સાતપુડા ની ગિરિમાળાઓ, શૂળપાણેશ્વરનાં જંગલ અને માલ સામોટનું અદ્ભુત કુદરતી સૌદર્ય




ચોમાસું એટલે સાવ સામાન્ય જગ્યાને પણ અસામાન્ય અને નયનરમ્ય બનાવી દે તેવી અદ્ભુત ઋતુ.  ધરતીએ  જાણે હરિયાળી ચૂંદડી ઓઢી હોય અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું વાતાવરણ આ ઋતુમાં રચાય છે.  આ વર્ષે પણ  કુદરતની કૃપાથી ખૂબ સારો વરસાદ થયો અને રજાઓનો યોગ પણ. અમે પણ આવો જ સંયોગ થતાં નીકળી પડ્યાં નર્મદા જિલ્લાનાં પ્રવાસે.

સામાન્ય રીતે લોકોનાં મનમાં એવી છાપ છે કે, નર્મદા જિલ્લો એટલે કેવડીયા, એકતા નગર, સરદાર સરોવર ડેમ, નીલકંઠધામ  પોઇચા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેમાં આવેલાં વિવિધ જોવાલાયક સ્થળો. બસ આટલું જોવાઈ જાય એટલે વિશ્વની એક અજાયબી જોયાનો આનંદ થઈ જાય. અલબત્ત આ બધું ખૂબ સુંદર જ છે, અને અચૂક મુલાકાત લેવી જોઈએ તેવું છે આપણાં લોકલાડીલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી.

જેમ ગુજરાત રાજ્ય સોળસો કિલોમીટર જેટલો લાંબો દરિયાકાંઠો, વિવિધ પ્રકારનાં જંગલો અને કચ્છનાં રણ જેવી વિવિધતાં ધરાવે છે તેમ, નર્મદા જિલ્લાની કેવડીયા સિવાયની વિશિષ્ટતા એટલે સાતપુડાની ગિરિમાળાઓ, તેમાં આવેલ શૂળપાણેશ્વરનાં જંગલ, પાણીનાં ધોધ અને માલસામોટ જેવું હિલસ્ટેશન.

રાજ્યનાં પ્રથમ દસમાં જેની ગણનાં થાય છે તેવાં બે વોટરફોલ નર્મદા જિલ્લામાં આવેલાં છે તે ઝરવાણી અને નિનાઇ.
સાતપુડાની પશ્ચિમી ગિરિમાળાઓથી ઘેરાયેલ શૂળપાણેશ્વર જંગલ  નર્મદા નદીના દક્ષિણ તટ પર લગભગ 600 વર્ગ કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં ગરુડેશ્વર તાલુકામાં કેવડીયા કોલોની, સ્ટેચ્યુ અને શૂળપાણેશ્વર જંગલની ગોરા રેન્જમાં ઝરવાણી ધોધ આવેલો છે. જ્યારે ડેડીયાપાડામાં સગાઈ રેન્જમાં નિનાઈ ધોધ આવેલો છે.
  
રાજકોટથી  લગભગ 355 કિમી એટલે કે સાત કલાકે અમે રાજપીપળા પહોંચી ગયાં. મોટાભાગનો રસ્તો સારો હોવાથી બહુ વાંધો ન આવ્યો. બપોરનાં ભોજન બાદ થોડો આરામ કરી ઝરવાણી ધોધ પહોંચી ગયાં. ઝરવાણી પહોંચવાનો રસ્તો નવો જ  બનેલો હોવાથી જંગલની વચ્ચેથી ધોધ સુધી પહોંચવામાં ખૂબ સુંદર દ્રશ્યો જોવાં મળ્યાં. થોડાં ઘણાં પ્રવાસીઓ હતાં જે લગભગ પરત જવાની તૈયારીમાં હતાં.
અમે પાણીમાં ચાલતાં ચાલતાં ધોધની એકદમ નજીક પહોંચી ગયાં પ્રકૃતિની ગોદમાં, પરમ શાંતિ વચ્ચે વહેતા આ  ઝરણાંની અંદર નાહવાનો જે અનુભવ હતો તે મનને કોઈ અલગ અવસ્થામાં લઈ જનારો હતો. આ આનંદની અનુભૂતિ અનેરી હતી. કારણ કે આ જગ્યા માણસોની ભીડ અને કોલાહલ વગરની તેમજ જ્યાં અમારાં અને કુદરત સિવાય બીજું કોઈ નહોતું. જંગલ વિસ્તારમાંથી પાણી આવતું હોવાથી પ્રદૂષણની કોઈ શક્યતાં નોહતી. એકદમ શાંત છે  ત્યારે મનમાં અનુભૂતિ થાય કે શાંતિ એટલે કુદરત અને કુદરત એટલે શાંતિ.  ત્યાંથી ઝરવાણી ઇકો ટુરિઝમ સાઈટ પર ગયાં. એકદમ  ઊંચાઈ પરથી કુદરતનું  અલગ જ સ્વરૂપ જોવાં મળ્યું. અહીં પ્રવાસીઓને રોકાણ અર્થે વન વિભાગ દ્વારા કોટેજ બનાવવામાં આવ્યાં છે.

બીજા દિવસથી ડેડિયાપાડાનાં જંગલો તરફનો પ્રવાસ હતો. નર્મદા જિલ્લાનાં સાગબારા અને  ડેડીયાપાડા એટલે આમ તો સાવ છેવાડાનાં એટલે કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલાં તાલુકાઓ. ડેડીયાપાડામાં શૂળપાણેશ્વર જંગલની સગાઈ રેન્જ આવેલી છે. સગાઈ રેન્જમાં જંગલની મધ્યમાં, ઝરણાને કિનારે,  વન વિભાગનાં ઇકો ટુરિઝમ  કોટેઝીસ આવેલાં છે. જ્યાં રોકાવું તે પણ એક અલગ અનુભવ છે.

અહીંથી 35કિમી દૂર આવેલાં નિનાઈ ધોધ પહોંચ્યાં. 150 પગથિયાં ઊતરીએ એટલે વિશાળ ધોધ દેખાય. ઊંડું હોવાથી અહીં ધોધ નીચે નાહવાની મનાઈ છે પણ તેમાંથી વહેતાં પાણીમાં નાહી શકાય છે. કલાકો સુધી બેઠાં રહીએ અને નિહાળ્યાં કરીએ તેવું અદ્ભુત સ્થળ છે. બે ત્રણ કલાક ત્યાં પસાર કર્યાં બાદ  ટ્રેકિંગ કરી અને વ્યુ પોઇન્ટ પરથી જોયેલું નિનાઈ ધોધ અને તેની આસપાસનું સૌંદર્ય અદ્ભુત હતું.
માલસામોટ એટલે ગુજરાતનું હોવાં છતાં મોટાં ભાગનાં ગુજરાતીઓથી થોડુંક અજાણ્યું એવું પ્રકૃતિની ગોદમાં આવેલું અતિ સુંદર હિલસ્ટેશન. સાતપુડાની ગિરિમાળાઓમાં એકવીસો ફૂટની ઊંચાઈ પર માલ અને સામોટ નામનાં બે ગામ ટેબલ ટોપ પર વસેલાં છે. ત્યાં પહોંચતાં સુધીમાં એમ થઈ જાય કે અહીં રહેતાં લોકો કેટલાં નસીબદાર હશે જેમને તમામ પ્રકારનાં પ્રદૂષણરહિત સ્થળ પર કુદરત સાથે જીવવા મળે છે.

 નર્મદા જિલ્લો આદિવાસી લોકોની વસ્તી ધરાવતો  હોવાથી કાયદાકીય રીતે તેમની જમીન રક્ષિત રહે છે. જેથી ભૂમાફિયાઓ અહીં પહોંચી શક્યા નથી નહિતર આ વિસ્તાર પર વર્ષોથી કબ્જો જમાવી અને વિકાસનાં નામે પ્રકૃતિનું સત્યનાશ કરી નાખ્યું હોત. જોકે સરદાર સરોવર વિસ્તારમાં તો આ સ્થિતિ આવી જ ગઈ છે. જેમણે અગાઉનો નર્મદા જિલ્લો જોયો હશે તે લોકોને અચૂક આ વાતનો અહેસાસ થયાં વગર ન રહે.

 કોકમ (ચૂલિયા હનુમાન) હોય, માલ સમોટ હોય કે નિનાઈ, પહોંચવાનાં રસ્તાની બન્ને તરફ વહેતાં ઝરણાં,એકદમ છૂટા છવાયા વાંસના ઝૂંપડાઓ જેમાં મોટાભાગની પ્રાથમિક સુવિધાઓ સાથેનું પણ એકદમ કુદરતી જીવન, મકાઈ, ડાંગરનાં ખેતરો મુખ્યત્વે જોવા મળતાં હતાં. સાગનાં વિશાળ વૃક્ષો અને અન્ય ઔષધીય વનસ્પતિઓથી સમૃદ્ધ અહીંના જંગલ જોઈને ડાંગ,  રતનમહાલ અને સોનગઢનાં જંગલો યાદ આવી જાય.

છેલ્લાં દિવસે નેત્રંગ પાસે  કરજણ નદી પરનાં ધાણીખૂંટ ગામે આવેલાં રમપમ ધોધની મુલાકાત લીધી. આ વિશાળ ધોધ અને તેમાંથી ઊડતી પાણીની વાછન્ટ મને જબલપુર પાસે આવેલાં નર્મદા નદી પરનાં ધુવાંધાર ધોધની યાદ અપાવતી હતી. આ ધોધમાં પણ નાહી શકાય છે.
ધોધની સામે આવેલી વિશાળ શીલા પરથી જે દ્ર્શ્ય જોવાં મળતું હતું તે વારંવાર એમ કહેતું હતું કે, અહીથી જવું નથી પણ માંડલ લેક જોવાનું હોવાથી જવું પડે તેમ હતું. માંડલ તળાવ એટલે ગિરિમાળાઓ ની વચ્ચે આવેલું એવું વિશાળ સરોવર જેમાં છૂટાં છવાયાં ટાપુઓ આવેલાં હોય જ્યાં બોટ મારફત જઈ શકાય. અહીંના લોકો તેને મીની કાશ્મીર તરીકે પણ ઓળખે છે. અહીં બોટીંગની ખૂબ મજા માણી. સાંજે ઘર તરફ પાછા વળ્યાં ત્યારે આસપાસનાં અપ્રતિમ સૌંદર્યને આંખોમાં ભરી લીધું હતું જે હટવાનું નામ લેતું નહોતું.
નર્મદા જિલ્લામાં જઈએ અને માં નર્મદાનાં દર્શને ન જઈએ તે તો શક્ય જ નથી એટલે છેલ્લે દિવસે માં નર્મદાના  કિનારે ગયાં. કિનારે આવેલાં આશ્રમ ખૂબ સુંદર છે જ્યાંથી માં નર્મદાનાં વિશાળ તટ પર જઈ શકાય છે. અહીં આરામથી ફર્યાં નાસ્તો કર્યો અને માં નર્મદાની વિદાય લીધી.

પ્રવાસ જીવનને નાવિન્યથી ભરી દે છે, થોડાં સમયમાં ઘણું બધું શીખવી જાય છે પણ આજકાલ પ્રવાસ કરીએ છીએ ત્યાં એટલી બધી ગંદકી( કંઇપણ ખાઈને પ્લાસ્ટિકના પેકેટ ફેકવા ગમે તે કચરો નાખવો)  લોકો કરે છે કે, એમ થાય કે, આ પ્રદુષણનો ઉપાય શું?? સેલ્ફ અવરનેસ વિના બધું નકામું છે. કચરા ટોપલી હોવાં છતાં ગમે ત્યાં કચરો ફેંકવાની આદત ધરાવતાં લોકો ખરેખર ફરવાને લાયક જ નથી..

ચાલો, ફરી ક્યારેક નવાં પ્રવાસ સાથે ફરી મળીશું.

નોંધ: ઉપરોક્ત પ્રવાસ માત્ર ચોમાસામાં અને ખૂબ સારું વાતાવરણ હોય તો જ આનંદદાયક રહેશે.

.

Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1