તેમ નથી સિવાય કે ,સરકારનો પોલિસી લેવલનો નિર્ણય.
'cide' નો અર્થ થાય છે 'to kill'- મારવું. પછી તે પેસ્ટીસાઈડ્સ( જંતુનાશક-કિટનાશક), ફંજીસાઈડ્સ(ફૂગનાશક)
હર્બસાઈડ્સ(ન જોઈતી વનસ્પતિનો નાશ કરે તે)
હોય તો પછી તેને જંતુનાશક દવા શા માટે કહેવામાં આવે છે. દવાનો અર્થ ઉપચાર. આવા ભ્રામક અર્થથી પ્રેરાઈને એક સામાન્ય,અભણ/અજ્ઞાની કે વિચારશીલ ખેડૂત તેને ખેતી માટે ઉપયોગી માની અને તેનો વિશ્વાસથી ઉપયોગ કરે છે.આમ તેને દવા ન કહેતાં જંતુનાશક ઝેર કહેવું જ યોગ્ય રહેશે કારણ તે ઝેર જ છે.
પણ આપણે એ ભૂલી જઈએ છે કે આ ઝેર ખરાબ કીટકની સાથે સારા કીટકનો પણ નાશ કરે છે.
યુનાઇટેડ નેશન્સના ફૂડ અને પર્યાવરણ વિભાગના એક્સપર્ટ ના મત મુજબ , "વિશ્વની વધતી જતી વસ્તીની ખોરાકની માંગને પહોંચી વળવા માટે ખેત ઉત્પાદનમાં પેસ્ટીસાઈડ્સ જરૂરી છે તે માન્યતા સદંતર ખોટી છે"
માનવ અધિકાર માટેના યુ.નો.(U N) રિપોર્ટસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે,વિશ્વની પેસ્ટીસાઈડ્સ ઉત્પન્ન કરતી કંપનીઓ પેસ્ટીસાઈડ્સ કોઈ નુકશાન નહી કરતી હોવાનો દાવો કરે છે તે પણ તેની એક છેતરામણી માર્કેટિંગ સ્ટ્રેટેજી જ છે.
આ મેન્યુફેક્ચરિંગ લોબીની એટલી મોટી પહોંચ હોય છે કે,તેને કંટ્રોલ કરવા ,રોકવા કે વિરોધ કરવા માટે સરકાર પાંગળી સાબિત થઇ છે.
પેસ્ટીસાઈડ નો ઉપયોગ ન કરવો એ માત્ર શું ખેડૂતની જવાબદારી જ છે ?સરકાર આમાં શું કરી શકે તેનું એક જ શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ તો આપણાં ભારત વર્ષનું એકમાત્ર રાજ્ય એવું સિક્કિમ કે જેમાં સો ટકા ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે. સિક્કિમ રાજ્યમાં કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઈડ પર પ્રવેશ બંધી છે. જો રાજ્યની અંદર કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઈડ્સ આવી જ ન શકે તો ખેડૂતો કઈ રીતે વાપરશે.
પ્રશ્ન એ થાય છે કે આ તાળી બે હાથે વાગે તો જ શક્ય બને માત્ર ખેડૂતો ઉપર ઢોળવાથી, તેમને અનુરોધ કરવાથી, તેમને પ્રોત્સાહિત કરવાથી, તેમને સમજાવવાથી આ શક્ય બનશે નહીં. ઓર્ગેનિક ફાર્મિંગ કરતો ખેડૂત કેટલી મુશ્કેલીઓ વેઠે છે તેની જાણ માત્ર તેને પોતાને જ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓર્ગેનિક ફાર્મિંગ કરતો ખેડૂત સામા પ્રવાહે તરતો હોય છે. કારણ રાસાયણિક ફર્ટીલાઇઝર્સ માટે સરકાર દ્વારા સબસીડી અપાતી હોય છે જેને કારણે એ ખાતર ખેડૂતોને ઘણાં સસ્તા ભાવે મળે છે તેની સામે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતને આવો કોઈ લાભ મળતો નથી તેમને કીટકો અને અન્ય બીમારીઓ સામે વધુ તાકાતથી જ ઝૂમવું પડે છે. શરૂઆતમાં ઓર્ગેનિક ફાર્મિંગમાં જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેને કારણે તેને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે.
એક રીતે એમ પણ કહી શકાય કે જ્યારે બાળક પાપા પગલી ચાલતાં શીખે ત્યારે તેને જો ટેકો આપવામાં આવે અથવા તેને જો નાની એવી ગાડીનો સહારો આપવામાં આવે તો તે ફટાફટ ચાલતા શીખી જાય. સરકારશ્રી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એફપીઓ અને એ સિવાય પણ અનેક પ્રયત્નો ચાલી જ રહ્યા છે પરંતુ કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટીસાઈડ્સ બનાવતી કંપનીઓ એટલી ભયંકર મોટી તાકાત ધરાવે છે કે જેને સંપૂર્ણપણે બંધ કરવી સરકાર માટે શક્ય નહીં હોય?? ખબર નહિ આવું કઈ રીતે બની રહ્યું છે??
જો સિક્કિમની રાજ્ય સરકાર કરી શકતી હોય તો અન્ય રાજ્યોની સરકાર શા માટે નહીં કરતી હોય આવા અનેક પ્રશ્નો મનમાં ઊઠે છે.
લોકોને ઓર્ગેનિક ફૂડ જોઈએ છે. લોકોમાં ઘણી બધી અવેરનેસ આવી છે પણ તેની માટેનાં કોઈ માપદંડો તેમની પાસે છે નહીં. કયું સાચું કહ્યું ખોટું એ કઈ રીતે માપવું આ સમયે જો રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડ નું વેચાણ જ ન થતું હોય તો તમામ ખેડૂતો માટે ન છૂટકે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળવું એના સિવાય અન્ય કોઈ વિકલ્પ જ ન રહે અને ધીરે ધીરે એવું બની જાય કે ઓર્ગેનિક ફાર્મિંગના લાભ તમામ લોકોને સમજાવવા માંડે, જગતનાં તાતને સમજાવવા માંડે અને જેને કારણે આખા સમાજનું માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય સુધરી શકે.
પેસ્ટીસાઈડનો ઉપયોગ કરતાં હોય તેવા વિશ્વના દેશોમાં ભારતનો ક્રમ 15માં નંબરે છે જે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત કહી શકાય ચાઈના પેસ્ટીસાઇડ્સના ઉપયોગની બાબતમાં પણ વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને અમેરિકા બીજા ક્રમે. ભૂતાન જેવો એકદમ ટચૂકડો આપણો પડોશી દેશ કે જેની પાસે ખૂબ જ ટાંચા સાધનો છે તેમ છતાં તે પોતાના નિયમોમાં જાગૃતિમાં અડગ રહે છે જેને કારણે વિશ્વનો તે પેસ્ટીસાઈડ ફ્રી દેશ છે.
છેલ્લા સર્વે મુજબ ભારતના મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પેસ્ટીસાઈડનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવેલ છે.
પંજાબ માટે કુખ્યાત હતું પરંતુ ત્યાં જે રીતે કેન્સરે ભરડો લીધો છે તે મુજબ કદાચ લોકોમાં અને ખેડૂતોમાં આવેલી સમજણને કારણે ધીરે ધીરે ત્યાંના કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઈડ ઉપયોગનો આંક ઘટી રહ્યો છે જે ખુશીની વાત છે.
માનવજીવન,પશુપક્ષીઓ,પર્યાવરણ સાથે ચેડાં કરનાર પેસ્ટીસાઈડ્સનો વિશ્વભરના લોકો એકસાથે મળીને બહિષ્કાર કરે તો જ આ રાક્ષસને નાથી શકાય.જેમ સ્વરાજ્ય માટે જનક્રાંતિનો જુવાળ ઉભો થયો હતો તેવું જ કંઈક બને તો જ આ વિશ્વને ,આવનારી પેઢીને બચાવી શકાશે.
1) પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ કરનાર ખેડૂત જો આ આખા વિષચક્રને સમજી જશે તો તેમાંથી જરૂર બહાર નીકળી શકશે.આ ચુંગાલમાંથીબહાર નીકળવા માટે કમર કસે તો જરૂર નીકળી જ શકે.
2) દરેક ખેડૂત નક્કી કરે કે મારે ઝેરમુક્ત ખેતી કરવી છે તો તેની સામે ઘણાં સારા વિકલ્પો પણ મળી આવશે.બસ જરૂર છે ઇચ્છાશક્તિની.
3) દેશની ઘણી સઁસ્થાઓ અને સઁગઠનો સજીવખેતી માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે તેમાં વિશ્વાસ મૂકી અને ખેડૂતોએ તેમના માર્ગદર્શન હેઠળ સજીવ ખેતી શરૂ કરવી જોઈએ.
ખેડૂતો પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ બંધ કરી દેશે એટલે આપોઆપ આ વિષચક્રની મોટી કડી તૂટી જશે.
4)પેસ્ટીસાઈડ્સ ઉત્પાદન કરતી કંપનીઓના માનવતાવાદી માલિકોએ ધરતીમાતા અને જીવસૃષ્ટિનું નિકંદન કરનારા આ ઉદ્યોગને તિલાંજલિ આપી અને સજીવ ખેતીને મદદ થઇ શકે તેવાં પ્રકારના ઉત્પાદન તરફ વળવું જોઈએ.
5)ડીલર ,ડિટીબ્યુટર્સ માટે કંપની દવારા વેચાણના ટાર્ગેટ પુરા કરવા બદલ ખૂબ લોભામણી સ્કીમ આપવામાં આવતી હોય છે તેનો લાભ લેવાની લાલચમાં તેઓ ખેડૂતોને આડેધડ ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપે છે જેને કારણે 5 મિલી ની સૂચના હોય ત્યાં ખેડૂત 50 મિલી વાપરી નાખે છે.અને વિષચક્ર ચાલુ જ રહે છે.
6)જાગૃત ગ્રાહકો જે ઝેરમુક્ત વસ્તુઓ ખરીદવા માંગે છે તેમણે એક ગ્રૂપ બનાવી નજીકના ગામના ખેડૂતોની સાથે સંકલન કરી અને ઝેરમુક્ત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી અને પ્રામાણિકતાથી ઉત્પાદન કરતાં ખેડૂતો પાસેથી વસ્તુઓ ખરીદવામાં આવે તો ખેડૂતોને પણ ઝેરમુક્ત ખેતી તરફથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું પ્રોત્સાહન મળે અને સીધા ગ્રાહકો મળવાને કારણે સારું વળતર પણ મળી રહે.
7)શક્ય હોય તો સોસાયટીના કોમન પ્લોટ,ફ્લેટની ટેરેસ,બાલ્કનીમાં કિચન ગાર્ડન બનાવી ઝેરમુક્ત જીવન તરફ ડગલું ભરવું જોઈએ.
8) *સરકાર દ્વારા ઇન્ટ્સેક્ટિસઇડ્સ એકટ 1968* બનાવવામાં આવ્યો છે પણ તે બનાવીને બેસી રહેવાને બદલે માનવ જીવન અને સમગ્ર પર્યાવરણ માટે ખતરારૂપ એવી આ ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે અત્યંત કડક હાથે કામ લેવામાં આવે તો આ વિષચક્ર તૂટી જતાં વાર ન લાગે.
9) સરકાર દ્વારા અભ્યાસક્રમમાં સજીવ ખેતીના ફાયદા અને જંતુનાશક દવાઓની આડઅસર વિશેના મુદ્દાઓ સામેલ કરી અને નવી પેઢીને સજીવ ખેતી તરફ વાળી શકાય.
કેરળના કસારાગોડના હોય,રાજસ્થાનના હોય ,ગુજરાતના સૌરાષ્ટ્રનાં કેશોદ પાસેનું અજાબ ગામ હોય,અમદાવાદ પાસેનું કેલિયા વાસણા હોય,પંજાબ હોય કે વિશ્વના કોઈપણ ખૂણામાં બનતાં આવાં ઉદાહરણરૂપ કરુણ કિસ્સાઓ મુજબ રોજના હજારો યુવાનો, બાળકો,સ્ત્રીઓ,વૃધ્ધો એવાં નિર્દોષ લોકો કોઈપણ ગુના વગર મોતને ભેટ્યા હોય,લાખો લોકો અસાધ્ય રોગના ભોગ બનીને નર્કસમાન જીવન વિતાવતાં હોય તેને માટે જવાબદાર લોકો સમગ્ર માનવજાત તથા કુદરતમાં રહેલાં લાખો અબોલ પશુપક્ષીઓ, કીટકો,જીવજંતુઓના ગુનેગાર છે
ચાલો આપણે આ ઝેરને જીવનમાંથી જાકારો આપીએ. આપણે પણ બચીએ અને આવનારી પેઢીઓને પણ બચાવીએ.
સ્વસ્થ ભારત! સુખી ભારત!!
adoshi480@gmail.com
-------///----------////---------//
Comments
Post a Comment