માં બાપ અને સંતાનો વચ્ચે વધતી જતી વિટંબણાઓ
માં બાપ અને સંતાનો વચ્ચે વધતી જતી વિટંબણાઓ
વર્તમાન સમયમાં માંબાપ અને સંતાનો વચ્ચે ધીમે ધીમે અંતર વધી રહ્યું છે જ્યારે અંતર વધે ત્યારે મતભેદ અને મનભેદ સર્જાય જે સમસ્યાનું મૂળ સાબિત થાય છે. આમાં આપણે માત્ર સંતાનોને જ જવાબદાર ઠેરવીયે તો એ એક પક્ષીય વાત ગણાશે કારણ કે આ સ્થિતિ માટે માં બાપ પહેલાં જવાબદાર છે.
એક સમય એવો હતો જ્યારે કમાવાની અને સ્ટેટ્સ માટેની ગળાકાપ હરીફાઈ અને ખોટી દેખા દેખી નહોતી ત્યારે માં બાપ પાસે બાળક માટે પૂરતો સમય હતો જેમાં એ બાળકને પ્રેમ, લાગણી, હૂંફ સાથે સંસારનાં પાઠ ખૂબ સરળતાથી અને સહજતાથી ભણાવી શકતાં હતાં.
આજની વિટંબણા એ છે કે બાળકને સાત વર્ષ સુધી માં બાપની હુંફની સૌથી વધુ જરૂર હોય છે. બાળકની આ એવી વય હોય છે જેમાં માં બાપ સાથે તેનું આજીવન જોડાણ થવાની પ્રક્રિયા ચાલતી હોય છે. આ સમયે બાળકને માંડ બે અઢી વર્ષનું થાય ત્યાં સુધીમાં પ્લે ગ્રુપમાં દાખલ કરી દેવામાં આવે છે. મોટાભાગનાં માં બાપ ક્યારેય એવું કેમ નહીં વિચારતાં હોય કે, ત્રણ વર્ષનું કુમળું માનસ પ્લે ગ્રુપ( શાળા)માં જઈને મનોમન કેટલી મૂંઝવણ અનુભવતું હશે ? આ કલાકો દરમિયાન એને માંની કેટલી ખોટ સાલતી હશે? દુઃખની વાત તો એ છે કે, ઘણાં
માં બાપ માત્ર દેખાદેખીથી પોતાનાં શહેરમાં અભ્યાસની શ્રેષ્ઠ વ્યવસ્થા હોવાં છતાં બાળકને દૂર હોસ્ટેલમાં ભણાવવાનો આગ્રહ રાખે છે અને ગૌરવ અનુભવે છે. આવાં અભ્યાસની પ્રક્રિયા સંતાન જ્યારે લગભગ પચીસ વર્ષની વયનું થાય ત્યાં સુધી ચાલતી રહે છે.
સંતાન એ પણ આખરે તો માણસ જ છે. તેને પ્રેમ, લાગણી અને હૂંફની જરૂર હોય જ એ સ્વાભાવિક છે પરંતુ એ બધું માં બાપ તરફથી નથી મળતું ત્યારે અન્ય જગ્યા એ શોધે છે પછી એ મિત્રો હોય, મોબાઇલ હોય કે અન્ય કોઈ બાબત, પરંતુ એ શોધે છે ચોક્કસ. આવું બને ત્યારે સંતાનનોનું માં બાપ સાથે સંપર્ક અને સામીપ્ય ધીમે ધીમે ઓછું થાય છે. જે ભવિષ્યમાં ખૂબ મોટો કોમ્યુનિકેશન ગેપ સર્જે છે. તેનાથી વિપરીત દરેક બાળકને આવો પર્યાય મળે એ પણ જરૂરી નથી અને જ્યારે આવું બને ત્યારે બાળક એકલતાનો અનુભવ કરે છે જે ક્યારેક તેને દારૂ, જુગાર કે ડ્રગ્સ જેવાં ખતરનાક ઊંધા રસ્તે લઈ જાય છે.
દરેક કિસ્સામાં માં બાપ જ જવાબદાર હોય તેવું પણ નથી હોતું ક્યારેક સંતાનો પણ આધુનિક યુગની માયાજાળમાં અટવાઈને મિત્રો અને પાર્ટીઓનાં રવાડે ચડી માં બાપનાં વહાલ અને પ્રેમ પૂર્વકની સલાહને આઉટડેટેડ અને પોતાની પ્રાયવસીમાં બિન જરૂરી દખલરૂપ ગણી અને નજરઅંદાઝ કરે છે.
ક્યાંક હરીફાઈયુક્ત જીવન અને દેખાદેખીનાં કારણે અલગ થયેલાં સંતાનો, માં બાપનાં પ્રેમ અને લાગણ માટે વલખતાં હોય છે તો ક્યાંક સંતોનોની આધુનિકતાને કારણે માં બાપનાં પ્રેમનાં તાર સંતાનો સુધી પહોંચવામાં ટૂંકા પડતાં હોય છે. ખેદની વાત એ છે કે જ્યાં માં બાપ અને સંતાનો સાથે રહે છે ત્યાં બાળકો ભણવાનાં વધુ પડતા બોજ હેઠળ દબાયેલા છે અને માં-બાપ પોતાના કામમાં વ્યસ્ત છે પરિણામે, પરિવારજનો એકબીજાથી વિખૂટાં પડતાં જાય છે. પરિસ્થિતિ કોઈપણ હોય પરંતુ પરિણામ સ્વરૂપે માં બાપ અને સંતાનો વચ્ચે લાગણીનો અભાવ સર્જાય છે જેને આજે જનરેશન ગેપ એવું રૂપાળું નામ આપવામાં આવે છે. જે આગળ જતાં સંબંધનાં શ્વાસને રુંધે છે.
ભારતની ઉગતી પેઢી ( નેકસ્ટ જનરેશન) અને એમના માતા-પિતા વચ્ચેનાં સંબંધોમાં બહુ મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે એવી ચેતવણી સાઇકિઆટ્રિસ્ટસ આપે છે. જનરેશન ગેપ (બે પેઢી વચ્ચેનં અંતર) ખાઈ જેવો બનતો જાય છે. સેલફોનથી માંડીને સેક્સ્યુઆલિટી અને ધર્મથી લઈને એટીકેટ સુધીની બાબતોમાં મા-બાપ અને બાળકો વચ્ચેનાં દ્રષ્ટિકોણમાં જમીન-આસમાનનું અંતર પડતું જાય છે. આ ન પૂરી શકાય તેવી ખાઈ ક્યારેક પ્રાણઘાતક નિવડી શકે છે.
ગયાં વર્ષે મુંબઈની ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ’ દ્વારા એક અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં ભારતમાં વધતાં જતાં જનરેશન ગેપ તરફ લાલબત્તી ધરવામાં આવી હતી. છ રાજ્યોના એકવનહજાર યુવાનો વચ્ચે આ પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા કરાયેલાં સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે પંદરથી ચોવીસ વરસની વય જૂથનાં ફક્ત સાત ટકા છોકરાંઓ અને ચાર ટકા છોકરીઓ પોતાનાં પિતા સાથે યુવાનીમાં પ્રવેશ વિશેનાં પ્રશ્નોની ચર્ચા કરતાં હતાં. માતા અને તેમના પુત્રો વચ્ચે પણ આટલું જ અંતર હતું. ફક્ત છ ટકા છોકરાઓ પોતાની ‘લાઈફ’ વિશે મમ્મી સાથે ચર્ચા કરતાં હતાં.
‘આ સર્વેમાં એક વિચક્ષણ વાત પણ જાણવા મળી કે સ્કૂલનું પરફોર્મન્સ, એક બિનસંવેદનશીલ ટોપિક હોવા છતાં મા-બાપ અને બાળકો વચ્ચેની વાતચીતનો સૌથી સામાન્ય વિષય હતો. તેમની વચ્ચે રોમાંસ કે સંબંધો જેવી લાગણીની બાબતો વિશે ભાગ્યે જ ચર્ચા થતી હતી’. સૌથી મહત્ત્વની નોંધ લેવા જેવી વાત એ છે કે, ‘મોટા ભાગના બાળકોએ પોતાને મમ્મી-પપ્પા સાથે વાત કરવાની ઇચ્છા ન થતી હોવાનું કબૂલ્યું હતું.’
પરિવારનું તૂટતું માળખું આ સમસ્યામાં ઉમેરો કરી રહ્યું છે. ગયા નવેમ્બરમાં એક ટીવી ચેનલે પોતાના રિયાલિટી શો ‘બિગ સ્વિચ’ માટે બાળક અને માં-બાપ વચ્ચેનાં ભાગલાનો વિષય પસંદ કર્યો ત્યારે તેનાં ક્રિયેટિવ ડાયરેક્ટરને આ સમસ્યાનાં મૂળ કેટલા ઊંડા ઉતરી ગયા છે એ જાણીને આશ્ચર્ય થયું હતું. ‘મોટા ભાગનાં કેસમાં પરિવારના સભ્યો વચ્ચે સંવાદનો સેતુ પૂરેપૂરો તૂટી ચૂક્યો હતો. એક કેસમાં તો પિતા અને પુત્ર પાંચ વરસથી બોલતા નહોતાં’.
આમ બાળપણમાં જે સંતાન માટે ‘જનનીની જોડ સખી નહિ જડે’ એવું ગવાતું અને મનાતું હોય તેના માટે માં ક્યારે પરાઈ વ્યક્તિ બની જાય એ ખબર પડતી નથી.
તો બીજી બાજુ આંધળી માંનાં કાગળ જેવો કાગળ લખવો પડે છે તે આજનાં સમયની કરુણતા છે.
આજે સંતાનોની સંખ્યા ઘટી પરિણામે સંતાનો એકલવાયાં બન્યાં અને સામે એક જ સંતાન હોવાથી માં બાપનું એના પર જ અવલંબન થવાં લાગ્યું. આ આજની વાસ્તવિકતા છે જેને બદલવી મુશ્કેલ છે પરંતુ જે સ્થિતિ છે તેમાં જો થોડો પ્રયત્ન કરીયે તો સુખદ પરિણામ જરૂર મેળવી શકાય.
માં બાપની તરીકે:
શક્ય હોય ત્યાં સુધી આપણી સનાતન ઋષિ પરંપરાને અનુસરી બાળકને પાંચ વર્ષ સુધી કોઈ અભ્યાસમાં દાખલ ન કરતાં આપણાં વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢી બાળકને પ્રેમ ,લાગણી અને હૂંફ આપવામાં ,તેની સાથે રમતો રમવાનો સમય કાઢવો ખૂબ જરૂરી છે.
બાળકોને શક્ય હોય ત્યાં સુધી મોબાઇલ અને ટીવી થી દૂર રાખવું તેને બદલે તેને
શેરી મહોલ્લામાં અન્ય બાળકો સાથે રમવા જવાં માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
જો સગવડતા હોય તો અમુક ઉંમર સુધી બાળકને પોતાની પાસે રાખીને ભણાવવું જોઈએ.
સંતાન મોટું થાય ત્યારે એની સરખામણી અન્ય બાળકો સાથે ન કરતાં તેની ત્રુટિઓને સ્વીકારી અને નાની નાની બાબતોમાં પ્રોત્સાહિત કરવું જોઈએ.
સાંજનું ભોજન બધાં સાથે લઈએ ત્યારે અભ્યાસ સિવાયની અન્ય રોચક વાતો કરવામાં આવે.
સંતાન પ્રત્યે એટલું તો ધ્યાન આપીએ જ કે, તેની પ્રવૃત્તિઓ વિશે આપણે માહિતગાર રહી શકીએ. સાથે એટલું વધુ પડતું ધ્યાન પણ ન આપીએ કે, જેનાથી તેનાં પર સતત અને સખત વોચ રખાતી હોવાનો તેને અહેસાસ થાય.
સંતાનની સમસ્યા માં બાપ તરીકે જ નહિ પણ એક સારા મિત્ર બનીને ઉકેલવાની કોશિશ કરવી જોઈએ.
સંતાન આધુનિકતાની વાતો અને વખાણ કરે ત્યારે એને ઉતારી પાડવાને બદલે તેનાં ફાયદા સાથે નુકશાન અને આપણી પરંપરાની વાત પણ સમજાવવાથી તે સારા ખરાબ વચ્ચેનો ભેદ પારખી શકશે.
સંતાનને એવો એહસાસ કરાવીએ કે, માં બાપ પરંપરા અને આધુનિકતા બંનેના ચાહક છે.
સંતાન તરીકે
સંતાનને એવો વિશ્વાસ હોવો જોઈએ કે, માં બાપ તેનાં હંમેશા હિતેચ્છુ જ હોય. કોઈપણ સંજોગોમાં તેનું ખરાબ ન જ ઈચ્છે.
માં બાપ સલાહ આપે તો તેની પાછળ તેનો પ્રેમ, લાગણી અને ચિંતા છે એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.
મુશ્કેલીનાં સમયમાં સમસ્યાની જાણ સૌ પ્રથમ માં બાપને કરવી જોઈએ ત્યાંથી સમાધાન ન થાય તો જ અન્ય પાસે અપેક્ષા રાખવી જોઈએ.
માં બાપની સીધી સાદી વાતોમાં રહેલાં ઊંડા ભાવને સન્માન આપવું જોઈએ.
જેમ બાળક પાસે પોતાનાં માં બાપ જુનવાણી લાગે છે તેમ એક દિવસ એ સંતાન પણ પોતાનાં આવનાર બાળકો પાસે એક સમયે જુનવાણી લાગી શકે છે. એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. “હું મારા માં બાપ સાથે જે કરું છું તેવું મારા પ્રત્યે મારાં બાળકો કરે તો મને કેવું ફીલ થાય એ ક્યારેય ન ભૂલવું જોઈએ.” આપણાં સમાજમાં વધતી જતી વૃદ્ધાશ્રમની સંખ્યા બદલાતાં જતાં સમાજ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
જે સંબંધ પરસ્પર અત્યંત પ્રેમાળ અને નિસ્વાર્થ હોવા છતાં આજે યુગમાં બદલતાં સમયનાં વહેણ સાથે માં બાપ અને સંતાનો વચ્ચે સંબંધો ક્યાંય ગૂંચવાતા કે ક્યાંક ગુંગળાતા જોવા મળે છે. સમસ્યાના કારણો અનેક છે સાથે સમાધાન પણ છે જ જરૂર છે થોડાં વિચાર સાથેનાં પ્રયત્નોની.
અસ્તુ
9825971363
amidoshi.com
Comments
Post a Comment