અરુણાચલ પ્રદેશ (ભાગ – 5)
અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ :(ભાગ – 5)
તવાંગ મોનેસ્ટરી, જાયન્ટ બુદ્ધ,
હજાર વર્ષ જૂનું થેમ્બાંગ વિલેજ
તવાંગ
તિબેટીયન ભાષામાં Ta એટલે ઘોડો અને wang એટલે પસંદ કરવું.. એવી કિવદંતી છે કે, સદીઓ પહેલાં એક લામા મોનેસ્ટરી બનાવવા માટે જગ્યા શોધતાં હતાં પણ સંતોષકારક જગ્યા મળતી નોહતી. એક વખત ગુફામાં રહીને પ્રાર્થના કરતી વખતે ઈશ્વરને માર્ગદર્શન માટે તેમણે વિનંતી કરી. ગુફાની બહાર આવી અને જોયું તો તેમનો ઘોડો નહોતો. ઘોડાની શોધખોળ કરતાં એક ઊંચા પર્વત પર તે ચરી રહ્યો હતો. આ જગ્યા જોતાં જ લામાને સમજાઈ ગયું કે, મોનેસ્ટરી માટે શ્રેષ્ઠ જગ્યા છે. ઘોડાં દ્વારા શોધાયેલી જગ્યા હોવાથી તેનું નામ તવાંગ પડ્યું.
એશિયાની દ્વિતીય અને ભારતની પ્રથમ સૌથી મોટી મોનેસ્ટરી છે જે 1880માં બાંધવામાં આવેલી. ત્યારની શૈલીની ઝલક તેના બાંધકામમાંથી જોવાં મળે છે. તવાંગ ચુ વેલી ઉપર 3000 મીટરની ઊંચાઈ પર આવેલી તવાંગ મોનેસ્ટરી સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મના સ્થાનકોમાં આગવું અને ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે.
અહીંથી આખું તવાંગ ગામ અને હિમાલયની ગિરિમાળાઓ તદ્શ્ય થાય છે. વિશાળ લાયબ્રેરી, મ્યુઝીયમ અને 700 જેટલાં મોંક (સાધુ) અને લામા (બૌદ્ધ ગુરુ) અહીં રહી શકે તેવી વિશાળ વ્યવસ્થા છે. લામા મતલબ ગુરુ. દરેક સાધુ લામા ન હોઈ શકે પણ દરેક લામા સાધુ હોય જ.
અમે સવારે તૈયાર થઈ તવાંગ મોનેસ્ટ્રીની મુલાકાતે ગયાં. મોનેસ્ટ્રીમાં પહોંચ્યા ત્યારે જ તેમની પૂજાનો સમય હોવાથી ખૂબ સારો લાભ મળ્યો. લામા , મોંક અને વિદ્યાર્થીઓ મળી અને (ચેન્ટિગ) પ્રાર્થના કરતાં હતાં.
ભગવાન બુધ્ધની એકદમ શાંત, વિશાળકાય અને લગભગ સદીઓ જૂની પ્રતિમાના દર્શન કર્યા અને પ્રાર્થનામાં સામેલ થયાં. ખૂબ શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ. મોનેસ્ટ્રીના પ્રાંગણમાં જ ખૂબ સુંદર મ્યુઝીયમ આવેલું છે. જેમાંથી બૌદ્ધ ધર્મનો વારસો પ્રતિબિંબિત થાય છે.
દસ હજાર ફૂટની ઊંચાઈ પર હોવાને કારણે અહીંથી થતાં કુદરતી સૌંદર્યનાં દર્શન પણ અલભ્ય કહી શકાય તેવાં થયાં.
બે કલાક જેટલો સમય અહીં પસાર કર્યા બાદ જાયન્ટ બુદ્ધાનું સ્મારક જોવાં ગયાં.
આ સ્મારકનું નિર્માણ 2015માં કરવામાં આવ્યું છે. આ સ્થળથી આખું તવાંગ ગામ અને મોનેસ્ટરી દ્રશ્યમાન થાય છે. ચારે બાજુ કુદરત અને વચ્ચે આ સ્મારક.. નિરાંતે સમય પસાર કરી અને હોટેલ પર ગયાં.
બપોરે 2 વાગ્યાં આસપાસ તવાંગ ચુ વેલી પર આવેલ તવાંગ વોર મેમોરિયલ જોવાં પહોંચી ગયાં. અહીંનું વિગતવાર વર્ણન અને લાઈટ એન્ડ સાઉન્ડ શો વિશે ભાગ 3 ( ભારતીય સેના વિશેષ) માં આપ્યું હોવાથી અહીં પુનરાવર્તન ટાળ્યું છે.
લાઈટ એન્ડ સાઉન્ડ શોના પ્રથમ શોમાં અમે હોવાથી લગભગ 6.30 કલાકે પૂર્ણ થઈ ગયાં બાદ હોટેલ આવી ગયાં. જમી અને વહેલાં સૂઈ ગયાં. બીજા દિવસે તવાંગથી પરત ફરવાનું હતું.
રાતથી જ વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. ભારે હિમવર્ષા ચાલુ થઈ ગઈ હતી.. વહેલી સવારે નીકળ્યાં ત્યારે એવી ચિંતા થઈ કે, જો સમયસર સેલા ટોપ ક્રોસ નહિ કરીએ તો, મુશ્કેલી થઈ શકે. જો કે, વાતાવરણ એટલું અદ્ભુત પણ હતું કે, એ જ રસ્તો હોવાં છતાં જાણે કોઈ નવી જગ્યાની સફર પર જતાં હોઈએ એવું લાગતું હતું. ગાડીના કાચ પર પડતો બરફ, એકલદોકલ નજરે પડતાં વાહનો, રસ્તામાં ચરતાં યાક, બરફમાં નહાતાં વૃક્ષો કુદરતનો અદભૂત નજારો જોતાં જોતાં જશવંતગઢ આવ્યું અને ફરી બધું યાદ આવ્યું.
સેલા ટોપ પહોંચ્યાં ત્યારે બેનમૂન બરફવર્ષા થતી હતી ફરી આનંદ લીધો. તવાંગ જતી વખતે આકાશ એકદમ ચોખ્ખું હતું એટલે કુદરતને કેમેરામાં કેદ કરી શકાઈ પણ વળતાં તો બધું વાદળોની પાછળ ઢંકાઈ ગયું હતું. આ સમયે વિચાર આવે કે, કુદરતનું એવું છે કે જ્યારે જે જોવાં મળે ત્યારે તે જોઈ લેવું. પછી જોશું કે વળતાં વાત એવું આપણે નક્કી કરી શકતાં નથી. ઊંચાઈ પરથી જેમજેમ નીચે આવતાં ગયાં તેમ તેમ વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. સાંજ સુધી દીરાંગ પહોંચી ગયાં. એકદમ સરસ હોમસ્ટેમાં રૂમ પણ મળી ગયો. ત્રીજા માળેથી દીરાંગ વેલી ખૂબ સુંદર દેખાતી હતી.
બીજા દિવસે સવારે નાસ્તો કરી અને ટેન્ગા વેલી જવા નીકળ્યાં રસ્તામાં યુનેસ્કો દ્વારા નોમીનેટેડ હેરિટેજ સાઈટ એટલે કે થેમ્બાંગ વિલેજની મુલાકાત લેવાની હતી.
લગભગ એક હજાર વર્ષ જૂનાં આ ગામનો ઈતિહાસ મળી જાય છે સાથે ત્યારની કથા પણ તાદૃશ્ય થાય છે એ જ જૂની, પુરાણી અને દરેક જગ્યાએ હોય તેવી સત્તાની સાઠમારી..(વિશેષ વાંચવા માટે વિકી પીડીયા જોવું)
હજાર વર્ષ જૂની વર્લ્ડ હેરિટેજ સાઈટ (નોમીનેટેડ) એટલે કે , થેમ્બાંગ વિલેજનાં કિલ્લાની મુલાકાત લેવાનો ઉત્સાહ ખૂબ હતો.
લગભગ 2300 મીટરની ઊંચાઈ પર આવેલ આ ગામમાં પ્રવેશ કરીએ એટલે થોડું ચઢાણ અને તરત ઉત્તરીય દ્વાર. ઐતિહાસિક અને પુરાતન સ્થળોની મુલાકાત લેવી એ મારી ખૂબ ગમતી બાબત હોવાથી મને ખૂબ મજા આવી. ગામમાં એક ચક્કર લગાવ્યું. લોકો જૂના મકાનોના સમારકામમાં લાગ્યાં હતાં કારણ ધીમે ધીમે પ્રવાસીઓ વધતાં જાય છે. પોતાની ઐતિહાસિક ધરોહરને સાચવી રાખવા મોનપા પ્રજાતિના લોકોએ બહુ મોટાં ફેરફાર નથી કર્યાં..
લોકોને મળી નીચે ઉતર્યા તો એક મકાન જોયું લગભગ 90 વર્ષ જૂનું. એકદમ સરળ સ્વભાવના લોકો ખૂબ પ્રેમથી આવકારે. બટર ટી પીવા માટે આગ્રહ પણ કરે. જૂનાં મકાનની એકએક વસ્તુમાંથી લગભગ સદીનો ઈતિહાસ ડોકિયાં કરતો હતો. હજાર વર્ષ જૂનાં આ ગામનાં ઇતિહાસને યાદોમાં સમેટી ટેંગા વેલી જવાં રવાના થયાં. ચારે તરફ પહાડોની વચ્ચે આર્મીનું મહત્વનું સ્ટેશન એટલે ટેંગા વેલી અને રૂપા વેલી. આ વેલીમાં એક દિવસ અચૂક રહેવું જ જોઈએ તેમ હું માનું છું.
(વધુ આવતાં અને છેલ્લાં અંકમાં)
Comments
Post a Comment