માનવ જીવનનાં સર્વાંગી વિકાસનું રહસ્ય: પંચકોશ વિકાસ
માનવજીવનનાં વિકાસનું રહસ્ય: પંચકોશ વિકાસ
અન્નમય કોશ
માનવજીવનનું અસ્તિત્વ પૃથ્વી પર શરૂ થયું ત્યારથી સતત જીવનનાં ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યો છે જેમાં નવી નવી શોધથી શરૂ કરી અને સાહસોનો સમાવેશ થાય છે. સારું લાંબુ અને ઉતમ જીવન જીવવા માટેની શોધ નિરંતર ચાલું જ રહે છે.
આ ઉત્થાન માટે ઉતમ શરીર અને મનનું સ્વાસ્થ્ય સૌથી વધુ મહત્વનાં છે. શરીર, પ્રાણ, મન, આત્મા, બુધ્ધિનો સમન્વય એટલે અસ્તિત્વ. આ બધાં તત્વો મળીને જ જીવન બને છે. આ તત્વોનું ધ્યાન રાખવામાં આવે એટલે મનુષ્ય જીવનની ઉત્તમ સ્થિતિ રચાય છે.
આપણું શરીર એ કુદરતની અદ્ભુત ભેટ છે. જેની શારીરિક અને માનસિક બન્ને રીતે યોગ્ય સાર સંભાળ રાખવી તે આપણી જવાબદારી છે.
માનવ અસ્તિત્વના પાંચ આવરણો/પડ છે. કોશને અહીં આવરણ /પડ ના અર્થમાં સમજવાનું છે.
એક સમજણ માટે જોઈએ તો આ પાંચ આવરણ એટલે કે પડ છે જે એક પછી એક ખૂલતાં જાય અને સાચા અસ્તિત્વનો પરિચય થતો જાય છે.
જેમ જેમ આ આવરણો પ્રત્યેની જાગૃતિ વધતી જાય તેમ તેમ સાચી સમજ આવતી જાય છે.
1.અન્નમય કોશ સૌથી બાહ્ય આવરણ
2.પ્રાણમય કોશ
3.મનોમય કોશ
4.વિજ્ઞાનમય કોશ
5.આનંદમય કોશ સૌથી અંદરનું આવરણ
પંચકોશ વિકાસથી વ્યક્તિનો બૌદ્ધિક, શારીરિક, વૈચારિક, માનસિક, અને આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ થાય છે.
યોગ ઉપનિષદ પરંપરામાં પંચકોશનો વિચાર તૈતરીય ઉપનિષદમાં આપવામાં આવ્યો છે. જેમાં શિક્ષાવલ્લીમાં શિક્ષા કેવી હોવી જોઈએ, તેનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવ્યું છે. પિતા વારુણી અને પુત્ર ભૃગુ વચ્ચેનાં વાર્તાલાપ સ્વરૂપે વર્ણન છે. આ મુજબ માણસની પ્રકૃતિ સ્વભાવ વ્યક્તિત્વનું ઘડતર પંચકોશથી થાય છે.
ઉપનિષદમાં શિષ્ય પ્રશ્ન કરે છે કે, શરીર શું છે કઇ રીતે ચાલે છે. જેનાં જવાબથી પંચકોશની ધીમે ધીમે સમજ મળે છે. પંચકોશનો વિકાસ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક છે.
દરેક કોશ ઉપર એક વિજ્ઞાન છે, દર્શન શાસ્ત્ર છે. દરેક કોશના નામમાં “મય” શબ્દ છે. એટલે એનાથી બનેલું એમ કહેવાય છે. અન્નમય કોશ મજબૂત રાખવા માટે વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અનુસાર યોગ્ય ખોરાક લેવો જોઈએ અને અપથ્યનો ત્યાગ કરવો જોઈએ.
1) અન્નમય કોષ એટલે physical body.
શરીર છે જે ભૌતિક છે. જીવન શરીરથી શરૂ થાય છે. કોઈપણ વ્યક્તિ/વસ્તુનું (સજીવ હોય કે નિર્જીવ) શરીર (ભૌતિક માળખું) હોય છે. જે તેની બાહ્ય ઓળખ છે. આપણાં શરીરનું આ માળખું એટલે કે, ભૌતિક સ્વરૂપ અન્નમય કોષથી ઓળખાય છે.
બ્રહ્માંડ પંચ મહાભૂતોનું બનેલું છે.
પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ આકાશ તેવી જ રીતે મનુષ્યનું શરીર પણ પંચ મહાભૂતોનું બનેલું છે. એટલે કે, મૃત્યુ બાદ પાંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનું છે.
અન્નમય કોષનો એક અર્થ એ પણ છે કે, પૃથ્વી તત્વ એટલે કે અન્ન માંથી નિર્માણ થાય છે અને અંતે પૃથ્વીમાં વિલીન થઈ જવાનુંછે.જે બાહ્ય બ્રહ્માંડનો સર્વ સામાન્ય સિદ્ધાંત છે.
આપણે અન્નાહારી છીએ. (માત્ર શાકાહારી એટલે કે શાક પર આધારિત નથી.) અન્ન શરીરનું ઘડતર અને પોષણ કરે છે. શરીરની ઉપેક્ષા ન કરી શકાય. શરીરને ટકાવવા માટે અન્નની ખૂબ જરૂરિયાત છે. તેના વિકાસ માટે સાત્વિક ભોજન રમતગમત અને શારીરિક પરિશ્રમ જરૂરી છે આધુનિક વિજ્ઞાન અનુસાર તત્વો એટલે એલિમેન્ટ્સ અણુ, પરમાણુ, પ્રોટોન, ન્યુટ્રોન ઇલેક્ટ્રોન જે ઊર્જાના કારકો છે. જેનું ચોક્કસ રીતે સંકલન થઈ અને રસાયણો બને છે રસાયણોના સંયોજનથી આપણું શરીર રચાય છે જેમાં કોષ, પેશી, અંગો આવેલાં છે. આ અંગોનું નિયમન હોર્મોન્સ વડે થાય છે જે દરેક કોષમાં હલનચલન અને કાર્યશક્તિ લાવે છે.
અન્નમયકોષ મનુષ્ય જીવનનાં પહેલાં પાંચ વર્ષમાં સૌથી વધુ મજબૂત થાય છે. આ કોષનો સૌથી મહત્વનો વિકાસ બાલ્ય કાળ એટલે કે, બાળકનાં જન્મથી પાંચ વર્ષ સુધીમાં થાય છે.
આચાર્ય ચાણક્ય એ કહ્યું છે કે,
लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताडयेत्। प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रवदाचरेत्॥
અર્થાત્
પુત્ર (બાળક)નું પાંચ વર્ષ સુધી લાલન પાલન કરવું જોઈએ. દસ વર્ષ સુધી તેની ભૂલ હોય ત્યાં ગુસ્સો કરી શકાય. સોળ વર્ષ પછી તેની સાથે મિત્ર સમાન વ્યવહાર કરવો જોઈએ.
જન્મથી પાંચ વર્ષના બાળકને કોઈપણ વસ્તુ આપીએ તેને તે મોઢામાં જ નાખે છે. તેનાં માટે તે ભૂખ્યું હોય તેવું જરુરી નથી પણ ત્યારે સંપૂર્ણ શરીરનો વિકાસ થઈ રહ્યો હોય છે.
અન્નમયકોશનો સર્વોચ્ચવિકાસ 0 થી 5 વર્ષની આયુમાં થાય છે. જન્મથી પાંચ વર્ષ સુધી જે વિકાસ થાય છે તે જીવનનો પાયો છે. આ સમયે બાળક વારંવાર ભોજન, પાણી માંગે છે વારંવાર હાજતે જાય છે. એટલે જ પાંચ વર્ષ સુધી બાળકને માં પાસે જ રાખવું જોઈએ અને ત્યારે બાળકને માંની જ સૌથી વધુ જરૂર હોય છે. 5 વર્ષથી નાના બાળક માટે કોઈ નિયમ લાગુ પડતાં નથી. માતા એ તેનું 5 વર્ષ સુધી શાળા/ગુરુકુળ છે. તેમ ઉપનિષદ મુજબ ગુરુકુળ શિક્ષા કહે છે.
હાલની આપણી જીવનશૈલી મુજબ ઘણી માતાઓ બાળકને અન્યનાં આશ્રયે છોડી અને કામ પર જતી હોય છે. માતાની ખોટ કોઈપણ અન્ય વ્યક્તિ પૂરી શકતી નથી. અત્યારે ન્યુક્લિયર ફેમિલીમાં અન્યનાં આશ્રયે મોટાં થતાં બાળકો અનેક પ્રકારની માનસિક તકલીફોથી પીડાતાં હોય છે. ઘણાં સંશોધનો મુજબ બાળકને એકલતાની પીડાને કારણે ટાઇપ 2 ડાયાબિટીસ અને તે સિવાય અન્ય અનેક માસિક બીમારીઓ થાય છે જે તેના સમગ્ર જીવન પર બહુ ઊંડી અસર કરે છે.
આ સમયે બાળકના આહાર, વિહાર અને નિદ્રાનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે.
નહિતર તે જીવનભર હેરાન થાય છે.
વ્યક્તિ જીવનપર્યંત સંતુલિત આહાર, શરીરને શિથિલ કરતાં વ્યાયામ અને યોગાસનો કરે તો તે અન્નમય કોષના સ્તરે કાર્ય કરે છે અને માંદગીઓનાં લક્ષણોને દૂર કરે છે.
ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી ચોક્કસ આસન અને ચોક્કસ મુદ્રામાં બેસી શકતાં તેના માટે શારીરિક સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે. યોગ આસન ધ્યાન મુદ્રા વગેરેની મદદથી શારીરિક સ્વાસ્થ્ય અને ક્ષમતા વધારી શકાય છે.
હઠીયોગની યોગીક ક્રિયાઓ શરીરના આંતરિક અંગોની સ્વચ્છતા કે શુદ્ધિ માટે કરવામાં આવે છે જેનાથી
1) અંગો સક્રિય અને પુનઃ ઉર્જા યુક્ત બને છે.
2) ઊંડી આંતરિક ચેતનાનો વિકાસ થાય છે.
પથ્ય અપથ્યના વિવેક સાથે જલનેતી, કપાલભાતિ, વમન વગેરે નિરંતર કરવાથી અન્નમયકોષ સ્વસ્થ રહે છે. જેને કારણે દીર્ઘાયુ અને નિરોગી જીવન પ્રાપ્ત થાય છે.
પ્રાણમય કોશ આવતાં અંકમાં
Ami Doshi
9825971363
Comments
Post a Comment