સબંધનો શ્વાસ: વિશ્વાસ
સબંધનો શ્વાસ: વિશ્વાસ
આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરા મુજબ સ્ત્રી પુરુષનો પ્રેમ એટલે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ. પરંતુ ગ્લોબલાઈઝેશનનાં કારણે સમગ્ર વિશ્વનાં દેશો એક બીજાની ખૂબ નજીક આવી ગયા છે. પરિણામે એક સંસ્કૃતિની અસર ખૂબ સહજતાથી બીજી સંસ્કૃતિ પર થઈ રહી છે. વિશ્વમાં એવા ઘણા દેશો છે, એવી પરંપરા છે જ્યાં સ્ત્રી પુરુષ એક બીજાને પ્રેમ કરે છે, સાથે રહે છે, બાળકો પણ થાય છે પરંતુ લગ્નગ્રંથીથી જોડાતાં નથી.
બન્ને સ્થિતિ એકદમ વિરોધાભાસી છે છતાં દરેકની પીડા, પ્રેમ અને પરિસ્થિતિ લગભગ સરખાં જ છે. આજનાં યુગનાં બદલાવ સાથે સંબંધોમાં પણ કેટલાંક બદલાવ આવ્યાં છે જેને મનોવૈજ્ઞાનિક રીતે મૂલવવામાં આવે તો કદાચ દરેક બગડતાં સબંધમાં કોઈ એક વ્યક્તિ કે બંને વ્યક્તિને બ્લેમ કરવાને બદલે બદલાયેલાં સંજોગો અને સમાજનાં પ્રતિબિંબને જોવાનો પ્રયાસ કરવો જોઈએ.
*પોતાનાં સાથી પાત્ર સિવાય અન્ય લોકો સાથે નિકટતા
હાલનાં સમયની માંગ અને સ્થિતિ મુજબ મોટાભાગનાં સ્ત્રી પુરુષો કામ અર્થે બહાર નીકળવાને કારણે પોતાનાં કામનાં સ્થળે અન્ય લોકો સાથે તેમની મિત્રતા કેળવાય છે. મિત્રતાથી શરૂ થતાં સબંધમાં ધીરે ધીરે નિકટતા વધે છે અને ક્યારે તે કહેવાતાં પ્રેમમાં (?) પડી જાય છે. જે ખરેખર શારીરિક આકર્ષણ હોય છે જે બન્ને પક્ષનાં કુટુંબ માટે મોટેભાગે ઘાતક સાબિત થતો હોય છે.
*મોબાઈલ યુગને કારણે સોશિયલ મીડિયા મારફત લોકો માત્ર પોતાનાં દેશનાં જ નહીં દુનિયામાં કોઈનાં પણ સંપર્કમાં આવી શકે છે. જેને કારણે પસંદગીનાં ઘણાં વિકલ્પો મળે છે. મોટેભાગે આ આભાસી દુનિયા છેતરામણી હોય છે છતાં ખૂબ લોભામણી લાગે છે. આવાં સબંધોનાં ગણિતનાં દાખલાં મોટેભાગે ખોટાં જ પડતાં હોય છે. ક્યારેક તો અતિ કરુણ સ્થિતિ સર્જાતી હોય છે.
વિશ્વાસઘાત, બેવફાઈને જન્મ આપતાં આવાં સબંધો પારાવાર પીડા આપે છે. જેને કારણે વર્ષો જૂનાં લગ્નજીવન તૂટે છે, કુટુંબ, બાળકોનું જીવન બરબાદ થાય છે.
*સંવાદનો અભાવ
એક અભ્યાસ મુજબ સ્ત્રીને દરરોજ સરેરાશ દસથી વીસ હજાર શબ્દો બોલવા જોઈએ છે જ્યારે પુરુષને સરેરાશ છ હજારથી દસ હજાર શબ્દો બોલવાની ટેવ હોય છે.
પુરુષનાં મોટાભાગનાં શબ્દોનો ક્વોટા તેમનાં કામનાં સ્થળે વપરાઈ જતો હોય છે જેથી ઘરે આવ્યાં બાદ તે ખૂબ ઓછી વાતો કરે છે. જેને કારણે લગભગ દરેક સ્ત્રીને અસંતોષ અને ફરિયાદ રહે છે કે, “મારાં પતિને ઘરે આવીને મારી સાથે વાત કરવામાં કોઈ રસ હોતો જ નથી.” શબ્દો સાથે લાગણીની આપ લે કરવાનો ક્વોટા પૂરો કરવામાં સ્ત્રી ઘણીવાર વગર વિચાર્યે અન્ય પુરુષનાં સબંધમાં બંધાઈ જાય છે અને જ્યારે ભાન થાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. સામે પુરુષને પણ બહારની દુનિયામાં મળતાં પાત્રો પોતાની ઘરની સ્ત્રી કરતાં વધુ આકર્ષક લાગતાં હોય છે જેથી આસાનીથી લગ્નેતર સબંધમાં બંધાઈ જાય છે.
જે મોટેભાગે કુટુંબનો અથવા સબંધનો, લાગણીનો, વિશ્વાસનો ભોગ લે છે. જો કે જે ડુંગર દૂરથી રળિયામણા લાગતાં હોય છે તે લગભગ તો નજીક પહોંચતા તે પણ રસહિન લાગવા માંડે છે.
આ બાબતને ધ્યાનમાં રાખી પતિએ ઘરે આવીને થોડો તો થોડો પણ સંવાદ કરવાની કાળજી લેવી જોઈએ કારણ સંવાદ એ તંદુરસ્ત સબંધ માટેની અનિવાર્ય શર્ત છે. પોતાનાં પ્રશ્નો લાઇફ પાર્ટનર સાથે શેર કરવાથી બીજા અનેક પ્રશ્નોને નિવારી શકાય છે.
કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓની વચ્ચે પ્રેમ અને રોમાંસ પીસાઈ જતો હોય છે. પછી સર્જાય છે ભયંકર નિરસતા જે આભાસી સુખની અપેક્ષામાં ક્યારેક અન્ય પાત્ર તરફ અજાણપણે ધકેલી દે છે. આવાં સમયે પોતાની જાતને આ સ્થિતિમાંથી બહાર કાઢવાની જવાબદારી વ્યક્તિની પોતાની હોય છે. આ સમયે જો સાથી સાથે સારાં સંબંધ હશે તો તે પણ બહાર નીકળવામાં અચૂક મદદ કરશે. તંદુરસ્ત ચર્ચાનો અભાવ જ જીવનમાં તિરાડો સર્જે છે જે મોટેભાગે અન્ય પાત્રનાં પ્રવેશનું કારણ બનતું હોય છે.
સબંધનાં વિશ્વનો શ્વાસ એવાં વિશ્વાસ માટે સંવાદ જરૂરી છે.
*શારીરિક અને માનસિક અસંતોષ
મોટાંભાગની સ્ત્રીઓની પ્રાથમિક જરૂરિયાત પ્રેમ, હૂંફ અને લાગણીની છે જેનાં માટે તે કંઇપણ કરવાં તૈયાર થઈ જાય છે. આ જરૂરિયાત (લોંગ ડ્રાઇવ પર જવાની , સાથે ગીતો સાંભળવાની - ગાવાની , સાથે ડાન્સ કરવાની, સાથે રસોઈ બનાવવાની કે પોતે બનાવે ત્યારે પેલો તેની સાથે વાતો કરે, ક્યારેક સુંદરતાનાં વખાણ કરે, રસોઈનાં વખાણ કરે, ઘર સંભાળવાની આવડત પર ઓવારી જાય...આવી ઘણી નાની નાની પણ બહુ મહત્વની અપેક્ષાઓ હોઈ શકે) પોતાનાં પાત્ર સાથે સંતોષાતી નથી ત્યારે તેને અન્ય પુરુષ સાથે માત્ર માનસિક, અથવા શારીરિક અને માનસિક બન્ને સબંધો બાંધવા સુધી લઈ જાય છે. જ્યારે મોટાં ભાગનાં પુરુષોની પ્રાથમિક જરૂરિયાત શારીરિક આકર્ષણ (સેકસ) હોય છે (આ કુદરતી બાબત છે) જેનાં માટે તે સ્ત્રીને રીઝવવાનાં શક્ય તેટલાં પ્રયાસ કરે છે.( બન્નેમાં અપવાદરૂપ કિસ્સાઓ હોય છે).
પરિણામે આવાં લગભગ દરેક કિસ્સામાં ઝઘડો, તણાવ, દુઃખ, છૂટાછેડા, આત્મહત્યા અથવા હત્યા સુધીનાં પણ જોવાં મળે છે. ક્યાંક આવું નથી થતું તો પણ એક મૌન ખાઈ બન્ને વચ્ચે રચાઈ જાય છે જે જીવનપર્યંત રહે છે.
આપણાં સમાજની માનસિકતા મુજબ પુરુષનાં લગ્નેતર સબંધો મોટેભાગે સ્વીકાર્ય હોય છે જ્યારે સ્ત્રીનાં સબંધો માટે આજે પણ મહદઅંશે તેને ચારિત્ર્યહીનતાની કક્ષામાં જ મૂકે છે. કારણો જાણવામાં કોઈને રસ હોતો નથી
વિશ્વાસઘાતનું એક ખૂબ અગત્યનું કારણ છે શારીરિક અસંતોષ.(જે સ્ત્રી અથવા પુરુષને આવાં સબંધોનો શોખ છે કે બસ મજા માટે રાખે છે તેમની વાત અહીં નથી થતી કારણ તેનો કોઈ ઈલાજ નથી.)
ગમે તેટલાં આધુનિક બની ગયાં હોવાનો દાવો કરતાં આપણે આ મુદ્દે હજુપણ જુનવાણી છીએ અને છોછ અનુભવીએ છીએ. પતિ પત્નીને વર્ષો સુધી ખબર નથી હોતી કે પોતાનું પાત્ર પોતાની સાથે કઈ રીતે સબંધો રાખે તેવી તેની અંતરની ઈચ્છા અને અપેક્ષા છે.
કાલ્પનિક દુનિયામાં રાચતાં, સુષ્ટુ સુષ્ટુ વિચારતાં આપણે જીવનનાં અંત સુધી પોતાનાં પાત્રને ખુલીને કંઈ કહી શકતાં નથી, તેની સાથે ખુલીને જીવી શકતાં નથી અને અંદરને અંદર અસંતોષની આગમાં બળ્યા કરીએ છીએ. પોતાની પસંદગીને વિસ્તારપૂર્વક કહેવાની વાતને અસ્પૃશ્ય ગણીએ છીએ. જેમાંથી અકથ્ય વેદનાનો જન્મ થાય છે જે સબંધોને પેલે પાર લઈ જવાને બદલે મધદરિયે ડુબાડી દે છે.
જે બાબત સ્ત્રી પુરુષનાં જીવનનો મુખ્ય તાર છે, આધાર છે તે બાબતની ચર્ચાનો છોછ શા માટે??? પોતાનાં પાત્રને ખુલ્લાં દિલે કંઈ ન કહી શકવાની આ ઓળંગી ન શકાય તેવી દીવાલ જીવનભર બે લોકોને એકબીજા સાથે રહેવાં છતાં એકબીજાથી પરાયાં રાખે છે. ઘણીવાર હતાશા, તણાવ, ચિંતા, અસંતોષ માનસિક રોગને કારણે શારીરિક રોગ અને વિકૃતિઓનો ભોગ બનતાં હોય છે જેનાં મૂળ કારણની મૃત્યુપર્યંત જાણ થતી નથી તો સારવાર તો કઈ રીતે થઈ શકે!!! આ મનોદૈહિક (સાયકો સોમેટીક) રોગ સબંધોની સાથે માણસનો પણ ભોગ લઈ લે છે.
મનુષ્યની માનસિક અને શારીરિક ભૂખ એટલી પ્રબળ છે કે, જ્યારે તેનું પોષણ નથી થતું ત્યારે જીવન કલ્પના બહારનાં વળાંક લઈ લે છે. આપણે ખુલીને ચર્ચા કરવા માટે શા માટે તૈયાર નથી હોતાં તે પણ એક અકથ્ય કોયડો છે. બિનશરતી કે જજમેન્ટલ બન્યાં વગર આપણાં પાત્રની ઈચ્છા અનિચ્છાઓને પ્રાધાન્ય શા માટે નથી આપી શકતાં. જો કોઈની લાગણી, પ્રેમ, અપેક્ષાઓને સાંભળવામાં કે સમજવામાં રસ નથી તો સારાં, પારદર્શક સબંધોની અપેક્ષાઓ કઈ રીતે રાખી શકાય?
શારીરિક અત્યાચાર પણ સળગતો પ્રશ્ન છે. બેડરૂમમાં થતાં બળાત્કાર કોઈને દેખાતાં નથી, એ દબાયેલી ચીસો કોઈને સંભળાતી નથી, સુસવાતાં ડૂસકાંઓ અંદર જ ધરબાઈ જાય છે, કે નથી એની કોઈ ફરિયાદ થતી તે આપણાં સમાજની વરવી વાસ્તવિકતા છે.
છૂટાં પડવાને આરે આવીને ઊભેલાં સબંધોને છૂટાછેડા મંજૂર છે પણ તંદુરસ્ત ચર્ચા માટે સુગ છે.
આ પ્રશ્નો શું માત્ર આજકાલનાં છે!!! આ પ્રશ્નો સદીઓથી ચાલ્યાં આવે છે પણ સંસ્કારિતાને નામે સહનશક્તિની કસોટીઓ પર એરણે ચઢી અનેક જિંદગીઓ જીવનનો બોજ વેંઢારીને પૂરી થઈ ગઈ. ક્યાંક રડ્યાં ખડ્યાં કહેવાતાં બળવાખોરો પહેલાંનાં સમાજમાં પણ હતાં અને આજનાં સમાજમાં પણ છે. સંસ્કારના નામે દંભનો આંચળો ઓઢીને ક્યાં સુધી જીવીશું!!!
ઘણાં યુગલોમાં પતિ અથવા પત્નીને એકબીજા વચ્ચે ટાળી ન શકાય તેવી અસમાનતા હોવાનો અહેસાસ અને ફરિયાદ હોય છે ત્યારે ઘણાં કિસ્સામાં આ સબંધ છૂટાછેડામાં પરિણમતો જોવાં મળે છે.
એકબીજા પ્રત્યેનો માનસિક કે શારીરિક અસંતોષને કોઈપણ પ્રકારની શેહ શરમમાં આવ્યાં સિવાય જ્યાં સુધી વ્યક્ત નહીં કરીએ, નહીં કરવાં દઈએ ત્યાં સુધી આ સળગતાં પ્રશ્નો ક્યારેય ઓલવાશે નહીં પણ અંદર અંદરની આગમાં સળગતો માણસ અંતે પોતાની સાથે સબંધોને પણ રાખ કરી દેશે.
પ્રેમની પહેલી શર્ત પારદર્શિતા અને સત્યનો સ્વીકાર છે.
"એમ કહેવાય છે કે વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ માત્ર એકાંતમાં જ પ્રકટ થાય છે". જ્યારે પણ બીજી કોઈ વ્યક્તિ આપણી સામે આવે એટલે આપણે લાજ, સંસ્કાર, સમાજની મર્યાદાનો અંચળો ઓઢી લઈએ છીયે. આ માનસિકતા એટલી હદે સવાર થઈ ગયેલી હોય છે કે, આપણે આપણાં જીવનસાથી સાથે પણ ખુલી નથી શકતાં. દેહથી નિર્વસ્ત્ર થઇ શકીએ છીએ પરંતુ મન પર હમેશાં એક ચોક્કસ પ્રકારનો પરદો રાખીએ છીયે. જ્યાં સુધી આવો પરદો છે ત્યાં સુધી સ્વસ્થ સંવાદ અને પારદર્શિતા શક્ય નથી.
સંબંધોમાં પારદર્શિતા ત્યારે જ આવી શકે જ્યારે લાગણીઓની અભિવ્યક્તિને કોઈપણ પ્રકારનાં દંભ વગર આવકાર મળે.
આવાં દરેક સબંધની પાનખરને પ્રેમ લાગણી અને વિશ્વાસરૂપી વસંતનાં ફૂલો ખીલે તેવી ક્રાંતિ સર્જાય તો સમાજમાં બ્રેક અપ, છૂટાછેડાં કે ફરિયાદને બદલે પ્રેમનું પૂર ઉમટી શકે.
પતિ પત્ની વચ્ચે આત્મિય નિકટતા ત્યારે જ સર્જાઈ શકે જ્યારે બન્ને પોતાની કોઈપણ વાત, કોઈપણ ઘટનાઓ, કોઈપણ ઈચ્છાઓ, કોઈપણ અપેક્ષાઓ કોઈપણ જાતના ડર, સંકોચ કે શરમ વગર એકબીજાને કહી શકે, એકબીજા તેને સમજવાનો પ્રયત્ન કરે અને શક્ય તેટલું અનુરૂપ થાય તે સબંધોમાં ક્યારેય પાનખર આવતી નથી.
amidoshi.com
amidoshi.blogspot.com
9825971363
Comments
Post a Comment