આનંદનો પર્યાય: લાગોમ
આનંદનો પર્યાય: લાગોમ
ભરપૂર પ્રકૃતિનાં ખોળે જીવનારાં લોકોનો દેશ હોવાથી જેને ખુશીઓનું સરનામું કહેવાય છે તે સ્વીડનનાં સ્વીડિશ લોકો પોતાની લાઇફસ્ટાઇલ માટે પણ એક અનોખો અભિગમ ધરાવે છે તે છે સંતોષ, સંતુલન એટલે કે, મધ્યમ માર્ગીય જીવન જેને સ્વીડિશ ભાષામાં 'લાગોમ ' કહે છે.
આમ તો દરેક ધર્મ, સંપ્રદાય જો સાચી વાત કરે તો, સારું અને સાચું જીવવાં માટે મધ્યમ માર્ગ જ ઉત્તમ છે. ભગવાન બુદ્ધ દ્વારા મધ્યમમાર્ગનું જ મહત્વ સમજાવવામાં આવ્યું છે.
લાગોમ શબ્દ ભલે સ્વિડનનો હોય પણ તેનો અર્થ તો સમગ્ર વિશ્વનાં દરેક દેશમાં વસતાં તમામ લોકોને લાગુ પડે છે અને દરેક લોકો એક અથવા બીજા સ્વરૂપે તેનો જીવનમાં અમલ કરતાં જ હોય છે. સંતોષ , લોભ અને લાલચ વચ્ચે પાતળી ભેદરેખા છે. સંતોષ જીવનમાં સંતુલન જાળવી રાખે છે. ક્યાં અટકવું તેવી કોઈ રેખા સંતોષી લોકોને જીવનમાં ખેંચવી પડતી નથી. જે જીવનમાં અસામાન્ય નહિ પરંતુ નાનાં નાનાં પરંતુ સુખદ બદલાવ લાવે છે.
આપણે જીવનભર જે પ્રવૃત્તિઓ કરીએ, મહેનત કરીએ છીએ તેનું અંતિમ ધ્યેય સુખ મેળવવાનું હોય છે પણ કહેવાતું સુખ એ ખરેખર ખુશી આપી શકે છે કે કેમ તે મોટો પ્રશ્નાર્થ છે. કદાચ જીવનની મુખ્ય પ્રાથમિકતાઓ ( પ્રાયોરિટી - જે સમય અનુસાર બદલાતી રહેતી પણ હોઈ શકે) વિશે ચિંતન કરતાં નથી ત્યારે આડેધડ એટલી બધી દોટ મૂકીએ છીએ કે છેલ્લે ધ્યેય પર પહોંચીએ ત્યારે થાકી જઈએ છીએ.
એકદમ શાંત સ્થિતિમાં વિચારી જીવનની પ્રાથમિકતાઓ ને સમજી , આપણી ખૂબીઓ અને ખામીઓને સમજી જીવનને જીવવા માટેનો તટસ્થ રીતે અપનાવેલો અભિગમ સાચી ખુશી આપી શકે છે. ક્યાં અટકવું તે નક્કી કરવું એ અતિ મહત્વની બાબત છે કારણ સંતોષની શરૂઆત અહીંથી થાય છે અને સંતોષ જ શાંતિ અને આનંદ આપી શકે છે.
સ્વીડનમાં એવી કિવદંતી છે કે, વાયકિંગ્સ દ્વારા (9 મીથી અગિયારમી સદી દરમિયાન) જ્યારે સમુદ્ર રસ્તે સ્કેન્ડીનેવીયાથી યુરોપની યાત્રા દરમિયાન ઘણાં વિસ્તારો પર વિજય મેળવ્યો ત્યારે આ કૂચ દરમિયાન એમનો સમૂહ રાત્રિ ભોજન માટે કેમ્પ ફાયરની આસપાસ બેઠેલો ત્યારે ભોજન એ રીતે પીરસવામાં આવ્યું કે,દરેકને સરખી માત્રામાં મળી રહ્યું અને સંતોષ પણ થયો. જેને કારણે એક અદ્ભુત સંતુલન જળવાઈ રહ્યું. અહીં સવાલ માત્ર ભોજનનો નથી પણ જીવનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, ભોજનમાં સંતુલન સાથે શરૂ થયેલી આ દેશનાં લોકોની યાત્રાએ ધીમે ધીમે જીવનનાં દરેક ભાગને તેમાં સામેલ કરી લીધો.
જેમાં રોજબરોજની વસ્તુઓનાં ઉપયોગની આદતો, પોતાની જવાબદારીઓ, સમયની કિંમત, સ્વાસ્થ્ય, સબંધો, પૈસા, પર્યાવરણ જેવાં અતિ મહત્વનાં તમામ પાસાઓને ધીમે ધીમે જીવનમાં વણી લેવાયાં. વાત અહીં કોઈ દેશની વિચારધારા કે ફિલસોફીની નહીં પણ જીવન પ્રત્યેનાં અભિગમની છે જે માણસને દરેક રીતે એક સંતુલન આપે છે. જેને દેશ, વિદેશનાં કોઈ સીમાડાઓ નથી નડતાં. સામાન્યરીતે આપણાં નિર્ણયોની અસરો વિશે વધુમાં વધુ આપણે કુટુંબ સુધી વિચારતાં હોય છીએ પણ જ્યારે સમગ્ર સમાજ અને સમગ્ર સૃષ્ટિ સુધીનો વ્યાપક વિચાર કરીએ ત્યારે ખરેખર સાચાં અર્થમાં જીવનની પરિપૂર્ણતાનો અહેસાસ થયાં વિના રહેતો નથી.
ખરેખર તો આપણી વસુધૈવ કુટુમ્બકમની જે ભાવના છે તે આ જ છે ને. બધાં લોકો આપણાં અને બધાં વિશે આપણે વિચારીએ તો આપોઆપ સંતોષ અને જીવનનું સંતુલન જળવાઈ રહે. હવે પ્રશ્ન એ થાય કે એવું શું કરવું જોઈએ!!!
એકદમ સાદો અને સરળ જવાબ છે સંતોષ. એવું જીવન જે યોગ્ય, સમાનતા અને અન્યોની જરૂરિયાત પ્રત્યેની સંવેદના સાથેનું હોય.
જેને સમાનતાવાદી પણ કહી શકાય.
આ ફિલોસોફીને વ્યાપક અર્થમાં વિચારીએ તેમ વધુ ઉત્કૃષ્ટ જીવન જીવી શકાય. 'More the merrior' , 'bigger the better'
જેની પાસે ખૂબ વધુ હોય તે ઉડાઉ હોઈ શકે અને બીજા અંતિમ પર રહેલાં અતિ લોભ વચ્ચેની એક મધ્યમ માર્ગીય જીવનશૈલી એટલે લાગોમ. ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક સમયે સંયુક્ત કુટુંબમાં જીવતાં, એકબીજાની દરેક બાબતોમાં રસ લેતાં, સુખદુઃખમાં શકાય તેટલાં ભાગીદાર બનતાં પછી ભલે તે ગામની વ્યક્તિ કેમ ન હોય.જેનું મુખ્ય કારણ હતું જીવનની સંતુષ્ટિ.
મિત્રો સાથે મળી અને રસોઈ બનાવવી અને સાથે જમવું,જેમાં એવું જીવન કેન્દ્રસ્થાને રહેતું જેની સમાજ પર પોઝિટિવ અસરો રહેતી હોય. લોકોને પ્રશ્નો માટે પંચથી આગળ જવું ન પડતું. અન્યોનો વિચાર કરવાની ઉદાત ભાવના કેળવાય એટલે આપોઆપ વસુધૈવ કુટુંબકમ્ બની જાય જે સાચાં અર્થમાં સંતુષ્ટિની પારાશીશી બની રહે છે.
સારાં સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે બહુ મોટાં જીમની મેમ્બરશીપ કે મોંઘા શુઝની જરૂર નથી.નિયમિત રીતે ઘરની આસપાસ ગમતી જગ્યાઓમાં ચાલવાંથી પણ સ્વાસ્થ્ય મેળવી જ શકાય છે.
જીવનને માણવું જોઈએ પણ ક્યાં અટકવું તે પણ ખબર હોવી જોઈએ. મતલબ "એટલું વધુ પડતું પાણી ન પીવું કે કિડનીને અસર થઈ જાય". જેમ કે, ઘરની આસપાસ શાકભાજી ઉગાડવાથી જીવનનાં આનંદ અને સંતોષની માત્રા ઘણી વધી જાય છે. રોજબરોજનાં પડકારોનો સામનો કરતાં શીખીએ પણ થોડાં સંયમ સાથે. 'હું બધું જ કરી શકીશ' ને બદલે 'હું શક્ય તેટલું સારી રીતે કરવાનો પ્રયત્ન કરીશ ' વાળો અભિગમ કાર્યને તણાવ વગર અને સારી રીતે પૂરું કરવામાં મદદરૂપ થાય છે. વર્કોહોલિક બની અને માત્ર કામને મહત્વ આપવાને બદલે કુટુંબ, મિત્રો સાથે સમય પસાર કરવો તે પણ એક મધ્યમ માર્ગીય અભિગમ છે.
અત્યારે દરેક ને "મી ટાઇમ" જોઈએ છે જેને લોકો સૌથી વધુ મહત્ત્વનું અને સુખદાયક સમજે છે પણ આ 'મી ટાઇમ ' ક્યારે ડિપ્રેશન માં ફેરવાઈ જાય તેની ખબર રહેતી નથી. બિનજરૂરી વસ્તુઓને વિચારી અને જીવનમાંથી તિલાંજલિ આપવી તે અકલ્પનીય રાહત આપનારું પરિબળ છે પણ તેનાં માટે વિચારશીલતા જોઈએ .
ઘણાં લોકો ખૂબ ઉજાગરા વેઠી અને એક સાથે ઊંઘ ખેંચે જે અનેક બીમારીઓને આમંત્રણ આપનાર છે તેને બદલે નિયમિત ,પૂરતી ઉંઘ શરીર અને મનને વધુ સ્વસ્થ રાખે છે. અચાનક એક દિવસ ખૂબ કસરત કરી લેવી અને પછી દિવસો સુધી કંઈ ન કરવું. અચાનક શરીર પર દમન કરી ઉપવાસ કરવાં અને ઈચ્છા થાય ત્યારે બેફામ, એલફેલ જમવું એ જીવન નથી. ભોજન વિશે પણ વિચારેલું હોય તે સાચું સંતુલન છે.
ટૂંકમાં મન હોય, શરીર હોય, સ્વાસ્થ્ય હોય, સબંધો હોય, વસ્તુઓ હોય કે શોખ માધ્યમ માર્ગ હંમેશા જીવનને ભરપૂર રાખે છે.
ये केचिद् दु:खिता लोके
सर्वे ते स्वसुखेच्छया।
ये केचित् सुखिता लोके
सर्वे तेऽन्यसुखेच्छया॥
हिन्दी अर्थ :-
कहते जगत में जो लोग दुखी है उसका कारण उनकी अपनी सुख की इच्छा है और जो लोग सुखी है उसका कारण उनकी दुसरो की सुखी होने की इच्छा से अर्थात् जो स्वार्थी है वह दुःखी है और जो परार्थी है वह सुखी है ।
amidoshi.com
9825971363
Comments
Post a Comment