જૂનાગઢ: લીલી પરિક્રમાની લીલી સંવેદનાઓ...

જૂનાગઢ: લીલી પરિક્રમાની લીલી સંવેદનાઓ...

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્દ્ર શુક્લ

ગુજરાતી સાહિત્યનાં મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સમયાતીત ગઝલ એટલે ‘ હું મળીશ જ’ (અહીં આખી ગઝલમાંથી કેટલાંક અંશ મૂક્યાં છે) જેમાં કવિ પોતે ગિરનાર બની અને ગિરનારની હાજરીને સમયનાં દરેક કાળખંડ સાથે જોડી હૃદયનાં ઊંડાણમાંથી  ઠલવાતી અડીખમ લાગણીઓ સાથે ભાવકનાં હૃદય સુધીની સફર કરે છે.

જૂનાગઢ સાથેનો મારો (લેખિકાનો) નાતો ભૌતિક રીતે બાળપણથી અત્યાર સુધીનો સતત કોઈને કોઈ સ્વરૂપે રહ્યો છે પણ આંતરિક જોડાણ કંઇક અનોખું હોય તેવું ઉંમરના દરેક પડાવમાં જુદીજુદી રીતે લાગ્યું જ છે. ગિરનારનો ઈતિહાસ તેનું કારણ હોઈ શકે, લાખો વર્ષ જૂની ભૂમિનાં પ્રતાપે થતું કુદરતી આકર્ષણ હોઇ શકે. ખબર નથી શા માટે પણ, જૂનાગઢને  ગુજરાતનાં કોઈ શહેરને બદલે ઘણું અલગ રીતે જ હંમેશા મેં સંવેધ્યું છે.

ગિરનાર વિશે શું કહેવું કે, શું કહી શકાય! બસ અનુભવી શકાય તેવી ભૂમિ. સંત શૂરા અને સતીઓની ભૂમિ, આદિ કવિ નરસિંહ મહેતાની ભૂમિ, મનોજ ખંડેરિયા જેવાં સિદ્ધહસ્ત ગઝલકાર અને કવિની ભૂમિ. આ યાદી પૂરી ન થઈ શકે તેવી અદ્ર્શ્ય તાકાત આ ભૂમિમાં પડેલી છે. ગિરનાર એટલે પર્વત જંગલ, નદી, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ અને અનેક પ્રકારની જીવસૃષ્ટિ. જાણે એક અલગ પ્રકારનું જગત એક અનેરું અસ્તિત્વ. શા માટે ન હોય? જૂનાગઢ તો હિમાલયથી પણ જૂનો પર્વત છે જે આ ભૂમિની આગવી ઓળખ છે. ચારધામની યાત્રા જેટલું અથવા કદાચ તેનાથી પણ અદકેરું મહત્વ આ યાત્રાનું છે.

અગાઉનાં સમયમાં રૈવતક અને બીજા અનેક નામથી ઓળખાતાં ગિરનાર પર્વતનાં શિખરોની યાત્રા કરવાનો મોકો અનેકવાર મળ્યો છે પણ, આ પવિત્ર ભૂમિની પરિક્રમાનાં અવસરની વર્ષોથી રાહ હતી જે આજે પૂરી થઈ.
કહેવાય છે ને કે, સમય પહેલાં કશું મળતું નથી તેમ આ જિલ્લામાં ચાર ચાર વર્ષ સુધી નોકરી કરવાં અને બાળપણનો નાતો હોવાં છતાં પરિક્રમા કરવાનાં સંજોગો ક્યારેય ઊભા જ ન થઈ શક્યાં. આજે વર્ષો પછી એ ઈચ્છા પૂરી થઈ.
સિદ્ધહસ્ત કવિ શ્રી મનોજ ખંડેરિયાનાં શબ્દોમાં કહીએ તો,
‘જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને’

લીલી પરિક્રમા તરીકે ઓળખાતી અને ગિરનાર પર્વતની ફરતે થતી આ પરિક્રમા કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિથી શરૂ થઈ અને પૂનમ એટલેકે, દેવ દિવાળીનાં રોજ પૂરી થાય છે. લાખો યાત્રિકો આ ચાર દિવસમાં પરિક્રમા કરે છે. ડૉ.વિપુલ દોશી અને મારાં મિત્ર સાથે પરિક્રમા કરવાનું અચાનક જ આયોજન થયું.

આગાઉ આ યાત્રા માત્ર સાધુ સંતો જ કરતાં. ધીમે ધીમે સંસારી લોકો પણ તેમાં જોડાવા લાગ્યાં અને અનેક બાબતો ઉમેરાઈ.
રૂપાયતનથી શરુ થતી આ યાત્રા ઇટવાની ઘોડી, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, નળ પાણીની ઘોડી, બોરદેવી અને છેલ્લે ભવનાથ તળેટીમાં પૂરી થાય છે જે છત્રીસ કિલોમીટરની હોય છે. લોકો એક દિવસથી શરૂ કરી ચાર દિવસમાં પરિક્રમા પૂરી કરતાં હોય છે. ભાવિકો માટે સતત અન્નક્ષેત્રો ચાલતાં હોય છે અને તેમનાં માટે શક્ય તેટલી વ્યવસ્થા તંત્ર દ્વારા, સંસ્થાઓ દ્વારા અને સાધુ સંતો દ્વારા કરવામાં આવતી હોય છે.

અમારી યાત્રા સવારે લગભગ સાડા છ વાગ્યે શરૂ થઈ ત્યારે ભોં ભાંખળુ થઈ ગયું હતું. જીણા બાવાની મઢીથી જેમજેમ આગળ જતાં જઈએ તેમ તેમ માળવેલાની ઘોડીનું ચઢાણ શરૂ થાય છે.
જંગલમાં દિવસનાં દરેક સમયની અનુભૂતિ અલગ અલગ હોય છે. વહેલી સવારનું આહ્લાદક અને નયનરમ્ય વાતાવરણ મનને એકદમ  તરબતર કરી દે તેવું હતું. ચારે તરફ  લહેરાતી લીલીછમ વનરાજીઓ, પક્ષીઓનો કલરવ, પાનખરની  શરૂઆત વચ્ચે હવાની લહેરખી સાથે સંભળાતો સૂકાં થતાં જતાં પાંદડાઓનો ખડખડાટ નિરવ શાંતિ વચ્ચે કુદરતનાં અનેરાં સાનિધ્યની અનુભૂતિ કરાવતો હતો..



પરિક્રમા શરૂ થાય તે પહેલાં સરકારી તંત્ર તેમજ ધાર્મિક અને  સામાજિક સંસ્થાઓ દ્વારા તેની તૈયારી કરવામાં આવતી હોય છે. ધોવાઈ ગયેલાં રસ્તાઓ પર ફરી માટી નાખી અને વનવિભાગ દ્વારા તેને ચાલવાલાયક  બનાવવામાં આવે છે તેમજ  નક્કી કરેલી જગ્યાઓ પર પડાવ માટેની વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવે છે. અહીં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો અને સૂવા બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.




સમગ્ર રસ્તા પર લાઇટની સુવિધાને કારણે રાત્રે પણ ભય વગર ચાલી/સૂઈ શકાય છે. અહીં ગામે ગામથી લોકો ભિક્ષા માટે પણ આવી જતાં હોય છે. રસ્તામાં અમે આવાં લોકો દ્વારા પથ્થર પર બેસવાની જગ્યા અને નામ લખેલાં જોયાં જાણે પોતાનું બુકિંગ કરાવેલું હોય. ઠેક ઠેકાણે સાધુ બાવાઓની ધૂણી પણ તૈયાર કરેલી હતી.
અમે પરિક્રમા શરૂ થવાનાં આગલાં દિવસોમાં ગયેલાં હોવાથી જંગલ એકદમ સ્વચ્છ, શાંત અને કુદરતથી ભરપૂર અને માનવસહજ અત્યાચાર થયાં વગરનું રમણીય લાગતું હતું. શાંતિથી ચાલતાં ચાલતાં, વચ્ચે વચ્ચે બેસીને જંગલની આર્દ્રતાનો આનંદ માણતાં માણતાં ધીમે ધીમે આગળ ચાલ્યાં જતાં હતાં.

 મોટાભાગનો રસ્તો જંગલથી આચ્છાદિત હોવાથી તડકો લાગવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. બસ વચ્ચે વચ્ચે વા’તો વાયરો ફેફસામાં શુદ્ધ પ્રાણવાયુ પૂરતો રહેતો હતો. અમને પરિક્રમા પૂરી કરવાની કોઈ ઉતાવળ નહોતી કે નહોતી સમયની ગણતરી. બસ નિજાનંદમાં મસ્ત રહી અને આ તપોભૂમિનાં સ્પંદનો અનુભવવાં હતાં. જંગલ/કુદરતને હૃદયનાં ઊંડાણથી નીરખીએ, અનુભવીએ તો જીવન જીવવાની કલાનો ઉત્તમ નમૂનો અહીં જોવાં મળે છે. સહજીવન અને સહઅસ્તિત્વનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ અહીં ડગલે અને પગલે જોવાં મળે છે. એકબીજા સાથે વીંટળાઈને, એકબીજાનાં થડમાંથી જગ્યા કરીને વટવૃક્ષ બનેલાં વૃક્ષોને જોઈએ ત્યારે કશું બોલ્યાં વિના જીવનભર એકબીજાને સાથ/ઓથ આપતાં રહેવાનો મૂક સંદેશો આપણી સૂતેલી સંવેદનાઓને જગાડે છે. સૂર્યપ્રકાશ માટે ઉપરને ઉપર જતાં વૃક્ષો એકબીજાની ઈર્ષ્યા કે હરીફાઈ વગર પણ ઊંચાઈ પર પહોંચી શકાય  તેનો સુંદર પાઠ ભણાવે છે. અહીં મૃત વૃક્ષને કોઈ ઊપાડતું નથી તેના પર આધારિત જીવસૃષ્ટિ ધીરે ધીરે તેને કુદરતમાં પરત મોકલી આપે છે. કુદરતે ગોઠવેલું સહજીવનનું આખું ચક્ર અહીં અતૂટ રીતે કરોડો વર્ષોથી કોઈ વિક્ષેપ વગર ચાલ્યાં જ કરે છે. જ્યાં કુદરત છે ત્યાં બધું સુંદર અને સ્વનિયંત્રિત પ્રક્રિયા સ્વરૂપે ચાલ્યાં જ કરે છે પણ જેવો માનવનો વિક્ષેપ શરૂ થાય છે  ત્યારે જ પ્રશ્નો સર્જાય છે. કાશ, આપણે પરિક્રમા કરતી વખતે આવું પણ કંઇક શીખતાં હોત.

વસુંધરા નેચર ક્લબ નામની સંસ્થા દ્વારા આખા રૂટ પર એકદમ મોટી સાઈઝની થેલા જેવી ફોલ્ડેબલ કચરાપેટી બનાવી અને વૃક્ષોની વચ્ચે બાંધવામાં આવેલી છે. આ જોઈને પણ જો લોકોને સમજાય કે, ભેગો થતો ટનબંધ કચરો આ પેટીમાં જ નાખીએ તો પણ આ જંગલ પરનું ખૂબ મોટું ભારણ ઘટી જાય. પરિક્રમામાં આવનાર તમામ લોકો સ્વનિયંત્રિત અથવા અન્ય દ્વારા નિયંત્રિત થઈ અને માત્ર પ્લાસ્ટીકનો કચરો જંગલમાં ન ફેંકે તો જ સાચાં અર્થમાં પરિક્રમા સફળ થઈ ગણાય અને આવાં કચરા માટે દાખલારૂપ સજા હોય તો, નિયંત્રણ ચોક્કસ આવે જ તેવું હું અંગતરીતે માનું છું.  પરિક્રમામાં  કોઈ શ્રધ્ધાથી જાય, કોઈ આનંદ માટે જાય, કોઈ કુદરતનાં સાનિધ્ય માટે જાય તો કોઈ પોતાની જાતને મેળવવાં જાય.  

પરિક્રમા કરનારને રોકવાની અહીં કોઈ વાત નથી પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે, પરિક્રમા શરૂ થતાં પહેલાં લોકોને પાન, મસાલા, બીડી તમાકુ અને પાણી અને ખાદ્ય સામગ્રી માટે પ્લાસ્ટિક લઈ જવા પર સખ્ત પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. જ્યાં ખાણી પીણીનાં સ્ટોલ હોય ત્યાં પણ કોઈ ખાદ્ય સામગ્રી અને પાણી પ્લાસ્ટિકમાં ન મળવું જોઈએ. પાન, બીડી તમાકુ પણ ન વેંચાવા જોઈએ.જેની પાસે પ્લાસ્ટિક મળે તેની પર 5000 નો દંડ રાખવો જોઈએ અને તેનો અમલ પણ થવો જોઈએ. પરિક્રમા શરૂ થાય ત્યાં પાણી માટે માટીનાં વાસણોનાં સ્ટોલ લગાવવા જોઈએ. ખાદ્ય સામગ્રી સાથે લઈ જવા માટે કાપડની બેગનાં સ્ટોલ હોવા જોઈએ.

આપણાં દેશનાં સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિક પર સખ્ત પ્રતિબંધ છે જ અને લોકો અમલ પણ કરે જ  છે. જ્યાં દુનિયાભરનાં પ્રવાસીઓ આવે છે.
36કિમીનાં રૂટ પર માત્ર ચાર પાંચ દિવસમાં લાખો લોકો પસાર થાય તેનાથી જંગલ અને તેમાં રહેતાં તમામ વનસ્પતિ, પશુ પંખીની શાંતિ કેટલી હણાતી હશે તેની કલ્પના પણ કંપાવનારી લાગે છે. કુદરત સાથે રહેવાં માટે કુદરતનાં નિયમોનું પાલન કરીએ તો જ સાચું સહ અસ્તિત્વ કહેવાય. બાકી આપણાં ઘરમાં ઘૂસી અને બહારના લોકો ગંદકી, અવાજ, અસભ્ય વર્તન કરે તો જે  થાય તે જ અનુભૂતિ આ મૌન કુદરતી જીવોને થતી હશે ને!

યાત્રા દરમિયાન અમે એક કરૂણ કિસ્સો સાંભળ્યો. આ જંગલમાં અન્ય પ્રાણીઓ સાથે ઘણાં વાંદરાઓ પણ છે. ગયાં વર્ષે પરિક્રમા દરમિયાન કોઈ મસ્તીખોર છોકરાએ વાંદરાના બચ્ચાની પૂંછડી પકડી ખૂબ જોરથી ગોળ ગોળ ફેરવી અને ફંગોળ્યું તો બચ્ચું ત્યાં જ મૃત્યુ પામ્યું જે ઘટના ખૂબ આઘાતજનક અને દુઃખદ હતી. જો કે, વનવિભાગ દ્વારા તેનાં વિરૂધ્ધ કાર્યવાહી પણ થઈ તેવું સાંભળવા મળ્યું. આ ઘટના શું સૂચવે છે! આપણી અમાનવિયતા, હલકાં મનોરંજનની નીચ કક્ષાની માનસિકતા, આપણે માનવ છીએ પણ ક્રૂરતાની સીમા પાર કરી ચૂક્યાં છીએ?

ચાલતાં ચાલતાં લાકડીઓ વીંઝી અને ઝાડપાન પર પ્રહાર કરતાં લોકો હોય કે બીડી પી અને જંગલમાં આગ લાગવા માટે જવાબદાર લોકો  જેમને  પિશાચી કૃત્ય કરતાં હોય તેમ જ ગણાય. આપણે ગમે તેટલાં આગળ વધ્યાં હોવાનાં બણગાં ફૂંકીએ પણ જો પ્રકૃતિ સાથે રહેતાં નથી આવડતું તો આપણે એકદમ નિમ્ન કક્ષાના જ કહેવાઈએ.

અહીં ભૂતાન જેવો પ્રકૃતિ પ્રેમી દેશ અચૂક યાદ આવે જેમણે નક્કી કર્યું છે કે, ‘ અમારે ત્યાં ઓછાં પ્રવાસીઓ આવશે તો ચાલશે પણ અમારાં પર્યાવરણને નુકશાન થાય તે તો કોઈ સંજોગોમાં નહિ જ ચલાવી શકાય.’
એવો અફસોસ થાય કે, કાશ આપણાં દેશમાં પણ આવાં નિયમો અને નિયંત્રણો હોત. આપણે બચવું હશે તો પ્રકૃતિ સાથે જીવતાં શીખવું જ પડશે નહિતર પ્રકૃતિ કોરોના, ધરતીકંપ, ત્સુનામી, વાવાઝોડાં,  હિમ સ્ખલન, પૂર સ્વરૂપે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યાં જ કરશે.




પરિક્રમાનો મોટાભાગનો રસ્તો કેડી પરનાં ચઢાણ અને ઢાળ સાથેનો છે. માળવેલાની ઘોડી ઉતરતાં અને નળપાણીની ઘોડી ચઢતાં ઉતરતાં ત્રણસો ત્રણસો પગથિયાં ચઢવા – ઉતરવાના આવે છે. રસ્તામાં જોવાં મળતાં ઝરણાં તેનાં પરનાં ચેકડેમની આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેમ લાગે છે. પ્રકૃતિને સમગ્રતા સાથે માણતાં માણતાં અને કુદરતનાં સાનિધ્યમાં અમારી યાત્રા ખૂબ સુખદ અને સુંદર રીતે પૂર્ણ થઈ.

માળવેલા જેવી મધ્ય જંગલમાં આવેલી જગ્યામાં પ્રકૃતિ ખૂબ સુંદર રીતે પથરાયેલી છે. અહીં અમને થોડાં થોડાં અંતરે વિશાળ સંખ્યામાં પથરાયેલાં વડ જોવાં મળ્યાં જેનું માતૃથડ કયું હશે તે પણ શોધવું અઘરું લાગે. આ સ્થળ કબીરવડ ની યાદ આપતું હતું. વહેતાં ઝરણાં, ગીચ જંગલ હોય એટલે પશુ પક્ષીઓ તો હોવાનાં જ.

પેરેડાઈઝ ફ્લાય કેચર (દુધરાજ) નર અને માદા બન્ને જોવાં મળ્યાં. નર દુધરાજ સફેદ અને લાંબી પૂંછડીવાળો એકદમ સોહામણો લાગતો હતો. નાનાં મોટાં ઘણાં પક્ષીઓનાં કલરવ અને કોલ સાંભળી મન રોમાંચિત થઈ જતું હતું. મીયાંવાકી જંગલનાં પ્રેમને કારણે ગિરનારનાં જંગલમાં થતી અનેક વનસ્પતિની પ્રજાતિને જોવાં ઓળખવાનો ખૂબ અનેરો મોકો મળ્યો. વાંદરા સાથે હરણનું ટોળું પણ જોવાં મળ્યું. દૂર સિંહો હુંક્તાં હોવાની વાત સાંભળી પણ લાગ્યું કે એમને એમનાં ઘરથી થોડાં દિવસો માટે દૂર જવું પડશે.

મારી સમજણ મુજબ જ્યારે આ પરિક્રમા શરૂ થઈ હશે ત્યારે, સાધુ સંતો એક અલગ ભાવથી, કુદરતનાં સાનિધ્યમાં અલખની ધૂણી ધખાવીને નિજાનંદમાં મસ્ત રહી અને સ્વ સાથેની મુસાફરી કરી અને કુદરતનાં પરમ સાનિધ્યમાં કંઇક પામતાં હશે પણ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ ભાવ પણ બદલાતો ગયો.

આવી યાત્રાઓનું સાચું મૂલ્ય સમજી તેને સ્વઉત્થાન તેમજ કુદરતનાં સાનિધ્યમાં રહેવાનો અમૂલ્ય અવસર સમજી અને શિસ્તબદ્ધ બની પરિક્રમા કરવામાં આવે તો જીવનભર માટે ઘણી ઊંડી અને અસરકારક છાપ છોડી જાય તેવી બની રહે.

“મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ”

દરેક પરિક્રમાવાસીનાં હૈયામાં આ લાગણી અનુભવાય અને દરેક યાત્રાને અંતે કશુંક મળ્યાનું ગૌરવ કરી શકે તેવી પ્રાર્થના. સહુને પરિક્રમા બાદ પોતાનાં જાતનાં દર્શન થાય તેવી અભ્યર્થના.

જય ગિરનારી...હર હર મહાદેવ...

અમી દોશી
amidoshi.com
amidoshi.blogspot.com



Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1