વૃક્ષો વાવો, જીવન બચાવો....
Happy plantation Day....
આખરે એ દિવસ આવી ગયો જેની એક વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.
ઘણાં રવિવાર ગયાં, બીજરોપણ માટેનું આયોજન પણ કર્યું પણ વરસાદની અનિશ્ચિતતાને કારણે શક્ય બનતું નહોતું.
આજે સવારે સહસર્જનનાં બધા મિત્રો જામનગર રોડ ઉપર આવેલાં, ખુલ્લાં વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે બીજારોપણ કરવા માટે નીકળી પડ્યાં.
ગોપાલભાઈ, પ્રવીણભાઈ, દુષ્યંતભાઈ, જયદેવભાઈ, નિલેશભાઈ, સ્નેહા તમામનાં પરિવારજનો અને ત્રીસ જેટલાં મિત્રો સાથે સીતાફળ, રાવણા જાંબુનાં બીજ વાવવાનો ખરેખર અનેરો આનંદ આવ્યો. બાવળની કુદરતી ઝાડીની વચ્ચે ચોક્કસ પ્રકારનાં સાધનની મદદથી ઉભા ઉભા કોઈપણ ઉંમરના વ્યક્તિ બીજારોપણ કરી શકે તેવું સાધન અમારા મિત્રો દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
જે હવે શહેરનાં અનેક લોકો સુધી પહોંચી પણ ગયું છે. આ સાધન એટલું સરળ છે કે આગળ ભાલા જેવો ત્રિકોણાકાર જેનાં દ્વારા આપણે જમીનમાં એક ખાડો પાડી અને નેવું અંશના ખૂણે પાઇપને ઉંચો કરવાથી જમીન ઊંચી થાય છે અને પોલા પાઇપ દ્વારા બીજ નાખવાથી તે પાઇપ મારફતે ખાડામાં પહોંચી જાય છે અને ફરી ફળને નીચું કરતાં બીજ જમીનમાં દટાઈ જાય છે અને બાવળનાં ઝાડના મૂળની જમીનમાં રહેલ ભેજ મારફત બીજ અંકુરિત થઈ જાય. થોડો થોડો વરસાદ પડે અને કુદરતી રક્ષણ વચ્ચે ધીમે ધીમે ઉગી જાય.
પછી તો એ વાત છે ને કે, 'હવે તો વાદળાં જાણે અને વસુંધરા'. પર્યાવરણ પ્રત્યેનું આપણે આપણું કર્તવ્ય નિભાવીએ બાકીનું બધું કુદરત સંભાળી લેશે.
અમારાં ગ્રુપની વિશિષ્ટ વાત એ છે કે, તેમાં ત્રણ વર્ષની ઉંમરના બાળકથી માંડી અને 70વર્ષની ઉંમરના દાદા પણ છે.
જેમનાથી જેટલું થાય તેટલું કાર્ય કરે કોઈ પ્રોત્સાહન આપે, કોઈ બીજની વ્યવસ્થા કરે, કોઈ સાધનો લઈને આવે, કોઈ નાસ્તાની વ્યવસ્થા કરે. બાળકો આ બધું જોવે તો પણ તેમનાં બાળમાનસમાં આ ઘટનાઓ કોતરાઈ જાય ક્યારેક ભવિષ્યમાં વિચારોનું આ બીજ વટ વૃક્ષ પણ બને.
અમારાં ફ્રેન્ડ , ફિલોસોફર અને ગાઈડ એવાં પ્રફુલભાઇની પરમ વાટિકા એટલે નામ તેવાં ગુણ. પરમ સમીપે બેઠાં હોઈએ તેવો અનુભવ થાય. પ્રફુલભાઈની મહેમનગતિ એટલે કંઇ કહેવું જ ન પડે. કુદરતનાં સામિપ્યમાં દોસ્તો સાથે દોસ્તીનાં દિવસે ગાળેલી પળો જીવનને ઝંકૃત કરી નાખે તેવી હતી.
Comments
Post a Comment