મિસિસ ચેટર્જી vs નોર્વે

ફિલ્મીસ્તાન

મિસિસ ચેટર્જી vs નોર્વે 

@  અમી દોશી



પોતાના બાળકો માટે નોર્વે સરકાર સામે લડનાર સત્ય ઘટના પર આધારિત માતૃપ્રેમની કથા એટલે મિસિસ ચેટર્જી vs નોર્વે 

દેબિકા (બંગાળી) ચેટર્જી અનિરુધ્ધ ચેટર્જી સાથે લગ્ન કરી ભારતથી નોર્વે આવે છે.  નોર્વેમાં પુત્ર શુભ અને ત્યારબાદ પુત્રી સૂચિના જન્મ બાદ પોતાનાં બાળકો, પતિ અને ઘરસંસાર માં ખૂબ ખુશ અને મશગુલ બંગાળી ગૃહિણી દેબિકાનાં જીવનમાં ઝંઝાવાત સર્જાય છે જ્યારે, " માં તેના બાળકોનાં ઉછેર યોગ્ય રીતે નથી કરતી" તેમ કહી અને નોર્વે સરકાર બાળ સુરક્ષા કાયદાનાં ઓઠા હેઠળ બન્ને બાળકોને તેની માં પાસેથી રીતસર અપહૃત કરી અને સરકારની કસ્ટડીમાં લઈ જાય છે.

 અહીંથી શરૂ થાય છે પોતાનાં બાળકો માટે ટળવળતી, કોઈપણ પ્રકારનું જોખમ ખેડતાં ન અચકાતી અને દુનિયા સાથે છેક સુધી લડી લેતી માંની સંઘર્ષ કથા.

રાની મુખર્જી, અનીરબન ભટ્ટાચાર્ય અભિનીત અશિમા છીબ્બર દિગ્દર્શિત સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં રાની મુખર્જીએ ફરીથી એકવાર સાબિત કરી દીધું છે કે આખી ફિલ્મને પોતાના ખભે આબાદ ઉપાડી શકે છે. એક સામાન્ય ગૃહિણી જ્યારે પોતાનાં બાળકોની વાત આવે છે ત્યારે ગમે તેની સામે લડવા, કોઈપણ હદ સુધી જવા અને પોતાનાં બાળકોને મેળવી ન લે ત્યાં સુધી ઝંપી ન શકે તેવી ઝનૂની માં બની જાય છે.
નીના ગુપ્તાનું પાત્ર પણ ખૂબ અસરકારક છે.

2 કલાક અને 13 મિનિટની આ ફિલ્મ તેના અંત સુધી પ્રેક્ષકને જકડી રાખવામાં સફળ સાબિત થાય છે. નોર્વેના કોર્ટ રૂમ સીન કથાને ક્યારેક માં તરફી તો ક્યારેક નોર્વે સરકાર તરફી લઈ જાય છે. બાળ સુરક્ષા કાનૂન પાછળ ભ્રષ્ટાચાર અને ષડયંત્રની ગંદી ચાલ જોવા મળે છે. પણ ફિલ્મના અંતિમ ભાગમાં જોવા મળતો કોર્ટરૂમ ડ્રામા માં કાયદા પર ન્યાયનું પલડું ભારે પડે છે અને લાગણીથી ભરપૂર દૃશ્યો સર્જાય છે જ્યારે બે વર્ષ બાદ માં અને બાળકોનું સુખદ મિલન કોર્ટની હાજરીમાં થાય છે.

બંગાળી કુટુંબ અને નોર્વે જેવો દેશ હોવાથી વચ્ચે વચ્ચે બંગાળી અને અંગ્રેજી નોર્વે ભાષાનો ઉપયોગ થયો છે જે ફિલ્મની વાર્તા માટે જરૂરી અંગ પણ છે છતાં પ્રેક્ષકોને ભાષાનો અવરોધ નડતો નથી. ફિલ્મમાં  ત્રણ ગીત છે જેમાં માં નો બાળકો પ્રત્યેનો પ્રેમ છલકતો જોવા મળે છે.
પ્રેમ, ગુસ્સો, ટેન્શન, ફરસ્ટ્રેશન, ક્યુરિયોસિટીનાં વાવાઝોડાં વચ્ચે આમતેમ થતી માંના રોલમાં રાની મુખર્જી તમામ ઇમોશન્સની અભિવ્યક્તિમાં બાજી મારી જાય છે.

ફિલ્મના અંતમાં રિયલ લાઇફમાં જેનાં જીવનમાં આ ઘટના બની છે તે સાગરિકા ચક્રવર્તીને જોઈને તેનાં માતૃપ્રેમ ને આપોઆપ સલામ થઈ જાય છે. સાગરિકાની જીત પાછળ lady of Indian culture સુષ્મા સ્વરાજ અને બ્રિંદા કરાતનો મોટો ફાળો છે.

મારી દ્રષ્ટિએ માણવા જેવી ફિલ્મ.(સિનેમાઘર અને નેટફલિક્સ પર જોવાં મળી શકે છે.)


Comments

Popular posts from this blog

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)