પ્રાણમય કોશ: ઉતમ મનુષ્ય નિર્માણ
પ્રાણમય કોશ
ગત અંકમાં આપણે અન્નમય કોશ વિશે સમજ્યાં. અન્નમય કોશ પછીનું સ્તર છે પ્રાણમય કોશ.
જે પોતાની જ શક્તિથી વધે છે અને ઘટે છે તે માટે કોઈ બાહ્ય માધ્યમની આવશ્યકતા હોતી નથી તેને પ્રાણ કહે છે.
પ્રાણ એટલે કે જીવનશક્તિ. તેમાંથી જ અન્નમય કોશનું નિર્માણ થાય છે અને શરીરનાં તમામ કોષમાં એક સમાન અને સુસંગત રીતે પ્રાણનો પ્રવાહ પ્રાપ્ત થાય છે ત્યારે કોષ જીવંત અને સ્વસ્થ રહે છે. શરીર (અન્નમય કોષ)નાં જુદા જુદા ભાગોમાં જરૂરિયાત અનુસાર ફરવાની શક્તિ પ્રાણ ધરાવે છે.
પ્રાણમય કોશ એ ભૌતિક શરીર અને માનસિક શરીર વચ્ચેનો બંધ છે.જીવનની શરૂઆત શ્વાસથી થાય છે અને મૃત્યુ પણ છેલ્લા શ્વાસ સાથે આવે છે. પ્રાણ વિના જીવન શક્ય નથી. પ્રાણ એ શક્તિનું સંચરણ છે. શરીરની અંદર રહેલી આંતરિક શક્તિ, વાયુ, ફોર્સ એટલે પ્રાણમય કોશ.
પ્રાણ શક્તિ જીવન માટે ખૂબ જરૂરી એવાં સાહસની દ્યોતક છે.
મનુષ્ય હોય, વનસ્પતિ હોય કે પશુ-પક્ષી, દરેક પોતાની કુલ પ્રાણશક્તિનાં 40ટકાનો જ ઉપયોગ કરતાં હોય છે બાકી 60 ટકા રિઝર્વ રાખતાં હોય છે.જ્યારે જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે છે ત્યારે આ પ્રાણશક્તિ બહાર આવે છે. બસ્સો વર્ષથી વધુ જીવતો કાચબો, સુષુપ્ત અવસ્થામાં ચાલ્યાં જતાં પ્રાણીઓ, વનસ્પતિઓ આ બાબતનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મતલબ કે, કટોકટીના સમયે બાળપણથી ખરેખર જે અંદર પડેલું છે તે બહાર આવે છે. જે સાચી માનસિક તાકાત છે. મનુષ્યની અંદર જે પડેલું છે તેને બહાર કાઢવું તે સાચું શિક્ષણ છે. જેના માટે education મતલબ to draw out ઍટલે કે જે અંદર છે તેને બહાર લાવવું.
જીવનમાં જ્યારે કટોકટીની પળ આવે છે ત્યારે વ્યક્તિ પાસે બે વિકલ્પ હોય છે. flight or fight , ભાગી છૂટવું કે લડત આપવી. આ બન્નેમાંથી વ્યક્તિ પોતાનું ઘડતર કેવાં વાતાવરણમાં અને કઇ રીતે થયું છે તેના આધારે તે વિકલ્પ પસંદ કરશે.
આપણે જાણીએ છીએ કે એક જ પ્રકારનાં બીજનાં વૃક્ષ બહારનાં વિસ્તારમાં અને જંગલમાં વાવ્યાં હોય ત્યારે બહારનાં વિસ્તારમાં ઊગેલું વૃક્ષ એક ચોક્કસ ઊંચાઈ પછી અટકી જશે. જ્યારે, જંગલનાં વૃક્ષને આસપાસ રહેલાં ગીચ વૃક્ષોનાં કારણે જ્યાં સુધી સૂર્યપ્રકાશ ન મળે ત્યાં સુધી સંઘર્ષ કરી અને ઉપર જવું પડે છે. જે પણ પ્રાણશક્તિનું ઉતમ ઉદાહરણ છે.
ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે, જીવનમાં જે સંઘર્ષ છે તે રિઝર્વ શકિતને બહાર લાવવા માટે છે.
ઘણી ફિલ્મોમાં આપણે જોઈએ છે કે, અચાનક કોઈ તકલીફ આવી પડે તો વ્હીલચેરમાં બેસેલી વ્યક્તિ પણ ઊભી થઈ જાય છે આવું વાસ્તવિક જીવનમાં પણ બને છે. જે અંદર પડેલી પ્રાણ શક્તિ છે. બાકીનાં સમયમાં માંડ માંડ ચાલતાં હોઈએ પણ કૂતરો પાછળ પડે ત્યારે કલ્પના બહારની સ્પીડમાં દોડી શકીએ છીએ તેનું કારણ પ્રાણશક્તિ છે.
બાળકમાં પ્રાણમય કોશનો મુખ્ય વિકાસ 6 થી 10 વર્ષની વયમાં થતો હોય છે.
આપણી મૂળભૂત ગુરુકુળ શિક્ષણ પદ્ધતિમાં બાળકે બધું કામ જાતે કરવાનું છે કારણ તેણે સ્વાવલંબી થવાનું છે. આજનાં યુગનાં માં બાપ અને કદાચ સમાજનાં મોટાભાગનાં લોકો અને આપણી શિક્ષણ પદ્ધતિમાં એમ માને છે કે, "બાળક પાસે કામ ન કરાવાય" પણ હકીકત એ છે કે, બાળક જેટલું સ્વાવલંબી બને તેટલી તેનામાં પ્રાણશક્તિ ખીલે છે.
જ્યારે તેનાં જીવનમાં, "આ કામ થશે પછી જ આ મળશે તેવી ચેલેન્જ /તકલીફ આવે છે ત્યારે કલ્પના બહાર નું કામ કરી શકે છે.". આ પ્રાણશક્તિ જીવવાનું બળ આપે છે. શારીરિક અને માનસિક તાકાત આપે છે.
જીવનમાં પડી જવાથી હાર નથી થતી પણ પડ્યાં પછી ઊભા નથી થતાં ત્યારે હાર થાય છે. બાળકને એવી શિક્ષા આપવામાં આવે કે, જેનાથી તેની પ્રાણશક્તિ એકદમ સુદ્રઢ થાય અને જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી શકે.
આજનું શિક્ષણ ભૌતિક દૃષ્ટિએ ગમે તેવી ઉચ્ચ કક્ષાએ લઇ જતું હશે પણ ઘણાં બાળકો/યુવાનો હતાશા સામે ટકી શકતાં નથી અને આત્મહત્યા કરવા પ્રેરાય છે. આપણે જોયું છે કે, રામાયણ અને મહાભારતના પાત્રોને અસહ્ય મુશ્કેલી પડી હોય તો પણ આત્મહત્યા કરી નથી
જીવનનાં કોઇપણ ક્ષેત્રમાં ઈચ્છિત પરિણામ નથી મળતું ત્યારે નિરાશા અને હતાશા ઘેરી વળે છે તેના સામનો એવી જ વ્યક્તિ કરી શકે છે જેની પ્રાણશક્તિ મજબૂત હોય. બાળપણમાં જ પ્રાણશક્તિ વધે તે માટે બાળકને સંઘર્ષ વાળી પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ કરીએ છીએ ત્યારે તે આગળ જતાં જીવનમાં આવતી વિવિધ પ્રકારની આંધી સામે ટકી રહેવાં સક્ષમ બને છે.
6 થી 10 વર્ષના બાળકમાં પ્રાણ શક્તિનાં વિકાસ માટે ,
1) તેની દિનચર્યા નિયમિત બનાવવામાં આવે.
2) આહાર વિહારનું શાસ્ત્રોક્ત નિયમ મુજબ પાલન કરવામાં આવે.
3) દરેક કામ જાતે કરવાની ટેવ પાડવામાં આવે.
4) ખેલ કૂદ, વ્યાયામ , યોગાભ્યાસ અને ધ્યાનને દિનચર્યામાં અનુશાસન સાથે સામેલ કરવામાં આવે.
5) વડીલો/શિક્ષકોની હાજરીમાં નાનાં નાનાં સાહસો કરાવવામાં આવે.
6 ) રમત ગમતમાં થતી હરીફાઈ અને ચેલેંજને કારણે પ્રાણશક્તિ ખીલે છે.
આયુર્વેદ અને ચિકિત્સાની દ્વષ્ટિએ જોઈએ તો, પ્રાણ શક્તિ શરીરના જે જે ભાગમાં કોઈ ચોક્કસ કાર્ય કરવાં માટે જાય છે ત્યારે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એમ અલગ અલગ નામ તરીકે ઓળખાય છે અને તેમાં કોઈપણ અવ્યવસ્થા સર્જાય છે ત્યારે તે મુજબ ચિકિત્સા કરવામાં આવે છે.
હઠયોગ, નાડી શોધન, યોગાભ્યાસ, પથ્યા પથ્ય મુજબ આહાર વિહાર અને નિયમિત જીવનશૈલી પ્રાણમય કોશને દરેક ઉંમરમાં સ્વસ્થ રાખે છે.
આમ, પ્રાણમય કોશ એ આપણાં જીવનરૂપી વૃક્ષનાં મૂળ તરીકે કાર્ય કરે છે. જો આ મૂળિયાં મજબૂત હોય તો જીવનરૂપી વૃક્ષ સંસારનાં તમામ પ્રકારનાં ઝંઝાવાતો સામે અડીખમ ઉભું રહી શકે છે.
આવતાં અંકમાં મનોમય કોશ વિશે સમજીશું..
અસ્તુ
અમી દોશી
9825971363
ખૂબ જ માહિતી સભર અને આધુનિક જીવન માટે અર્થપૂર્ણ લેખ.👍👍👍
ReplyDeleteજી આભાર
Delete