અરુણાચલ પ્રદેશ ભાગ 6 (અંતિમ ભાગ)
અરુણાચલ પ્રદેશ ભાગ 6 (અંતિમ ભાગ)
દીરાંગ થી થેમ્બાંગ થઈ સાંજે 6 આસપાસ રૂપા વેલી પહોંચ્યા. સવારે ટેંગા નદી અને નાગ મંદિર જોવાના હતાં.
રૂપા અને ટેંગા બન્ને આર્મીના ખૂબ મોટા સ્ટેશન અને અત્યંત સુંદર વેલી વિલેજ છે. રૂપા જંક્શન પર આવેલું ગામ છે. અસામથી ભાલુકપોંગ થઈ અને રૂપા આવી શકાય, ભૈરવકુંડથી શેરગાંવ અને પછી રૂપા આવે અહીથી તવાંગ તરફનો રસ્તો એક થઈ જાય છે. અમે જ્યાં રોકાયેલાં ત્યાંથી ગામ અને વેલીનો ખૂબ સુંદર વ્યુ જોવાં મળતો હતો. ભૂરું સ્વચ્છ આકાશ અને ક્યારેક વચ્ચે તરતાં વાદળાં નીચે ગામ આજુબાજુ હરિયાળાં પર્વતો એક કવિની કલ્પના જેવું જ આહ્લાદક વાતાવરણ.
ટેંગા નદીને કિનારે આવેલાં ટેંગા ગામમાં ઝૂલતાં પુલ પર થઈ સામે પાર એક નાના ગામમાં ફરવાની બહુ મજા આવી.
અહીં આવેલાં નાગ મંદિરમાં લોકોની આસ્થા ખૂબ જ છે. શેરગાંવ અહીથી માત્ર 25 કિમી છે. બીજે દિવસનું રોકાણ શેરગાંવમાં હતું.
અહીં આવેલાં એક ગોમ્પા, ધોધ, એપલ ઓર્ચાડ અને હેચરીની મુલાકાત લીધી. જે લોકો સપ્ટેમ્બરમાં આવે તેમને ચારે બાજુ આવેલાં સફરજનના વૃક્ષો પરથી તોડીને ખાવાની મજા આવે. અત્યારે અહીં રહોડોડેન્ડ્રોન ફેસ્ટિવલ ચાલુ હતો.
મુખ્યત્વે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવાં મળતું આ વૃક્ષ એશિયામાં ખાસ કરીને હિમાલયના પ્રદેશમાં જોવાં મળે છે. નેપાળનું રાષ્ટ્રીય ફૂલ અને ભારતનાં સિક્કિમ અને ઉત્તરાખંડનું સ્ટેટ ટ્રી તરીકે ઓળખાતું રહોડોડેન્ડ્રોન ખૂબ જ સુંદર ફૂલ છે જેને કારણે વેલી એકદમ કલરફૂલ લાગે છે.
વળતાં ભૈરવકુંડ જવાનું હતું એટલે વહેલી સવારે નીકળી ગયાં.
રસ્તામાં કુદરતની વધુ એક લોટરી લાગી ધુમ્મસની. ઘણાં વર્ષો પછી ધુમ્મસને માણવાનો તેમાં ચાલવાનો મોકો મળ્યો મન તૃપ્ત થઈ ગયું.
ભારત નેપાળ બોર્ડર પર આવેલાં ભૈરવકુંડમાંથી વહેતી ભૈરવ નદીને કિનારે થોડો સમય પસાર કર્યો અને ગૌહાટી જવાં નીકળ્યાં.
રાત્રે 8 આસપાસ ગૌહાટી પહોંચ્યા. વહેલી સવારે 6 વાગ્યાની રાજકોટની ફ્લાઇટ હોવાથી સવારે 4 વાગ્યે એરપોર્ટ પહોંચી ગયાં. વાચકોનું ખાસ ધ્યાન દોરતાં જણાવવાનું કે, ગૌહાટીથી વહેલી સવારે નીકળતી ફલાઇટમાં જમણી તરફની સીટ લીધી હોય તો દિલ્હી તરફ જતી ફલાઇટમાંથી લગભગ એક કલાક અને મુંબઈ જતી ફ્લાઇટમાંથી લગભગ અડધી કલાક સુધી હિમાલય દર્શન થાય છે.
અનાયાસે મળેલો આ લ્હાવો અકલ્પનીય અને અદ્ભુત હતો જે આખી ટ્રીપની ક્રીમ ઓફ ધ કેક કહી શકાય.
છ કલાકમાં તો રાજકોટ ઘરે પહોંચી ગયાં પણ મન હજુ હિમાલયની ગિરિમાળાઓમાં ભટકતું હતું.
અરુણાચલની તવાંગ સર્કિટનો પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓ માટે આઇટીનરી મૂકું છું જે કદાચ મદદરૂપ થઈ શકે.
* ઘરેથી ગૌહાટી
* ગૌહાટીથી બોમડીલા/દીરાંગ વાયા
ભૈરવકુંડ, શેરગાંવ
* દીરાંગ (મંડલા ટોપ, લુબ્રાંગ )
* સાંગતિ વેલી
*તવાંગ ( વાયા સેલા ટોપ, જશવંત ગઢ
જંગ ફોલ)
* તવાંગ (બુમલા રૂટ)
* તવાંગ સિટી ટૂર
* તવાંગથી દીરાંગ
* દીરાંગથી થેમ્બાંગ, રૂપાવેલી, બુદ્ધ પાર્ક, શેરગાંવ, ગૌહાટી
* ગૌહાટીથી ઘરે
આશા છે કે, આપ સર્વે વાંચકોને અરુણાચલ શ્રેણી આપના પ્રવાસ માટે ઉપયોગી નિવડશે.
ફરી ક્યારેક આવી જ કોઈ પ્રવાસ શ્રેણી માણીશું.
સંપૂર્ણ
Comments
Post a Comment